Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Others

5.0  

Prashant Subhashchandra Salunke

Others

દુર્ઘટના

દુર્ઘટના

3 mins
582


આજથી લગભગ ૧૭ વર્ષ પહેલા મારી સાથે ઘડાયેલી એક દુર્ઘટનાની આ વાત છે. હું મારા એક મિત્રના લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. આમ તો હું બાઈક ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવું છું પરંતુ ખબર નહીં એ દિવસે કેવી રીતે એક કારે મારી બાઈકને પાછળથી ટક્કર આપી. કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે હું સંતુલન ખોઈ બેઠો અને બાઈક સાથે સડક પર ગડથોલિયું ખાઈ બેઠો. મને સડક પર પડેલો જોઈ આસપાસના વાહનચાલકો મારી વહારે દોડી આવ્યા. મારા હાથ અને પગ ખૂબ ખરાબ રીતે છોલાયા હતા. પગ પર મૂઢ માર વાગવાને કારણે મારાથી ઉભું પણ રહી શકાતું નહોતું.


આસપાસ જામેલી ભીડ મારા પર પ્રાથમિક ઈલાજ કરવાની સાથે મને વિવિધ પ્રશ્ન પૂછી રહી પરંતુ હું ઓચિંતા થયેલા આ અકસ્માતથી એટલો ડઘાઈ ગયો હતો કે મને કશું સુઝી નહોતું રહ્યું. સદનસીબે એ ટોળામાં મારા મિત્ર નૈનેશના પિતાજી તથા અમારા પડોશી એવા બિપીનભાઈ કંસારા પણ હાજર હતા. મારો અકસ્માત થયો છે તે જાણી તેઓ ભીડને ધક્કો મારી આગળ આવ્યા. અકસ્માતને કારણે મારું દિમાગ સુન્ન થઇ ગયું હતું. મને કશું સુઝી નહોતું રહ્યું પરંતુ મારા મિત્રના પિતાજીને જોતા જ મને થોડી નિરાંત થઇ. આસપાસ ભેગા થયેલા લોગોની સહાયતા લઈને તેઓએ મને તાત્કાલિક નજદીકના દવાખાનામાં ખસેડ્યો તથા મારા ઘરે ફોન કરીને મારા પરિવારજનોને અકસ્માત વિષે જાણ કરી.


મારા અકસ્માત થયા છે એ વાતની જાણ થતા જ મારા પરિવારજનો ખૂબ ગભરાઈ ગયા. ગણતરીની મિનિટોમાં જ મારા પિતાજી સુભાષચંદ્ર. માતાશ્રી સુનંદાબેન, મોટાભાઈશ્રી નિશાંત અને ભાભીશ્રી સોનલબેન દવાખાનામાં હાજર થઇ ગયા! મારા પિતાશ્રી તથા મોટાભાઈશ્રી ચિંતિત વદને ડોકટરોની પૂછપરછ કરવા લાગ્યા. બીપીનભાઈ મારો અકસ્માત કેવી રીતે થયો તેની વિગતવાર માહિતી મારા માતાશ્રી તથા ભાભીશ્રીને આપતા તે સાંભળી તેઓ ચોધાર અશ્રુએ રડી પડ્યા.


મારા પગ પર મૂઢ માર વાગ્યો હતો, હાથપગ છોલાયા હતા અને કપાળે થોડી ઈજા થઇ હતી. આ જોઈ મારા મોટાભાઈ ખૂબ રોષે ભરાયા. તેઓએ મને ખૂબ ખખડાવ્યો. પિતાજી બાઈક વ્યવસ્થિતપણે ન ચલાવવા બાબત મને ઠપકો આપ્યો. માતાશ્રી અને ભાભીશ્રી પણ લાલધૂમ આંખે મને જોઈ રહ્યા. મારી સારવાર ચાલતી રહી ત્યાં સુધી મારા પરિવારજનો મારી સાથેને સાથે જ રહ્યા. ડોકટરોએ મારા પગનો એક્સરે કઢાવ્યો. નર્સે આવી મને ઈન્જેકશન આપ્યું એ તમામ ક્ષણ દરમિયાન મોટા ભાઈ દવાખાનામાં ચિંતિત વદને આંટા ફેરા મારી રહ્યા. મારા પગમાં કોઈ ફેકચર નથી તે સાંભળી મારા કરતા મારા પરિવારજનોને વધુ આનંદ થયો. આખરે નર્સે મને બાટલો ચઢાવ્યો. જેના કારણે મને લગભગ ત્રણ કલાક સુધી હોસ્પિટલના બિછાને પોઢી રહેવું પડ્યું હતું. એ ત્રણ કલાક દરમિયાન મને મારા પરિવારજનો ઠપકો આપી રહ્યા પરંતુ ખરેખર કહું મને તેમના એ ઠપકાનો જરાયે ગુસ્સો આવ્યો નહીં કારણ હું જાણતો હતો કે તેમના એ ઠપકામાં મારા પ્રત્યેની કાળજી અને પ્રેમની લાગણી હતી. મારા પરિવાર સાથેની મારા જીવનની કોઈ શ્રેષ્ઠ ક્ષણ હોય તો તે આ જ છે, કારણ આ ક્ષણે મને એ વાસ્તવિકતાનું ભાન કરાવ્યું હતું કે મારા પરિવારજનો મને કેટલું ચાહે છે... મારી કેટલી ચિંતા કરે છે.


Rate this content
Log in