Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SHEFALI SHAH

Romance

4.8  

SHEFALI SHAH

Romance

યાદોનો અનુબંધ

યાદોનો અનુબંધ

7 mins
602


"કંઈ કેટલીય મીઠી યાદો લઈને આવે છે તહેવાર,

ને પાછો નવી યાદો સજાવીને પાછો ફરે છે તહેવાર,

જો ના હોય જિંદગીમાં નાના મોટા તહેવારના હર્ષોલ્લાસ,

તો સ્પર્ધાના આ યુગમાં કેમ ચાલે જિંદગીના વહેવાર.!?"

આજે ઉત્તરાયણનો દિવસ હતો, અપૂર્વ વહેલી સવારે સાત વાગ્યાથીજ એના દીકરા કવિશને લઈને ધાબે ચઢી ગયો હતો. બાપ દીકરા બંનેને ગાંડો શોખ હતો પતંગ ચઢાવવાનો. અપૂર્વ તો હવે કામના લીધે ઉત્તરાયણના બે દિવસજ પતંગ ચઢાવી શકતો પણ તેર વર્ષનો કવિશ તો ઉત્તરાયણના કેટલાય દિવસ પહેલાથી ધાબે પતંગ ચઢાવવા માંડતો. કવિશને પતંગનો આ ગાંડો શોખ એના પપ્પા તરફથી વારસામાં મળ્યો હતો. એની મમ્મી અવની ભણવા માટે બૂમો પાડી પાડીને થાકે પણ સ્કૂલેથી આવીને દફતર એક સાઈડમાં મૂકી કવિશ સીધો ફિરકી ને પતંગ લઈને ધાબા ભણી જ દોટ મૂકે. અવની કંટાળીને અપૂર્વને ફરિયાદ કરતી કે એક્ઝામ નજીક આવે છે ને કવિશ ભણતો જ નથી, પણ અપૂર્વ કવિશને વઢવાની જગ્યાએ એનો પક્ષ લેતો અને પછી બાપ દીકરાની જુગલબંધી સામે હંમેશા અવનીની હાર થતી. જોકે કવિશ પણ ગમે તેમ કરીને બધું મેનેજ કરી લેતો ને એક્ઝામમાં સારા માર્ક્સ લઈને આવતો. છેલ્લા ચાર વર્ષથી એમના ઘરનો ઉતરાયણનો આ જ શિરસ્તો પડી ગયો હતો.

અપૂર્વ, અવની અને દીકરો કવિશ એમ ત્રણ જણનું નાનું પણ આનંદ કિલ્લોલ કરતું કુટુંબ હતું. અપૂર્વના પપ્પા તો એ નાનો હતો ત્યારેજ દુનિયા છોડી ને જતા રહ્યા હતા, જ્યારે માતા પણ ત્રણ વર્ષ પહેલાં જીવલેણ માંદગીથી મૃત્યુ પામ્યા હતા. અપૂર્વ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો. બે બેડરૂમ, હોલ, કિચન વાળા અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ખૂબજ સાદગી પૂર્વક એમનો પરિવાર રહેતો હતો. સવારથી જ અવની, ઉંધીયું ને પૂરીની તૈયારીમાં પડી હતી. સુરતથી કોઈ કામે અમદાવાદ આવેલો અપૂર્વના મામાનો દીકરો કેતન, એની પત્ની શીતલ ને બે બાળકો સાથે ઉતરાયણ કરવા આવવાનો હતો. આઠ વાગતા સુધીમાં તો એ બધા પણ આવી ગયા. શીતલ તરતજ અવનીને રસોડામાં મદદ કરવા લાગી ગઈ જ્યારે કેતન એના બંને છોકરાઓને લઈને ધાબે ગયો.

અમદાવાદનો સોલા વિસ્તાર એટલે ઉત્તરાયણ રસિકો માટે સ્વર્ગ ને વળી અપૂર્વની સોસાયટીમાં પણ ઘણી મોટી હતી તેથી હારબંધ ધાબાની જાહોજલાલી એમને મળતી. જાહોજલાલીજ તો કહેવાય વળી, બહુ મોટા ધાબા હોવાથી નાના મોટા પ્રસંગે બધા એમાં ભેગા મળીને ઉજવી શકતા ને દરેક તહેવારનો આનંદ લઈ શકતા. કેતનના બંને છોકરાઓ તો ઉપર જતાની સાથે જ ખુશ થઈ ગયા ને ઉપરથી પવન પણ સારો હતો એટલે થોડી વાતો કરીને બધા પતંગ ચઢાવવામાં પરોવાઈ ગયા. કામથી પરવારીને અવની અને શીતલ પણ જાતજાતની ચીકી, નાસ્તો, શેરડી ને બોર લઈને ધાબે જ આવી ગયા.

છોકરાઓની સાથે અપૂર્વ અને કેતન પણ ક્યારના ઊભા ઊભા પતંગ ચઢાવીને થાક્યા હતા ને ભૂખ પણ લાગી હતી એટલે તરત જ બધા નાસ્તાની આસપાસ ગોઠવાઈ ગયા. મજાક મસ્તી કરતા બધા નાસ્તો કરતા હતા, ને કવિશને મસ્તી સુજી તો એણે બોર ખાઈને ઠળિયો કેતનના છોકરા ઉપર નાખ્યો. એ જોઈને અપૂર્વની આંખો એકદમ ચમકી અને એણે સૂચક દ્રષ્ટિથી કેતનની સામે જોયું. કેતન પણ જાણે સમજી ગયો હોય એમ મલક્યો અને અપૂર્વ પચીસ વર્ષ પાછળના સમયમાં સરકી ગયો. ત્યારે અપૂર્વ સત્તર વર્ષનો હતો, અને એ એના પિતરાઈ ભાઈ ઓછું ને મિત્ર વધુ એવા કેતનના બહુ આગ્રહથી એના ઘરે સુરત ઉત્તરાયણ કરવા ગયો હતો. સુરતની ઉત્તરાયણ તો અમથીય વખણાતી અને એ વખતે કેતન સુરતના ખપાટિયા ચકલા જેવા ગીચ વિસ્તારમાં રહેતો હતો જ્યાં એકબીજાને અડીને હારબંધ મકાનો હતા.

ઉત્તરાયણના દિવસે બંને ભાઈઓ વહેલી સવારથીજ ધાબે ચઢી ગયા હતા. હજી તો સૂરજે સરખો પ્રકાશ પણ રેલાવાનો ચાલુ નહતો કર્યો ને સુરતી પ્રજા એમના અસલ મિજાજમાં આવી ગઈ હતી. આટલી વહેલી સવારથી જ, "કાયપો છે" ની ગુંજ સંભળાતી હતી. એવામાં અપૂર્વએ બાજુના ધાબામાંથી ચઢતો પતંગ કાપ્યો. એકદમ ટક્કરના પેચ હતા એટલે સ્વાભાવિક રીતે એની નજર કોણ પતંગ ચઢાવતા હતું એ શોધવા લાગી અને એના આશ્ચર્ય વચ્ચે તે એક છોકરી હતી. છોકરી ઊંઘી ફરીને કપાયેલા પતંગની બાકી રહી ગયેલી દોરી ફિરકીમાં લપેટવામાં વ્યસ્ત હતી તેથી એનો ચહેરો તો ના દેખાયો પણ એણે બ્લ્યુ જિન્સ ને રેડ ટી શર્ટ પહેર્યા હતા એટલો તો ચોક્કસ ખ્યાલ આવ્યો. એવામાંજ મામીએ ચા નાસ્તા માટે બૂમ પાડી ને એ બંને નીચે ગયા. થોડી વાર રહીને જ્યારે બંને પાછા આવ્યા ત્યારે અપૂર્વની નજર બાજુના ધાબે ફરી વળી પણ ત્યાં એવી કોઈ છોકરી ના દેખાઈ જેણે રેડ ટી શર્ટ ને બ્લ્યુ જિન્સ પહેર્યું હોય. બંને પાછા પતંગ ચઢાવવામાં મશગુલ થઈ ગયા ને અચાનક અપૂર્વ ઉપર બોરનો ઠળિયો આવીને પડ્યો. અપૂર્વએ પહેલા તો એની ઉપર બહુ ધ્યાન ના આપ્યું પણ જ્યારે આવું ચાર પાંચ વાર થયું ત્યારે એણે એ દિશામાં જોયું જ્યાંથી ઠળિયો આવતો હતો. એ ઠળિયો એજ ધાબામાંથી આવતો હતો જે ધાબાવાળી છોકરી જોડે સવારે ટક્કરના પેચ થયા હતા. એણે આમતેમ જોયું પણ પરિણામ શૂન્ય આવ્યું, ત્યાં બધા પોતપોતાનામાં જ મશગૂલ હતાં.

અપૂર્વને હવે ખ્યાલ આવી ગયો હતો કે કોઈ જાણીજોઈને એને નિશાન બનાવી રહ્યું છે તેથી એ થોડો સતર્ક થઈ ગયો. પતંગ ચઢાવતા પણ એની નજર એ ધાબા પર રહેતી ને અચાનક એણે એક છોકરીને પોતાના પર ઠળિયો નાખતા જોઈ. "ઓયે" એણે જોરથી બૂમ પાડી એટલે કેતન અને બીજાનું ધ્યાન તેના તરફ દોરાયું. કેતન તરત જ અપુર્વની નજીક ગયો અને શું થયું એના વિશે પૂછવા લાગ્યો. અપૂર્વની વાત સાંભળી એ બાજુના ધાબા તરફ ગયો ને એ છોકરી વિશે પૂછવા લાગ્યો. એનું નામ સૌમ્યા હતું અને અપૂર્વની જેમ જ એ પણ કેતનના નવા જ આવેલા પાડોશી જે એના મામા થતાં હતાં, એમના ઘરે ઉત્તરાયણ કરવા આવી હતી. સવારે અપૂર્વએ એનો પતંગ હાથમાંથી કાપ્યો ત્યારની એ ગુસ્સામાં હતી ને તેથી જ અપૂર્વને હેરાન કરવા એની ઉપર ઠળિયા નાખતી હતી. અપૂર્વને આ બાલિશ હરકત ઉપર થોડું હસુ આવી ગયું, જે જોઈને સૌમ્યા એની ઉપર રીતસરની ભડકી અને એણે અપૂર્વને ચેલેન્જ જ આપી દીધી કે રાત સુધીમાં એ અપૂર્વને હરાવીને જ રહેશે. પહેલા સૌમ્યાની બાલિશ હરકતો અને પછી એનો જીત માટેનો એનો આત્મવિશ્વાસ જોતા જ અપૂર્વનું મન એના તરફ સહેજ વળ્યું હતું.

પહેલી મુલાકાતમાં જ જાણે આકર્ષણ એક હદ ઓળંગી ગયું હતું. બપોર સુધીમાં તો બંને વચ્ચે બરાબરીનો જંગ જામ્યો હતો. આજુબાજુ બધા જ લોકોને એમની ટક્કર જોવાની મજા પડતી હતી. ધાબામાં એમને સપોર્ટ કરવા રીતસરના બે ગ્રુપ બની ગયા હતા. બપોર પડતા પવન થોડો ઓછો થતો જતો હતો ને હવે બંને જણ થાક્યા પણ હતા એટલામાં જ ચા નાસ્તાનો સમય થયો ને બધા સાથે ચા નાસ્તો કરવા બેઠા. જંગ હવે હસી મજાકમાં પરિવર્તિત થઈ ગઈ હતી. વાતવાતમાં જાણવા મળ્યું કે સૌમ્યા વડોદરામાં રહેતી હતી ને બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. બીજી છોકરીઓ કરતા અલગ શોખ ધરાવતી સૌમ્યા ભણવામાં પણ તેજસ્વી હતી. સાંજ સુધીમાં તો બંનેને સારી મિત્રતા થઈ ગઈ હતી. અપૂર્વ અને સૌમ્યા એકબીજાથી ઘણા પ્રભાવિત થયા હતા અને એ વાત કેતનના ધ્યાનમાં પણ આવી ગઈ હતી. મોડી રાત સુધી પતંગ ને તુક્કલ ચઢાવીને બધા બીજા દિવસનો પ્રોગ્રામ ઘડીને ઊંઘી ગયા. બીજા દિવસે ક્યાંય સુધી સૌમ્યા કે એના મામાના ઘરનું કોઈ ના દેખાયું. ત્યારે બીજા પાડોશીને પૂછવાથી ખબર પડી કે સૌમ્યાના દાદા એકદમ સિરિયસ થઈ ગયા હતા એટલે બધા અડધી રાતેજ વડોદરા જવા નીકળી ગયા હતા. અપૂર્વ થોડો ઉદાસ થઈ ગયો ને આ વાતની કેતને પણ મનોમન નોંધ લીધી. અપૂર્વને દિલાસો આપતા એણે કહ્યું કે એ એના વિશે થોડા સમયમાં બધી જાણકારી લઈ લેશે.

ઉત્તરાયણ પતાવીને અપૂર્વ અમદાવાદ પરત ફરી ગયો ને તરતજ આવતી એક્ઝામની તૈયારીમાં પડી ગયો, જોકે સૌમ્યા એના દિલો દિમાગમાં છવાયેલી જ હતી. આમને આમ એની એક્ઝામને પૂરી થતાં મહિનો પતી ગયો. એક્ઝામમાંથી પરવારીને સમય મળતાંજ પહેલું કામ એણે કેતનને ફોન કરવાનું કામ કર્યું. કેતન વિશે સૌમ્યાની પૃચ્છા કરતા જાણવા મળ્યું કે એના દાદા થોડા દિવસમાં જ ભગવાનને શરણ થઈ ગયા હતા. અને એના મામાનો પરિવાર જે એમની બાજુમાં રહેતો હતો, એમને સુરતમાં ના ફાવતા થોડાજ દિવસોમાં એ લોકો એમના ગામડે જતા રહ્યા હતા. બહુ ઓછાં સમય માટે ત્યાં રોકાયા હોવાના કારણે એમના વિશે કોઈની જોડે બહુ ખાસ જાણકારી નહતી. આ સાંભળીને અપૂર્વ થોડો ઉદાસ થઈ ગયો હતો. એને પોતાની ઉપર ગુસ્સો પણ આવતો હતો કે ઉત્તરાયણના દિવસે જ એણે બધી જાણકારી મેળવી લેવી જોઈતી હતી. પણ, હવે ઘણું મોડું થઈ ગયું હતું ને થોડા દિવસ એમ જ નિરાશામાં વિતાવીને એણે ફરી ભણવામાં ધ્યાન પરોવ્યું.

બી.કોમ પતાવીને એણે એમ.કોમ પણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું. એક સારી કંપનીમાં ચીફ એકાઉન્ટન્ટની જોબ સ્ટાર્ટ કર્યાના બે વર્ષ પછી જ માતાએ બતાવેલી પ્રેમાળ ને સમજુ અવની જોડે લગન કરી લીધા. બે વર્ષની અંદર તો એમનું ઘર કવિશની કિલકારીઓથી ગુંજવા લાગ્યું હતું. સૌમ્યા હવે અપૂર્વ માટે એક એવી મીઠી યાદ બનીને રહી ગઈ હતી જેને એ ઉત્તરાયણના દિવસે બોર ખાતી વખતે ચગળી લેતો અને મનોમન મુસ્કુરાઈ લેતો.

"એ કોઈ શરૂઆત હતી કે પછી અંત હતો,

કે હૃદયના આંગણે આવેલો અવસર હતો ?

માણી લીધો જેને મનભરીને ક્ષણ પૂરતો,

એવો યાદોનો એક મીઠો અનુબંધ હતો."

"પપ્પા, દોરી.. પકડો જલ્દી.. પેલી મોટી ઢાલ કપાઈને જાય છે એની.." કવિશે જોરથી બૂમ પાડી અને અપૂર્વ એકઝાટકે વર્તમાનમાં આવી ગયો અને તરત જ એને પકડવા દોડ્યો. પણ ત્યાં સુધીમાં તો એ પવનના સહારે ઉડીને દૂર જતો રહ્યો હોય છે, એકદમ એની યાદોની જેમ જ તો..


Rate this content
Log in

Similar gujarati story from Romance