Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
'માયા ' તરૂલતા મહેતા
'માયા ' તરૂલતા મહેતા
★★★★★

© Tarulata Mehta

Drama Thriller

5 Minutes   6.2K    22


Content Ranking

વાર્તા 'માયા ' તરૂલતા મહેતા

(માયા એક એવી કુંવારા પ્રેમની વાર્તા છે જે કદી સાકાર પામી નહોતી છતાં સાચા પ્રેમનો ગળાબૂડ અનુભવ કરાવે છે. માયા બસ રોમેન્ટિક પ્રેમની શોધમાં દરરોજ રાત્રે નીકળી પડે છે.

આ વાર્તાનું પાત્ર માયા એના નામ મુજબ એક ફેન્ટસી -કાલ્પનિક માયાવી નગરીમાં ફરવા ઉપડી જાય છે.પણ સવાલ એ છે કે માયાને વાસ્તવિકતાથી પર પોતાની સર્જેલી દુનિયામાં વિહરવાનું કેમ મન થયું? એ બાળક નથી, બાળકો તેમનાં રમકડાંને જીવતાજાગતા ફ્રેન્ડની જેમ માની વાતો કરે છે, હસે છે, રમે છે, રમકડું ખોવાઈ જાય કે તૂટી જાય તો સાચકલું રડે છે!

બાળક માટે રમત અને વાસ્તવિક જીવન વચ્ચે કોઈ ફેર નથી. માયા તેના કિશોરાવસ્થામાં સામાન્ય પહેચાનવાળા યુવાનને પ્રેમી કલ્પી તેના અદ્ભૂત નગરમાં જઈ પહોંચે છે. આપણ સૌને આવી કોઈક માયા -(ભ્રમ છળ) મૃગજળની જેમ છેતરે છે, છતાં ય માયા છૂટતી નથી. તો વાંચો 'માયા' વાર્તા. મનમાં દટાયેલી અધૂરા પ્રેમની આરઝૂ.)

માયા તરૂલતા મહેતા

ગામના તળાવે જતો ખાડાટેકરાવાળો એ રસ્તો ઉનાળાની બપોરે સાવ સૂનો પણ મને વ્હાલો, હમણાં કોઈ ચૂપકેથી આવી મારી ઓઢણીને અડપલાં કરશે! મારી છાતીમાં અળસિયાં ફરતાં ફોય તેમ લી ..સ્સી .. સળવળ થયા કરે છે. આંબલી, કોઠાના ઝાડની છાયાઓ ધરતી પર રમતી હતી. હું ઝાડના રમતા પડછાયા સંગ નાચતી ધૂળિયા રસ્તે મસ્તીમાં

'હે મારે ગામ એકવાર આવજો .. આવજો ' લલકારતી દુલહનની પાલખીને મારી નજરો ખેંચી આવતી જોયા કરું છું.

દૂર આંબાવાડિયામાંથી કોયલોના ટહુકા શરણાઈના સૂર બની મારા સાથીના એંધાણ આપે છે. સોળ વર્ષના ખટમઘુરાં સપનાને કબૂતરની પાંખ આવી છે. કબૂતરના ગળે ચિઠ્ઠી લટકાવી કે એ જા ઊડ મારે પિયાને દેશ.

સૂકાયેલા ઘાસના તણખલા વચ્ચે ઉગેલા હાથિયા થોરના કાંટામાં મારી ચૂંદડી ભરાયાનો વહેમ જાય છે. હું ચૂંદડી કાઢું ત્યાં આંગળીમાં લોહીની ટશરો ફૂટી. હું રોતા રોતા હસી પડી.

મને કોઈ બોલાવતું હતું:

'તારી આંગળીમાં કાંટા વાગ્યાનું દુઃખતું નથી?'

કોઈ અજાણ્યા ચહેરા પર વિસ્મય હતું.

'આહ કાંટો વાગે તે લોહી કાઢે.'

એણે મારી આંગળી પકડી પંપાળી મારી સામે તોફાની આંખે જોઈ રહ્યો.

હું શરમાઈને એના કાળી ભરાવદાર રૂંવાટીવાળા હાથને જોતી જાણે વગડો, તળાવ ભૂલી એ હાથમાં ઓગળતી હતી.

એણે મારી આંગળીને ભમરો ફૂલના મધને ચાટે તેવી નાજુકાઈથી એના મોમાં મૂકી દીધી.

કોઈ અજાણ્યો જણ મારામાં ઊતરતો હતો. કોઈ જન્મની પ્રીતની ઓળખાણ આપતો હતો.

હું પૂછી બેઠી :

'મોસાળે આવ્યો છું?'

'પહેલીવાર ગામડે આવ્યો છું.'

'વડોદરા ભણે છે? '

'કોલેજના પહેલા વર્ષમાં છું.'

'આવતે વર્ષે હું કોલેજમાં આવીશ.'

મળવાનો કોલ આપતા હું બોલી.

કોને ખબર એણે શું પૂછ્યું ને મેં શું કહ્યું!

એ નમણો ,સોહામણો પરાણે વ્હાલ કરવાનું મન થાય તેવો હતો. મારી આંખોની લિપિ વાંચી તે ઘડીક મારી ઓઢણી ખેંચતો તો ઘડીક હાથ પકડી છોડી દેતો. મને પાસે ખેંચી વળગી પડવાની જરા ય જબરાઈ નહિ. એની એ અદા મને અંદરથી તેને ભેટી પડવા તડપાવતી હતી.

***

પ્રશ્નોના ઉત્તરો તો વિસરાઈ ગયા છે,પણ એ ઉનાળુ સૂની બપોરે તળાવને કાંઠે પાળી પર બેસી પાણીમાં પલળતા પગની ભીનાશ હદયના ખૂણે અકબન્ધ છે.

બસ,આજે તો મારે ફરી મારા કલેજામાં બળતી બપોરને ઠારવા એ તળાવને કાંઠે પાળી પર બેસી ટાઢાબોળ પાણીમાં નખશિખ ઓળઘોળ થવું છે. હું હજારો માઈલ દૂર સમયની નિસરણી ચઢી આવી છું પણ શબ્દોની પાંખે ઊડતી ઊડતી માઈગ્રેશન કરતા પંખીઓ જેવી મારા સોળ વર્ષના ઉંબરે એ જ મારા મોસાળમાં પહોંચી છું.

ગામને પાદરે ધૂળ ઉડાડતી બસ એક આંચકા સાથે થોભી ગઈ.

હું આંખ ચોળી બસના પગથિયામાં ઊભી છું, શું આ એજ મારુ ગામ છે? મારી દશા કૃષ્ણ ભગવાનને મળીને આવેલા સુદામા જેવી થઈ. સુદામાજી પોતાના જૂના, નાનકડા ઘરને સ્થાને મહેલને જુએ છે. કોઈ માયાવી નગરમાં આવી પહોંચી કે શું?

અ ધ ધ આવા લીલાછમ ઘાટા વૃક્ષોની ડાળીઓ પંખાની જેમ પવન નાંખે છે, લીલી જાજમ બિછાવી છે, પંખીઓની સંગીતમંડળી જામી છે, કોયલ કરે કલશોર અને મોર તા ધીન્ના ઠમક ઠમક કરે નૃત્ય. અહીં તો ઉનાળુ બપોરને બદલે કામદેવની પ્રિય ઋતુ વસંતનું રાજ્ય થયું છે.

અદ્દશ્ય હાથ મને પીંછાની જેમ હળવેથી હસી બસમાંથી લીલી જાજમ પર ઉતારે છે.

'ઓ હ આ તો એ જ ચહેરો, કોલેજના પહેલા વર્ષની મુગ્ધતા. એના યુવાન હાથની કાળી ભરાવદાર રૂંવાટી મને અડી જતા હું છુઈ મૂઈના લજવાતા છોડ જેવી શરમથી ઝૂકી જાઉ છું.

પણ આ કયું વાહન ઊભું છે?નાનકડું પુષ્પક વિમાન હોય તેવું!

અમારી સવારી ઉપડી. તળાવને કાંઠે રિસોર્ટ છે, ઠન્ડા મદીલાં પીણાંઓની ટ્રે ભરેલી છે. કોઈ હાલતું ચાલતું ન દેખાય પણ આછા સ્મિત સાથે આવકાર આપતા હોય તેવું સુંવાળું લાગ્યા કરે. હવામાં પેલો કોલેજીયન યુવાનનો ચહેરો તર્યા કરે છે. છત્રીઓની છાયા તળે બેસવાને બદલે હું તળાવને જોવા ગઈ, મારા તો છક્કા છૂટી ગયા. મારુ મોસાળ તળાવના પાણીમાં તરતું,લ્હેરાતું દેખાયું. આ કેવું કૌતુક તળાવમાં ગામ વસે. કાશ્મીરમાં હાઉસ બોટ હતી પણ આ તો આખું ગામ પાણીમાં વસી ગયું!

હું અંદર કૂદી પડી. તો યુવાનનો હાથ મારા હાથમાં હતો. હું ક્યારેય તરતા શીખી નહોતી પણ મરમેઇડ જેવી મઝેથી શીતલ જળમાં તરવા લાગી. પછી અમારા બેમાં કોણ આગળ નીકળે તેની રેસ જામી. તરતાં તરતાં પાણીની તરસ લાગે તો આપોઆપ મોં નાળિયેરના પાણીથી ભરાઈ જતું. અમે ગામમાં ફરી વળ્યાં. દિવાસળીના ખોખા જેવા ઘર ને રમકડાંની વણઝાર. પછી ક્યાંકથી સરકીને સઢવાળી હોડી આવી. અમે ડેક પર બેસી ફાલુદો પીતાં પીતાં પગથી પાણીમાં છબછબિયાં કરતાં હતાં. એટલામાં એક કદાવર કાળોડિબાંગ ખલાસી બોલ્યો:

'બચ્ચે લોગ ઉતર જાવ'

અમારે મઝા કરવી હતી, હોડીમાં દૂર દૂર જવું હતું. પેલો યુવાન ખલાસીને મુક્કો મારવા ગયો પણ એણે તો એની મુઠ્ઠીમાં બે ઘાસનાં તણખલાની જેમ પકડી અમને પાણીની બહાર ફેંકી દીધાં.

***

હું મનોચિકિત્સક ડોક્ટર હંસના ક્લિનિકમાં છેલ્લા છ મહિનાથી વારંવાર આવતા એકના એક સ્વપ્નથી કંટાળી ટ્રીટમેન્ટ લેતી હતી.

દરેક રાત્રે પાણીમાં ડૂબકાં ખાતી શ્વાસ રૂંધાઇ જતા 'બચાવો ' ની બૂમો પાડતી જાગી જતી. બેડમાં ધસધસાટ ઉંઘતા પતિદેવ ગુસ્સે થઈ જતા.

'તારા નાઇટમેરની ટ્રીટમેન્ટ લે.'

લાચારીથી મેં કહેલું :

'સપનાને કેમ કરી રોકુ?'

'મને લાગે છે તને માનસિક બિમારી છે.'

'ના ના એવું કાઈ નથી.'

પતિ ગુસ્સામાં બેડરૂમમાંથી ઓશીકું લઈ જતો હતો.

'ઇનફ ઇઝ ઇનફ તારા રોગની દવા કરાવ.'

'એમાં ડોક્ટરને શું કહેવાનું.' મને ચીઢ આવી.

'સ્લીપ ક્લિનિકમાં ડોક્ટર તારા માઇન્ડનો સ્ટડી કરશે.'

'તો શું મારે ત્યાં રહેવું પડશે.' હું ડરથી કંપવા લાગી

દિવસે ધેર રહેવાનું અને રાત્રે ક્લિનિક પર તને ટ્રીટમેન્ટ આપશે.'

'તમારી વાત મને સમજાતી નથી.'

'તારી ઉંધની તકલીફ મારી સમજની બહાર છે,હાલ ટ્રીટમેન્ટ લે પછી વાત.'

'તો શું તમે અલગ થવાનું વિચારો છો ' હું રોઈ પડી.

પતિ બેડરૂમનું બારણું પછાડી બહાર નીકળી ગયો.

***

હવે મને સપનું ય નથી આવતું અને ઉંધ પણ નથી આવતી. બારણું પછાડી બહાર ગયેલો પતિ કયારે આવશે?

તરૂલતા મહેતા

(મિત્રો મારી વાર્તાઓ વાંચી રીવ્યુ લખવા બદલ આભારી છું, મને વાર્તાનો અંત વાચકોની કલ્પના પર છોડવો ગમે છે કારણ કે વાર્તા પૂરી થયા પછી તમારા મનમાં કંઈક વિચારો આવે. ફરીથી તમારી વાંચનની રુચિ અને ઉત્સાહને દાદ આપી આભાર વ્યક્ત કરું છું .)

#sleep #nightmare #husband #doctor

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..