Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Classics Inspirational Tragedy

2.5  

Pravina Avinash

Classics Inspirational Tragedy

મારો હક

મારો હક

6 mins
14.6K


નાની તો હતી નહીં. દાદી ખબર નહીં કેમ જનમ્યો ત્યારથી રિસાયેલી હતી. નીલ ઉપર નહીં તેના મમ્મી અને પપ્પા ઉપર. તે જાણતો હતો, ‘એમાં મારો શું વાંક ?’

‘શામાટે મારા નસિબમાં તેનો પ્યાર નહીં ?’ નીલ આજે ખૂબ ગુસ્સામાં હતો. મમ્મી તેનું કાંઈ જ સાંભળતી ન હતી.

‘મમ્મી, તું મને ક્યાં સુધી રોકી રાખીશ ?’

‘બેટા મારું માને તો આ ભાંજગડમાં પડવાનું છોડી દે.’

‘મા, તેં જે સહન કર્યું તે મેં આખી જિંદગી નજર સમક્ષ જોયું છે. મારા પર દયા કર મને ન રોકીશ.’

‘જો, બેટા જેવી તારી મરજી, હું તો એ રસ્તાનું નામ પણ ભૂલી ગઈ છું. દિલથી માફી પણ આપી દીધી છે. મારો જીવન રાહ હવે ફંટાઈ ગયો છે.’

‘મમ્મી તેનો અર્થ એવો તો નથી કે હું પણ તારી માફક એ બનાવ પર ઠંડુ પાણી રેડી દઉં. દાદી મારી છે. મને તેનો પ્યાર પામવાનો હક છે.’

‘ના, બેટા તને મારાથી ના ન કહેવાય. તને જે યોગ્ય લાગે તે કર.’

‘મમ્મી હું પુરૂષ છું. તેના મગજનો અંદાઝ કાઢી શકવાની તારામાં શક્તિ છે ? જે સત્ય છે, જે મારો હક છે તે હું મેળવીને જંપીશ. જેના વગર મેં અને નીમીએ બચપન પસાર કર્યું, તું અને પપ્પા તો હાથ જોડી બેસી રહ્યા.’

માતા અને પુત્ર વચ્ચેનો આ સંવાદ અહીં પૂરો થયો. પિતા માત્ર શ્રવણ કરી રહ્યા હતા. દીકરો જ્યારે પિતાથી પણ બે આંગળ ઊંચો થાય ત્યારે તેને કાંઇ પણ ન કહેવામાં શાણપણ છે. નીલે સત્યના પંથે પ્રયાણ આદર્યું. માએ અંતરના આશીર્વાદ આપ્યા. જેવો નીલ નજર સમક્ષથી ઓઝલ થયો કે તરત જ સુનંદા નયન પાસે આવી. તેના ખોળામાં માથું મૂકી સાંત્વના મેળવી રહી. નયન પણ અસહાય હતો. તે સમજતો હતો.

સુનંદા અને નયન એક બીજાના પ્રેમમાં પાગલ હતા. સાથે કોલેજમાં ભણતા ક્યારે એકબીજાની નજીક સર્યા તેનું ભાન પણ ન રહ્યું. સુનંદાને એક વાર નિહાળી હોય તો પછી એ ચહેરો ભૂલવો મુશ્કેલ હતો. નયન, સુનંદાનો દિવાનો બની ગયો. સુનંદાએ શરૂમાં ઈન્કાર કર્યો પણ પછી નયનના પ્રેમની પાવનતા તેના ઉરને સ્પર્શી ગઈ. બન્ને જુવાનિયા વિસરી ગયા કે માતા અને પિતાની સંમતિ વગર લગ્ન શક્ય નથી.

રૂઢી અને જૂનવણી વિચારના ગુલામ, માતા અને પિતા મનાવવા એ ખૂબ અઘરું કાર્ય હતું. છતાં પણ હિમત દાખવી નયને સુનંદા સાથે કોર્ટમાં જઈ લગ્ન કર્યા. સુનંદાને લઈ ઘરે આવ્યો ત્યારે માએ આ સંબંધ સ્વીકાર્યો નહીં. પિતાને તો બોલવાનો મોકો જ ન મળ્યો. વડીલોને પગે લાગી બન્ને એ પોતાનો અલગ સંસાર માંડવાનો નિશ્ચય કર્યો. નયન પાસે નોકરી હતી. સુનંદા જે શાળામાં ભણી હતી ત્યાં તેને નોકરી મળી ગઈ.

સુનંદા વિચારી રહી માતા અને પિતાના આશીર્વાદ વગર કરેલા લગ્ન જીવનમાં બાધા તો નહીં લાવે ને ? લગ્ન પછી જ્યારે સુનંદા માતા બનવાની હતી ત્યારે નયનને ખૂબ સમજાવ્યો. સુનંદાને જન્મ આપીને તેની માતા પ્રભુને પ્યારી થઈ હતી. તેની મરજી હતી નયનની માતાની હાજરીમાં તેને બાળક અવતરે. નયને તેની ઈચ્છાને માન આપવાનું કબૂલ્યું.

નયને ફોન કર્યો. 'મમ્મી, હું નયન બોલું છું.'

કેટલા વખત પછી દીકરાનો અવાજ સાંભળીને મમ્મી ખુશ થઈ.

સુનંદા આજકાલની વહુઓ જેવી ન હતી. તેને નયનના માતા તેમજ પિતા ખૂબ વહાલાં હતાં. ભલે તેમણે તેને ન આવકારી, તેણે કદી તેમના પ્રત્યે ક્ભાવ રાખ્યો ન હતો. હંમેશાં પ્રયત્ન કરતી પણ સફળતા મળી ન હતી. આ વખતે બાળક આવવાનું છે એ સમાચાર જરૂર તેમને પિગળાવશે એમ માનતી. જે સત્ય પુરવાર થયું.

‘હાં, બોલ બેટા કેમ છે તું?’

‘મમ્મી હું મઝામાં છું. તું અને પપ્પા કેમ છો?'

‘બેટા હમણાંથી પપ્પાની તબિયત ઠીક નથી. શ્રીનાથજીની અમી ભરી નિગાહ છે.’

‘મમ્મી હું તને લેવા આવું છું. તારી ના હું સાંભળવાનો નથી. મમ્મી તું દાદી બનવાની છે. સુનંદાની મરજી છે બાળક આવે ત્યારે તું તેની પાસે હોય. તને ખબર છે, સુનંદાના મા તેને ઘોડિયામાં મૂકીને શ્રીજી ચરણ પામ્યા હતાં.’

‘હા, બેટા હું દાદી થવાની છું. તું આવ. પપ્પાને હું સમજાવી લઈશ.’

નયનના પપ્પાને પણ પોતે દાદા થશે એ સાંભળી આનંદ થયો. જ્યારે મમ્મી ઘરે આવ્યા ત્યારે જાણે કશું જ બન્યું નથી એમ માનીને સુનંદાએ આવકાર્યા. મમ્મી પણ આવનાર બાળક માટે ભરપૂર વસ્તુઓ લઈને આવ્યાં હતાં. સુનંદાને ખવડાવવા માટેનો બધો સામાન પોતાની દેખરેખ નીચે બાઈ પાસે તૈયાર કરાવ્યો હતો. તેમને યાદ આવી ગયું જ્યારે પોતાને પહેલે ખોળે નયન અવતર્યો હતો ત્યારે તેમની મમ્મી અને સાસુમાએ તેને પલકોં પર બેસાડી હતી.

સુંદર રીતે સુનંદાને સાચવી. સુનંદાએ પણ ખુશી બેવડી કરી એક દીકરી અને દીકરો બે આપીને સહુને મંત્રમુગ્ધ કરી દીધા. નયનના પિતાજી બાળકોને રમાડવા આવતા હતા. વહેલા આવીને શું કરે એટલે મહિના પછી પુષ્કળ રમકડાં અને કપડાં લઈને ગાડીમાં આવતા હતા. વહેલી સવારે નીકળ્યા. બપોરે જમવાના સમયે ઘરે પહોંચી જવાનું નક્કી કર્યું હતું. માંડ પાંચસો કિલોમિટર દૂર જવાનું હતું. અચાનક કમોસમનો વરસાદ પડ્યો. ડ્રાઈવર ખૂબ સાચવીને ગાડી ચલાવતો હતો.

‘આપણે જમવાના સમયે નહીં પહોંચીએ તો ચાલશે, ગંગારામ ખૂબ સંભાલકે ગાડી ચલાના.’

‘જી સાહેબ.’

હજુ તો ડ્રાઈવર જવાબ આપે ત્યાં સામેથી આવતો ખટારો સ્કીડ થયો અને તેમની ગાડીને ભટકાયો. ખટારાના ડ્રાઈવરનો પણ વાંક ન હતો. રસ્તો લપસણો હોય તેમાં એ પણ શું કરે? તેણે મહેનત કરી હતી કે ગાડીને ન ભટકાય પણ પ્રયત્ન નિષફળ ગયો. પોલિસ તપાસમાં જણાયું કે પીધેલો ન હતો.

જે બાજુ નયનના પિતાજી બેઠા હતા ત્યાં ખટારાએ ઠોક્યું. તત્ક્ષણ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું . ખટારાનો ડ્રાઈવર અને ગંગારામને થોડી ઈજા થઈ. સમાચાર મળતાં નયન મમ્મી સાથે આવી પહોચ્યો. સુનંદા બાળકોને કારણે ઘરે રહી. નયનના મમ્મી ખૂબ દુઃખી થયા અને તેમને રોષ આવ્યો.

“તારા બાળકોને કારણે મેં પતિ અને તેં પિતા ગુમાવ્યા. નયન હવે હું તારે ત્યાં નહીં આવું અને બાળકોને પણ નહીં જોઉં.”

નયન તો સ્તબ્ધ થઈ ગયો. તેના માનવામાં ન આવ્યું કે મમ્મી શું કહી રહી છે. તે મમ્મીની સાથે ઘરે ગયો. તેને બધી મદદ કરી. મહિનો માસ રોકાઈને બધું વ્યવસ્થિત કરીને ઘરે જઈ રહ્યો હતો.

‘મમ્મી ચાલ, તું એકલી અહીં શું કરીશ?’

‘બેટા તેં બધું પિતાનું કામકાજ વ્યવસ્થિત કર્યું તે પૂરતું છે. હવે કદી એ શબ્દ ઉચ્ચારતો નહીં’.

નયન નિરાશ થયો. મમ્મી ન માની. વિલા મોઢે ઘરે પાછો ફર્યો. સુનંદા ક્શું બોલી નહીં. પિતા ગયાનું દુઃખ તેને પણ ઘણું હતું. બાળકોને જોઈ પણ ન શક્યા. ઉપરથી મમ્મી રિસાયા. કોઈ ઉપાય ન હતો. ધીમે ધીમે બાળકો મોટા થતા ગયા. દીકરો નીલ મોટો ડોક્ટર થયો અને નીમી એમ.બી.એ. ભણી.

આ વર્ષે બન્નેના સાથે લગ્ન લેવાના હતાં. નીલ માનતો જ ન હતો. દાદી વગર હું લગ્ન નહીં કરું. આટલા વર્ષો સુધી હું કાંઈ બોલ્યો નથી. હવે હું ફોડી લઈશ. કહીને દાદીને ઘરે આવ્યો. દાદીને માત્ર ફોટામાં જોઈ હતી. પપ્પા પાસેથી દાદા અને દાદીની વાતો સાંભળીને તેને એમ લાગતું, દાદી ખૂબ પ્રેમાળ છે. માત્ર ધક્કો લાગ્યો હતો એટલે આવું પગલું ભર્યું હતું. તેને કારણે તે અને તેની બહેન દાદીના પ્યારથી વંચિત રહ્યા હતા.

બારણે આવીને ઘંટડી વગાડી. દાદી હજુ કડે ધડ હતી. માત્ર વાળ થોડા ધોળા થયા હતા. બારણું ખોલીને, “અરે, નયન બેટા આટાલા વર્ષે મા યાદ આવી.” કહીને વળગી પડી.

'દાદી, હું નયન નહી, નીલ છું તમારો પૌત્ર.’

‘ના, હોય મારા નયનને મેં છેલ્લે જોયો ત્યારે આવો દેખાતો હતો.’

‘દાદી એ વાતને ૨૫ વર્ષ થઈ ગયા.’

દાદીની પકડ ઢીલી થઈ ગઈ.

‘જો દાદી હવે હું તારું કાંઇ સાંભળવાનો નથી. જો તું નહી આવે તો હું લગ્ન પણ નહીં કરું.’

‘દાદીને નીલમાં નયન દેખાતો હતો. તે નીલને નારાજ ન કરી શકી. નીલે દાદીને મદદ કરી. સામાન તૈયાર કર્યો અને ઘર બંધ કરવામાં મદદ કરી.

પૌત્રને માટે આ કામ ખૂબ આસાન બન્યું.

સુનંદા અને નયન બારણાની ઘંટડી વાગી અને ખોલ્યું ત્યારે દરવાજામાં ખોડાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Classics