Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

આજે પણ એવું જ

આજે પણ એવું જ

4 mins
14.6K


ગુલબાનુના લગ્ન જ્યારે ગોવિંદ સાથે થયા ત્યારનો સમય અલગ હતો. ગુલબાનુના માતાપિતા અને ગોવિંદના માતાપિતા સાખ પાડોશી હતા, મિત્રતા એક ઠેકાણે અને લગન પછીનો સંબંધ એ બન્નેના કાટલા અલગ ! રતલના કાટલા અને કિલોના કાટલા જોઈ લો ! હવે તમે સમજી શકશો કે કેવો ધરતીકંપ થયો હશે? અરે, ગુલબાનુએ નાનપણમાં ગૌરી વ્રત પણ કર્યા હતા. ગોવિંદની બહેન ગોપી સાથે તે બધા તહેવાર ઉજવતી. ત્યારે કોઈને કશું અજુગતું લાગતું નહીં. ઈદના દિવસે ગૌરી આખો વખત ગુલબાનુને ત્યાં હોય !

આ તો બાળકોએ ગાંઠ પાકી કરવાનું નક્કી કર્યુંં હતુંં. બચપનથી સાથે રમીને મોટા થયાં થતાં. પગથિયાંથી, ગિલ્લી દંડાની રમત બધાં સાથે રમતાં, ઝઘડો થાય, પણ સુલેહ અને સંપ થતા વાર લાગતી નહીં !

ગુલબાનુ છોકરીઓની શાળામાં જાય અને ગોવિંદ છોકરાઓની. માત્ર રજા હોય ત્યારે સાથે રમવાનો પ્રસંગ સાંપડે. ગોવિંદને ગુલબાનુના લાંબા બે ચોટલા બહુ ગમતા. જેને કારણે ગુલબાનુ હંમેશાં બે ચોટલા વાળતી. વાન થોડો ખુલતો પણ થોડો ગોવિંદ જેવો ખરો. તેની કાળી આંખો અને અંદર ચકળ વકળ થતી બે કીકી ગમે તેટલી ભીડમાં ગોવિંદને શોધી શકતી. ગોવિંદને જોયા પછી જે હાશ અનુભવતી તેની મીઠાશ ગોવિંદ માણતો. આ જુવાનીનો મુછનો દોરો ફૂટ્યો તે પહેલાની વાત હતી.

કૉલેજ નસિબજોગે એક હતી. બન્નેને સમય સાથે ગાળવાનો મોકો મળતો. ગુલબાનુ ગોવિંદને ઘરે ગમે તે સમયે છૂટથી જતી આવતી. અરે ગોવિંદની માને ગુલબાનુ મુસલમાન હોવા છતાં રસોડામાં આવે તેનો બાધ ન હતો. માત્ર કૃષ્ણના મંદિરને અને પાણિયારાને તે ન અડકે તેવી સવચેતી રાખતી. ગોવિંદના પિતા બધો તાલ જોતાં પણ મુખેથી કાંઇ બોલતા નહીં. તેમને થતું આ લોકો જોડે દોસ્તી છે તે સારી. મનમાં પણ નહોતું સ્ફૂર્યું કે આ દોસ્તી બીજી દિશામાં પણ જઈ શકે ! આ એ જમાનો કે જ્યારે ‘અલ કાયદા’ અને ‘ટેરરીઝમે’ જન્મ પણ નહોતો લીધો. છતાં પણ હિંદુ અને મુસલમાનના લગ્નને બહુ માનથી જોવામાં ન આવતાં. છોકરી ગરીબ ઘરની કે પૈસાવાળાની હોય તો ચાલે. ઊંચા કે નીચા કુળની હોય તો પણ વાંધો નહી. જો મુસલમાન હોય તો હાહાકાર થઈ જાય. કુટુંબનો લોકો બહિષ્કાર પણ કરે.

એક વાર ગોવિંદ સાયકલ પરથી પડી ગયો. ગુલબાનું બજારમાંથી શાક લઈને આવતી હતી. આખે રસ્તે ગોવિંદને સહારો આપી ઘરે લાવી. તેના મમ્મી મંદિરે ગયા હતા. ખાટલા પર સુવાડી તેનો લોહી નિતરતો પગ સાફ કર્યો. ત્યાં ગોવિંદના પિતાજી ઘરે આવ્યા. તેમણે જોયું, ગુલબાનુ શરમાઈને ઘરે જતી રહી. ગોવિંદે બધી વાત કરી. ગોવિંદના પિતાને હવે દાળમાં કંઈક કાળું જણાયું. બોલ્યા નહીં પણ મનમાં કશું નક્કી કર્યું.

‘સાંભળો છો કે સૂઈ ગયા?’

ઊંઘ આવતી હતી છતાં ગોવિંદની માતા બોલી, જાગું છું. ‘બોલો શું કહેવું છે?’

‘મને ગોવિંદ અને ગુલબાનુ બહુ હળેમળે છે તે ગમતું નથી!’

ખુલ્લા દિલે હસતા ગોવિંદની માતા બોલી, ‘લો કરો વાત. કોથળામાંથી બિલાડું કાઢ્યું ને ! નાનપણથી રમે છે. સાથે તો મોટા થયા છે.’

‘હા, પણ હવે જુવાની આવી છે. પછી કહેતાં નહી કે મેં ચેતવ્યા ન હતાં.’

ઉંઘ ફરાર થઈ ગઈ. ‘એવું તો કાંઈ હોતું હશે! દોસ્તૉ સહન થાય. ઘરમાં વહુ તરીકે કદાપી નહીં.’

‘બસ તો કરો કંકુના ગોવિંદ માટે કન્યા આવે છે તેમને જવાબ આપો.’

ગોવિંદ અને ગુલબાનુએ ખાનગીમાં એકબીજાને પરણવાના કૉલ આપી દીધા હતા. ખબર હતી આ સંબંધ બન્નેના માતા અને પિતા આવકારશે નહીં. પડશે તેવા દેવાશે, માની બન્ને ચૂપ હતાં. ગોવિંદની બહેન ગૌરીને ઘણા વખતથી શંકા હતી. ભાઈને બહેન ખૂબ વહાલી હતી. મૌન રહેવામાં શાણપણ માન્યું. જ્યારે ભાઈની સગાઈની વાત કરતા માતા અને પિતાને સાંભળ્યા ત્યારે રહી શકાયું નહીં. ભાઈને જાણ કરી.

ગોવિંદ અને ગુલબાનુના શોખ સરખા. જીવનના મૂલ્યો અને ખૂબ ઊંચા આદર્શ ધરાવતા. પરણશું એ તો નક્કી હતું.

હવે શું? પ્રશ્ન અતિ ગંભીર હતો. ગોવિંદ કામ માટે બહારગામ ગયો. ગુલબાનુને કહ્યું ચાર દિવસ પછી મંદિરે મળજે. બન્નેએ ત્યાં બહેનીની હાજરીમાં લગ્ન કરી લીધાં. તેમને માનવામાં ન આવતું કે મિત્રતા સંભવી શકે તો શાદી યા લગ્ન કેમ નહીં?

મિત્રતા શત્રુતામાં પરિણમી. ગોવિંદ અને ગુલબાનુ ગામ છોડી મુંબઈ આવીને વસ્યા. કોઈની એક ન સુણી. આજે લગ્નને ૫૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં હતાં. ગુલબાનુએ નામ બદલી ‘ગીતા’ રાખ્યું હતું. માતા અને પિતાએ જ્યારે પહેલું બાળક આ્વ્યું ત્યારે ‘ગીતા’ને આવકારી. ગુલબાનુના અબ્બાજાન સદમામાં ગુજરી ગયા. માતાનું ધ્યાન ગુમનામ રહી ગુલબાનુ રાખતી. પહેલું બાળક આવ્યું ત્યારે તે પણ રમાડવા આવી. હાલત નાજુક હતી. દીકરીને ત્યાં રહી અને છ મહિનામાં તે પણ વિદાય થઈ ગઈ.

સમય જતાં ગોવિંદ અને ગીતાનો સુનહરો સંસાર મઘમઘી રહ્યો. ભૂતકાળ વિસરાઈ ગયો. આજે તો બન્ને જીવનમાં પ્રગતિના સોપાન સર કરી આનંદભેર જીવન ગુજારી રહ્યા છે. જે ૫૦ વર્ષ પહેલાં હતું તેમાં આજે પ્રગતિને બદલે પીછે હઠ જણાય છે.

સંસાર છે કાલે હતું એ પણ આજે છે ! કદાચ હાલત હતી તેના કરતાં ગંભીર છે. તેથી તો ગોવિંદ જેવું પગલું ભરતા જુવાનિયા અચકાય છે! ‘ગીતા’એ ખરેખર ‘ગીતા’ પચાવી જીવનમાં ઉતારી હતી. ‘આજે પણ એવું જ કે એના કરતાં બદતર?’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational