Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Romance Others

4  

Pravina Avinash

Romance Others

ઉમંગનું લોલક 5

ઉમંગનું લોલક 5

8 mins
14.9K


પ્રકરણ : અમિતા શું ચાહે છે ?

મુકેશ સાથે ડીનરની મોજ માણ્યા પછી ઘરે આવી. અમિતાને ઘરમાં પુરૂષ માણસની હાજરી ગમી. આજની સાંજ સુનહરી લાગી. અવનિ તેના સંસારમાં વ્યસ્ત હતી. અવિ પોતાના ભવિષ્યની બાબતમાં સજાગ હતો. તેને જે પણ કરવું હોય તેની પૂરતી સ્વતંત્રતા હતી. લેખનકળાની પ્રવૃત્તિ અમિતાને સદી ગઈ હતી. ઉપરા ઉપરી બે નવલકથાને જે આવકાર મળ્યો તે એના માટે ઘણા આનંદના સમાચાર હતા. પતિ ગુમાવ્યા પછી જીંદગી આવા સુંદર મુકામે લાવશે તે માનવા તૈયાર ન હતી. એકલી મનમાં વિચારી રહી. જુવાનીના દિવસોમાં ઘર સંસારમાં ગુંથાયેલી અમિતા આજે અલગ જીંદગી જીવવા શક્તિમાન બની છે. આ પ્રભુની કૃપા નહી તો બીજું શું. અવનિના માર્ગ દર્શને જીવનને નવો વળાંક સાંપડ્યો. અવનિ બે બાલકોની માતા બન્યા પછી અઠવાડિયામાં ત્રણેક વાર તેને ઘરે જઈ રાહત આપવાનો પ્રયત્ન કરતી. અવનિનું ઘણું કામ મમ્મીના હિસાબે સરળ બનતું. દૃષ્ટી એટલી બધી બદલાઈ ગઈ હતી કે અમિતાને જીવનની ઘટમાળમાંથી નવા મુદ્દા મળતાં. અમિતામાં આવેલા ફેરફારને કારણે અવનિના દિલને ટાઢક મળતી. મનમાં ને મનમાં તે ઈચ્છતીકે મમ્મી મુકેશમામા સાથે ફરીથી સંસાર વસાવે. પપ્પાને ગયે પાંચ વર્ષ થયા હતાં. બહારથી કઠણ દેખાતી મમ્મી અંદરથી કુસુમવત છે, તેની તેને બરાબર ખબર હતી.

અમિતાની દિનચર્યા ખુબ સુંદર હતી. સવારના પોતાનું પ્રાતઃકર્મ, રસોઈ, ઠાકોરજીની સેવા અને યોગના આસનો કરતાં એક વાગી જતો. સમય મળ્યે થોડું ચાલવાનું પણ રાખ્યું હતું. એક વાત તેના દિમાગમાં બરાબર ઠસી ગઈ હતી. સ્વસ્થ્ય અને તંદુરસ્ત જીવન જેવું ધન કોઈ નથી ! ઓછા વત્તા પૈસા હશે તો જીવન ગુજરશે. પણ જો માંદગી ઘર ભાળી જાય તો તેનાથી છૂટકારો મુશ્કેલ છે. પતિની માંદગીના દિવસો તેને બરાબર યાદ હતા. કાવેરીમાની ચાકરી ખડે પગે કરી હતી. હવે સંજોગો અલગ છે. અવનિનો ઘરસંસાર અને અવિનું ભણતર. ઈશ્વરકૃપાથી હજુ સુધી તબિયતમાં ખાસ વાંધો આવ્યો ન હતો. તેનામાં બાળકોને સહાય કરવા માટે પૂરતી શક્તિ હતી. ઉપરથી આ લખવાનું સુંદર કાર્ય. આજે ક્યાંય જવું ન હતું. લખવા માટે કોઈ વિચાર દિમાગમાં સ્ફુરતા ન હતાં. અચાનક ગઈ કાલે રાતના અવનિને ત્યાં મુકેશમામા મળી ગયા હતા તેમનો વિચાર ઝબક્યો. વિચાર કાઢવાનો પ્રયાસ કરતી હતી ત્યાં વધારે ને વધારે તેમના વિચારોમાંખોવાઈ જવાનું ગમ્યું.

'અરે, આ તો પાપ કહેવાય' !

શું પતિ હયાત ન હોય ત્યારે પર પુરૂષનો વિચાર, 'છટ છે તને' !

અમિતાને પોતાની જાત પર ઘૃણા થઈ આવી. અમૂલખનો પ્યાર યાદ કરતાં આંખોમાં આંસુ ધસી આવ્યા.

અમૂલખભાઈના અવસાન પછી અમિતામાં ઘણા ફેરફાર આવ્યા. પહેલાં સસરા, પછી પતિ અને અંતે સાસુમાના ગયા પછી દુનિયામા એકલા રહી પોતાનો જંગ જીતવા અમિતા કમરબંધ બની. હવે અવનિ ઝાઝો સમય આપી શકતી નહી. તેણે વિચાર્યું, ભલુ થજો મારું મૃત્યુ કાલે આવે, પણ તેનું કોઈ ઠેકાણું નથી. અમિતાએ પોતાનમાં વિશ્વાસ મૂક્યો. દરેક કાર્ય કરતાં પહેલાં તેના સારા અને માઠા બન્ને પરિણામોને ત્રાજવે તોળતી થઈ ગઈ. શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરતી. જાણે શરીરમાં ઉર્જાનો સંચાર થતો હોય તેવું તેને લાગતું. હવે નું જીવન વ્યર્થ ન જાય તેની તકેદારી રાખવાની શરૂ કરી.

જ્યારે અવનિના બાળકોને રમાડતા હતાં ત્યારે મુકેશ, જેણે જીવનમાં કદી બાળકોને હાથમાં પણ ન લીધાં હોય તે કેવો ગુલતાન થઈ ગયો હતો. અમિતા ઘડી ભર બાળકને જોતી તો ઘડી ભર મુકેશને. કોણ જાણે કેમ તેને મુકેશમાં અમૂલખ દેખાયા. જાણે પોતાની વહાલસોઈ દીકરીના બાળકોને ઉમંગ ભેર રમાડી રહ્યા ન હોય. એક વાર મુકેશના હાથમાંથી બાળકને લેતાં સ્પર્શ થયો. કોને ખબર કેમ એ સ્પર્શ અમિતાના અંગમાં રોમાંચ ફેલાવી ગયો. જાણે અજાણ્યે મુકેશને તેનો અંદાઝ આવી ગયો હતો. માનવું પડશે કે એ બાબતમાં પરણ્યા ન હોવાં છતાં મુકેશમામા અમિતાથી વધારે અનુભવી લાગ્યા.

અમિતા. અમૂલખની ખોટ અનુભવી રહી. આ ઉમરે જીવનમાં બધું હતું. વહાલસોયા પતિના સહવાસ વગર. તેને થયું જીવનમાં આ તો ઉમર છે. પતિ અને પત્ની એક બીજાનો સંગ માણે. જીવનના કાર્યો સાથે કરે. પ્રવૃત્તિની પગડંડી પર પદાર્પણ કરી ઉન્નિતિના ગુંબજ ને સર કરે ! આજે પ્રગતિના રસ્તે પ્રયણ તો કર્યું છે. પણ સાથીનો સાથ ક્યાં ? સફળતાનો ભાગીદાર ક્યાં ? એકલતા સતાવી રહી. મનને મનાવ્યું. પણ દિલ છે કે માનતું નથી. જીવનની શરૂઆતના વર્ષો બાલકો અને કામકાજમાં એવા પસાર થઈ ગયા કે હર પળ માણવાનો સમય ઓછો પડતો. હા, મધુરો સહવાસ જરૂર ગમતો. પ્રેમ પાંગરતો અને મહેક જીવનમાં રેલાવતો. આજે બધું છે ત્યારે સાથીની ગેરહાજરી જણાય છે.

'જો કે ગેરહાજરીમાં હાજર તેનું નામ સાથી' !

જ્યારે અમૂલખની યાદ આવતી ત્યારે સામે મહેશ જણાતો. અમિતાને થતું આમાં શું કુદરતનો સંદેશો છે. બાકી આટલા વર્ષો પછી આવી વ્યક્તિ આવી મળે. જેણે જીવનમાં કદી સંસારનું સુખ માણ્યું નથી. આ ઉમરે જેને પૈસાની કોઈ કમી નથી. મુકેશનું તેના તરફ પ્રેમાળ વર્તન ઉડીને આંખે વળગે તેવું હતું. આનો અર્થ ન સમજે એવી અમિતા નાદાન ન હતી. મનમાં તેને ગમતું પણ ખરું. જ્યારે મુકેશ સાથે મુલાકાત થઈ છે ત્યારે, હર સમયે અમિતાનું હ્રદય પુલકિત થઈ ઉઠ્યું છે !

"શું આ ઈશારા ઝીલવા તેનું મન તૈયાર હતું ? તેના હ્રદયમાંની અમૂલખની પ્રેમાળ મૂર્તિને ખસેડી શું તે મુકેશને તે સ્થાન આપવા તૈયાર હતી"?

આજે અમિતા મુકેશમામાના વિચારમાં ગરકાવ થઈ ગઈ. ઉઠીને માટલાનું ઠંડુ પાણી પીધું. તેને ફ્રિજના પાણીથી શરદી થતી હતી. શાંતિથી હિંચકે બેઠી. મા, હમેશા હિંચકે બેસી ઠાકોરજીની માળા બનાવતા. હિંચકે બેઠી એટલે યાદ આવ્યું અમૂલખને હિંચકો ગમતો નહી. પણ પોતે બેસે એટલે કહે, 'અઢેલીને બેસ હું હિંચકે તને ઝુલાવીશ.' હજુ પણ દોરી બાંધેલી લટકતી હતી. મુખ પર હાસ્ય ફરકી ગયું. પાછી વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ. એકલતા સતાવતી હતી. લખી લખીને કેટલું લખે? નવો વિષય પણ સારો મળવો જોઈએ. ચીલાચાલુ વાર્તામાં બહુ મઝા ન આવતી. નજર અને કાન ખુલ્લા રાખતી. આજુબાજુના દૃશ્યો, કોઈની મનગમતી, યા કરૂણ વાત હોય. સમાજમાં અન્યાય નજર સામે જણાતો હોય એ બધા મુદ્દા સરસ રીતે સાંકળી વાર્તા લખવાની હવે આદત પડી ગઈ હતી.

અચાનક એવો વિચાર આવ્યો કે હસવું ખાળી ન શકી.' શું આલોકના મામા એનામાં રસ ધરાવે છે ?' બન્ને જણા આધેડ વયના હતા. અમિતા એકલી અને મુકેશે પરણેલા ન હતાં. છેલ્લી ચારેક મુલાકાત વખતનું તેમનું વર્તન કશી વાતની ચાડી ખાતું હતું. આખરે તે પણ સ્ત્રી હતી. વર્ષોથી એકલી. પ્રવૃત્તિમય જીંદગી છતાં ફુરસદ ઘણી હતી. ધીરે ધીરે એવા નતિજા પર આવી કે, 'જો મુકેશને રસ હોય તો વાત વિચારવા જેવી ખરી' ! ત્યાં પોતાની જાતને અરીસામાં જોવાનો ગાંડો વિચાર આવ્યો. અરીસા સામે આવીને ઉભી રહી. ઉમર પ્રમાણે પ્રતિભા જણાય છે. પુરૂષોને આકર્ષી શકાય તેવં ઘણું બધું ભર્યું છે. આ ઉમરે કદાચ શારિરીક ભૂખ કરતાં મૈત્રીની આવશ્યકતા વધારે યોગ્ય છે. થોડાં ઘણા છમકલાં પણ જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ટકાવવા જરૂરી ખરા.

વિચારોમાં ગુંથાયેલી હતી ત્યાં લખવાનો વિષય મળી ગયો. આ વખતની વાર્તાનો વિષય હતો, 'પુન:લગ્ન'. વિષયમાં નવું કાંઈ ન હતું. માત્ર નવા દૃષ્ટિકોણથી વાત સમાજને સમજાવવાની હતી. આખરે 'સમાજ' એટલે શું ? આપણે જ બનાવેલા નિયમોનું પાલન આપણા દ્વારા થવું જોઈએ. મનવીઓના સમુહને સમાજ કહેવાય. હવે તો સમાજની વ્યાખ્યા કેટલી બધી વિસ્તરી ગઈ છે. ક્યાં સાઈઠનો દાયકો જ્યારે જ્ઞાતી બહારના લગ્ન પણ સંભવ ન હતાં. અરે ફેલોશીપમાં ભણતી અમિતાની બહેનપણીએ જ્ઞાતી બહારના લગ્નને કારણે આપઘાત કર્યો હતો. અમૂલખ અને અમિતા બન્ને તેમના માતા અને પિતાને ઓળખતાં હતા. સમજાવવામાં નિષ્ફળતા મળી હતી. 'આજે એકવીસમીમી સદીમાં એની સિમાને કોઈ સિમાડો નથી.'

અમિતાને જ્યારે અવનિના લગ્ન કરવાના હતા ત્યારે આ પ્રશ્ન ઉભો થયો હતો. સમજુ માબાપ બાળકોની ખુશીમાં ખુશ રહે છે. ત્યાર પછી તો પરદેશીઓ સાથેના લગ્નને પણ પ્રેમે આવકાર્યા. 'મિંયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી. ' એથી આગળ સમાન જાતિના લગ્ન કાયદેસર કર્યા. હવે તો એમ લાગે છે ધરતીનો છેડો આવી ગયો છે. અરે સગાં ભાઈ અને બહેનના બાળકો પણ પરણ્યા ! 'ના એવું કાંઇ નથી' અમિતા લગભગ ચિલ્લાઈ ઉઠી. તેના વિચારો અટકવાનું નામ લેતા નહી. બેફામ બનીને વિચારોની દુનિયામાં વિહરી રહી.

કેટલી યોનીમાં ફર્યા પછી અંતે મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે. શામાટે એ અવતાર એળે જવા દેવો. ભલું થજો રાજા રામમોહન રૉયનું જેમણે ભારતમાંથી સતી થવાનો રિવાજ નાબૂદ કર્યો. જો પુરૂષો પત્નીના ગયા પછી ટુંક સમયમાં પરણી જતા હોય તો સ્ત્રીઓ કેમ નહી ? તેનું અંતર મન બળવો કરી ઉઠ્યું. હા, જો કોઈ સ્વેચ્છાથી ન પરણે તો તે તેની મરજી. બાકી પરણે તો કશું ખોટું નથી ખૂબ પુણ્યનું કાર્ય છે.

અમિતા વિચારોની દુનિયામાંથી બહાર આવી. શું થાય છે ? અરે, આ પેટમાં બિલાડા બોલે છે. યાદ આવ્યું સવારથી માત્ર ચા અને ટોસ્ટ ખાધા હતાં. ઘડિયાળમાં સાંજના ચાર વાગી ગયા હતાં. ગઈકાલે બનાવેલો સુપ અને કટલેટ્સ ગરમ કરીને ખાવા બેઠી. ટી.વી. ચાલુ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવાની મઝા માણી. તેને ખૂબ શ્રદ્ધા હતી,'ભારતનું કલ્યાણ' આ મનવી જરૂર કરશે'. તૈયાર થઈને બગિચામાં લટાર મારવા જવાનો વિચાર કર્યો. બહાર જવાનું એટલે સરસ તૈયાર થવાનું. તેની સાડીઓ કદાપી ખૂબ મોંઘી ન હોય. આવડતને કારણે જે પણ પહેરે તેમાં દીપી ઉઠે. અરીસામાં જોયું ને પાછા બાજુમાં અમૂલખ દેખાયા.

'આ તો તમારો મનગમતો રંગ છે'.

'તમને યાદ છે જયપુરથી આ બાંધણી લીધી હતી. બાંધણી અને લહેરીયા અમિતાને બચપનથી ખૂબ ગમતા '.

'એકાએક કોને રીઝવવા હું તૈયાર થઈ' !

શું સ્ત્રી તૈયાર થઈને બહાર નિકળે તો કાયમ કોઈને રીઝવવા ? એવો ભદ્દો વિચાર કેમ આવ્યો ? આ પ્રકારનું વિચારવું યોગ્ય નથી. જો સ્વમાં વિશ્વાસ, શ્રદ્ધા અને ઉમંગ ટકાવી રાખવા હોય તો આ પાયાની વાત છે. જીંદગી ખતમ નથી થતી. જીવન સરતું રહે છે. સમય આવે બધાની ગાડી વિરામ સ્થળે આવી અટકવાની છે. એક પળનો પણ વિલંબ નહી થાય. મીઠી યાદો. બાળકોનો હર્યોભર્યો સંસાર જીવન જીવવા માટે પુરતાં છે.

અમિતા વિચારમાં ગરકાવ થઈ ગઈ. અમૂલખના ગયા પછી જીવન અલગ રંગ બતાવતું હતું. તેને કદી પોતાના ભૂતકાળ વિષે ફરિયાદ ન હતી. જીવનની આ નવીન બાજુએ દિલમાં ઉમંગ જગાડ્યા. જેનો સ્વપનામાં પણ વિચાર ન સ્ફૂર્યો હતો એ હકિકત બની આનંદનુ પ્રદાન કરી રહ્યા હતા. મનોમન તેનો આનંદ અનુભવી હરખાઈ ઉઠતી. તેના દિલના ભંડાકિયામાં સૂતેલી ઈચ્છાઓ પૂર્તિ માટે થનગની રહી. અવનિને મમ્મીની આ બાજુ ગમી. તેને થયું,' મારામાં રહેલી આ ભાવના મમ્મીને કારણે છે'! ભલે મારી મા જીવનને માણે, પિતા સાથેનું પ્રકરણ હવે બંધ થઈ ગયું છે. જીવનમાં ક્યાં, ક્યારે , કેવી રીતે માનવી પ્રગતિના સોપાન સર કરી શકે તે અનિશ્ચિત છે. જો સંજોગો અનૂકુળ હોય તો તેમાં ક્શો બાધ નથી. અમિતા કટીબદ્ધ થઈ. મનને મક્કમ કર્યું. ત્રિભેટે આવી ઉભેલી અમિતાએ પોતાનો મનગમતો માર્ગ અપનાવવા નિર્ધાર કર્યો. નજર સમક્ષ હસતો મુકેશનો ચહેરો આવી ગયો. અમિતા શરામાઈ ગઈ. ત્યાં તો તેણે મુકેશનો લંબાયેલો હાથ જોયો !

વિચારોમાં ગરકાવ અમિતાએ મુકેશના લંબાવેલા હાથમાં પોતાનો હાથ થમાવી દીધો. સાહસ વિચારોમાં કર્યું હતું પણ હકિકતમાં અમિતા આખી શરમથી પાણી પાણી થઈ ગઈ. બે હાથ વચ્ચે મુખને છુપાવી દીધું. અમિતાના મુખારવિંદ પર સંતોષની આભા પ્રસરી રહી. તેને પોતાનો રાહ સ્પષ્ટ પણે નજર સમક્ષ જણાયો. તેમાં કઈ રીતે આગળ વધવું એ વિચાર માગી લે તેવી વાત હતી. મુકેશના મનમાં એ વસી ગઈ છે એ સત્ય તેણે તારવ્યું હતું. છતાં પણ ઉતાવળ કરવાની જરૂર ન હતી. મુકેશ વિષે વધારે જાણવું હતું. વગર વિચાર્યુંં કશું કરવું નહી કે પછી પસ્તાવાનો સમય આવે. અમૂલખનું પડખું પચીસ વર્ષ સેવ્યું હતું. પુરૂષના સ્વભાવથી તે થોડી પરિચિત હતી. કોઈ પણ બે વ્યક્તિ સમાન ન હોય તેનું તેને ભાન હતું. મુકેશને કરીબથી જાણવા કમર કસી.


Rate this content
Log in

Similar gujarati story from Romance