Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Inspirational Others

4  

Hiren Maheta

Inspirational Others

નાથાકાકાની બારી

નાથાકાકાની બારી

7 mins
484


  આસોપાલવ સોસાયટીની બરાબર વચ્ચે એક નાનો સરખો કોમનપ્લોટ. સોસાયટીનાં બધાએ ભેગા થઈને અહીં પૂરાણ કરાવીને બગીચા જેવું બનાવેલું. થોડા ઘણા ફૂલ છોડ, નીચે લોન વાવેલી, સાથે એક લીમડો અને આંબો પણ ખરો. સાથે સાથે બે-ચાર બાંકડા પણ મૂકાવેલા. બગીચો કોઈ જોનારની આંખોમાં સ્થાન લઈ લે એવો. એને જોવો અને માણવો ગમે તેવો. 

આખો દિવસ તો આ બગીચો બિચારો એકલો જ હોય. સોસાયટીના પુરુષો નોકરી કે ધંધાર્થે ગયા હોય, મહિલાઓ ઘરમાં કામમાં વ્યસ્ત હોય અને બાળકો શાળાએ. સાંજ પડે અને બગીચો જાણે આળસ મરડીને બેઠો થતો હોય એમ ખીલી ઊઠે. શાળાએથી આવેલા બાળકો ઘરમાં પેસતાની સાથે જ દફતર ફેંકીને, કપડાં બદલીને સીધા જ દોટ મુકે બગીચા તરફ. જોનાર ને તો એવું જ લાગે જાણે કેદમાંથી છૂટ્યા હોય બિચારા ! આકાશે નમતા સૂરજની સાથે જ બાળકો બગીચા પર કબજો કરી લેતા. ઘડીમાં ઘાસ પર જાણે વહાલ વેરતા હોય એમ લાંબા થઈને એની ઠંડક માણતા; તો બીજી જ પળે એક જ છલાંગે બે પગ પર ઊભા થઈને પતંગિયાની જેમ દોડી જતા. એમની મારામારી, પકડા-પકડી, મસ્તી જોઈને તો બગીચો પણ ગેલમાં આવી જતો. 

ત્યાર પછી સોસાયટીના વડીલો લાકડીના ટેકે-ટેકે ખોડંગાતી ચાલે આવીને ત્યાં આશરો લેતા. બગીચાના બાંકડાઓ પણ એમની રાહ જોતા જ હોય. પોતાના બોખલા મોઢે અને અનુભવી શબ્દે વાતો કરતા આ ઘરડા ધૂંધળી થઈ ગયેલી આંખે પોતાના ભવ્ય ભૂતકાળને એકબીજા સાથે વાગોળતા જ હોય, ‘અમારે તો બકલો નાનો હતો ત્યારથી જ મેં અને એની માએ એને એવી ટેવ પડાવી છે કે આજેય એને જોવું નથી પડતું.’ આવી તો અનેક વાતો ઉડી ઉડીને બગીચાની લીલી લોનમાં ઓગળી જતી. 

સાંજે જમ્યા પછી તો સોસાયટીના યુવાનો બાંકડે આવીને જમાવટ કરતા. એમની વાતો સાંભળીને બગીચાની હવામાં પણ યૌવન બેસી જતું. આ હવા બગીચાની સાથે એની બાજુમાં આવેલા ઘરની બારી પર જઈને પણ બેસતી અને બગીચાની મહેંક ત્યાં પથરાઈ જતી. 

આ ઘર નાથાલાલ માસ્તરનું. નીચું જાડું શરીર, ગોળ ઘાટીલો ચહેરો, આંખો પણ શિક્ષક હોવાનો રોબ જમાવતી. પોતે પાસેના એક ગામમાં શિક્ષક હતા. ત્યારે એમણે અહિયાં મકાન ખરીદ્યું હતું. સરસ મજાનું હવા ઉજાસવાળું મકાન બગીચાની બરોબર બાજુમાં અડીને હતું. તેની આગળ ખુલ્લી પરસાળ અને બાજુમાં પણ સાંકડી ખુલ્લી જગ્યા અને પછી બગીચો. 

બગીચાની તરફની બેઠકખંડની બારી હંમેશા ખુલ્લી રહેતી. નાથાલાલ શાળામાંથી આવે ત્યારે બેઠકખંડની આ બારી પાસે પોતાની ખુરશી મુકીને બહાર બગીચાના વૃક્ષો અને ફૂલછોડને માણ્યા કરતા. આ જ બારીમાંથી આખી સોસાયટી દેખાય. કોણ સોસાયટીમાં આવ્યું અને કોણ ગયું તેની બધી જ માહિતી નાથાલાલની આંખ આગળથી છટકી ન શકે. 

નાથાલાલ હતા પણ એવા ચીવટ વાળા અને જિજ્ઞાસુ. પોતાના ઘરે તો ઠીક આસપાસના કોઈ ઘરે પણ સહેજ ભૂલ થતી લાગે તો વગર પૂછ્યે સામેથી એને સૂધારાવે. એમના પત્ની લીલાબેન પણ હવે તો કંટાળ્યા હતા. એમને કોઈને વણમાંગી સલાહ આપતા જોવે તો નાક ફૂલાવીને કહેતા પણ ખરા, ‘આ તમારેય શું આખાય ગામની પંચાત જોઈએ? એ લોકો આપણા કરતા વધારે હોંશિયાર છે. એમને ગમે એમ કરે. તમે શું કામ સામેથી દોડ્યા જાઓ છો?’

પણ નાથાલાલ હતા જ એવા. બીજાનું ખોટું થતું જોઇને એમનો જીવ બળી જતો. એને નાહકનું નુકસાન થશે એ ચિંતામાં એ સામેથી વણમાગી સલાહ આપી બેસતા. પરંતુ કોઈને એમની સલાહ તરફ અણગમો ન હતો. બધાય જાણતા હતા કે નાથાલાલ જે સલાહ આપે તે સો ટકા સાચી જ હોય. નાથાલાલ કહે એ મુજબ પોતાની વિચાર ઢાળી પણ દેતા. કોઈ કોઈ વાર તો એમની પત્નીને મજાકમાં કહેતા પણ ખરા, ‘આખીય દુનિયા મારી સલાહ લેવા આવે છે, પરંતુ આ ઘરમાં જ મારી કોઈ કિંમત નથી.’

અને સામે લીલાબેન હોઠમાં હસતાં હસતાં કહેતા, ‘આખીય દુનિયાને ક્યાં સલાહ લેવાના પૈસા આપવા પડે છે તે ના પાડે. એમને તો વગર માંગ્યે સલાહ આપવા વાળા મફતિયા મળી જાય છે.’ નાથાલાલ અને લીલાબેનનું લગ્નજીવન હવે તો આમ મીઠી ટીખળ અને મજાકમાં વહ્યે જતું હતું. 

ખાસ તો નિવૃત્તિ પછી તો નાથાલાલ આ બેઠકખંડની બારીમાં જ ગોઠવાઈ ગયેલા હોય. સવારે વહેલા જાગવાની ટેવ એમને સાડા પાંચ વાગ્યા પછી પથારીમાં સૂવા દેતી નહિ. વહેલા જાગીને તે રોજ બગીચામાં આંટા મારી આવે. થોડીક વાર પેલા લીમડાના ઝાડ નીચે બેસીને ધ્યાન - પ્રાણાયામ કરે અને પછી એની એક કુમળી ડાળીમાંથી કટકો લઈને ચાવતા ચાવતા ઘરે જાય. પછી તો નાહી ધોઈને પેલી બારી પાસે જ ખુરશીમાં ગોઠવાઈ જાય. ત્યાં બેસીને જ ભગવાનની માળા કરે અને પુસ્તકો વાંચે. 

સાંજે તો બગીચામાં આવનાર દરેક બારીમાં બેઠેલા નાથાલાલ જોડે અવશ્ય વાતે વળગે. જો એ ન બોલે તો નાથાલાલ સામેથી એમને બોલાવે અને ખબર અંતર પૂછે. એ બધાય નાથાલાલને બાંકડે બેસવા બોલાવે પણ નાથાલાલ તો ‘આ ખુરશી જ મારો બાંકડો અને બારી મારો બગીચો’ એમ કહીને વાતને ઉડાવી દેતા. આ બારીમાં બેઠા બેઠા જ તો એ નજીકના બાંકડે બેઠેલા સાથેની વાતો સાંભળી શકતા અને જરૂર પડ્યે વાતોમાં ટાપશી પણ પૂરાવી શકતા. 

અઠવાડિયે એકાદ વાર તો બગીચામાં રમતા બાળકોને બારી પાસે બોલાવીને ચોકલેટ્સ પણ આપે. બાળકો તો ‘નાથાદાદાની બારી પાસે જાઓ તો ચોકલેટ્સ મળે’ એમ ગણીને ટાંપીને જ બેઠા હોય. ક્યારે નાથાલાલ ઈશારો કરે અને ક્યારે પોતે દોડ્યા જાય. 

સાંજે આવતા યુવાનો પણ ‘કેમ છો નાથાદાદા? જમી લીધું કે?’ એમ કહેતા બૂમ મારતા હોય. અને નાથાલાલ પછી એમની પણ ખબર અંતર પૂછે. વળી જો વાત જામી પડે તો નાથાલાલ આંખમાં પોતાની યુવાનીના દિવસોને પુર્નજીવિત કરીને બનેલી ઘટનાઓ કહેતા જ હોય, ‘હું જ્યારે તમારા જેવો લબર મુછીયો હતો ત્યારે તો…’ અને પેલા યુવાનો પણ કોઈ જ જાતના કંટાળા વગર મજાથી એમની વાતો સાંભળતા હોય. 

કોઈ કોઈ તો એમને યુવાનીના ગુલાબી સવાલો પણ પૂછતા, ‘હે દાદા, તમે લીલાબાને પરણ્યા એ પહેલા પણ કોઈ તો ગમતું જ હશે? કહોને સાચે સાચું.’ ત્યારે તો નાથાલાલના ગાલો પર ગુલાબી રંગ ડોકાઈ જતો અને આંખોની પાંપણો સહેજ ઢળી જતી. અંદરથી લીલાબેન બોલી પણ ઉઠતા, ‘હા, એમને તો બહુ બધી ગમતી’તી. પણ હિંમત હોય તો વાત કરને!’અને ત્યાં ઉભેલા બધાય પેટ પકડીને હસી પડતા. નાથાલાલ કોઈ ભાઈબંધની જેમ આ બધાય જોડે રહેતા અને વાતો કરતા. 

નાથાલાલની બારી એટલે ઘરડાઓ માટે દુઃખનો વિસામો, યુવાનો માટેની ભાઈબંધી, બાળકો માટેની ચોકલેટ્સ અને જરૂરીયાતમંદ માટેની સલાહકાર સમિતિ. એમાંય સાંજે સુરજ આકાશમાં સહેજ નરમ થાય એ પછી તો નાથાલાલની બારીએ કોઈને કોઈ તો ઊભું જ હોય અને અંદર નાથાલાલ. 

આખીય સોસાયટીમાં કોઈને કંઈ કામ હોય તો કહે, ‘નાથાકાકાની બારીએ જા. એ તને કહેશે કે આ કેવી રીતે કરવાનું છે.’ તો કોઈ બગીચામાં ગયેલાને ઘર સુધી જવામાં મોડું થયું હોય તો એમના ઘરનાં ધરી લે, ‘આ નાથાકાકાએ એને વાટે વળગાડ્યો હશે. નહીંતર અત્યાર સુધીમાં તો આવી જાત.’ 

નાથાકાકા રોજ ત્યાં અવશ્ય બેઠા જ હોય. કોઈક જ વાર એ કોઈ કામે કે બીજા ગામે ગયા હોય ત્યારે ત્યાં જોવા ન મળે. સોસાયટીના લોકોને પણ હવે તો બારીએ નાથાકાકા ન બેઠા હોય તો જરા અતડું લાગતું. બારીએ કોઈ ન હોય તો ઘરમાં બૂમ પાડીને પૂછે, ‘ક્યાં ગયા નાથાકાકા? આજે કેમ દેખાતા નથી?’

હવે તો બારીએ બેઠા બેઠા માણસોની સાથે સાથે એમને બગીચાના ફૂલો, છોડના પાંદડાઓ, પેલું મખમલી ઘાસ અને પેલા નિર્જીવ બાંકડાઓ સાથે દોસ્તી થઈ ગયેલી. બગીચાની લીલાશ પર જ્યાં સુધી એમની નજર ફરી ન વળે ત્યાં સુધી એમને શાંતિ થતી નહિ. 

પરંતુ એક દિવસે નાથાકાકાને હૃદયરોગનો ભારે હુમલો થયેલો. એમાં એમનું જીર્ણ શરીર લકવાગ્રસ્ત થઈ ગયેલું. એ વખતે તો પંદર દિવસ હોસ્પિટલમાં રાખેલા. ત્યારે રોજ સાંજે બગીચામાં આવનાર બારી સામે જોઇને જીવ બાળતા, ‘બિચારા નાથાકાકા! કેવા બોલકણા! એ શરીરે તો સ્વસ્થ હતા; તો પછી એકાએક શું થયું હશે? એમના વગર કેવું ખાલી ખાલી લાગે છે?’

પરંતુ હોસ્પિટલમાંથી રજા મળતા જ નાથાકાકાનો પલંગ અહી બારી પાસે મૂકવામાં આવ્યો. એમની જ ઈચ્છા હતી કે એમનો પલંગ અહી રાખવામાં આવે. ઘરવાળા પણ જાણતા હતા કે આ બારી વગર એમને નહિ ફાવે. પછી તો ફરીથી એમનો રોજિંદો ક્રમ શરુ થઈ ગયો. એમની ખબર પૂછવા આવનાર પણ હવે તો બારી પાસે જ આવતા. નાથાકાકા આમ તો હવે સ્વસ્થ હતા, પરંતુ મોટાભાગે પલંગમાં જ બેસી રહેતા. ડાબું પડખું થોડું શિથિલ થઈ ગયેલું. પણ મોઢું જમણી બાજુ એટલે કે બગીચા બાજુ ફેરવીને બેસી રહેતા. જાણે કે બગીચાની તાજી હવાને કારણે જ જમણો ભાગ લકવાથી બચી ગયેલો ન હોય!

એક દિવસ સેક્રેટરીના ઘરે સોસાયટીની મીટીંગ મળેલી. કોઈ એક વાત પર વિવાદ થતા જ કોઈએ કહ્યું કે , ‘પૂછો નાથાકાકાને. સાચું જ નીકળશે.’ અને એ જ ક્ષણે એમણે એક ભાઈને પૂછવા દોડાવ્યા. બધાને હતું જ કે ‘હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થી જશે.’ પરંતુ પેલો ભાઈ તો તરત જ પાછો આવ્યો. એના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયેલા અને પરસેવો બાઝી ગયેલો. કોઈએ પૂછ્યું, ‘કેમ લ્યા, આપણી વાત સાચી છે ને? પૂછ્યું ને નાથાકાકાને?’ 

ત્યારે પેલો બોલ્યો, ‘હવે તો કોને પૂછું. નાથાકાકાની બારી બંધ છે.’ ‘બારી બંધ છે’, સાંભળતાની સાથે જ ત્યાં બેઠેલા સહુને આશ્ચર્ય થયું. ભાર ચોમાસે અને કડકડતા શિયાળામાં પણ જે બારી બંધ ન થાય તે આજે કેવી રીતે? ત્યારે પેલા ભાઈએ આગળ ખુલાસો કર્યો, ‘નાથાકાકા નથી રહ્યા.’ ત્યાં બેઠેલા બધા દોડી ગયા નાથાકાકાને ઘરે. નાથાકાકા વગર સાચે જ એ બારી બંધ લાગતી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational