Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Children Classics Fantasy

2.8  

Mariyam Dhupli

Children Classics Fantasy

કદરૂપું હરણ

કદરૂપું હરણ

6 mins
8.6K


બહુ વર્ષો પહેલાની વાત છે. એક વન હતું. એનું નામ હતું સુંદર વન. આ વનની વિશિષ્ટતા હતી આ વનમાં રહેતા સુંદર હરણ. સુંદર વનના હરણ દૂર દૂરના પ્રદેશોમાં પોતાની સુંદરતા માટે પ્રખ્યાત હતા. એવા મોહક અને સ્વરૂપવાન હરણ અન્ય કોઈ વનમાં જોવા મળતા નહીં. પરંતુ સુંદર વનમાં રહેતું એક હરણ અન્ય બધાજ હરણ કરતા તદ્દન ભિન્ન હતું. દેખાવમાં અને સ્વરૂપમાં એ અન્ય હરણ જેટલું સુંદર અને મોહક ન હતું. એના સામાન્ય દેખાવને કારણે એ હંમેશા બધાની મશ્કરીનું કેન્દ્ર બની રહેતું. સુંદર વનના હરણ પોતાના સ્વરૂપવાન દેખાવ ઉપર ખુબજ ગર્વ અનુભવતા અને પોતાની સુંદરતાના અભિમાનમાં રચ્યા પચ્યા એ બધાજ હરણ એ સામાન્ય હરણને 'કદરૂપું હરણ' કહી સંબોધતા. કદરૂપું હરણ બધાની નિંદાઓ અને વ્યંગ સાંભળવા ટેવાઈ ગયું હતું. બધાની આંખોમાં મશ્કરીનો વિષય બની એનો પોતાના ઉપરનો વિશ્વાસ પણ ડગી ગયો હતો. પોતાની કદરૂપી જાતને અન્ય સુંદર હરણથી એ દુરજ રાખતું. કોઈ પણ એનું મિત્ર બનવા તૈયાર ન હતું. ન કોઈ હરણ એની જોડે વાત કરવા આવતું, ન એ અન્ય હરણ જોડે આગળથી વાત કરવા જતું. બધા હરણ ભેગા મળીને જયારે અવનવી રમતો રમતા અને એકબીજાના સહવાસનો આનંદ માણતા, ત્યારે એ હરણ દૂર એક ખૂણામાં ઉભું ચુપચાપ બધાને નિહાળતું રહેતું. પોતાની જાત પર એને દયા આવતી. પોતાની એકલતા એને ખુબજ વ્યથિત કરતી.

આ દુઃખ અને હતાશાથી કંટાળી એક દિવસ એ હરણ સુંદર વન છોડીને ભાગી ગયું. ભયાવહ જંગલમાં ભાગીને આવી પહોંચેલું હરણ ખુબજ થાકેલું હતું. આગળ શું કરવું, ક્યાં જવું એની સમજ પડી રહી ન હતી. એક મોટા સૂના તળાવને કાંઠે એ પોક મૂકી ખુબ રડ્યું. આંખોમાંથી મોટા મોટા મોતી જેવા આંસુ ખરી રહ્યા હતા.

અચાનક તળાવના મધ્યમાંથી એક પરી પ્રગટ થઇ. સફેદ વસ્ત્રોમાં સજ્જ, હાથમાં જાદુની છડી પકડી પ્રગટ થયેલી પરી અત્યંત મોહક અને સુંદર હતી. હરણ તો એકીટશે પરીને નિહાળી રહ્યું. એના અશ્રુઓ પણ શૉકથી થંભી ગયા.

"શું થયું હરણ? તું અહીં કઈ રીતે પહોંચ્યું? કોણ છે તું? કયાંથી આવ્યું છે? આમ કેમ રડે છે?"

પરીના મોઢામાંથી નીકળેલા મીઠા મધુર ધ્વનિથી હરણને થોડું આશ્વાસન મળ્યું. એણે પોતાના દુઃખ અને હતાશા પાછળની આખી હકીકત પરીને કહી સંભળાવી.

"મારા જેવા કદરૂપા હરણનું કોઈ મિત્ર થવા તૈયાર નથી. વાંક પણ મારો જ છે. જો હું સુંદર હોત તો મારા પણ મિત્રો હોત. કોઈ મારી મશ્કરી ન ઉડાવત."

હરણની નિરાશા નિહાળી પરીનું મન ભરાઈ આવ્યું. એણે હરણની મદદ કરવા તત્પરતા દર્શાવી.

"બસ આટલી જ વાત. એમાં રડવાનું શેનું? આજે હું તને એક એવું વરદાન આપીશ જેનાથી તું સુંદર વનનું સૌથી સુંદર હરણ બની જઈશ, પણ મારી એક શરત છે ...."

સુંદરતાના વરદાન અંગેની વાત સાંભળતા જ હરણ ખુશીથી ઉછળી પડ્યું. એકજ શ્વાસે એણે પરીની કોઈ પણ શરત આંખ મીંચીને માનવાની તૈયારી દર્શાવી. પરીએ ખુબજ ગંભીરતાથી પોતાની શરત હરણને જણાવી.

"જે ક્ષણે તું તારું પ્રતિબિંબ નીહાળીશ તેજ ક્ષણે આ વરદાન હું પરત લઇ લઈશ અને તું ફરીથી તારા મૂળ સ્વરૂપમાં આવી જઈશ. કંઈ પણ થઇ જાય તું જાતે તારું પ્રતિબિંબ નિહાળવાનો પ્રયાસ ન કરીશ."

હરણ તો ખુશીથી સાતમા આકાશે પહોંચી ગયું. પરીની શરત માની, સુંદરતાના વરદાન જોડે, સુંદર વનનું સૌથી સુંદર હરણ બની આખરે એ સુંદર વનમાં પરત થયું.

પરંતુ હરણના આશ્ચર્ય વચ્ચે હજી પણ સુંદર વનના દરેક હરણની આંખોમાં પૂર્વવત અભિમાન હતું. હજી પણ દરેક હરણ એની અવગણના કરતું. હજી પણ એનું મિત્ર બનવા કોઈ તૈયાર ન હતું.

હરણ હવે સમજી ગયું કે આ અહંકાર અને અભિમાન પાછળનું કારણ શું હતું? હવે એ સુંદર વનનું સૌથી સુંદર હરણ હતું. દરેક હરણને એની ભારોભાર ઈર્ષ્યા થઇ રહી હતી.

પણ હવે એને કોઈ ફરક જ ક્યાં પડતો હતો? પોતે સૌથી સુંદર હતું. એજ પર્યાપ્ત હતું. એ ખુબ જ ખુશ હતું, સંતુષ્ટ હતું. આ સંતોષ અને ખુશીએ એના વ્યક્તિત્વને આત્મવિશ્વાસથી છલોછલ કરી મૂક્યું હતું. હવે એકાંત ખૂણામાં શાંત ઉભા રહેવાની જગ્યાએ એ દરેક ખૂણે મસ્તીથી ફરતું. કોઈ એની જોડે ન રમે તો જાતેજાતે અવનવી રમતો રચી પોતાની રમતોમાં એકલું આનંદ મગ્ન રહેતું. એ અવનવી રમતો નિહાળી દરેક હરણ હેરતમાં મુકાઈ જતું. આટલી સરસ રમતો તો એમણે કદી કલ્પનામાં પણ વિચારી ન હશે!

થોડાજ દિવસોમાં અન્ય હરણ એની તરફ ખેંચાઈ જ આવ્યા. જોતજોતાંમાં હરણ 'કદરૂપું હરણ' ન રહેતા બધાનું પ્રિય હરણ બની ગયું. સુંદર વનનું સૌથી પ્રખ્યાત અને જાણીતું હરણ. થોડા દિવસો પહેલા એક પણ મિત્ર ન ધરાવનારા હરણની મિત્રતા મેળવવા હવે સૌ તત્પર હતા.

હરણનું આખું જીવન જાણે એકજ ક્ષણમાં બદલાઈ ગયું. શરીરની સુંદરતા જીવનમાં ખુશીઓ અને હર્ષ બની ઉભરાઈ રહી. દિવસો વીતતા ગયા અને સાથે સાથે હરણનું જીવન વધુ સુંદર અને સંતુષ્ટ બનતું ચાલ્યું.

એક દિવસ અચાનક હરણને પરીના વરદાનની યાદ આવી. પરીએ કરેલી મદદ બદલ એનો આભાર વ્યક્ત કરવા માટે જંગલ જઈ રૂબરૂ પરીને મળવાનો નિર્ણય કર્યો.

ઉત્સાહ અને ઉમંગ જોડે દોડતું ભાગતું હરણ તળાવ કાંઠે આવી પહોંચ્યું. ફૂલેલી શ્વાસો જોડે હરણનું ગળું અત્યંત સુકાઈ ગયું હતું. તળાવનું પાણી પીવા માટે એ તરતજ આગળ નમ્યું. ઠંડા પાણીથી શરીરમાં જાણે જીવ આવ્યો. પાણી પીવા માટે આગળ ઝૂકેલા શરીરનું પ્રતિબિંબ તળાવમાં ડોકાઈ રહ્યું. હરણની આંખો પોતાના પ્રતિબિંબ ઉપર પડી અને એ ચીખી ઉઠ્યું. ધડ ધડ કરતી આંખો પસ્તાવામાં વહી રહી. પરીની શરત શબ્દેશબ્દ યાદ આવી રહી. પોતાની મુર્ખામી ભરી ભૂલનું પરિણામ તદ્દન આંખો સામે હતું. પોતે ફરીથી પહેલા જેવુંજ કદરૂપું હરણ બની ચૂક્યું હતું.

હરણનું હૃદય સ્પર્શી રુદન સાંભળી તળાવમાંથી પરી શીઘ્ર પ્રગટ થઇ. એટલી જ સુંદર અને એટલીજ મોહક. હરણના રુદન અંગે ચિંતિત સ્વરમાં પુછપરછ કરી.

"અરે શું થયું? આમ ફરીથી રડવાનું કારણ?"

હરણે શીઘ્ર હકીકત કહી સંભળાવી. પરીનો આભાર માનવાના ઉદ્દેશ્યથી લઇ તળાવના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ લેવાની ભૂલ સુધી. હરણનું રુદન પહેલા કરતા પણ ઊંચો સ્વર ગ્રહણ કરી રહ્યું.

આખી હકીકત શબ્દેશબ્દ સાંભળી પરી જોર જોર હસવા લાગી. હરણ વિસ્મયમાં મુકાયું. પોતાની વ્યથાની જાણે કોઈ મશ્કરી ઉડાવી રહ્યું હોય એવો ભાવ મનને વધુ દુઃખી અને હતાશ કરી રહ્યો.

હરણનો ઉતરેલો ચ્હેરો જોઈ આખરે પરીએ પોતાની વાત સ્પષ્ટ કરી.

"સત્ય એ છે કે મેં તને કોઈ વરદાન આપ્યુંજ ન હતું. મેં કહ્યું તું સૌથી સુંદર છે અને તે માની લીધું. જયારે જાતે સુંદર હોવાનું સ્વીકાર્યું ત્યારે અન્યએ પણ સ્વીકારવું પડ્યું. સાચી સુંદરતા ચહેરાથી નહીં આત્મવિશ્વાસથી આવે છે. તારા મિત્રો તારા આત્મવિશ્વાસથી જ પ્રભાવિત થયા."

હરણ સ્તબ્ધ બની સાંભળી રહ્યું. હવે એને સમજાયું પરીએ પ્રતિબિંબ ન નિહાળવાની શરત શા માટે રાખી હતી?

હરણે ફરી એકવાર પોતાનું પ્રતિબિંબ તળાવમાં નિહાળ્યું. ચ્હેરા ઉપર આત્મવિશ્વાસ ભર્યું હાસ્ય વ્યાપી રહ્યું. પરીનો સહ હૃદય આભાર વ્યક્ત કરી એ હસતું કૂદતું સુંદર વન તરફ ઊપડ્યું.

સાર : 'સુંદરતા દેખાવથી નહીં આત્મવિશ્વાસથી કેળવાય છે.'


Rate this content
Log in

Similar gujarati story from Children