Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

ઘરકામ

ઘરકામ

5 mins
15.4K


"મંજરીના હાથમાંતો સાચેજ જાદુ છે ."

ભવ્ય મકાનના ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયેલા પરિવારના દરેક સભ્યોએ આ વાતમાં હામી પુરાવી. પ્રેમ અને કાળજીપૂર્વક પોતાના હાથે તૈયાર કરેલી રસોઈ પીરસી રહેલી મંજરીના ચ્હેરા ઉપર આછી ખુશીની રેખા ઉપસી આવી. પણ એ ખુશીને હડસેલતા કેટલાક ભૂતકાળના શબ્દો કાનમાં ગુંજી રહ્યા.

"આ શાક તો કેટલું ફિક્કું છે ! "

"અરે, રોટલી થોડી હજુ નરમ હોવી જોઈએ."

"આટલું મરચું તો કઈ નખાતું હોય ?"

"હાથમાં સ્વાદ હોય તો જમવામાં ઉતરે."

"બા ,આ મંજરીને કંઈક તો શીખવ."

"એની માએ જ ન શીખવ્યું તે હવે હું શેને શીખવું ?"

"માં બાપે સાસરે જતી દીકરીને એક કોડી પણ આપી નહીં , થોડી રસોઈ બનાવતા જ શીખવી દીધી હોત."

" મંજરી મારી રોટી ટાઢી પડી ગઈ. બીજી ગરમ લઇ આવ ."

વિચારોમાં ઉપસી આવેલા કટુ વચનોને ખંખેરતી મંજરી રસોઈ બાદ ભેગા થયેલા વાસણોને સાફ કરવામાં વ્યસ્ત થઇ.

"સોરી મંજરી, આજે થોડા વધારેજ વાસણો નીકળ્યા છે ."

વાસણોની બમણી સંખ્યાથી મહેનતુ મંજરીના મિજાજમાં કોઈ ફેર પડ્યો ન હતો. આખરે મહેમાન દરરોજ થોડી પધારે . ક્યારેક આવી રહેતા મહેમાનોને કારણે વાસણો થોડા વધુ ભેગા થાય તો ભલે. ધ્યાનપૂર્વક વાસણોને સાફ કરી ચળકાવી રહેલી મંજરીએ તદ્દન સહજ શબ્દોમાં અને સરળ લ્હેકામાં ઉત્તર આપ્યો.

"કોઈ વાંધો નહીં "

સાફ થઇ રહેલા વાસણોની પારદર્શક ચમકમાં ફરીથી ભૂતકાળના દ્રશ્યો ઉઘડી પડ્યા.

"હજી આટલાંજ વાસણો ધોવાયા ?"

"જરા આળસુ શરીરને ઝડપ આપતી હોય તો "

"ઘરે કદી ધોયા છે વાસણ ?"

"વાસણ ધોયા પછી પણ ચીકણાજ છે. "

"હવે વાસણ ધોવું પણ અમારેજ શીખવાડવું પડશે ?"

"યોગ્ય રીતે કામ કરવું હોય તો જાતને ઘસવી પડે ."

નળ બંધ કરી રહેલા મંજરીના હાથ જોડે વિચારોની માળા પણ અટકી પડી. દરેક વાસણને સંપૂર્ણ જતન જોડે સ્વચ્છ, સુંદર ચમકાવી એણે વ્યવસ્થિત ગોઠવી દીધા. રસોડાનું કાર્ય પતાવી ઘરની સાફસફાઈ કરવા મંજરી ઉપડી. સાથે સાથે વાંસાનો દુખાવો પણ હળવેથી ઉપડ્યો. વાંસા ઉપર ફરી રહેલા મંજરીના હાથો એ ફરીથી એને ભૂતકાળમાં ધકેલી.

"સાંભળો છો ? આ વાંસાનો દુખાવો હવે સહેવાતો નથી . તમે કહેતા હો તો જરા દાક્તરને ...."

"એટલે શું હું તારી પાસે એટલું બધું કામ કરાવું છું કે તારી વાંસજ ભાંગી ગઈ ? કામ ન કરવાના આ ખોટા બહાનાઓ મારા ઘરમાં ન ચાલે, સમજી ?"

વર્તમાનમાં નજર આગળ ઉભેલી પોતાની ફરજને પ્રામાણિકપણે ન્યાય આપવા પોતાની સાડીના છેડામાં લપેટેલી નાનકડી ટીકડી પાણી જોડે ગળા નીચે ઉતારી મંજરી ઘરની સાફસફાઈ કરવામાં પરોવાય. દરેક ઓરડાને વારાફરતી સગવડભર્યો સ્પર્શ આપી, ઘરનો દરેક વિસ્તાર ઝાડુથી અત્યંત સ્વચ્છ વાળી પોતું મારી અંતિમ સ્પર્શ આપ્યો. એ સુંદર ફર્શ ઉપર ભૂતકાળનું દ્રશ્ય ઉભું થયું.

"આ તો જો અહીં કેટલો કચરો ભેગો થયો છે ?"

"હમણાજ તો સાફ કર્યું હતું. કોઈએ ફરીથી...."

"કામ ન જ કરવું હોય તો રહેવા દે. જુઠા કારણો આપવાની જરૂર નથી."

વોશિંગ મશીનમાં ધોવા માટે નાખેલા કપડાઓ ધોવાઈ ચુક્યા હતા. એનો પુરાવો આપતા અલાર્મનો ધ્વનિ આખા ઘરમાં ગુંજી રહ્યો. વર્તમાનના દ્રશ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી મંજરીએ એક -એક કરી દરેક કપડાં દોરી ઉપર નિયતક્રમ અનુસાર સૂકવવા મુકવા માંડ્યા. કપડાઓ ઝાટકતા ચ્હેરા ઉપર ઠંડી પાણીની બુંદોનો સ્પર્શ થયો. એ ઠંડા સ્પર્શ જોડે જ એ પોતાની જાતને હાથથી કપડાં પર સાબુ ફેરવતી આજીજીભર્યા ભાવો જોડે નિહાળી રહી .

"આજે બાપુનો જન્મદિવસ છે . "

"તો ?"

"આપણી માટે હમેશા કઈ ને કઈ લેતા આવે છે. આપણે પણ કોઈ ભેટ એમને ....બાના નિધન પછી આખરે મારા સિવાય એમનું છેજ કોણ...?"

"હું તો કઈ લાવવાનું નથી કહેતો. પોતાની મરજીથી લાવે છે . આવા નકામા ખર્ચાઓ માટે પૈસા નથી. જે કમાઈ એજ પૈસાની કદર જાણે. મારા ઘરમાં પૈસાનું ઝાડ નથી લાગ્યું ."

"જી હું એજ વિચારતી હતી કે હું પણ કોઈ કામ શોધી લઉં તો ....."

"કામ કરવા શિક્ષણ જોઈએ. અભણ અને અંગૂઠાછાપ લોકોને કામ ન મળે . "

ભૂતકાળમાં ગુંજેલું ખડખડાટ હાસ્ય વર્તમાનમાં પણ મંજરીના કાનમાં ઊંચા સ્વરે ગુંજી રહ્યું. એ સ્વર વચ્ચેથી માર્ગ બનાવતો અન્ય સ્વર કાનમાં સંભળાયો.

"મંજરી રોહિણીજી તને બોલાવે છે ."

દોરી ઉપર સુકાવવા ગોઠવેલા દરેક વસ્ત્રોને ક્રમાનુસાર ચીપિયાઓ ખોસી મંજરી એ પોતાનું દરેક કાર્ય રાબેતા મુજબ સંપૂર્ણ કર્યું .

પોતાના ભવ્ય મહેલ જેવા મકાનના ઉદ્યાનમાં સમાચારપત્ર વાંચવામાં વ્યસ્ત દાક્તર રોહિણી ઠક્કરે મંજરીના આગમનથી સમાચારપત્ર સમેટ્યું. સામે ગોઠવાયેલા નાસ્તાના ટેબલ ઉપરથી તૈયાર રાખેલી રકમ મંજરીને હવાલે કરી.

"મંજરી તારો પહેલો પગાર. એકજ મહિનામાં ઘરને ખુબજ સુંદર રીતે સાચવી લીધું છે. આભાર. હવે તારો વાંસાનો દુખાવો કેમ છે ?"

રોહિણીજીના પ્રતિભાવોથી ખુશ મંજરીનો ચ્હેરો ચમકી રહ્યો.

"જી ક્યારેક દુખાવો તીવ્ર થઇ ઉઠે છે. આપે જે ટીકડી આપી છે એનાથી રાહત મળે છે ."

રોહિણીજીના ચ્હેરા ઉપર કાળજીસભર હાવભાવો વ્યાપી રહ્યા.

"એક કામ કર. શનિવારે ઘરનું કામ પતાવી તું મારી જોડે મારી ક્લિનિક આવ. આપણે એક એક્સરે કરી લઈએ ."

રોહિણીજીના શબ્દોથી મંજરીને ઘણા સમય પછી અનુભવાયું કે પોતે પણ એક માનવી છે, ફક્ત કામ કરવાનું યંત્ર નહી. કાળજી અને દરકારની પોતે પણ અધિકારી છે.

હાથમાંના પહેલા પગારને થામી દાક્તર રોહિણી ઠક્કરના વિશાલ બંગલાની બહાર નીકળી રહેલી મંજરી ખુબજ ઉત્સાહી અને આનંદીત હતી. મન અત્યંત કુતુહલમાં ડૂબી રહ્યું હતું. નવાઈ ભર્યા પ્રશ્નો મનમાં છલકાઈ રહ્યા હતા.

'આટલા વર્ષોથી આ બધુજ ઘરકામ તો કરતી આવી હતી. ઘર સાફ કરવું, રસોઈ બનાવવી, રસોઈ પીરસવી, વાસણ માંજવા, કપડાં ધોવા . આખું ઘર આમજ તો કાળજીથી સંભાળતી હતી. પણ મારા ઘરકામની આવી કદર અને પ્રસંશા તો ક્યારેય પણ ન થઇ ?

ઉપરથી જીવનનિર્વાહ માટે આર્થિક ટેકો મળવાથી જીવન પણ કેટલું સ્વાવલંબી થઇ ગયું ! ફક્ત એક મહિનાની અંદર જીવનનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું. હવે બાપુની સંભાળ લેવા કોઈની આજીજી પણ કરવાની નથી.

લોકો ભલે ને કહેતા, બિચારી મંજરીના 'છૂટાછેડા' થઇ ગયા. પણ હું 'છૂટી' નહીં 'સ્વતંત્ર' થઇ છું. અને જીવનના છૂટી ગયેલા 'છેડા ' ફરીથી મારા પોતાના હાથમાં આવી ગયા છે.'

મનના વિચારો જેટલી ઝડપે દોડી રહ્યા હતા એટલીજ ઝડપે મંજરીના પગ પણ આગળ વધી રહ્યા હતા. ઘરે જઈ બાપુ માટે એમની ગમતી રસોઈ પણ તો બનાવવાની હતી. આજે એમનો જન્મદિવસ હતો. હજી ઘરે પહોંચવા પહેલા એમની માટે એક સુંદર ભેટ પણ ખરીદવાની હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational