Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

હજાર વર્ષ પૂર્વે

હજાર વર્ષ પૂર્વે

18 mins
261


એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાએાએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ હતા. લોઢાના થંભ જેવી બળવાન કાયાઓ હતી. વેંત વેંતનાં કપાળ ઝગારા કરતાં હતાં. એકની આંખમાંથી તેજનાં ભાલાં છુટતાં હતાં. બીજાની આંખો અંધ હતી. અંધ વેરાગીને માથે ને મોઢે ધોળા રેશમ જેવી સુંવાળી લટો ચમકતી હતી. બન્ને બેઠા સ્નાન કરવા લાગ્યા.

નજીકમાં એક ઘોડેસવાર પોતાની ઘોડીને પાણી ઘેરતો હતેા. 'ત્રો ! ત્રો ! બાપ્પો બાપ્પો !' એવા નોખનોખા દોર કાઢીને ઘોડેસવાર ઘોડીને પાણી પીવા લલચાવતો હતો.

ઘોડીએ બે પહાડ જેવા બાવાએાનાં ભગવાં લૂગડાં જોયાં; ચમકવા લાગી, કેમેય માની નહિ. ઘોડેસવારે પીઠ થાબડી, ગરદન થાબડી; છતાંય ઘોડી ટાઢી ન પડી. એટલે એણે ફડાક ! ફડાક ! ફડાક ! એમ ત્રણ કુમચીના ઘા ઘોડીના અંગ પર ચોડી દીધા.

“અરરર !” અન્ધ બાવાના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. “ગજબ કર્યો આ ઘોડેસવારે ! આ ઘેાડી જો મારી હોત, તો હું ઘોડેસવારને જાનથી મારત.”

“કેમ, મોટા ભાઈ?” નાનાએ પૂછ્યું. 

“આ સભર ઘોડીના પેટમાં કેવો રૂડો પંચકલ્યાણી વછેરો છે ! આ નાલાયકે ચાબૂક મારીને એ વછેરાની ડાબી આંખ ફોડી નાખી; બહુ કરી !”

બાવાએાની વાતો સાંભળીને ઘોડીનો ખાસદાર થંભી ગયો. ઘોડીને દોરીને એ નગરમાં ગયો. જઈને એણે રાજાજીને સરોવરને કાંઠે બેઠેલા એ ચમત્કારી અંધ બાવાની વાત કહી.

વનરાજ ચાવડાના વંશનો છેલ્લો દીવો તે વખતે અણહિલપુર પાટણના સિંહાસન ઉપર ઝાંખો બળતો હતો. એનું નામ સામંતસિંહજી ચાવડો. સરોવરની પાળેથી એણે બાવાએાને દરબારમાં બોલાવ્યા. પૂછવામાં આવ્યું કે શી હકીકત બની.

“રાજા, તમારા ખાસદારે તમારી સભર ઘોડીના પેટ પર ચાબુક મારીને માંહી બેઠેલા પંચકલ્યાણી વછેરાની રતન સરખી ડાબી આંખ ફોડી નાખી. આખો ભવ એ વછેરો બાડો રહેશે.”

“શી રીતે જાણ્યું ?”

“વિદ્યાથી.”

“ખોટું પડે તો ?”

“મારી વિદ્યાની આબરૂને સાટે મારું માથું જ હું હમેશાં હોડમાં મૂકું છું. વિદ્યા ખોટી પડે તો જીવતરમાં શું રહ્યું !”

“માથું વાઢી લઈશ, હો ?”

“રજપૂત અને સાધુ માથાં હાથમાં લઈને જ ફરે છે, અને સ્વહસ્તે પણ વધેરી આપે છે.”

“આંહી તમારે રહેવું પડશે. આઠ દિવસમાં ઘેાડી ઠાણ દેવાની છે.”

“ કબૂલ છે, પણ સાચું પડે તો ?” 

“તો અરધું રાજપાટ અને મારી બહેન આપું.”

આઠમે દિવસે ઘોડીએ ઠાણ દીધું. આખી કચેરી જોવા મળી. અઢારે આલમ ટાંપીને બેઠી હતી. ત્યાં તો ગામમાં રણકાર ઊઠ્યો કે જોગીનાં વેણ સાચાં પડ્યાં ! સાચાં પડ્યાં !

રાજાએ પૂછ્યું : “જાદુગર છો ? ત્રિકાળજ્ઞાની છો ?”

“ના બાપ !” અંધ બાવો કહે : “જાદુગરેય નથી, ને. ત્રિકાળજ્ઞાનીયે નથી. શાળહોત્ર ગ્રંથ ભણ્યો છું. આંખો નથી એટલે અવાજ ઉકેલું છું. ફડાકો બેાલ્યો હતો તેનો અવાજ પારખીને ઘોડીના પેટની વાત વાંચી.”

રાણીવાસમાંથી કચેરીમાં કહેણ આવ્યાં કે સોનાબાએ એવા આંધળા ને બુઢ્ઢા જોગીની સાથે પરણવાની ના પાડી છે. તે વખતે જોગી પ્રગટ થયા: ટૂંકટોડા રાજના ધણી બે સોંલકી ભાઈઓ: નામે બીજ અને રાજ : ગોત્રહત્યા લાગેલી તેનું પ્રાયશ્ચિત્ત લેવા ગંગાજળની કાવડ ઉપાડી દ્વારકા રણછોડરાયજીને નવરાવવા જતા હતા. સોલંકી જેવું ઊંચું કુળ મળવાથી સોનાબાએ કબૂલ કર્યું. પણ મોટા ભાઈ બીજકુમાર બોલ્યા : “હું તો અંધ છું. મારે માથે હવે પળિયાં આવ્યાં. હું નથી પરણ્યેા, પરણવુંયે નથી. મરજી હોય તો મારા નાનેરા ભાઈને જમાઈ કરો.”

રાજની સાથે સોનાબાનો હથેવાળો થયેા. સોનાબાને ઓધાન રહ્યું. નવ મહિને દીકરો આવ્યો. પ્રસવ થાય તે વખતે જન્માક્ષર લેવા જોષીને બેસાડેલા. પ્રસવ થયે તેની બરાબર ઘડી લેવા માટે બહાર બેઠેલા જોષી પાસે ઓરડામાંથી દડી ફેંકવાની હતી. બાનડીએ દડી બે ઘડી મોડી નાખી, એટલે ખોટી ઘડી લેવાણી. જન્મોત્રીમાં ગણતરી કરીને જોષીએ નિસાસો નાખ્યો. માતાએ પુછાવ્યું : “કહો

જોષીરાજ ! જન્માક્ષર શું કહે છે?”

“કહે છે કે દીકરાનું મોઢું જોયે બાપનું મોત થાશે !”

સોનેરી પાંભરીમાં બાળકને વીંટાળવામાં આવ્યું. આંસુભરી આંખે માતાએ આજ્ઞા કરી : “એને વગડામાં નાખી આવો. ”

બાનડી નાખવા આઘે આઘે ગઈ: એક બખોલ દેખી, બાળકને ત્યાં નાખીને પાછી વળી.

તરતની જ વિયાયેલી એક વાઘણ પોતાનાં બે બચ્ચાંને એ બખોલમાં મૂકીને ભરખ ગોતવા ગયેલી પાછી આવીને બચ્ચાંને ધવરાવવા બેઠી. પાસે પડેલા બાળકને માથે એાર હતી તેથી તેને પણ પોતાનું બચચું માની ગોદમાં લીધું. એાર ચાટી લીધી. હેત ઊપજી ગયું. ત્રણે જણાં વાઘણના આંચળ ચસ ! ચસ ! ચસ ! ચૂસવા મંડ્યા. બચ્ચાને ધરવીને વાઘણ વગડામાં ચાલી ગઈ.

મોંસૂઝણું થયું. બે ભરવાડો નીકળ્યા. એમણે આ કૌતુક જોયું, બે વાઘનાં બચ્ચાં ને એક માનવીનું બચ્ચું ! એકબીજાને ચાટે છે ! માનવીનું બાળક હાથ-પગ ઉલાળતું ઘુઘવાટા દે છે. ત્રણેને ઉપાડીને ગોવાળિયા દરબારમાં લાવ્યા. આ કૌતુક કોણ સમજાવે ? પૂછો બીજ સોંલકીને !

માનવી બાળકને છાતીએ ચાંપતાં જ તરત આંધળો બીજ બોલ્યો : “ અહાહાહા ! મારું કાળજું ઠરીને હિમ થાય છે, બાપ ! આ બીજો કોઈ ન હોય, આ તો મારું જ પેટ !”

“શું બોલો છો, ઠાકોર ?”

“પુછાવો રાણીવાસમાં : સોનાબાને શું અવતર્યું ?”

રાણીવાસમાંથી ખબર આવ્યા કે મરેલું કાચું બાળક અવતર્યું હતું.

“એને ક્યાં નાખ્યું ?” 

"દાટી દીધું.”

"દાટવાની જગ્યા ખોદાવો.”

બાનડી ગભરાણી. એને ગરદન મારવાનો ડારો દીધો. રાણીમાતાએ કબૂલ કર્યું કે બાળક એના બાપનો કાળ હોવાથી વગડે મેલ્યો છે. ક્યાં મેલ્યા તેનો પત્તો લેવામાં આવ્યો. પાંભરી ઓળખાણી, નક્કી થયું કે એ તો રાજનો જ દીકરો. જોષીને મોડી ઘડી આપેલી હોવાની વાત બાનડીએ કબૂલ કરી લીધી. બીજ સોંલકીની પરીક્ષા ઉપર માણસો ગાંડાં બન્યાં.

“અરે, મારા બાપ! શું હું મારા પેટને ન ઓળખું ? એના શરીરના રૂંવાડે રૂંવાડે મારા કુળનું નામ લખાઈ ગયું છે. એ બધી તો આંધળાંએાને ઉકેલવાની ભાષા છે.”

રાજમાં નેાબતો ગડગડી, દેવળેામાં ઝાલર રણઝણી, ઘરે ઘરે લાપસીનાં આંધણ મુકાણાં.

વાઘણને ધાવનાર એ બાળકનું નામ પડ્યું મૂળરાજ.

રાજ ને બીજ એકલા રણછોડરાયને નવરાવવા દ્વારકાને માર્ગે ચાલી નીકળ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Classics