Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Valibhai Musa

Comedy Classics

3  

Valibhai Musa

Comedy Classics

ખરે જ, હદ કરી નાખી!

ખરે જ, હદ કરી નાખી!

9 mins
901


કરસનદા ભીંતને અઢેલીને ઉભડક પગ વચ્ચે આંગળાં ભિડાવેલા હાથ રાખીને ફર્શ ઉપર નજર ખોડીને શૂન્યમનસ્ક બેઠા હતા. તેમની બન્ને બાજુએ દીકરાઓ અને ઓરડાના ખૂણે વહુવારુ અને સાવ નિકટનાં સગાં શ્વેત વસ્ત્રે બેઠાં હતાં. છત ઉપર ફરતા પંખાના હળવા અવાજ સિવાય નીરવ શાંતિ હતી. સ્મશાનેથી ઘરે પાછા ફર્યા પછી ત્રાહિતોએ ખરખરો કરીને વિદાય લઈ લીધી હતી. વાતાવરણ બોઝિલ હતું. હમણાં જ ગંગામાને અગ્નિદાહ આપીને ત્રણેય દીકરાઓ પાછા ફર્યા હતા. કરસનદાએ સ્મશાને જવાનું ટાળ્યું હતુ અને સૌએ એમની વાતને સ્વીકારી પણ લીધી હતી. બધાંને ખબર હતી કે કરસનદા ગંગામાનો દેહ ભડભડ બળતો જીરવી નહિ શકે. ઘરમાં અને આખાય ગામમાં ગંગામા અને કરસનદાનો પરસ્પરનો સ્નેહ પ્રચલિત હતો. આ ઉંમરે તો સ્નેહ શબ્દ જ યથાર્થ ગણાય, પરંતુ જુવાનીમાં તો સૌ તેમને લૈલામજનૂની જોડી તરીકે જ ઓળખતાં હતાં.


નાનો દીકરો બાજુના ઓરડામાંથી આવીને સામે જ બેસતાં કરસનદાના ઢીંચણ ઉપર હાથ મૂકીને સહેજ હલાવતાં રડમસ અવાજે એટલું જ બોલી શક્યો, ‘બાપુજી…’.


કરસનદા ખામોશ જ રહ્યા. થોડીકવાર વાતવરણ એમ જ રહ્યું. સ્ત્રીવૃંદ અશ્રુભરી આંખે પ્રતીક્ષા કરી રહ્યું હતું કે કરસનદા કંઈક બોલે. જમણીપાએ બેઠેલા વચેટ દીકરાએ સહેજ ફરીને કરસનદાના ખભે હાથ મૂકીને કહ્યું, ‘બાપા, કંઈક તો બોલો.’


કરસનદાએ મૌન તોડતાં કહ્યું,’શું બોલું? ખૂબ જ ખોટું થયું!’


મોટા દીકરાએ જવાબ વાળ્યો, ‘આપ તો સત્સંગી જીવ છો. ‘જે જાયું તે જાય’ને સમજવાવાળા છો. બાનો આઘાત તો ઘરમાં બધાંયને, અરે, ગામ આખાયને લાગ્યો છે. એ પરોપકારી આત્મા શેં ભુલાશે!’


સ્રીવર્ગમાંથી ફોઈનો ગમગીન અવાજ આવ્યો, ‘કરસન, મારા વીરા, હળવો થઈ જા. બહાર મોકલી દીધેલાં છોકરાંને બોલાવીએ. તારે એમને સંભાળવાં પડશે અને તું જ આમ ઢીલો પડી જાય એ ચાલે ખરું?’


કરસનદાએ કહ્યું, ‘બહેના, હું થોડોક અસ્વસ્થ તો થઈ ગયો હતો, પણ હવે ઠીક છું. મારો કહેવાનો મતલબ હતો કે હું તારી ભાભીની અંતિમ ક્રિયામાં હાજર ન રહ્યો એ ખૂબ જ ખોટું થયું. ખેર, જે થયું તે થયું. છોકરાંને બોલાવી લો.’


છોકરાં આવ્યાં. કરસનદાસને બાઝી પડ્યાં. હીબકે હીબકે રડતાં છોકરાંને જોઈને વળી પાછાં સૌ રડવા માંડ્યાં. બાળકોની માતાઓથી તો પોક મુકાઈ ગઈ. હૃદયદાવક વાતાવરણ બની રહ્યું. કરસનદાએ છોકરાંને સંભાળી લીધાં. નાનકાને તો ખોળામાં લઈ લીધો.


સૌ મોકળા મને રડ્યાં. સૌ જંપ્યાં.


* * *


સમય સમયનું કામ કરતો હોય છે. કરસનદાએ ગંગાડોશીના વિયોગને અંતરમાં ધરબી દીધો હતો. ધીકતી કરિયાણાની દુકાન સંભાળતા વચેટ દીકરાએ અને બહોળી ખેતી સંભળતા મોટાએ બાપુજીની મરજી જાણીને ગામમાં જુદી કન્યાશાળા માટે ‘ગંગામા સરસ્વતી કન્યા વિદ્યામંદિર’ નામાભિધાને માતબર દાન આપ્યું હતું. હળીમળીને રહેતું સંયુક્ત કુટુંબ ગામમાં અને આજુબાજુના પંથકમાં સંપની મિસાલ હતું. કોલેજનો અભ્યાસ પૂરો થતાં નાના દીકરાને પરણાવી દીધો હતો. હવે તે સીધી ભરતીથી ક્લાસ વન અધિકારીની નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરતો હતો. કોઈક વાર જરૂર પડ્યે તે દુકાને અને ખેતરે જતો હતો. કરસનદા તો છેલ્લાં દસેક વર્ષથી નિવૃત્ત જીવન ગાળતા હતા. તેઓ નિરાંત સંપ્રદાયમાં જોડાયા હતા અને તેમના સમભાવી મિત્રો સાથે સત્સંગના મેળાવડાઓમાં અને ભજનના કાર્યક્ર્મોમાં ગામતરે પણ જતા હતા.


એક દિવસની આ વાત છે. સાંજના ચારેક વાગ્યાનો સમય હતો. મોટી વહુઓ બહાર ગઈ હતી. ઘરમાં નાની વહુ અને પોતે જ હતા. નાની વ્યવહારકુશળતામાં મોટી વહુઓના સહવાસે પળોટાતી જતી હતી. મોટીઓએ તો પ્રાથમિક શિક્ષણ જ મેળવ્યું હતું, પણ નાની હાયર એસ.એસ.સી.પાસ હતી. હજુ તેનામાં જોઈએ તેવી પરિપક્વતા આવી ન હતી. જેઠાણીઓ કરતાં વધારે ભણી હોવાનો થોડોક ગર્વ હોય તેવું કરસનદાને દેખાઈ આવતું હતું. ગંગામા હયાત હોત તો એ જલ્દી તૈયાર થઈ જાત, પણ જેઠાણીઓ એક મર્યાદાથી વિશેષ સલાહસૂચનો આપી શકતી ન હતી. કરસનદાએ મનોમન વિચારી લીધું કે હવે નાનીને કેળવવાની જવાબદારી તેમની પોતાની છે અને તેમણે પહેલો પાઠ ભણાવવા માટેનો પ્રારંભ કર્યો.


‘રમીલા, બહાર વરસાદ જામ્યો છે અને અને આજે મારી ગરમાગરમ કંઈક ખાવાની તીવ્ર ઇચ્છા થઈ છે. ઘરમાં ચણાનો લોટ તો હશે, થોડાંક લીલાં મરચાં જરા તેલમાં ડુબાડી દે ને!’


‘સીધું કહી શકાય નહિ કે મરચાનાં ભજિયાં બનાવ?’, તેણે છણકો કરતાં કહ્યું.


‘એ તો બેટા તારું કામ હળવું બનાવવા એમ કહ્યું. આપણા ઘરમાં મુક્ત વાતાવરણ છે. તેં જોયું હશે કે નાનાં પણ મોટાંને મજાકમાં બધું જ કહી શકતાં હોય છે.’


‘ખોટું લાગે તો માફ કરજો, બાપા; પણ મને આવી મજાક ગમતી નથી. વળી સસરા અને પુત્રવધૂ વચ્ચે કંઈક મર્યાદા તો જળવાવી જોઈએ ને!’


‘આપણે બાપબેટી છીએ તેવું હું માનતો હોઉં તો પણ મારે મર્યાદા રાખવી પડે?’


‘હા જ તો. ઘણી જગ્યાએ વિધુર સસરા અને રૂપાળી પુત્રવધૂના ભવાડા સાંભળવા નથી મળતા? મારી બાએ મને શિખામણ આપી છે કે જેઠદિયર કે સસરા સાથે એક મર્યાદા રાખવી. આપને હું એ કક્ષામાં નથી મૂકતી, પણ છએક મહિનામાં આજે પહેલીવાર તમે તેલમાં મરચાં ડુબાડી આપવા જેવી મજાક ઘરમાં કોઈ હાજર નથી ત્યારે કરી. મને લાગ્યું કે આપનું મારી નજીક આવવાનું આ એક બહાનું માત્ર છે. ભાભીઓની આવવાની રાહ નહોતા જોઈ શકતા?’


‘બેટા, તને ખબર છે કે તું એક મામુલી વાતને ક્યાંથી ક્યાં સુધી લઈ જાય છે?’


‘ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડીને માફી માગી લઉં છું, પણ આ તો મનમાં આવ્યું તે કહી દીધું.’ આમ કહેતાં રમીલાની આંખો વરસી પડી.


કરસનદાએ રમીલાના માથે હાથ મૂકીને રડતી અટકાવતાં કહ્યું, ’હવે રડીશ નહિ, દીકરા! મેં તો નિરાંત માર્ગની કંઠી બાંધી છે. કટુ વચનો સહી લેવાં અમારી આદત બની ગઈ હોય છે. તારી સાસુનું સ્થાન લઈને તને કેળવવાની મારી આ પહેલી કોશિશ હતી. જો રમીલા, માણસ માત્રને મરતાં દમ સુધી કંઈક ને કંઈક શીખવાનું હોય છે. આંખ અને કાન ખુલ્લા રાખીને માણસ ઘણું શીખી શકે છે. હાલ પૂરતી મારી એક વાત ધ્યાનથી સાંભળી લે, દીકરા. આપણી વચ્ચે આજે જે કંઈ વાત થઈ છે તેને આપણે બેઉએ ઘોળીને પી જવાની છે. વાતનું વતેસર થાય અને આપણી પ્રતિષ્ઠા પણ ખરડાય. ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા એકબીજા સાથે જોડાયેલાં છે, એકેયને ગુમાવ્યે પાલવે નહિ. તું આ વાત મારા દીકરાને પણ કહીશ નહિ. એ હજુ જુવાન છે, સંસ્કાર ઘડતરમાં પરિપક્વ થવાની એને હજુ ઘણી વાર છે.’


રમીલાએ સાડીનો પાલવ માથે નાખીને કરસનદાને પાયલાગણ કરી લીધું. કરસનદાએ ‘સુખી થા.’ કહીને આશીર્વચન આપ્યાં.


કરસનદા પોતાના ઓરડામાં પાછા ફર્યા. વાતનું સમાધાન તો થઈ ગયું હતું, પણ કરસનદાના મનનું સમાધાન થયું ન હતું. તેમને લાગ્યું કે તેમણે રમીલાને પૂરી પારખ્યા વગર ભજિયાં માટેની અલ્પોકિત દ્વારા મજાક કરી લેવાની ઉતાવળ કરી હતી. જો કે તેની વાત તો સાચી હતી, પણ તેનેય તેમના જેવું જ થયું હતું. તેણે પણ તેમને પારખ્યા વગર અનાપસનાપ બોલી નાખ્યું હતું. જો કે તેને તરત જ ખ્યાલ તો આવી ગયો હતો અને તેથી જ તો તે રડી પડી હતી અને તેમની માફી પણ માગી લીધી હતી. તેણે તો લંપટ વિધુરો વિષેની લોકમાન્યતાનો જ પડઘો પાડ્યો હતો. તેના આ વર્તનમાં તેનો જરાય દોષ ન હતો. વળી વધારામાં તે બિચારીના માનસમાં તો તેની બાએ જ શંકાશીલતાનું બીજ વાવ્યું હતું. તેમને લાગ્યું કે રમીલાના આવા બેહુદા વર્તાવે તેમની સહનશીલતાને જાણે કે પડકારી હતી. તેમણે મનોમન સંતોષ પણ માની લીધો કે હૃદયવિદારક ઘટના સામે તેમણે સ્થિતપ્રજ્ઞતા જાળવી રાખી હતી. નિરાંત સંપ્રદાયમાં દાખલ થયા બાદ કેટલાય સત્સંગો પછી તેમના ગુરુ મહારાજે કરસનદાનું ગુરુપદ સ્વીકાર્યું હતું, તેમના તામસી સ્વભાવને પારખીને જ તો તેમણે તેમને સહિષ્ણુતાનો ગુરુમંત્ર આપ્યો હતો. બે એક વર્ષ પહેલાં તેમના ગુરુએ તો દેહ છોડી દીધો હતો, પરંતુ તેમની ગુરુવાણી તો જીવંત હતી ને! તેમણે મનોમન ગુરુને પ્રણામ કરી લીધા.


કરસનદાએ રાત્રે સૂવા પહેલાં પ્રથમ ગુરુ અને પછી ઈશ્વરને સ્મરી લીધા. વળી પાછા તેમણે નિદ્રાધીન થવા પહેલાં રમીલાને તેનો અધૂરો પાઠ પૂરો ભણાવવા અને ઘરનાં બધાંયને વડીલો સાથે કેવું વર્તન કરવું તે શિખવવા માટે ભવિષ્યે એક ગતકડું કરી લેવાનો નિર્ધાર કરી લીધો હતો. આમેય કરસનદાને ઘરમાં અને મિત્રો વચ્ચે એકાદ બે મહિને ગમ્મત મજાક ખાતર કંઈક ને કંઈક એકાદુ ગતકડું કરી લેવાની આદત તો હતી જ.

* * *


કરસનદાની ગતકડું કરવાની આગલી રાત્રે થયેલી ઇચ્છાને પૂરી કરવા ટેલિપથી થઈ હોય તેમ બીજા જ દિવસે સવારે દસેક વાગ્યે સહાયક પાત્રની પધરામણી થઈ ગઈ હતી. એ મહેમાન હતાં અને સદભાગ્યે એ વખતે કરસનદા ઘરમાં એકલા જ હતા. કરસનદાએ અને આગંતુકે નિરાંત સંપ્રદાયની પ્રણાલિ પ્રમાણે સામસામાં વંદન કર્યાં અને જલ્દી જલ્દી કહી દીધું, ‘જુઓ બહેના, મારી ત્રણેય પુત્રવધૂઓ આડોશપાડોશમાં કે ક્યાંક ગઈ હશે. એ લોકોના આવી જવા પહેલાં હું આપને ટૂંકમાં જણાવી દઉં કે આપણે બેઉએ પાએક કલાક માટે એક નિર્દોષ નાટક ભજવવાનું છે. આપ બસમાં જ આવ્યાં હશો એટલે જ્યારે આપને જવાનું થશે, ત્યારે હું આપને બસ સ્ટેન્ડે વળાવવા આવીશ અને આ નાટકનો હેતુ સમજાવી દઈશ. આપે માત્ર મારી વાતના સમર્થનમાં હોંકારો જ ભરવાનો છે. આપ હોશિયાર છો, એટલે ઝાઝું સમજાવતો નથી. આપના આવવાથી ઝાંપો ખખડ્યો છે એટલે કોઈક ને કોઈ વહુ હમણાં આવ્યા ભેળી જ છે!’


કરસનદાની ધારણા સાચી પડી. ત્રણેય વહુઓ એક સાથે જ આવી ગઈ. તેમણે ઘરમાં પ્રવેશતાં જ અજાણ્યાં મહેમાનને વંદન કર્યાં.


કરસનદાએ કહ્યું, ‘દીકરીઓ, એમને માત્ર વંદન કર્યે નહિ ચાલે; પાયલાગણ કરીને એમના આશીર્વાદ લો.’


ત્રણેય જણે આગંતુકના પગે પડીને આશીર્વાદ મેળવ્યા.


કરસનદાએ ખોંખારો ખાતાં કહ્યું, ‘તમે લોકો પૂછો એ પહેલાં કહી દઉં કે આ સન્નારીનું નામ જ્યોતિ છે અને તમારાં માતા સમાન નવાં સાસુ છે. તમને લોકોને યાદ હશે કે એકાદ મહિના પહેલાં હું લાગલગાટ ત્રણ દિવસ ગામતરે હતો. અમારા નિરાંત સંતોનો મેળવડો તેમના આણંદ ખાતેના બંગલે જ હતો. તેમના દીકરા અમેરિકા રહે છે. તેઓ એક નોકરાણી બાઈ સાથે એકલાં જ રહે છે. અમારો એકબીજાંનો જીવ મળી ગયો અને અમે આજકાલ ખૂબ ચર્ચાય છે એ ‘લિવ ઇન રિલેશશિપ’ના સંબંધે જોડાયાં છીએ. હું કોઈ એવા દિવસની રાહ જોતો હતો કે હું મારા આ રહસ્યની જાણ ઘરમાં કરી દઉં. આજે એ દિવસ આવી ગયો. હવે અમારા આ પગલાથી તમને લોકોને કેવી લાગણી થઈ છે એ વારાફરતી જણાવો. દીકરાઓને રાત્રે પૂછી લઈશ. છોકરાં નિશાળેથી આવે ત્યારે તેમની મહેમાન તરીકેની જ ઓળખ આપવાની છે. ધીમે ધીમે તેમને હું સમજાવી દઈશ. મોટી બેટા કુમુદ, શરૂઆત તારે કરવાની છે.’


કુમુદે હસતાં હસતાં જવાબ વાળ્યો, ‘આપ વડીલ છો. આપ જે કંઈ કરો એમાં અમે ખુશ જ હોઈએ ને! આપે સારું કર્યું. આપ બેઉને એકબીજાંની હૂંફ મળી રહેશે અને આપની અમારા કરતાં વધારે સારી તકેદારી બા રાખશે.’


જ્યોતિબહેને જરાય સંકોચ રાખ્યા વગર કહ્યું, ‘બેટા, તું મોટી છે એટલે તારી પાસે આ જ શબ્દોની અપેક્ષા હતી.’


વચેટ માલિનીનો પ્રતિભાવ તો લાગણીસભર હતો. તેણે મલકતા મુખે ભાવવિભોર બનીને કહ્યું, ‘ગંગાબાના અવસાન પછી અમને હંમેશાં ચિંતા રહેતી કે આપ કદીય આમારાથી નાખુશ ન થાઓ. બાપા, આપની ખુશી એ અમારાં સૌની ખુશી રહેશે. આપણે બધાં સંપથી સાથે રહીને સુખી રહીશું.’


એકદમ હતપ્રભ બની ગયેલી રમીલાએ તો શરમાતાં શરમાતાં એટલું જ કહ્યું, ‘હું બંને ભાભીઓ સાથે પૂરેપૂરી સંમત છું. જુઓને માતુશ્રી, આપને તો પાણીનુંય પૂછ્યું નહિ. હું પાણી લઈ આવું.’

‘ના બેટા, હવે તો આ મારું જ ઘર છે ને! મારી ઇચ્છા થશે ત્યારે હું જાતે જ પી લઈશ.’


કરસનદાના ચહેરા ઉપર મલકાટ હતો. એમને સંતોષ હતો કે નાટક ધારવા કરતાં વધારે સારી રીતે ભજવાઈ રહ્યું હતું. તેમણે વિચાર્યું કે તેમનો આ હળવો ડોઝ માત્ર પુત્રવધૂઓ પૂરતો જ હતો અને તેથી જ રાત્રે દીકરાઓ ભેગા થવાની રાહ જોયા વગર હમણાં જ નાટકને સમેટી લેવાનું હતું.


કુમુદે ઊભી થવા જતાં કહ્યું, ‘પણ બા, કંઈક નાસ્તો તો લઈ આવું ને,’


‘ના, આપણે પહેલી મુલાકાત છે એટલે થોડીક વાતો કરી લઈએ. વળી હા, હું શું કહેતી હતી કે સાંજે જે રસોઈ બનાવવી હોય તે બનાવી લેજો; પણ ગરમાગરમ ભજિયાં તો હું જ બનાવીશ.’


‘ભજિયાં’ શબ્દ સાંભળીને નાની રમીલા તો ચમકી જ ગઈ. તેના મનમાં ચિંતા પેઠી કે બાપાએ બાને મારી ભજિયાંવાળી વાત કહી દીધી તો નહિ હોય ને!


કરસનદા તો જ્યોતિબહેનની ભજિયાંની દરખાસ્તને ગુરુજીનો ચમત્કાર જ સમજી બેઠા. પરંતુ જ્યોતિબહેને તો આપમેળે સહજ ભાવે જ એમ કહ્યું હતું. મહિના પહેલાંના તેમના ત્યાંના સત્સંગમેળામાં ભક્તોએ ભજિયાંને ખૂબ જ વખાણ્યાં હતાં.


કરસનદાએ મોં ગંભીર રાખીને હળવેથી કહ્યું, ‘જ્યોતિબહેન, હવે બસ કરીશું?’


ત્રણેય પુત્રવધૂઓનાં મુખડાં કરસનદાના આ વિધાનથી આશ્ચર્યભાવે પહોળાં થઈ ગયાં. તેમને જલદી ન સમજાયું કે બાપાએ ‘જ્યોતિ’માંથી ‘જ્યોતિબહેન’નું સંબોધન કેમ બદલી નાખ્યું અને વળી ‘હવે બસ કરીશું?’નો શો અર્થ? આમ છતાંય બધાંને સમજાવવું પડ્યું નહિ કે હકીકત શું હતી! આ પ્રહસનના પ્રેરણાસ્રોત સમી રમીલા તો હર્ષાશ્રુ સાથે અટ્ટહાસ્ય કરી લેતાં બોલી ઊઠી, ‘બાપા, તમે લોકોએ તો ખરે જ, હદ કરી નાખી!’


Rate this content
Log in

Similar gujarati story from Comedy