Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sapana Vijapura

Romance

3  

Sapana Vijapura

Romance

ઊછળતા સાગરનું મૌન 3

ઊછળતા સાગરનું મૌન 3

4 mins
14.2K


નેહા જ્યારે સાગરને મૂકી પોતાની કાકી ને ત્યાં આવી આંખો સૂજી ગઈ હતી. આખા રસ્તે રડતી હતી. સાગરે કેમ મારાં માટે આવું વિચાર્યુ હશે. મારે મારી વાત એને કરવી જોઈયે કે નહીં. ના હવે હું એને કાંઇ નહી કહું... એ મને સમજી જ નહી શકે... કદી મારી હાલત જાણી જ નહી શકે..મારે મારી વાત કોઈને ના કહેવી જોઇએ ખાસ કરીને કોઈ પુરુષને નહીં જ.

એણે ડોરબેલ મારી કાકીએ દરવાજો ખોલ્યો, "કેમ નેહા, શું થયું?" અને આટલી વાર કેમ થઈ ? તે કહ્યું હતું કે સહેલીને મળવા જાય છે... કેમ છે તારી સહેલી?" આટલા બધા સામટા સવાલોના જવાબ નેહાને આપવા ન હતાં. પણ પરાણે હોઠ ખોલીને કહ્યું, "મજામાં છે અને અમે વાતો કરતા હતા એટ્લે વાર થઈ. કાકી, કાલે મારે એનાં ઘરે જમવા જવાનું છે અને વિચારૂં છું કે તેને ત્યાં કાલે રહી જાઉં કારણકે લગ્ન પછી અમે સાથે રહ્યાં જ નથી." નેહા એ ગભરાતા ગભરાતા કહ્યું. એ જુઠુ બોલવામાં જરાપણ હોશિયાર ના હતી. તરત પકડાઈ જાય... પણ કાકી થોડા ભોળાં... કહે કાંઇ નહીં બેન, સારું જ છે મિત્રોને તો મળતાં રહેવું જોઈએ..નેહા એ હાશકારો કર્યો..વિધવા કાકીને મનાવવી અઘરી ના પડી.કાકીએ ખાવાં માટે આગ્રહ કર્યો પણ એનું દિલ ક્યાંય લાગતું ના હતું.

એ પથારીમાં જઈને પડી... સાડી કાઢવાના પણ હોશ ના હતાં. જાણે શરીરમાંથી કોઇએ શક્તિ ખેંચી લીધી હતી... સાગર એને કેટલો કંટ્રોલ કરતો હતો. એનું અસ્તિતવ જાણે સાગરની લહેરોમાં વહી જતું હતું.

"હું શું કામ નબળી પડું છું? સાગર એક પરાયો પુરુષ છે. એને જોઇને જાણે લોહી ખળ ખળવાનું મૂકી દે છે. શ્વાસો પર મારો અંકુશ રહેતો નથી. દિલમાં ધડકનો જોરથી ધબકે છે. અને હું એક અસહાય બાળકની જેમ ચાલી નીકળુ છું... મારે... મારે એને મળવું જ ના જોઈએ ...હા બસ સવારે ફોન કરી દઈશ ..કે હું નથી આવવાની..બસ એ જ બરાબર છે..થાક હતો છતાં આંખો બંધ થતી ના હતી...

એક તરફ સાગરનો પ્રેમ અને બીજી તરફ આકાશ સાથે બેવફાઈનો ડર..દિલ બે તરફથી ખેંચાઈ રહ્યુ હતું...વળી આકાશની બેવફાઈ યાદ આવી નેહાનો ચહેરો બદલાઈ ગયો...કડવાશ ચહેરા પર ઉતરી આવી..કેટલો વિશ્વાસ કર્યો હતો.આકાશ પર પણ એક વારમાં સર્વનાશ થઈ ગયો...કાચનું વાંસણ એવું તુટ્યું કે ફરી જોડાણું નહી... ભગવાન સર્વ દુ:ખ મારાં ભાગમાં જ આવવાના હતાં. નેહાની આંખની કિનારીથી આંસું ની ધાર વહેતી રહી..ક્યારે એની આંખો મળી ગઈ એને પણ ખબર ના પડી..

ચોરસ બારીમાંથી સૂરજનાં કિરણો નેહાના ચહેરા ઉપર પડ્યાં.એ એકદમ સફાળી બેઠી થઈ ગઈ... રાતે કરેલાં બધાં નિર્ણયો ભૂલાઈ ગયાં. સાગરને ફોન કરીને ના પાડવાને બદલે એ સાગરને મળવાં માટે ઉતાવળ કરવા લાગી... જલ્દી જલ્દી શાવર લઈ... આસમાની રંગની સાડી પહેરી... ગળામાં નાની મોતીની સેર અને કાનમાં મેચીંગ ઈયરીંગસ પહેર્યા... હાથમાં મોતીની બંગડી.. ચહેરા ઉપર લાઈટ મેક અપ અને અણીયાળી આંખમાં કાજલ.. સફેદ રંગનું પર્સ અને બગલ થેલામાં એક જોડી કપડા નાંખી એ ઓરડાની બહાર નીકળી. કાકીએ પરાણે ચા પીવડાવી. કાકીને સમજ પડતી ના હતી કે... નેહા આટલી બેબાકળી કેમ દેખાય છે... હશે કાઈ નહીં આકાશે કૈક કહ્યુ હશે... નેહા નીકળી પડી..પિયા મિલનકો જાના...કેવી લાગણી થતી હતી..પાછી અઢાર વરસની પ્રથમ કોલેજમાં પગ મૂક્યો ત્યારની નેહા. અહાહા સમય થંભી જતો હોય તો કેટ્લું સારું ? પણ ના સમય નથી થોભતો... અથવા સમય સ્થિર છે પણ આપણા દિવસો, મહીનાઓ અને વરસો પસાર થાય છે અને આપણું જીવન પલટાયા કરે છે... સાગરનાં જીવનમાથી કયારે આકાશના જીવનમા આવી ગઈ... અને એક એક પળ યાદ છે... કેવી રીતે સાગરનો હાથ છૂટી ગયો હતો... હમ બેવફા હરગીઝ ના થે પર હમ વફા કર ના સકે... નેહાએ ટિસ્યુ લઈ આંખ લૂંછી નાંખી...

હોલી ડે ઈનના દરવાજા પાસે રીક્ષા ઊભી રહી... પૈસા આપી એ હોલી ડે ઇનના દરવાજામાં દાખલ થઈ સામે સાગર ઊભો હતો એજ વિશ્વાસવાળું મંદ હાસ્ય... નેહાનું હ્રદય ધડકન ચૂકી ગયું... પગ પાછાં પડવાં લાગ્યાં પણ હિમત કરીને દરવાજા પાસે આવી એક ફિકુ સ્મિત કર્યુ. સાગર એની મથામણ બરાબર સમજતો હતો. હાથ લાંબો કર્યો... બન્ને સાથે રિસેપ્શનિસ્ટ પાસે ગયાં... સાગર પહેલેથી થોડો શરમાળ નેહાએ હિમત એકઠી કરી, one room please.." રિસેપ્શનિસ્ટે ઊંચું જોયા વગર પૂછ્યું, "નેઈમ પ્લીઝ..." નેહાએ અચકાતા અચકાતા કહ્યું, "સાગર પારેખ એન્ડ મીસિસ સાગર પારેખ." આટલું બોલતા તો જાણે થાકી ગઈ. રિસેપ્શનિસ્ટે સરનામું પૂછ્યું. એ થોડી ગભરાઈ... સાગરે સંભાળી લીધું પોતાનું સરનામું લખાવી દીધું... એણે ચાવી આપી... વેઈટર રુમ બતાવવા આવ્યો. રુમ ખોલી બન્ને રુમમાં આવ્યાં.વેઇટરને ટીપ આપી રવાના કર્યો.

નેહા બેડ ઉપર ફસકાઈ પડી. સાગર દૂર આરામ ખુરશી પર બેસી ગયો. થોડીવાર આંખો બંધ કરી લીધી. મૌન છવાયેલું હતું કોને શું બોલવું કાઈ સમજ પડતી ન હતી... એક સમય હતો નેહાને ચૂપ કરવાં મોઢે હાથ દબાવવો પડતો હતો. હવે એવી ચૂપ થઈ છ કે મોઢામાં આંગળી નાંખવી પડશે. સાગરનાં ચહેરા પર સ્મિત

આવી ગયું. એણે કહ્યું, "નેહા..." નેહા એકદમ જાણે સપનામાંથી જાગી પડી. નેહાએ હુંકાર ભર્યો... "તને ભૂખ લાગી છે?" નેહા એ નોરમલ થતાં કહ્યું, "હા કૈક ઓર્ડર કરી દેઈએ બહાર જવાનો મુડ નથી..." સાગરે ફોન ઊપાડીને ખાવાનું ઓર્ડર કર્યુ. એ બાથરુમમાં ગયો. નેહા હજુ પોતાની લાગણીઓનું વિષ્લેશણ કરી રહી હતી.

ખાવાનું આવ્યું. બન્ને એ થોડું થોડું ખાધું. પણ વાતચીત આગાળ વધતી ના હતી. બન્ને થાક્યાં હતાં. સાંજ પડવાં આવી હતી. સાગરે કહ્યું, "ચાલ થોડીવાર બહાર જઈયે દરિયા કિનારે કે મુવીમાં... નેહા કાંઈ બોલી નહીં. બન્ને દરિયા કિનારે ગયાં. થોડીવારના મૌન પછી નેહાએ પૂછ્યું, "સાગર, તે મને કેમ છોડી દીધી?" સાગર અચકાયો, "નેહા, એ બધી વાત હવે ભૂલી જા. તું તારા સંસારમાં સુખી છે. હું મારાં સંસારમાં..." નેહા રડી પડી..." તે કેમ માની લીધું હું સુખી છું? તું સુખી હઈશ પણ મારાં સુખ વિષે તને કેવી રીતે ખબર પડી?" સાગરે કહ્યું, "જેવી રીતે તું શણગારાયેલી રહે છે... હસતી રહે છે. માની લીધું કે તું સુખી છે..."

નેહાની ઉદાસ આંખોમાં... આંસું તગતગી ગયું, "સાગર, આ સાગરનાં મૌન તને સંભળાય છે કે એનો ઘૂધવાટ જ નજર આવે છે?" અને સાગરનાં મૌન સમજતાં શીખ સાગર... બધાં સ્મિતમાં સુખ નથી છૂપાએલું... એ સ્મિતની વ્યથા સમજ..." સાગર ચૂપ થઈ ગયો એનાં હૈયામાં પણ ઉલ્કાપાત મચી ગયો... બન્ને સૂરજ ઢળતા હોટેલમાં આવ્યાં. મૌનની દિવાલ ફરી ચણાઈ ગઈ…


Rate this content
Log in

Similar gujarati story from Romance