Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddha Bhatt

Others

3  

Shraddha Bhatt

Others

પિતૃ આશ

પિતૃ આશ

5 mins
7.0K


“બાબા મેરે લિયે ફૂલોકા ગુચ્છા જરૂર લાના. જલ્દી આના બાબા.” સિપાઈ પવનકુમારના મનમાં રહી- રહીને એની નાની ઢીંગલી જેવી દીકરી પારોના શબ્દો ગુંજતા હતા. પોતાના પરિવારને મળીને એ ઇન્ડિયન આર્મીનાં પરિવહન કેમ્પમાં પાછો આવ્યો હતો. અહીંથી એ પોતાના બીજા સાથીદારો સાથે અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ માટે રવાના થવાનો હતો. સવાર પડતાં જ બધાં સૈનિકોનાં બૂટના માર્ચપાસ્ટનો અવાજ આખાય કેમ્પમાં ગુંજવા લાગ્યો. વાતાવરણમાં અજીબ પ્રકારનો ભાર વર્તાતો હતો. પોતાનાં પરિવારજનોથી છૂટાં પડવાનું દુઃખ બધાં જ સૈનિકોનાં મનમાં હતું. વતન પ્રત્યેની ફરજ અને પરિવાર પ્રત્યેની લાગણી- આ બંને વચ્ચે ખેંચતાણ અનુભવતા સૈનિકો અજબ મનોદશામાંથી પસાર થઇ રહ્યા હતા. એમાંનું કોઈ પોતાની પત્ની અને બાળકોની, કોઈ માતા- પિતા અને ભાઈ- ભાંડુઓની તો કોઈ પોતાની પ્રિયતમાની યાદોને સાથે લઈને બોર્ડેર પાસેની જગ્યાઓ પર તૈનાત થવા જઈ રહ્યા હતા.

પવનકુમાર પણ એમાંનો જ એક સૈનિક હતો. ઉત્તરાખંડનાં નાનાં એવા ગામમાં એનો પરિવાર રહેતો હતો. પત્ની ઉષા અને ચાર વર્ષની દીકરી પાર્વતી- પારો. નાની પરી જેવી પારો પોતાની કાલીઘેલી વાતોથી બધાનું મન મોહી લેતી. પવન માટે તો એ એની જાન હતી. પવનને હજી પણ યાદ છે પારોના રડી-કકળીને કરેલા ધમપછાડા જયારે એને ખબર પડી કે એના બાબા “ડ્યુટી” પર જવાના છે. પારોના નાનકડાં દિમાગમાં “ડ્યુટી”નો અર્થ હતો, ઘણાં દિવસો સુધી બાબાની ઘરમાં ગેરહાજરી. એને સમજાતું નહોતું કે હજી એક દિવસ પહેલાં “ડ્યુટી” પરથી પાછા આવેલા બાબા ફરી ત્યાં શું કામ જાય છે? આ જ ગડમથલમાં પારોને રડવું આવી ગયું હતું. પવનને ખબર નહોતી પડતી કે કઈ રીતે પારોને સમજાવે! ત્યારે જ ઉષા મદદે આવી. ઉષાની સમજાવટથી છેવટે પારો પવનને જવા દેવા તૈયાર થઇ હતી. પણ સાથે જ પાછા વળતાં પોતાને માટે ફૂલોનો ગુચ્છો (પારોને ગુલદસ્તો બોલતાં નહોતું આવડતું.) લઇ આવવાની શરત સાથે. પારોને ફૂલો ખૂબ જ પસંદ હતાં. એમાં ય સૂરજમુખીનું ફૂલ તો એનું મનપસંદ હતું.

પરિવહન કેમ્પમાં લશ્કરી ચોકસાઇ સાથે પ્રત્યેક સૈનિકનાં આઈડેન્ટિટી કાર્ડ ચેક થયા પછી સૈનિકો બસમાં બેસીને ભારત- તિબેટ સરહદનાં માર્ગ પર રવાના થયા. સરહદ અને હિમાલયનાં શિખરો એકમેક સાથે તાલ મિલાવતા સફર કાપતા હોય એમ લાગતું હતું. પવન અને એના બીજા સૈનિકો માટે તો આ સફેદ આચ્છાદિત ગિરીશિખરો જ હવે પછીનાં દિવસોનાં સાથી બની રહેવાના હતા. સરહદ પાસે થઈને વહેતું નદી જેવું જ પણ એનાથી થોડું સાંકડું વહેણ ભારત અને ચીનને અલગ પાડતું એકમાત્ર પરિબળ હતું.

નદીનાં ચોખ્ખા વાદળી પાણીનો વિશાળ વિસ્તાર સૈનિકોની સાથે ક્યારનો જોડાઈ ગયો હતો. જાણે કે, સૈનિકોની સાથે આખી સફર દરમિયાન કંપની આપવા માંગતો હોય! પોતાનાં ઘરની યાદોને વાગોળતાં, બસમાંથી બહાર જોતાં પવનને એક અજબ વિચાર આવ્યો. એને થયું કે નદી તો એમની સાથે જ ચાલે છે, પણ એનું પાણી વિપરીત માર્ગે વહી રહ્યું છે. જેમ- જેમ સૈનિકોનો કાફલો એમને પોતાનાં વતનથી દૂર લઇ જાય છે, તેમ- તેમ નદીનું વહેણ ઝડપથી નીચેની તરફ જાય છે- પરિવહન કેમ્પ સુધી અને કદાચ પોતાનાં ઘર સુધી! પવનને હસવું આવી ગયું પોતાનાં જ આવા વિચાર પર!!

થોડી જ વારમાં ટેકરીઓનો ઢોળાવવાળો ભાગ શરુ થઈ ગયો. નદીનું વહેણ કોતરોમાં થઈને પાછળ રહી ગયું. આગામી વળાંક પર ધુમ્મસનો એક ગાઢ પડદો બનેલો હતો. કાફલો ધીમે પણ ચોકસાઈથી આગળ વધતો હતો, કેમ કે ધુમ્મસને કારણે આગળ જોવું ખૂબ કઠીન થઇ રહ્યું હતું. અચાનક પવને બારીની બહાર હાથ કાઢ્યો. “એ પકડાઈ ગઈ!!” એ જોરથી બોલ્યો. બેબાકળો થઈને એ બારીની બહાર ધુમ્મસમાં હાથ ફંફોસવા લાગ્યો. એના સાથીએ એને હલાબલાવ્યો, ત્યારે જ એને ખબર પડી કે એ પોતાનાં ઘરે નહીં, પણ બસમાં બેઠો છે! પારોને ધુમ્મસ ખૂબ ગમતું. વહેલી સવારનાં આછાં ધુમ્મસમાં એ પોતાના બાબા સાથે છૂપાછૂપી રમતી. પારોને એમ થતું કે ધુમ્મસમાં બાબાને કંઈ દેખાશે નહીં અને એ પોતાને શોધી નહિ શકે! પવન પણ એની આ માન્યતાને હંમેશા સાચી જ પાડતો. બંને કલાકો સુધી ઘરથી દૂર ટેકરી પર રમ્યા કરતા. છૂપાછૂપી, પકડ દાવ, કુંડાળાની રમત... આવું તો ઘણું ય. પવન જાણે પોતાની ગેરહાજરીની બધી કસર પૂરી કરવા માંગતો હોય એમ પારોની સાથે ને સાથે જ રહેતો. પારોની મીઠી યાદથી પવનનું મન ભરાઈ ગયું. એમાં મનનો પડઘો પડતો હોય એમ એક બેચેનીભરી શાંતિએ આખી બસને ઘેરી લીધી. ધુમ્મસનાં વાદળો વચ્ચે નદીનાં પાણીનાં ફીણ દેખાતા હતા. સાંકડી કોતરોમાંથી આવતી નદીનું વહેણ હવે સાવ સાંકડું થઇ ગયું હતું. આખા વાતાવરણમાં એનો ખળખળ વહેતો અવાજ પડઘાતો રહ્યો. ઢોળાવવાળા માર્ગ પર નદીનાં ફીણનો અવાજ સેંકડો મીટર નીચેથી ગર્જના કરતો સંભળાઈ રહ્યો હતો.

વાતાવરણનું ધુમ્મસ સૈનિકોનાં મનનાં ખૂણામાં છુપાયેલી યાદોનું ઉચ્છેદન કરી રહ્યું હતું. બસ ધીરે- ધીરે પોતાના માર્ગ પર આગળ વધી રહી હતી. છેવટે અત્યંત ચમકદાર કોટ પહેરીને ઉભેલી હોય એવી સફેદ બરફની ચાદરથી છવાયેલી ટેકરીઓ નજરે ચડી. અહીંથી ચઢાઈ શરૂ થવાની હતી. બધાં સૈનિકોની સાથે પવન પણ નીચે ઉતર્યો. ઝટપટ એ પોતાનાં જેકેટ(ઠંડા વાતાવરણ માટેનું ખાસ રીતે તૈયાર કરાયેલું), ગોગલ્સ, સ્નો બૂટ અને પીઠ પર રક્સેક સાથે તૈયાર થઇ ગયો. આ રક્સેકમાં બહુ ઓછો પણ જરૂરી સમાન જ હોય; જેમ કે કપડાંની જોડ, સ્લિપિંગ બેગ, થોડાં પુસ્તકો અને બીજી થોડી ઘણી વસ્તુઓ. પવને પોતાનાં હથિયાર લઇ લીધા અને શિખર પર ચઢાણ માટે સજ્જ થયો. આ કપરાં ચઢાણની શરૂઆત માટે બધાં જ સૈનિકો આદેશની રાહમાં હતા, ત્યાં જ પવન પોતાની લાઈન તોડીને બહાર આવ્યો. પેલી નદીનાં વહેણ પાસે બેસીને એણે પોતાની બેગમાંથી એક ડાયરી કાઢી. એમાંથી એક પાનું ફાડીને નાની એની હોડી તૈયાર કરી.

કહે છે ને કે ઝંખના અને આશા આગળ તર્ક નબળો પડે છે. પવને પોતાનાં ઘરથી કેમ્પ તરફ આવતાં રસ્તામાંથી તોડેલું સૂરજમુખીનું ફૂલ એ હોડીમાં રાખ્યું– પોતાની પારો માટે નાની એવી ભેટ. નદીનાં વહેણ સાથે એણે પહાડી ભાષામાં કઈંક વાત કરી અને હોડીને તરતી મૂકી દીધી. એક જ આશા સાથે કે આ હોડી નદીનાં વહેણ સાથે કોતરોમાંથી પસાર થતી, ફીણવાળાં પાણી સાથે હિલોળા લેતી પોતાના ઘેર જઈને પારો પાસે પહોંચશે!

પરિવહન કેમ્પ અને બોર્ડેર વચ્ચેનાં આ રસ્તા પર વહેતું નદીનું વહેણ સાક્ષી છે પ્રેમની, અદભૂત અનુભવોની અને સૈનિકોની આશાઓની એવી રોમાંચક વાતોની જે હંમેશા માટે બર્ફીલી ચાદરમાં સચવાઈને રહેવાની છે. આવી જ એક કથા છે આ.

 


Rate this content
Log in