Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Thriller Tragedy

3  

Mariyam Dhupli

Thriller Tragedy

યાદી

યાદી

5 mins
14.3K


જીવનમાં શું કરી શકી એની જગ્યાએ જીવનમાં શું ન કરી શકી એની યાદી કેટલી લાંબી છે! એ લાંબી યાદીમાં સમાવેશ પામેલા દરેક કાર્યો અને પ્રવૃત્તિઓ રદ થવા પાછળ કેટલા રમુજી અને નિરર્થક કારણો છુપાયા છે !આજે વિચારું છું તો હાસ્ય નથી ઠરતું. એ યાદી માટે હું કોઈના પર પણ દોષારોપણ નજ ઠલવી શકું . જે ન થઇ શક્યું એ બદલ હું જાતે અને મારા પોતાના અંગત નિર્ણયોજ જવાબદાર છે, એ સત્ય સ્વીકારવા જેટલી પરિપક્વતા તો હવે કેળવાય ચુકી છે.

બોર્ડમાં હતી ત્યારે પપ્પા મારા માટે સ્વિમિંગ શીખવા માટે નો ફોર્મ ઊંચકી લાવ્યા હતા. તઇરાકીના વ્યાયામગત ફાયદાઓ ઉપરાંત તાત્કાલિક પરિસ્થતિ સમયે આત્મરક્ષા કે અન્યના બચાવ માટે એ કલા કેટલી મહત્વની છે, એની ઊંડાણથી માહિતી પણ આપી હતી. પણ જાણો છો મારો ઉત્તર શું હતો? ના, કારણ? કારણકે મારી કોઈ પણ મિત્ર મારી જોડે સ્વિમિંગ ક્લાસ આવવા તૈયાર ન હતી. કેવો મુર્ખતા ભર્યો નિર્ણય ! એ નિર્ણયનું પરિણામ પણ મારેજ ભોગવવું પડ્યું. જીવનભર પાણીથી ડર અનુભવ્યો....

રેડિયોમાં મને અનેરી રુચિ હતી. ફિલ્મોના ગીતો તો જાણે અભ્યાસ ક્રમ જેવા શબ્દેશબ્દ મોઢે રહેતા. રેડિયોના દરેક સંગીત કાર્યક્રમ એના પ્રસ્તુતકર્તાના નામ જોડે મને યાદ રહેતા. ક્યારેક ટીવી ઉપર રેડિયો મિર્ચીનો સ્ટુડિયો નિહાળતી ત્યારે જાણે ટીવીના પર્દાની અંદર પહોંચી રહેવાનું મન થઇ રહેતું, એ વિશાળ કીબોર્ડ ઉપરના દરેક સૂક્ષ્મ વિભાગોનું જ્ઞાન મેળવવા, માઈકની અંદરથી મારા સ્વર થકી દેશના ઘરેઘરમાં પહોંચી રહેવાનું સ્વ્પ્ન આંખો આગળ રચાઈ રહેતું. પણ એ સ્વ્પ્ન આંખોમાંજ સચવાઈને રહી ગયું. કારણ? મનમાંથી ઉઠતો ડર. હું ન કરી શકું . લોકો મારી ઉપર હસશે. સફળ ન થઈશ તો બધા મશ્કરી ઉડાવશે, મારા અંગે મંતવ્યો બાંધશે. સાચેજ કેટલું અતાર્કિક કારણ ! કંઈક કરીએ કે કંઈક ન કરીએ માનવ મંતવ્યો તો બન્ને સમયે રચાયજ ને?

વરસાદમાં પલણવું મને ખુબજ પ્રિય હતું. પ્રકૃત્તિના સ્પર્શ થકી પ્રકૃત્તિના અંશ હોવાનો પુરાવો. પણ કેટલા બધા વરસાદ મારા હાથમાંથી સરી ગયા. કારણ? માંદા પડી જવાય તો બાળકોને કોણ સંભાળશે? આ કારણ પરતો મને સૌથી વધુ રમૂજ ઉપજે છે. નવ મહિના સુધી મારા ગર્ભમાં વિકસી રહેલા મારા બાળકને જમાડવા, ઉંઘાડવા અને દરેક કાળજી લેવા હું ક્યાં ગઈ હતી?

કાર ચલાવતા શીખવા માટે તો મારા પતિ હાથ ધોઈ પાછળ પડ્યા હતા. ડ્રાયવીંગ ખુબજ મોટી સ્વનિર્ભરતા કહેવાય. બાળકો જોડે જો ડ્રાયવીંગ શીખી લઈએ તો જીવન ઘણું સરળ થઇ જાય. એ કહેતા રહ્યા અને હું બહાનાઓ ધરતી ગઈ . તમે છો તો મને ડરાયવિંગ શીખવાની શી જરૂર ? પણ સાચું કારણ તો મારો ડર અને અવિશ્વાસ જ હતા. અકસ્માત થઇ જાય તો? અકસ્માત? સાચેજ? અક્સ્માતતો રસ્તા ઉપર ચાલતા માનવી જોડે પણ થઇ શકે અને ઘરની સુરક્ષિત દીવાલો વચ્ચે પુરાયેલી વ્યક્તિ જોડે પણ. સાચું કહું છું ને?

ક્યારેક આમજ કારણ વિના કોઈ વ્યસ્ત સાંજે સમુદ્ર કિનારે પગ લંબાવી નિરાંતે સૂર્યાસ્ત જોવાનું મન થઇ આવતું . સમુદ્રની શાંત લહેરો જોડે મૌનનો વાર્તાલાપ! પણ પછી કૂકરની સીટી, રાત્રિનું ભોજન, સવારનું એલાર્મ એકીસાથે મને વાસ્તવિકતાની સૃષ્ટિ ઉપર ઉતારી મૂકતા અને એ સૃષ્ટિ ઉપરની કર્તવ્યપરાયણતામાં હું હોંશે હોંશે ફરી ફૂદરડીઓ ફરતી રહેતી. ફરજ અને જવાદારી. કાર્યો અને કાર્યો . મારા દાદી હંમેશા કહેતા, "બેટા, માનવી સમાપ્ત થઇ જાય પણ એના કાર્યો કદી નહીં. " સનાતન સત્ય!

શહેરની સેંટર લાઇબ્રેરીમાં મેમ્બરશિપ લીધી હતી. ઘરેથી પુસ્તકાલયનું અંતર પણ નહીંવત જ હતું. વિચાર્યું હતું કે રજાના દિવસોમાં શાંતિથી થોડો સમય પુસ્તકો વચ્ચે વીતાવીશ . ઘરે વાંચવા માટે પણ કેટલાક ઊંચકી લાવીશ. પણ એ મેમ્બરશિપ કાર્ડ તો અલમારીનાં અંધારિયા લોકરમાં પડ્યો પડ્યો 'એક્સપાયર ' થઇ ગયો, મારા વિચારો સમો. રજાના દિવસોમાં ફરજપૂર્તિનું ભૂત એવું માથે ચઢતું કે ઘરના બાકી રહી ગયેલા દરેક કાર્યો જાણે એ જ દિવસે સમાપ્ત કરવા ફરજીયાત. હું જેને મારી કર્તવ્ય નિષ્ઠા માનતી રહી એને મનોવિજ્ઞાન ઓબ્સેશન કમ્પલ્સન ડિસઓર્ડર કહે છે. કાર્ય પૂરતી અંગે મગજ જોડે કરવામાં આવતી જબરજસ્તી. છે ને રમુજી હકીકત!

હિમવર્ષાનો અનુભવ મેળવવો મારી સૌથી હૃદય નજીકની ઈચ્છાઓમાંની એક હતી. કેટલીવાર આંખોના પાંપણને હાથમાં ગોઠવી, હિમવર્ષા અંગેની ઈચ્છા અભિવ્યક્ત કરી ફૂંક મારી હતી. ઈચ્છા પૂર્ણ પણ થઇ જાત. ગયા વર્ષે વેકેશન ઉપર મારા પતિએ સીમલા અને મનાલીના ટુર અંગેની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ મેંજ ના પાડી દીધી હતી. બાળકો થોડા મોટા થઇ જાય પછીજ આટલી લાંબી મુસાફરી થઇ શકે. નાના બાળકો જોડે ટૂંકી મુસાફરીજ સુરક્ષિત . આખું વેકેશન શહેરની અંદરના સુરક્ષિત વિસ્તારોમાંજ વિતાવી નાખ્યું.

આ તો ફક્ત થોડા ઉદાહરણો છે બાકી યાદીતો અનંત છે. કેટલું બધું પાછળ છૂટી ગયું. કેટલું બધું બાકી રહી ગયું. કંઈક સાથે રહ્યું તો એ એકજ શબ્દ ' કાશ '.

કાશ કે સ્વિમિંગ શીખી લીધું હોત. સમુદ્રના ઉંડાણો માપી લીધા હોત. એ ઊંડાણોમાં છુપાયેલી જીવ પ્રકૃત્તિને નરી આંખે જોઈ હોત, હાથો વડે સ્પર્શી હોત, મનના ઊંડાણોમાં ઉતારી હોત. કાશ કે રેડિયો ઉપર એક કાર્યક્રમ એવો પણ હોત જેના પ્રસ્તુતકર્તા તરીકે મારું નામ જાહેર થતું હોત. સુંદર મજાના ગીતોથી અતિવ્યસ્ત માનવજીવનના મિજાજને થોડો નિખારી શકી હોત. વરસાદ માં ભીંજાઈ થોડી માંદી પડી પણ ગઈ હોત તો પૃથ્વીની પરિક્રમા થોડી થંભી ગઈ હોત? કાશ દ્રાયવિંગ શીખી લીધું હોત તો જીવનભર બહાર નીકળવા પતિ કે ઓટો ડરાઇવર ઉપર નિષ્ક્રિય પરાવલંબન ન સાધ્યુ હોત.કાશ કૂકરની સીટી, રાત્રિનું ભોજન કે ઘડિયાળના અલાર્મને અંગુઠો બતાવી ક્યારેક સમુદ્રકિનારે સૂર્યાસ્ત નિહાળવા થોડી સ્વાર્થી ક્ષણો જીવન પાસેથી ચોરી લીધી હોત . કાશ કાર્ય સમાપ્તિ અંગેના નકામા નિયમોની ધૂળ ઝાટકી ક્યારેક પુસ્તકો રૂપી અવનવી માનવયાત્રાઓની સહેલ માણી લીધી હોત. કાશ જીવનમાં આવેલી તકોને વધારે પડતા નકામા, નકારાત્મક ,વિચાર વલણો ને હાથે હારવા ન દીધી હોત. કાશ મારા 'આજ' ને 'આવતીકાલ' પર સતત ઢોળ્યાં ન કર્યો હોત તો કદાચ હિમવર્ષાનો જીવંત અદ્દભુત લ્હાવો માણી પણ લીધો હોત .

'પર અબ પછતાયે હોત ક્યા જબ ચીડિયા ચૂક ગઈ ખેત .'

બહુ મોડું થઇ ગયું .

વેન્ટિલેટર પર પડેલું મારુ હલનચલન વિનાનું નીર્જીવ શરીર ફક્ત સાંભળી શકે છે .

હમણાંજ ડોક્ટર કહીને નીકળ્યા,

"વેન્ટિલેટર કાઢી નાખો ."


Rate this content
Log in

Similar gujarati story from Thriller