Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

વેરની સજાવટ

વેરની સજાવટ

5 mins
420


ઘરે આવીને મહીપતરામે પત્નીને વાત કરી. પત્નીએ પિનાકીને આ હર્ષના સમાચાર આપ્યા. પિનાકીએ ફરીથી પૂછ્યું: "ક્યાંના ઠાકોર સાહેબ?"

"વિક્રમપુરના. ન ઓળક્યા, ભાણા? આપણી જોડે ભેખડગઢ થાણામાં દાનસંગજીકાકા હવાલદાર નહોતા? તેની દીકરી દેવુબા નહોતી? તેની વેરે લગ્ન કરનારા રાજા."

પિનાકી ત્યાંથી ઊઠીને ચાલતો થયો. 'મારે એ સ્કોલરશિપ નથી જોઇતી' એવું કશુંક એ બડબડતો હતો.

વળતા દિવસે રાતના અગિયાર વાગે હાઇસ્કૂલના હેડમાસ્તર મહીપતરામને ઘેર આવ્યા. પિનાકી સૂઇ ગયો હતો તેને જગાડવામાં આવ્યો.

હેડમાસ્તરે પૂછ્યું: "તને ગયા મેળાવડા વખતનો 'સિકંદર ને ડાકુ'નો સંવાદ મોંએ છે?"

"ફરી જરા ગોખી જવો જોઇએ. કેમ?"

"આજે રાતોરાત મોંએ કરી જઇશ?"

"ખુશીથી."

"તો કરી કાઢ. કાલે હાઇસ્કૂલમાં વિક્રમપુરના ઠાકોર સાહેબ પધારે છે; આપણે સમારંભ કરવાનો છે."

પિનાકીએ બગાસું આવ્યું. એનું મોં ઉતરી ગયું.

"હવે સુસ્તી ન કર. જા, પાણી પી લે: અથવા માને કહે કે ચા કરી આપે. સંવાદમાં તારો ડાકુનો પાઠ પાકો કરી નાખ. ઠાકોર સાહેબનાં નવાં રાણીને હાથે જ તમારાં ઇનામો વહેંચાવવાનાં છે. તું પહેલું ઇનામ જીતવા પ્રયત્ન કર."

છેલ્લી વાત સાંભળીને પિનાકી ઝાંખો પડ્યો. એનાં ઊંધબગાસાં તો ઊડી ગયાં, પણ એના મોં પણ કોઇ તમાચો પડ્યો હોય તેવી ઊર્મિ તરવરી નીકળી.

"ઊઠ, ભાઇ; મને તારા પર શ્રધ્ધા છે. તું કાલે મેળાવડાને રઝળાવતો નહિ. ને મારે હજુ બીજા છોકરાઓને પણ કહેવા જવું છે. થઇ જા હોંશિયાર જોઉં? મારી આબરૂ તારે રાખવાની છે, હોં કે!" એમ બોલી હેડમાસ્તર બહાર નીકળ્યા. પિનાકીને મન એ દૃશ્ય અતિ દયામણું હતું. હેડમાસ્તર વાઘ જેવા ગણાતા. એનો રૂઆબ એક જેલર જેવો ઉગ્ર હતો. એની પ્રતાપી કારકીર્દીનું માપ એણે વિદ્યાર્થીઓના વાંસામાં ભાંગેલી સોટીઓની સંખ્યા પરથી નીકળતું. એની સામે છોકરાઓ આંખ ઊંચકી ન શકે એ હતી એની મહત્તા. અગિયારના ટકોરા પછી કોઇ વિદ્યાર્થી શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ પણ ન કરી શકે. એનો આદેશ એટલે લશ્કરી હુકમ.

હાઇસ્કૂલના ચોગાનમાં તો શું પણ ચોગાન ફરતી વંડીની નજીક પણ શહેરનો કોઇ રઝળુ ઠેરી શકતો નહિ. વંડી પરથી સિસોટી મારનાર ત્રણ ગુંડાઓને હેડમાસ્તરની સોટીની ફડાફડીએ રાડ પડાવી હતી. પોલીસ પણ એની શેહમાં દબાતી. આવા કડપદાર હેડમાસ્તરનું મોડી રાતે પિનાકી પાસે આવવું, એ પિનાકીના ગર્વની વાત બની. એની આબરૂ પિનાકીની મૂઠીમાં આવી ગઇ. બત્તી તેજ કરીને તે ડાકુનો પાઠ કંઠે કરવા લાગ્યો.

આવતી કાલ પિનાકીના કિરણ-ચમકાટની કાલ હતી. એ વિચારે મહીપતરામને અને એમનાં પત્નીને પણ ઊંઘ ન આવી. આધેડ વયનાં ધણી-ધણિયાણી ધીરે સાદે વાતોએ વળગ્યાં.

"કેવો કડકડાટ અંગરેજી બોલે છે ભાણો? બાલિસ્ટર બનશે."

"ના, મારે તો એને દાક્તર બનાવવો છે."

"એ મડદાં ચીરવાનો નરક-ધંધો મારા ભાણાને નથી કરવા દેવો."

"કોને ખબર છે, એ તો કાલે દેવુબા એને ઓળખશે, એટલે કદાચ પોતાના રાજમાં જ એને કોઇ મોટો હાકેમ બનાવી લેશે."

"ગાંડી રે ગાંડી! એ દેવુબા જુદી હતી: આજની દેવુબા જુદી હશે."

"હેં! ભેગાં રમતાં'તાં તે વીસરી જશે."

"એવાં તો કૈક છોકરાં ભેળાં રમતાં હતાં."

"પણ ભાણાની જોડે એની માયા તો અનોખી જ હતી."

આવા વાર્તાલાપને પોતાના કાનથી વેગળા રાખવા પિનાકી મોટા હાકોરા પાડીને પાઠ ગોખવા લાગ્યો. તેના શબ્દોચ્ચારો દીવાલોને સજીવન કરતા હતા. એનો સીનો, એની હાથકડીમાં જડેલા હાથનો અભિનય, એનું પડકારતું મોં, એની પહોળાતી અને ઊપસતી છાતી - તમામના પડછાયા ચૂનાબંધ દીવાલ પર વિગતવાર અંકાતા હતા. રૂપેરી પડદા પર જાણે નાટક રચાતું હતું. અધૂકડાં બીડેલાં બારણાંની આરપાર ધણી-ધણિયાણી બાજુના ઓરડાની ભીંતો પર પિનાકીના દેહ-મરોડો નિહાળતાં-નિહાળતાં ઊંઘી ગયાં. ને મોડી રાત સુધી પિનાકીએ દેવુબા પર કટ્ટર બદલો લેવાની સજાવટ કરી, પછી એ ઊંઘવા મથ્યો; પણ ઊંઘ ન આવી.

મેળાવડામાં જવા પિનાકી ઘેરથી નિકળ્યો ત્યારે મોટીબાએ એની વાંકડિયા વાળની લટો સમારતાં સમારતાં કહ્યું: "ભાણા, રાણીસા'બ તને બોલાવે તો પૂછજે હો - કે, મારાં મોટીબાને આપની પાસે બેસવા આવવું છે, તો ક્યારે આવે? ને જો આપણે ઘેર પધરામણી કરવાનું માને તો તો રંગ રહી જાય, હો દીકરા! બધી વાત તારા હાથમાં છે."

'એવી નપાવટ સ્ત્રીને આપણે ઘેર લાવીને શું કરવું છે?' આવું કશુંક બબડતો બબડતો ભાણો સાઇકલ પર છલાંગ્યો. મોટીબાએ પોતાના ઘરના ઊંચા ઓટા પર ઊભીને ભાણાને જતો નિહાળ્યો. કાળી કાળી ઘોડાગાડીઓના મૂંગા પૈડાંની વચ્ચે થઇને સફેદ કોટપાટલૂનમાં સજજ થયેલું એ ફૂટતું જોબન સાઇકલને છટાથી રમાડતું સરતું હતું. રાજકોટ શહેરની સોહામણી બાંધણીમાં એ રૂપ રમતું જતું હતું. જ્યુબિલી બાગને નાકે ટટાર ઊભેલો પોલીસ પિનાકીને સલામ કરતો હતો. રાવસાહેબ મહીપતરામની વીરતાએ એજન્સીના સિપાઇઓને એક નવી જ ખુમારીનો પ્યાલો પાયો હતો. સિપાઇઓ વાતો કરતા હતા કે, 'ભાણાભાઇ તો રાવસાહેબથી સવાયા થવાના. નાશક જઇને પોલીસ-પરીક્ષા આપે, તો હાલ ઘડી ફોજદારની જગા મળે.'

"હમણાં હમણાં છ મહિનામાં તો ઠીકઠીકનું ગજું કાઢી ગયો છે જુવાન!"

"એને માથે પંજો છે."

"કોનો?"

"રૂખડિયા દેવનો."

"રૂખડિયો દેવ?"

"હા, ઓલ્યો રૂખડ શેઠ ફાંસીએ ગયો ને, તે દેવ સરજ્યા છે. રાવસાહેબના ભાણાભાઇ ઉપર એને માયા રહી ગઇ'તી. સાંભળ્યું છે કે એની પીરાણી ઘોડી લઇને રૂખડદેવ આંહીં 'ગાડા વડ' પાસે આવે છે ને ભાણાભાઇને સવારી શીખવે છે."

"એ તો ગપાટા. પણ રૂખડની ઓરત એક બે વાર આંહીં આવી ભાણાભાઇને મળી ગયેલી, ને ક્યાંક તેડી પણ ગયેલી.

"એ તો બાર'વટે નીકળી ગઇ છે ને?"

"હા, ને ખુદ પ્રાંત-સાબને જાસા કહેવરાવે છે કે, જાગતો રે'જે, છાતીએ ચડીને મારીશ."

"એ જ લાગનો છે ભૂરિયો. સવારીમાં ધંધો જ એનો એક હોય છે ને?"

"આ બાઇની પણ છેડતી કરી હશે?"

"સાંભળ્યું તો છે."

"શું?"

"બાઇ આપણા સુપરીટન સા'બની ચીઠ્ઠી લઇ રાવે ગયેલી. ભૂરિયે હદ-બેહદ રૂપ દીઠું; ચક્કર ખાઇ ગયો. એકલી અરજે બોલાવી હશે. નધણિયાતી જાણીને બેઅદબ બન્યો હશે. એટલે બાઇ કાળી નાગણ બની છે. લાગ ગોતી રહેલ છે."

"ભૂરિયાનોય દી ફર્યો છે ને? કુત્તાઓ ભૂતખાનું ખોલીને બેઠા છે, તોય શા સારુ ઓખર કરવા નીકળે છે?"

"ચૂપ! ચૂપ!"

'ભૂતખાનું' શબ્દ રાજકોટના વાતાવરણમાં એક ભયાનક, ભેદી, અકળ, ભાવની, ગંધ પ્રસરાવતો હતો. 'ફિમેસન'નો લૉજ 'ભૂતખાનું' નામે ઓળખાતો. ઘણું કરીને એ વર્ષોમાં આવો લૉજ કાઠિયાવાડમાં એ એક જ હતો. ત્યાં મહિના અમુક અમુક દિવસે જે ક્રિયાઓ થતી, તેની ચોપાસ ગુહ્યતાની ચોકીદારી રહેતી. એજન્સીના મોટા મોટા અધિકારીઓ, ગોરા સાહેબો ને કેટલાક રાજાઓ તેના સભ્યો હતા; એટલે ક્રિયાની રાત્રિએ ત્યાં પોલીસોના કડક પહેરા મુકાતા. આ અણસમજુ પહેરેગીરોની કલ્પના અને વહેમવૃત્તિ આવી ક્રિયાની હરએક રાત્રિએ સળગી ઊઠતી. ભૂતખાનામાં મેલા પ્રકારના વિલાસો રમાય છે, ને એનું રહસ્ય બહાર પાડનારની ગરદન કાપવાનો આદેશ છે; તેની પાછળ પણ આવો જ કોઇ ભેદ હોવો જોઇએ, એવા તર્કવિતર્કો પોલીસો કરતા. વાતો કરતાં કરતાં પણ થથરી ઊઠતા.

વાતો કરતા પોલીસ હોશિયાર બન્યા, કેમકે ઘોડાઘાડીના ધ્વનિ ગુંજ્યા. ચાર ઘોડા જોડેલી ખુલ્લી ગાડી રબરનાં પૈડાં પર રમતી આવી. ઘોડાના ડાબલાએ પાકી સડક ઉપર મૃદંગો બજાવ્યાં. આગળ ઘોડેસ્વારો, પાછળ ઘોડેસ્વારો, સવારોના રંગબેરંગી પોશાક, ગાલો પર સાંકળીઓ, ચકચકિત લોખંડની એડીઓ, બાહુ પર ખણખણતી લાંબી કીરીચો ને હાથમાં નેજાળા ભાલા: એવી રાજસવારીઓ રાજકોટને સવિશેષ સોહામણું બનાવતી હતી.

આ 'ફેટન' પસાર થઇ ગયા પછી પોલીસનું મંડળ ફરીથી બંધાયું. ને ચર્ચા ચાલીઃ "વિક્રમપુરના ઠાકોર સાહેબ."

"નવું પરણેતર."

"મલાજો આજથી કાઢી નાખ્યો."

"દેવુબાનાં તો રૂપ જ બદલી ગયા."

"રાજનું સુખ કેને કે' છે?"

"આ બૂઢાની સાથે રાજનું સુખ?"

"માનવી! આ-હા-હા-હા!" એક પોલીસે તત્ત્વજ્ઞાન છોડ્યું: "માનવી પોતે તો ચીંથરું જ છે ના! શી આ છોકરીની સૂરત બની ગઇ! ભીનો વાન હતો, તેને ઠેકાણે ગુલાબની પાંદડિયું પથરાઇ ગઇ, મારા બાપ! હા!હા!હા!"

"એમાં નિસાપા શીના નાંખો છો, દાજી!"

"તાલકું! તાલકું!" કહીને તત્વજ્ઞાનીએ લલાટ ઉપર આંગળી ભટકાવી.

ને રાજસવારી હાઇસ્કૂલના ચોગાનમાં વળી ગઇ. ઘોડાઓએ અજબ સિફતથી કૂંડાળું ખાધું.

પોશાક પહેરવા ખંડની અંદર પિનાકીના કલેજામાં તે વખતે ધરતીકંપ ચાલતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Classics