Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

ફરજ

ફરજ

5 mins
14.5K


સાર્થક હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં બેઠો હતો. આંખોની સામે અકસ્માતનો ભોગ બનેલ અને અંતિમ પંદર દિવસોથી કોમામાં સરી પડેલ પોતાનો સૌથી શ્રેષ્ઠ મિત્ર વિનય વેન્ટિલેટર ઉપર જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. અકસ્માતના થોડાજ દિવસો પહેલા વિનય એને મળવા આવ્યો હતો. આનંદીને સમજાવવા અને પોતાના લગ્ન જીવનને ડુબતું બચાવવા પોતાના શ્રેષ્ઠ મિત્રની મદદ લેવા. એ મદદ મિત્રતાની ફરજ હતી અને એણે સહ હૃદય નિભાવી પણ હતી. સાર્થક પોતાના મિત્રનો વકીલ બની આનંદીને મળવા તો ગયો હતો પણ એની પાસે વિનયના પક્ષે કોઈ ખાસ દલીલો હતીજ ક્યાં ? આનંદીની એક- એક દલીલ તદ્દન સાચી અને તર્કયુક્ત તો હતી ! 

વિનયનો અસુરક્ષિતતાથી ભર્યો સ્વભાવ, સિગારેટ અને શરાબની લત , બાળકો પ્રત્યે ભાવાત્મક બેદરકારી, રાત્રે મોડે સુધી ઘરની બહાર વિતાવાતો સમય, આનંદી પર થતો શારીરિક અને માનસિક અત્યાચાર .... આનંદીના માતા-પિતાની બધીજ આશાઓ પર વિનયે ઠંડુ પાણી રેડી દીધું હતું. લગ્ન પછી સંબંધ, ફરજ, જવાબદારી, પત્ની અને બાળકોના સ્નેહથી વિનયનું ચરિત્ર સુધરી જશે અને એની કુટેવોથી એ મુક્ત થશે એ સ્વ્પ્ન ફક્ત સ્વ્પ્ન બનીને રહી ગયું. એકના એક પુત્ર, વિનયનું જીવન સુધારવા આનંદીનું જીવન નર્કમાં ધકેલી દીધું હોય એ પશ્ચાતાપ અને અપરાધભાવ એના વૃદ્ધ માતા-પિતાને ક્ષણક્ષણ પીંખી રહ્યા હતા. તેથીજ જયારે આનંદીની સહનશક્તિ ચરમસીમાએ પહોંચી અને એ પોતાના બાળકોને લઇ પોતાના પિયર જતી રહી, ત્યારે એમણે આનંદીના નિર્ણયને વધાવી લીધો. આનંદી આ નર્ક સમા સંબંધથી છુટકારો મેળવે એનો સૌથી મોટો આનંદ કદાચ વિનયના માતા-પિતા નેજ થશે, એ વિનય સ્પષ્ટ સમજી ચૂક્યો હતો.

આનંદી એ છૂટાછેડા માટે કેસ કર્યો ત્યારે વિનયના અહમ પર જાણે મોટો પ્રહાર થયો. એક સ્ત્રી એને કઈ રીતે ત્યજી શકે ? સંબંધ અંગેનો નિર્ણય એ કઈ રીતે લઇ શકે ? એના બાળકોને એનાથી દૂર કઈ રીતે લઇ જઈ શકે ? પોતાના જીવનની કમાન ફરીથી પોતાના હાથમાં સ્વમાન સહ સરળતાથી થામી ઉભી આનંદીનો આત્મવિશ્વાસ એ ફક્ત દૂરથીજ નિષ્ક્રીયપણે કઈ રીતે નિહાળી શકે ? 

ગમે તેમ કરીને પણ છૂટાછેડાની કાયદાકીય પ્રક્રિયા અટકાવવા અને પોતાના અહમને સંતોષવા આનંદીને મનાવી ફરીથી ઘરે લઇ આવવા એણે સાર્થકની સહાય લીધી. મિત્રતાની ઔપચારિકતા નિભાવવા પહોંચેલા સાર્થકનું હ્નદય અને સંવવેદનાઓ સંપૂર્ણપણે આનંદી તરફ જ ઢળ્યા હતા. પોતાના હૈયાની માનવતા આનંદીને આ સંબંધથી મુક્ત જોવાજ ઇચ્છતી હતી. આમ છતાં એ સંબંધને બચાવી લેવા એક આખરી પ્રયાસ રૂપે એણે આનંદીને વિનયને માફી આપવા અને એને હજુ એક વધુ તક આપવા વિનંતી કરી જોઈ. આનંદી એ આપેલા ઉત્તરના એક એક શબ્દ હજી પણ એની સ્મૃતિમાં તદ્દન જીવંત હતા :

"એક સ્ત્રી છું. સમાજ મને સહનશીલતાની મૂર્તિ કહે છે. સહન કરવું મારી સ્ત્રીતત્વની પ્રકૃત્તિ ખરી, પણ સ્વમાન અને સ્વાભિમાનની કિંમતે ક્યારેય નહીં. વિનય જેવા લાગણીવિહીન અને અહમથી ભરેલા પુરુષને હું મારા જીવનની એક પણ ક્ષણ આપવા તૈયાર નથી. મારા પ્રેમ અને સ્નેહ પર એનો હવે કોઈ અધિકાર રહ્યો નથી. એની પડખે ઈશ્વરે અર્પેલ મારા અતિકિંમતી અને મૂલ્યવાન જીવનની એક પણ શ્વાસ હું વેડફવા તૈયાર નથી. મને ફરીથી મેળવવાનો કે મળવાનો વિચાર કરવાને પણ એ લાયક નથી. હવે આ સંબંધનો ન કોઈ વર્તમાન છે, ન ભવિષ્ય .... જો કઈ રહેશે તો એ ફક્ત ભૂતકાળ,જેને હું મારી સ્મૃતિમાં પણ જગ્યા આપવા તૈયાર નથી. હવે એની સાથે મુલાકાત તો થશે પણ એક અંતિમવાર અને એ પણ અદાલતમાં!"

આનંદીના ઉત્તરમાં અને નિર્ણયમાં એક આધુનિક સ્ત્રીની નવી છબી સ્પષ્ટ પ્રતિબિંબિત થઇ રહી. જીવનથી શું જોઈએ છે અને શું નહીં, એ અંગે એનું મન તદ્દન પારદર્શક હતું. લાગણીઓને નામે લાગણીવેડામાં તણાઈ જીવન ડુબાવવુ એને સ્વીકાર્ય ન હતું. જીવનના આવનારા નવા અજાણ્યા વણાંકોના ભયે આત્માને વિંધનારા એ જૂના વણાંકો ઉપર જ નિષ્ક્રિય પડી રહેવું એને મંજુર ન હતું. ખુમારીથી છલોછલ એ વ્યક્તિત્વથી અંજાઈ સાર્થકનું મન કેવું પ્રભાવિત થઇ ઉદગારી ઉઠ્યું હતું : ' સ્ત્રી'હોય તો આવી.

ધીમે રહી ખોલાયેલા આઈ.સી.યુ.ના દરવાજાથી સાર્થક સચેત થયો . એક હાથમાં થર્મોસ અને બીજા હાથમાં હોસ્પિટલમાં રાત્રિ-રોકાણ કરવા માટે સાથે લઇ આવેલ જરૂરી સામાનની થેલી જોડે આનંદી ધીમે પગલે અંદર પ્રવેશી, "ડોક્ટર આવી ગયા ?"

આનંદી એ દબાયેલા અવાજે પૂછેલા પ્રશ્નનો સાર્થકે માથું ધુણાવી નકારમાં ઉત્તર આપ્યો. બધો સામાન વ્યવસ્થિત એની જગ્યા એ ગોઠવી આનંદી એ એક સૂક્ષ્મ નજર વિનયના શરીર સાથે જોડાયેલા તમામ યાંત્રિક ઉપકરણો પર નાખી. અંતિમ પંદર દિવસથી સતત એ ઉપકરણો સાથે રહી એમના ઉપયોગ અંગેની આવડત એણે કેળવી લીધી હતી. પોતાની થેલીમાં લઇ આવેલ કેટલાક બરફના ટુકડાઓ નીકાળી દરરોજની જેમજ વિનયના હાથની સૂજેલી નસો ઉપર એણે હળવે હાથે બરફ ઘસવા માંડ્યું. સામે બેઠો સાર્થક પંદર દિવસથી સતત વિનયની સેવા કરવામાં વ્યસ્ત આનંદીને વિસ્મયથી નિહાળી રહ્યો. આ એજ આનંદી છે જેને થોડા દિવસો પહેલા એ મળ્યો હતો ? વિનય પાછળ જીવનની એક પણ શ્વાસ ન વેડફવા ઇચ્છતી આ સ્ત્રી અકસ્માતના દિવસથી લઇ આજ સુધીની દરેક શ્વાસ વિનયની સાર સંભાળ પાછળ વિના વિશ્રામ, વિના આરામ ખર્ચતી જઈ રહી હતી. એકના એક દીકરાને સહારે જીવી રહેલા વિનયના માતા-પિતાનીની પણ એક પુત્ર જેમજ દેખરેખ રાખી રહી હતી !

આટલા દિવસોથી મનમાં મૂંઝવી રહેલ વિચારોને આખરે સાર્થકે શબ્દોનું સ્વરૂપ આપીજ દીધું, " આ સંબંધને અને વિનયને એક વધુ તક આપવા બદલ આભાર !"

સાર્થકના શબ્દોથી ચોંકી આનંદીની દ્રષ્ટિ બરફ ઉપરથી ખસી સાર્થકના ચ્હેરા ઉપર અચરજથી મંડાઈ,"મારો નિર્ણય આજે પણ એજ છે જે પહેલા હતો. આ સંબંધ તો ફક્ત માનવતાનો છે, જે હું નિભાવી રહી છું. વિનયની આવી પરિસ્થિતિમાં એના અને એના માતા-પિતાને પડખે રહેવું મારુ કર્તવ્ય છે. મારી જીવન-ફરજથી મારા કદમ કદી પાછળ ફર્યા નથી, ના કદી ફરશે ! "

આનંદીની ભાવનાઓને એ સમજી શકે છે, એવા ભાવો ચ્હેરાથી જ વ્યક્ત કરીને આનંદીને મૌન આશ્વાસન આપી સાર્થક આઈ.સી.યુ.ની બહાર ધીમેથી નીકળી ગયો. 

આઈ.સી.યુ.ના પારદર્શક કાચમાંથી વિનયની પથારી સરખી કરી રહેલ આનંદીને જોઈ સાર્થકનું મન પ્રભાવિત થઇ માન અને આદરથી ઉદગારી રહ્યું :

"સ્ત્રી"હોય છેજ ' આવી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational