Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Classics Inspirational Thriller

5.0  

Vijay Shah

Classics Inspirational Thriller

કેસ - હાફ મીલીયનનો

કેસ - હાફ મીલીયનનો

7 mins
738


“શું?”

“ હા બેટા ગઈ કાલે ડૉ.સ્વાત્ઝરે મને તપાસીને નિદાન આપ્યુ કે મને ગર્ભાશયનું કેન્સર છે અને એક પેશી બાયોપ્સી તપાસ માટે કાઢી મોકલી છે.” પ્રફુલાબાએ કહ્યું.

નિર્જરી બોલી “ના હોય મમ્મી!”

“ જો બેટા મારે માટે તારે પૈસાથી ખૂવાર નથી થવાનું. મને ભારત પાલીતાણા મોકલી દેજે. મારે શેક કે કેમો થેરાપી નથી લેવી. ૭૦ તો થયા હવે કેટલું જીવવાનું? છેલ્લી ક્ષણો એ દેહ પાલીતાણામાં મુકીશ”

“ મા હું ઑસ્ટિનથી શુક્રવારે નીકળીશ. મારો પ્રોજેક્ટ લાઈવ થઈ રહ્યો છે અને અને ડોક્ટર દીકરો પાર્થ પણ બે દિવસની રજામાં ત્યાં આવશે. તને શરીરમાં પીડા હોય તો રાજુને બોલાવી લેજે.”

“તું ચિંતા ના કરતી ઘરે પપ્પા છે તેથી. ડૉક્ટરે ટીસ્યુ લેતી વખતે ઘા ઉંડો કર્યો છે તેથી દુખાવો છે.”

નિર્જરી હીબકા ભરતી હતી અને વિચારતી હતી મમ્મી અને કેન્સર..

ડલાસથી ઑસ્ટીન આમ તો ત્રણ કલાકનો રસ્તો પણ સોફ્ટ્વેરની દુનિયામાં પ્રોજેક્ટ લાઇવ થતો હોય ત્યારે સોફ્ટવેર લખનારને ૭૨ કલાકની કેદ. ગમે ત્યારે ગમે તે તકલીફ આવે.. તેને પહેલી વખત આ કેદનો ભાર લાગ્યો. મમ્મીની પાસે જઈને થોડુંક રડવું હતું. તેને ગુમસુમ બેઠેલી જોઇને સહકાર્યકર માઈકે પુછ્યુ “ બધું બરોબર છે ને?” અને ડુમાની દિવાલ કડડ ભુસ થઈ ગઈ “માઈક માય મોમ હેસ બીન ડીટેક્ટેડ ફોર યુટરસ કેન્સર..”

“તે રોગ જીવલેણ નથી. ચિંતા ના કર.”

“ચિંતા તો થાય જ ને કેન્સર એટલે કેન્સર”

“કયા યુગમાં જીવે છે? બાયોપ્સી થશે એટલે ખબર પડશે કયા સ્ટેજમાં છે અને છેલ્લા સ્ટેજમાં ના હોય તો સારવાર થાય અને પેશંટ બચી જતા હોય છે.બહુ બહુ તો યુટરસ કાઢી નાખશે,”

“પણ ચિંતા તો થાય જને?”

“જે રોગનું નિદાન થઈ ગયું એટલે તે રોગની ગંભીરતા ૫0% ઘટી ગઈ.”

“ મને તો મમ્મી જ દેખાયા કરે છે.”

“ફોન પર વીડીયો કોન્ફરંસ કરીને તેને જોઇને મન હળવું કરી લે..અડધો કલાક્માં સોફ્ટવેર લાઇવ થશે એટલે સ્વસ્થ થઈ જા.”

“ભલે” કહી નિર્જરીએ નાનાભાઈ રાજુને કહ્યું “ મમ્મીને ત્યાં જઈ આવજે. કંઇ કામ હોય તો રાત્રે રોકાજે. મમ્મી કટોકટીમાંથી પસાર થઈ રહી છે. તેને યુટરસનું કેન્સર નિદાન થયું છે.”

“હેં” રાજુનાં મોંમાંથી પણ હાઇકારો નીકળી ગયો.

“હું અને હંસિની હમણાજ જઇએ છીએ.”

ફરીથી નિર્જરાએ ઘરે ફોન લગાડ્યો. મમ્મીએ જ ફોન ઉપાડ્યો “મમ્મી” આર્દ્ર અવાજે તે બોલી

પ્રફુલાએ સ્વસ્થ અવાજે કહ્યું”બેટા તું ચિંતા ના કર.. આ કેન્સર આખી જિંદગીથી શરીર માં પડ્યુ છે અને નથી નડ્યુ તો હવે આ જાણકારી ને નડતર ના બનાવ.”

“જો મમ્મી રાજુ –હંસીની આવે છે. આજની રાત તમારે ત્યાં તેમને રહેવા દેજો. હું ઈચ્છ્તી નથી તમે એકલા રહો અને ડાઇપર રેશનું ક્રીમ લગાડતા રહેશો”

“હવે પેશાબ કરવા જતી વખતે ચચરે છે બાકી બીજી તકલીફ નથી”

“પપ્પા ક્યાં છે?”

“એ પણ અહીં જ છે”

“નિર્જરી” દીનેશ બોલ્યો

“પપ્પા તમે હિંમત ના હારતા”

“ભલે બેટા પણ નોકરીનાં સમયે નોકરી કરજો અને આ રોગની જાણકારીને લીધે ચિંતા થાય. બાકી એક વાત તો નક્કી છે જ વિધાતા એ લખેલ જીવન તો જીવવાનું છે અને તે ખુટશે ત્યારે કોઇ કાળા માથાનો માનવી રોકી નહીં શકે. મનનાં માનેલા છે તેથી વિદાયની કલ્પના જરીક ધ્રુજાવે છે.”

“પપ્પા ના ધ્રુજશો.. મમ્મી વિનાની તો કલ્પના થતી જ નથી. હું સમયાંતરે રાજુ પાસેથી ખબર મેળવતી રહીશ.”

‘જો બેટા ઉપરવાળાને ભરોસે નાવ મૂકી છે અને નવકારનાં જાપ ચાલે છે. સાથ હશે ત્યાં સુધી સાથે છીએ. બાકી હું ૭૫નો અને તે ૭૦ની..લીલી વાડી જોઇ છે.” દીનેશે નિર્જરીની આંખમાં આવેલા આંસુને જોઇ પોતાની આંખનો વિષાદ છુપાવ્યો અને ફોન ડિસ્કનેક્ટ કર્યો.

નોકરી એટલે નો કરી. કરવી પડે તો સારી અને નો કરીયે તો પગાર ના મળે તે કેમ ચાલે? બાથરૂમમાં જઈને આંખો પર પાણી છાંટીને સ્વસ્થ થઇને તે આવી. નોકરી ચાલુ થઈ ગઈ હતી સોફટ્વેર નું ટેસ્ટીંગ થતું હતું.

માઇકે પહેલી બેચ સુધારી હતી તેથી ત્રીજી બેચમાં ગાર્બેજ ઇન એટલે કે ગાર્બેજ આઉટ ચાલતું હતું,

નિર્જરી તેને સુધારતી જતી હતી. સીનીયર પ્રોગ્રામર તરીકે તેની કસોટી હતી, વર્ષોથી આ કામ કરતી હતી પણ પેલું ગણિતમાં કહે છે ને કે સો દાખલા ગણો છતા એકસો એકમો આવડશે તેવું જરુરી નહીં…ની જેમ કોંપ્યુટર ક્યારે કસોટી કરશે તે કહેવાય નહીં..

આ વખતે અસામાન્ય પરિસ્થિતિ હતી. તેનું મન રહી રહીને મમ્મી પાસે જતું રહેતું હતું. માઈક સહિત ૨૧ જુનિયરો ઓન લાઈન હતા.તેમાંથી પાંચ યુરોપમાં પાંચ ચંદીગઢમાં અને અમેરિકામાં અગીયાર જુદા જુદા સ્તરે કાર્યરત હતા. બેંકીંગ સોફ્ટવેર હતો તેથી નિર્જરી ઇન ચાર્જ હતી.. કંપની આ પ્રોજેક્ટ ઉપર ખુબ ખર્ચ કરી ચૂકી હતી. હ્યુમન એરર બીલકુલ ચાલે નહીં પણ અત્યારે ૮ કલાકમાં એક્વીસમી ભૂલ જ્યારે નિર્જરીએ પકડી ત્યારે નિર્જરીએ પોતાની જાતને ફરી ઢંઢોળી.- નિર્જરી જાગ જાગ. આમ થશે તો આ સોફ્ટ્વેર ટ્રેશ થશે.

વહેલી સવારે તેણે ફરી રાજુને ફોન કર્યો..” મમ્મી સૂતી છે મોટી બેન..ચિંતા ના કર.” એવું જ્યારે રાજુ બોલ્યો ત્યારે ફરીથી આંખો ભરાઈ ગઈ. મનને મક્કમ બનાવવા તેણે પપ્પાનાં શબ્દો યાદ કર્યા – “ભલે બેટા પણ નોકરીનાં સમયે નોકરી કરજો “તે મનોમન બબડી_ સ્થિર તો થવું જ પડે. ના ચાલે.

નિર્જરીનો આ બદલાવ જોઇને માઈક પણ ચકિત હતો. ત્યાર પછીનાં ૩૬ કલાક સુધી કોઇ હ્યુમન એરર નહીં અને સોફ્ટ્વેરનું પહેલું ટેસ્ટીંગ સફળ થયું.

એકવીસે એક્વીસ સુધારા થયા પછી સોફ્ટ્વેર ફરી રન થયો અને ૨૪ કલાક્માં વર્કીંગ ડેટા સાથે સફળતાનાં સીગ્નલ્સ આવતા ગયા ત્યારે સૌ જુનિયર અને સીનિયર પ્રસન્ન હતા.. લેબલ ચેંજ સ્વિકારાયા ત્યારે નિર્જરા ઘરે જવા નીકળી એની આંખો ભારે હતી પણ સફળતા અને માનું કેન્સર બે વિરોધાભાસે તે નીચોવાઈ ગઈ હતી. ઑસ્ટીનથી ડોર્મમાંથી પાર્થ ને લઈ ડલાસ રવાના થઈ. ત્યારે પાર્થ ગાડી ચલાવતો હતો.

પાર્થ સાથે વાત કરતા નાનીમાને કેન્સર થયુ એ વાત નીકળી.

“મૉમ મારી વાત માનજો અને સેકંડ ઓપીનિયન લેજો.”

“કેમ?”

“મેં હમણાં એક મેડિકલ રીપોર્ટ વાંચ્યો છે જેમાં પેશંટ્ને ડરાવીને બાયોપ્સી કરાવી ઇંસ્યોરંસ કંપની પાસે પૈસા પડાવ્યાનું રેકેટ પકડાયું છે.”

“શું વાત કરે છે?”

“નાનીને તકલીફ શું હતી?”

”ઉંમર..” ડૉ. સ્વાત્ઝરે આ બાયોપ્સી કરી અને નિદાન પણ…આપ્યું.

“કોઈ સરખો ઢંગનો ડોક્ટર ન મળ્યો?”

“કેમ?”

“ડોક્ટરનો રીવ્યુ જોયો હતો?”

“ના. મને તો નાનીમાનો ફોન આવ્યો અને મેં રડવાનું ચાલુ કર્યુ હતું…”

ભલે ઘરે જઈને હું તે સમાચાર તમને વાંચવા ઇંટરનેટ ઉપરથી કાઢી આપીશ.

ડૉ સ્વાત્ઝરનું રેટીંગ સારુ નહોંતુ અને રીવ્યુ પણ સંદીગ્ધ હતા. એક રીવ્યુ ભારે શંકાસ્પદ હતો. જેમાં તેમનું નિદાન ખોટુ ઠર્યુ હતું અને પેશંટ સાથે તેમનાં વ્યવહાર વિશે ઘણી જ ફરિયાદો હતી. સૌથી મોટી ફરિયાદ રેસીસ્ટ્ની હતી..બ્રાઉન અને બ્લેક ચામડી એટલે તેમને મન તે માણસ નહોંતા.

ડલાસ જઈને એક અઠવાડીયું મમ્મી સાથે રહીને બાયોપ્સીનાં રીઝલ્ટની રાહ જોઈ.

પાર્થનાં અનુમાન પ્રમાણે રીઝલ્ટ હતું નો કેન્સર.

નિર્જરીને આખા અઠવાડીયા સુધી રડાવ્યા પછીનાં આ સમાચાર આનંદપ્રદ તો હતા પણ ડૉ. સ્વાત્ઝર ઉપર માનસિક રીતે હેરાન કર્યા હોવાનો કેસ કરી દીધો. હાફ મીલીયનનો.

નિર્જરીએ વકીલને કહીને નોટિસ તો મોકલાવી દીધી પણ દિનેશ અને પ્રફુલાને તે ના ગમ્યું. આપણે છેતરાયા તો ભલે પણ ખર્ચનાં ખાડામાં ઉતરતા બચી ગયા તે ઉપકાર માનો. આપણે સામે ચાલીને કોર્ટ કચેરી નથી કરવી.

“મા! કુતરુ કરડવા આવે તો સામે કરડવા તો ન જવાય પણ તેને લાકડી તો મરાય. તે ડૉક્ટરને સીધાં દોર કરવાનો આ માત્ર કાનુની રસ્તો છે. મારે સોફ્ટ્વેરનું ટેસ્ટીંગ ચાલતુ હતું તેવા કટોકટીનાં સમયે એનાથી આવું બોલાય જ કેમ? કે તને કેન્સર છે? પુરતા કારણો વિના ડરાવવાનો મતલબ બ્લેક મેઈલીંગ.”

“બેટા તારી પાસે ટાઈમ તો છે નહીં અને આ કૉર્ટ કચેરી અને મુદતો માટે ટાઈમ જોઇએ.”

“પપ્પા તે બધુ થઈ રહેશે. હું કેસ ઑસ્ટીનથી કરીશ એટલે એ બધી વ્યવસ્થા થઈ જશે..”

“બેટા હું તો તેવા રસ્તેથી આવતો પૈસો હરામનો માનું” પપ્પા બોલ્યા.

”પણ પૈસા તો ડોક્ટરની વિમા કંપની આપશે..તે તો વિમાને લીધે ચર્ચામાં આવશે તેનો રીવ્યુ બગડશે.”

“આપણે કોઇનું બગાડીને શું કામ છે?”

“ પપ્પા તમે તો કાયદાની વાત આવે એટલે ના જ પાડો. પણ મમ્મીને અકારણ આવું દુઃખ આપનાર તે ખલનાયીકાને હું તો સીધી કરીશ જ.”

“કારણ ખબર છે? કહે છે પોદળો ઘરમાં પડે તો તે ઘરને ગંદુ કરે અને સાફ કરીયે તો ગંદકીની સાથે ઘરની ધૂળ પણ લઇ જાય. કેસ જીતીજ જઈશું તેટલી ખાત્રી હોય પણ કાયદાનું અર્થઘટન કયા સમયે બદ્લાઈ જાય અને ક્યારે કંસારનું થુલુ થઇ જાય તે ન સમજાય.”

“ પણ પપ્પા આ વકીલને તમે ઓળખતા નથી? તેનું નામ પડે છે અને ઇંસ્યોર્ન્સ કંપનીનાં વકીલો પણ ધ્રુજે છે. જહોન બીલીંગ્સ્લી નો જુનિયર રોબર્ટ બીલીંગ્સ્લી અમારી કંપની ને રીપ્રેઝંટ કરે છે. અને તેની ફી ૨૦ ટકા કેસ જીત્યા પછી આપવાનાં છે ત્યાં સુધી આપણે એક પૈસો આપવાનો નથી.”

“અને જો કેસ હારી ગયા તો?”

“તો તેની મહેનત માથે પડી”

“આતો જબરો એક તરફી સોદો. આ બધી વાતો તેના કોંટ્રાક્ટ માં લખાવજે.”

“ભલે બાપુજી પણ આ કેસ મમ્મી કરે છે એટલે તેમની સહી જોઇશે.”

મમ્મી અત્યાર સુધી તેમની વાતો સાંભળી રહ્યા હતા.તેમણે કહ્યું “આ ઇંસ્યોરંસ લીધો એટલે બધા ટેસ્ટ કરાવવાનું સુજ્યું બાકી બધુ બરોબર જ હતુ ને?”

“ હા એ વાત તો સાચી છે.”

“અને પૈસા મળે તો મને મળે એ પણ ખરુંને?”

“ હા,”

“ અને કોર્ટમાં ધક્કા ફેરા પણ મારે ખાવાનાંને?”

“ તો જાણે નિર્ણય લેવાઇ ગયો.આપણા ધર્મમાં કહ્યું છે પાપ કોઇ પણ સ્વરુપે આવે તો તે પાપ જ છે. અને તે કર્યુ, કરાવ્યુ કે અનુમોદ્યું દરેકની સજા એક જ હોય છે. માફ કરજે બેટા મારે આ પાછલી ઉંમરે પાપમાં ભાગીદાર નથી થવું.

“મમ્મી આવી તક બધાને નથી મળતી.”

“ આને તું તક માનતી હોય તો ભલે પણ આ રુપાળો ધોકો છે. આપણે આપણી મહેનતથી કમાવાનું. આવું અણહક્ક્નું નું નહીં ઓળવવાનું. અને તેને તેના કાળા કર્મની સજા આપનાર આપણે કોણ?”

“મમ્મી આટલી બધી તુ પીડાઇ અમે લોકો ચિંતા કરી કરીને મરી ગયા તેનુ કશું નહીં?”

“ તે આપણા માઠા કર્મ..તેનો ઉદય થયો અને આપણે વેઠ્યું. હવે આ કર્મને ખપી જવા દે. હું તો આવા સમયેજ ક્ષમામાં માનું છું. “હાય હાય” નહીં “હોય હોય” માં માનુ છુ.”

નિર્જરીએ રોબર્ટ્ને ફોન કરી કેસ પાછો ખેંચવાનું કહ્યુ.

આજની નવલીકા રસરંગ વિભાગ દિવ્યભાસ્કર દૈનિક અમદાવાદ


Rate this content
Log in

Similar gujarati story from Classics