Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Drama Tragedy

5.0  

Vijay Shah

Drama Tragedy

પોતાના અને પારકા

પોતાના અને પારકા

6 mins
13.9K


ભદ્રાનું આજે નવું સ્વરૂપ જોયું.(અને તે “હલેલું” સ્વરૂપ).કહેવાય છે કે ગાંડામાં થી ડાહ્યા થવું સહેલ છે પણ એક વખત ગાંડપણની અસર જોઇ ગયેલો સમાજ તેને ડાહ્યો થવા જ નથી દેતો. બસ બરોબર એવું જ થયુ હતુ ભદ્રા સાથે...પતિ ભૂપતનાં મૃત્યુ વખતે સંવેદનશીલ ભદ્રા હતાશાની ગર્તામાં ચાલી ગયેલી..વળી નિઃસંતાન હોવાનું એક મહેણું તો હતું જ..તેમાં “વૈધવ્ય” પણ ઉમેરાયુ એટલે હિજરાતું મન દિયરની નાની એશાને પોતાની પુત્રી ગણી વહાલ વરસાવતી. આમેય ભૂપતે તો તેને મનથી પોતાની દીકરી માની લીધેલી જ. તેથી તેના વાત્સલ્યનાં ઝરણાને મોકળુ મેદાન મળેલુ.પણ એષા તો તેને કાકી જ કહેતી. તે કહે રંભા મા છે તેથી મારે કંઇ બીજી મા જોઇતી નથી.પણ રંભા જ કહેતી તને ફાયદો થતો હોય ત્યારે કાકી કાકી એમ ભાવ પૂર્વક બોલી ફાયદો લઇ લેવાનો અને એ ટ્રીક માં ભદ્રા ગળા ડૂબ છેતરાતી રહેતી હતી.. તેના અજાગૃત મનમાં એક પ્રકારની હાશ થતી હતી કે મારી પાછલી જિંદગીમાં હાથ પગ નહીં ચાલે તો એષા મને પાલવશે.

સંવેદનશીલ માણસોનું મન હંમેશા વાસ્તવિકતાથી થોડુંક વેગળુ જ હોય છે. જે વિચારથી તે એષા ને પોષતી હતી તેમાં ભાગ પડાવવા વડોદરાથી નાનાભાઇ વસ્તુપાળનો દીકરો કાર્તિક આવ્યો.ખાસ ભણેલો નહીં પણ કંપ્યુટરની દુનિયાથી વાકેફ તેથી એષા અને રંભા તેની ભદ્રાફોઇને કેવી રીતે નાણાકીય રીતે ચુસે છે તે શોધી નાખ્યુ અને ફોઇનાં શોષણ વિષે પપ્પાને વાકેફ કર્યા...અને વડોદરાથી ફોન વધી ગયા..”ભદ્રા જરા ધ્યાન રાખ આ તો કમાઇને તુ દેરાણી નું ઘર ભરે છે”.

બે ત્રણ વર્ષ તો ભદ્રાએ અવગણ્યું. “હશે..એષા ક્યાં પારકી છે? મારી જ દીકરી છે ને? પણ કાર્તિક્નાં કાન ભંભેરણાથી રંભા પાસે ક્યારેક ખર્ચાનો હિસાબ માંગતા તેથી રંભા અકળાતી. અને વળી ખુટતુ હોય તેમ વસ્તુપાળ કાર્તિકને પરણાવી તેની પત્ની તૃપ્તી સાથે અમેરિકા વોલેન્ટીયરી રીટાયર્મેંટ લઇને આવ્યો. ઘરમાં વસ્તી વધી તેથી એષા બહાર રહેવા જતી રહી અને સાથે સાથે રંભાને પણ કહેતી ગઈ..” કાકીના સગા વહાલા આવી ગયા છે હવે તું ઢસરડા ના કર.” પંદર વર્ષથી સાથે રહેતા એટલે રંભા જાણે નાની બેન જ હોય તેમ ભદ્રા માનતી. પણ પૈસાની વાત આવે ત્યારે ભદ્રાને જ ઘસાતી જોઇને વસ્તુપાળે બૂમા બૂમ કરવા માંડી “ અલી ભદ્રા! તું બબ્બે નોકરીઓ કરે છે. અને બધુ ઘરમાં ખર્ચાઇ જાય છે...તારે માટે કંઇક તો બચાવ!”

“ મારે કોના માટે બચાવવાનું? રંભા મારી બેન છે એષા મારી દીકરી છે અને કાર્તિક મારો ભત્રીજો છે..આમા બહારનું કોઇ ક્યાં છે?”

“ જો ભદ્રા! હું જે પ્રમાણે સમજુ છુ તે પ્રમાણે ત્રણ વરસથી કાર્તિક તારી સાથે રહીને જો ૧૫૦૦૦ ડોલર બચાવી શકતો હોય તો એષા અને રંભા તો ૧૫ વર્ષથી તારા ઉપર જ જીવે છે.. તેમનો આખો પગાર બેંક ભેગો થાય છે.”

“ હવે આ બાબતે તું તો બોલીશ જ ના.” વસ્તુપાળ ને ડારતા તે બોલી.

“ હા ભાઇ હા.અમે તો પીયરીયા..અમે તો લાય કરીયે પણ તારે તો સાસરીયા જ સાચવાવાને બેન!”

કાર્તિક તૃપ્તિને લઇને જુદા એપાર્ટ્મેંટમાં રહેવા ગયો. જે ઘરમાં સૌ રહેતા હતા તે ઘરનું એ સી બગડ્યુ..૫૦૦૦ ડોલરનો ખર્ચો..બે ચાર દિવસ તો જેમ તેમ કાઢ્યા પણ પૈસા કાઢવાનું કોઇ નામ જ ના લે ત્યારે અકળાઈને ભદ્રાએ એષાને કહ્યું બેટા આ એ.સી રીપેર કરવાનુ છે.

ત્યારે એષા બોલી “ હું તો ક્યાં ઘરમાં રહુ છું કે મારે વિચારવાનું?”

એવો જ ટુંકો અને ટચ જવાબ “ મારી પાસે તો પૈસા જ નથી” કાર્તિકે પણ આપ્યો.

રંભા પણ હેરાન થતી હતી પણ રાત્રે ઠંડક કુદરતી રીતે થતી હતી એટલે બહુ તકલીફ નહોંતી જણાતી.નાની નણંદ અક્ષરા જબરી હતી એને રંભા માટે કાયમ જલન હતી તેથી તેણે ભદ્રાને કહ્યું કે તમે બંને ઘરનાં માલીક છો. કાઢો બંને જણ અડધા અડધા.. આ તો ઇમરજન્સી કહેવાય.

એ સી તો રીપેર થઇ ગયુ પણ ભદ્રાની લાગણી બરોબર ઘવાઇ તેથી થોડાક દિવસ જવા દઈ એક દિવસે રંભાને કહ્યું- “ જો ઘરમાં બધા જ કમાય છે અને ખર્ચા હું એકલી કરું તે વાત ખોટી.”

“ હા પછી આપણું ઘર અમેરિકનો જેવુ થઇ જશે..બધા નોકરી કરશે અને ઘરમાં ખૈર સલ્લા થશે”

“ ભલે તો તું કહે શું કરવુ જોઇએ?”

“ જુઓ હું તો માનુ છું કે તમે બે નોકરીઓ કરી શકો છો કારણ કે હું આખા ઘરનું કામ અને રસોઇ સાચવી લઉં છું.”

“પણ વસ્તુપાળ તો એમ કહે છે કે મારો એક નોકરી નો આખો પગાર ગ્રોસરીમાં જાય એ તો ઘણું વધારે છે. અને બીજા પગારમાં થી ગાડી તેનો વીમો અને પેટ્રોલ.. એટલે મારુ તો કશું બચતુ જ નથી.”

“ જુઓ તમારો ભાઇ હજી નવો નવો છે. તેમને ખબર નથી તમારી દવામાં જ આખો પગાર તમારો જાય છે.”

“હેં?”

“ હા દર વખતે પ્રિસ્ક્રીપ્શન પતે અને ડોક્ટર વીઝીટ નાં અને પ્રીસ્ક્રીપ્શનમાં ૪૫૦ જેટલા ડોલર થાય છે.”

“ પણ અલી મને તો સારુ છે હવે દવાઓ શું કામ લેવાની?”

“ ભલે તમે દવા બંધ કરી જુઓ..પણ પાછી જે કંઇ થાય તે અંગે મને ના કહેશો?”

“ કેમ મને તો એવું શું છે કે તે દવા બંધ કરીશ અને મને કંઇ થઇ જશે એવું કહે છે?.વસ્તુપાળે મને કહ્યુ અને મેં તે દવાઓ છેલ્લ મહીનાથી બંધ કરી છે”

“ ભાભી. ભૂપતભાઇનાં મૃત્યુ પછી તમે જે હતાશાની ગર્તામાં જતા રહ્યા હતા તે રોગે તમને દવાના આદી બનાવ્યા છે જે તમે ના લો એટલે તમને સારા નરસાનું ભાન રહેતુ નથી.”

“ હેં?”

“ હા એટલે જ્યારે તમે રાજાપાઠમાં હો ત્યારે અમારા મોટી બે્ન બની જાવ અને દવાની અસર ઘટે ત્યારે તમારી રોકકળ ચાલે.”

“એટલે?”

“ એટલે તમને સીઝોફ્રેનીઆ થયો છે જે દવા લો તો જ સારુ થાય.. તમને ૧૫ વર્ષથી અમે સહન કરતા હતા... હવે વસ્તુભાઇ અને કાર્તિક તમારી કાળજી લે એટલે અમે છુટ્યા.”

ચોંકી ગયેલી ભદ્રા બોલી “ હા જોડો ક્યાં ડંખે તે તો પહેરનારો જ જાણે..ખરુંને?”

“થોડોક સમય દવા લેશો તો પાછા સહજ થઈ જશો.. પણ આ આખા ગામમાં તમે મારો ઢંઢેરો પીટો છો તે મને ગમતુ નથી.”

“કંઇ સમજાય તેવું બોલને રંભા.”

“ આ હમણા તમને વસ્તુભાઇએ દવા છોડાવી છે ત્યારથી તમારી દશા બગડેલી છે વળી એ તો તમારો માજણ્યો ભાઇ! એમની તોલે હું તો કેવી રીતે આવું? ગમે તેમ તોય પારકુ લોહી ને?”

ભદ્રા ખુરશી ઉપર બેસી ગઈ ત્યારે રંભા એ કહ્યું. “ તમને અને મને છુટા પાડવા સાસરીયા જ્યારે સફળ ના થયા ત્યારે હવે ભાઇઓ સક્રિય થયા.. કારણ ખબર છે? તમારો અઢી લાખ નો વિમો.. તમે મને ખસેડી તેમને વારસ દાર બનાવ્યા છે ને?”

“ શું વાત કરે છે રંભા?”

“ ભાભી તમે ભોળા છો એટલે દરેક્ની વાત તમે સાચી માની લો છો. અને જ્યાં અને ત્યાં પારકા અને પોતાના માણસોનાં સ્વાર્થ સમજી નથી શકતા.”

કાર્તિકે તમને ગોટે ચઢાવ્યા જેનું છેલ્લુ પરિણામ એ આવ્યું કે તમે મારી પાસે હિસાબ માંગ્યો.. મને ચોર ઠેરવવા.. અને તમને તો ખબર છે જ હું ક્યારેય હિસાબ રાખતી નહોંતી કારણ કે હિસાબ બતાવવાનો તો કોને? તમને? આપણે તો વરસોથી ખાઇ પી ને લહેર કરોની જિંદગી જીવ્યા છીએ.”

“ હા તારી વાત સાચી છે.”

છેલ્લો દાવ નાખતા રંભા બોલી “ અક્ષરા બહેન ને પણ એવું જ લાગે છે કે હું તમને આર્થિક રીતે શોષુ છું.. પણ તેમને ક્યાં બધી વાતોની ખબર છે?”

થોડોક સમય રંભા સામે ટગર ટગર જોતી રહેલ ભદ્રાને ફરી એક વખત કડકાઇથી જોતા રંભાએ કૂશળ અદાકારાની જેમ કહ્યું “ભાભી તમારા જેવા પાગલને સાજા કરવાનું કામ મેં કર્યુ છે તેની સામે જશ નહીં જુતિયા મારો છો.. આ બધા લોકો તમને સાજા થવા દેવા માંગતા જ નથી.”

“ શું કહ્યું? હું પાગલ છું?”

“ ના નથી. પણ દવા લેતા રહો તો.. નહી તો ક્યારે તમારી વાતો બદલાઇ જાય તે ના સમજાય.

ભદ્રા તે રાત્રે તો સુઇ ગઈ. બીજે દિવસે વસ્તુપાળને ત્યાં જઇ ભદ્રાએ કહ્યું “ મને તેં દવા કેમ છોડાવી?”

વસ્તુપાળ કહે” ભદ્રાબેન.. ડોક્ટરે જ તમને કહ્યુ નહોંતું કે આ દવાથી તમારું શરીર વધી જાય છે?”

સોફા ઉપર બેસતા બેસતા ભદ્રાએ ત્રાડ પાડીને કહ્યું “ મારા મરવાની રાહ જુએ છેને? કે જેથી વીમાની રકમ તને મળી જાય કેમ ખરુંને?”

વસ્તુપાળે તેમનાં મો ઉપર ખુન્નસ વધતુ જોયુ એટલે બોલ્યો.”.હું એવું શું કામ ઇચ્છુ?”

“ ના. હું મરી જઉં એટલે મારી સેવા ના કરવી પડે અને દલ્લો તરત જ મળી જાય.”

“ ભદ્રા બહેન! આ શું બોલો છો?”

“ ના. હું મરી જઉં એટલે મારી સેવા ના કરવી પડે અને દલ્લો તરત જ મળી જાય.”ચીપી ચીપી ને ભદ્રાએ મોટા અવાજ્માં કહ્યું.

સટ્ટાક કરીને એક ધોલ ગાલે રસીદ કરતા વસ્તુપાળ બોલ્યો..”ગાંડાને ડાહ્યા કરી શકાય પણ ડાહ્યો જ્યારે ગાંડપણ કરે ત્યારે ચામડી ની ભાષા જ સમજાય.. હું તારો માજણ્યો ભાઇ છુ જરા બોલતા વિચાર તો કર.અને તારા વીમાનું મને શું કામ? મેં તને કહ્યુ નહોંતુ કે તું મારું નામ વારસદાર તરીકે મુક. જરા વિચાર તો કર આવું કોણ વિચારે.. રંભા જ આવું વિચારે કેમ કે તેં તેનું નામ કાઢી મારું નામ મુક્યુ છે,”

“હલેલું” મગજ સ્થિર થતું ગયું અને હતાશા આંસુ બની ને વહેવા લાગી. તેને થયું કે પોતાના તે પોતાના...અને પારકા તે પારકા


Rate this content
Log in

Similar gujarati story from Drama