Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others

4  

Vijay Shah

Others

અબોલાનું ગણિત

અબોલાનું ગણિત

9 mins
14.3K


ભીતર પ્રવેશવાની સુખની થઈ ન હિંમત,
એને નડ્યું છે કાયમ બખતર અરસપરસનું.

– રવીન્દ્ર પારેખ

સીમા બબડતી હતી.. હું મા થઇ તે જ મારો વાંકને? તારો મારા ઉદરે જન્મ થયા પછી સતત તું લાતો મારીને શું ય ગુસ્સો કાઢતો હતો તે ત્યારેય નહોતું સમજાયું અને આજે પણ અબોલા તેં શાના લીધા છે.મને તો તે પણ સમજાતું નથી.

તારું ભલું ઇચ્છવું અને તારી ભૂખ ભાંગવી તે સિવાય મેં કદી તારી પાસેથી કશુંય ઇચ્છ્યું નથી. અને આ જેનીફર સાથે તારા લગ્ન થયાં ને તને શું થઇ ગયું? મને ખબર નથી કે તારે માટે હું વસૂકી ગયેલી ગાય કે જેના આંચળમાં હવે દૂધ નથી તેમ સમજીને તેં મને તારી જિંદગીમાંથી હાંકી મૂકી.પણ ભલા ભાઇ, તું ભૂલી ગયો કે ઘરડી ગાય પણ ઉત્સર્જનના રૂપમાં ખાતર આપે છે. બે વરસે વીકનો તુ બાપ થયો તેથી શું વીક તારા એકલાનો? મારા ફૂલના ગોટા જેવા પૌત્રને જોઇને મને તારું બચપણ ફરી માણવાના કોડ ન થાય?

તારા પપ્પા તેમની સર્વ ઇચ્છાઓ મારીને જીવી શકે.પણ ના, મારાથી તેમ નથી થતું. હું તો મા છું ને? અને તું મારો રૂપિયો છે, જ્યારે વીક તો મારા રૂપિયાનું વ્યાજ. વળી એક સબડિવીઝનમાં રહેવાનું અને તેને જોવા માટે મારે તારી અને જેનીફરની પરવાનગી લેવાની? લોહી તો ઉછાળા મારે જ ને?

બરોબર જ્યારે તું પાંચ વર્ષનો થયો હતો ત્યારે તને કૅડબરી એક્લેર ચોકલેટ ખૂબ જ ભાવતી.અને ત્યાર પછી તારા પપ્પા રેપરની તને સરસ નાની ઢિંગલી બનાવી આપતા. તારો ચહેર એ આનંદને માણતો અદ્‍ભુત રીતે ખીલતો.જો કે આ હાસ્ય ઉંમરની સાથે વિલાતું ગયું. તને સ્કૂલે મોકલવામાં અને રિક્ષાવાળાનો સમય સાચવવા ઘણી વાર હું ઘાંટા પાડું તે તને ના ગમે.તારે તો છબછબિયાં કરીને ફૂવારા નીચે નહાવું હોય.પણ તેમ કંઇ ચાલે?

હવે તો તું પણ બાપ બન્યો છે ને? મારી તારા માટેની ચિંતા હવે સમજી શકતો હોઇશ. ક્યારેક સુંદર ભવિષ્ય માટે આજનાં કેટલાંક સુખોને તજવાં પડે ને? મને ખબર છે તને યુનિફોર્મ પહેરવો ગમતો જ નહીં.તને રીક્ષામાં બેસીને સ્કૂલે જવું ગમતું નહીં. તને ડૉલી ટીચર ગમતી પણ તેમનું હોમવર્ક કરતાં કરતાં તું થાકી જતો.વીડિયોગેમ તને ખૂબ જ ગમે પણ પપ્પા તેમનું લાખ રુપિયાના બિઝનેસ કોમ્પ્યુટર પર તે રમવા માટે એક કલાક આપતા તે તને ન ગમતુ. તેથી હું તારો પક્ષ લઇને વધુ સમય રમવા આપવા કહેતી ત્યારે પણ પપ્પા કહેતા કે તેને કોમ્પ્યુટર રમવા માટે નહીં પણ ભણવા માટે આપ.જો તે કંઇક તેની ઉપયોગિતા શીખે તો.આવતી કાલ તો આ નાનકડું રમકડું દુનિયાભરની સારી અને નરસી વાતો શીખવાડશે.

દિવસો વીતતા ગયા.અને એ દિવસ પણ આવી ગયો જ્યારે તેં મને કહી દીધું “ મા,હું જૅનિફર સાથે પરણીશ અને તેં જો વાંધો લીધો ને તો હું તને છોડી દઈશ.”

અને હા ભાઇ તેં મને છોડી દીધી. તેં કહ્યું હતું તેમ જ તેં પાળી બતાવ્યું ભાઇ! હું તો વસૂકી ગયેલી મા ને? તને હું શું કામ લાગવાની? હવે તો હું ઘરડી થવાની.તારા માથે મને સાચવવાની જવાબદારી આવવાની તેથી તેં મને ફોન કરવાની મનાઇ કરી દીધી.તારે ઘરે આવવાની મનાઇ કરી દીધી.પણ ભાઇ! તને જોયા વિના મને કેમ ચાલે? તું આજે તારા ઢીંગલા સાથે રમે અને મને મારો ઢીંગલો જોવા પણ ન મળે?

ઘણી વખત તારા પપ્પા મને કહે કે છોકરાઓ મોટા થઇ ગયા પણ તેમની સાથે તું મોટી નથી થતી.ભૂલી જા કે હવે તેઓ તારી દરેક માગણીઓ પૂરી કરે.તેમની પોતાની જિંદગી છે. તેમની પોતાની પ્રાયોરિટી હોય.અને તું તે પ્રાયોરિટીમાં ન હોય તો તું શું કરે? સહજ જવાબ તો એક જ હોય.. તેઓ તેમની દુનિયામાં સુખી છે, માનીને ખુશ રહે.

તેઓ એવું કહેતા હોય છે, પણ હું ઉધામા કરું છું અને તેઓ પણ છાના છાના નિસાસા તો નાખતા જ હોય છે. સમજણના નામે તેઓ સહી જાય છે જ્યારે મને થાય છે કે મારાં સંતાનો હાથવગાં હોવા છતાં મારે કેમ નહીં માણવાનાં?

પ્રશ્નો ઉપર પ્રશ્નો થયા જ કરે પણ ન કોઇ આશ્વાસન કે નહિ કોઇ નિરાકરણ. ક્યારેક કકળાટમાં આડુંઅવળું બોલાઇ જાય અને પછી પસ્તાવાનો પાર ન રહે.

ક્યારે તૂટશે આ અબોલા? મારા શ્વાસ ચાલે છે તે પહેલાં તો તૂટશે ખરા ને?

માં!

ખરું કહું ને તો કોઇ અબોલા છે જ નહીં.

પણ હા તમારી એક વાત સંતોષું અને સાથે આવી પડતી બીજી ફરમાઇશોથી ડરું છું.

મને મારું બચપણ અને મારા માટેનો તમારો લગાવ સંપૂર્ણ રીતે યાદ છે. દીકરા સાથે સમય ગાળું ત્યારે તે બધું જ મારી સ્મૃતિઓમાં અકબંધ અને ક્ષણે ક્ષણના હિસાબો તરીકે ઊકલતું જ હોય છે. પણ શું કરું? તમે અને જૅની- મારી બધી જ સહનશીલતાની સરહદો પાર કરી ગયાં છો.

બંને મા પોતપોતાના દીકરાઓ વિશે એવી જડ માન્યતાઓથી વળગેલી છે કે દરેક વચલા રસ્તાને પણ છેલ્લો રસ્તો માની હદ બહાર ઝઝૂમો છો જ્યારે સત્ય એ છે કે હું બેઉ માઓને સંભાળતાં સંભાળતાં પાગલ થઇ જાઉં છું.

મને ખબર છે કે સંવેદનાઓ બંને પક્ષે અનહદ છે. બંનેને સંભાળવાને બદલે મેં મને સ્થિર રાખવા જ આ નિયમ ઘડ્યો છેઃ કોઇ વાત જ નહીં કરવાની. તેથી બંને પોતપોતાની રીતે ખુશ કે નાખુશ. જૅની ખુબ જ સુખી છે અને તમે બહુ જ દુઃખી.

ફોન ઉપર વાતો કર્યા પછી અક્ષરેઅક્ષરનું પિષ્ટપેષણવાળી ગુજરાતીનું મને સારી રીતે અંગ્રેજી કરતા ન આવડે ત્યારે વાતનું વતેસર થાય તે નફામાં.. તમારી સાથે પપ્પા છે. તે તો બહુ જ સમજુ છે પણ મારી પાસે મારા સિવાય બીજું કોઇ નથી. વાતનું વતેસર થયા પછી મારે જૅનીને એકલીને નહીં, તેના મમ્મી-પપ્પાને પણ સમજાવવાનાં,બાપ રે,બાપ તે તો સૌથી અઘરું કામ.

તમને તો એક વખત ના કહી એટલે તમને આગળ કોઇ પ્રશ્નો નહીં પણ જેનીના પપ્પાને તો કાલ્પનિક ભયોના ડુંગરા પણ એટલા બધા કે તમને શું કહું?

મેં તો જૅનીને સાચા મનથી ચાહી છે પણ બસ તમારી જેમ જ એને મારું બધું જ જોઇએ અને તે પણ તેની જ રીતે.હું તેને કહું પણ ખરો કે “જૅની,તે મારી મા છે તેનો મારા ઉપરનો અધિકાર અને તારો પણ મારા ઉપરનો અધિકાર એ બે તદ્દન જુદી જ હકીકતો છે. બેમાંથી કોઇ એકમેક્નો હક ડુબાડતા નથી પણ જેમ તમારો કાલ્પનિક ભય.જૅની મને છોડી દેશે.જેમ ખોટો પડ્યો તેમ જ તેનો કાલ્પનિક ભય ખોટો પડે તેની રાહ જોઉં છુ.

તમે બંને પોતાની વાતોમાં એટલાં બધાં ગળાડુબ છો કે બીજી કોઇ શક્યતાને જોતાં જ નથી અને તે બીજી શક્યતા એટલે હું અને મારું મન શું ઝંખે છે તે.

તમારી બીજી ફરમાઇશો પૂરી કરવાનું હું સમજું છું પણ તે તમારી રીતે નહીં પણ મારી રીતે. અને હું જોઇ રહ્યો છું કે મેં તે ફરમાઇશો પૂરી ના કરી ત્યારે તમે જાતે તેનો રસ્તો શોધતાં થયાં.

જેમ કે પપ્પાને તે વખતે ખોટું લાગ્યું જ હશે જ્યારે મેં તેમની કંપ્યુટર તકલીફો સોલ્વ કરવાને બદલે ગુગલ કરીને શોધી લો તેમ કહ્યું. કારણ મને ખબર છે કે હું પણ તે જ કરું છું.એ જેમ જાતે કરતા ગયા તેમ મારા ઉપરની તેમનું અવલંબન ઘટતું ગયું.જો કે વૃંદાબેન પણ ધુંધવાઇ કારણ કે તે મારા જવાબ આપવાના પ્રકારો ઉપર ધુંધવાઇ હતી પણ હવે તો તે પણ આ બાબતે રાહત અનુભવે છે કારણ કે પૂછતાં જ પંડિત થવાય તેમ હવે પપ્પાને નાના પ્રશ્નોનો ઉકેલ આવડી ગયો છે.

વૃંદા કહેતી હતી મમ્મી! તું શું કામ કેતુલને યાદ કરીને રડ્યા કરે છે, હેં? તારું કયું કામ અટક્યું? તેના સંજોગો બદલાશે ત્યારે તે પણ મદદ કરશે જ ને? અને આજમાં જીવ. કેતુલ નથી તો વૃંદા તો છે જ ને? માની લે ને કે તું અમેરિકામાં છે અને તે ભારતમાં.તને કે પપ્પાને કશું થશે તો હું છું ને જોવા વાળી.

“ પણ બેટા તું તો છોકરી. તારું અમારાથી ના ખવાય”

“કેવી વાત કરે છે મમ્મી? મને અને કેતૂલને બંને ને જણવામાં શું પીડાથી તારી જાંઘો થરથરી નહોતી? અસહ્ય દુઃખ નહોતુ અનુભવ્યું?વળી ૨૫ વરસ સુધી જેમ એણે રોટલા ખાધા તેમ મેં નથી ખાધા? તને રોટલા ઘડતા થાક નહોતો લાગ્યો? અમેરિકામાં અમને બંનેને તમે કેવી રીતે ભણાવ્યાં તે શું અમને ખબર નથી?

હા બેટા, બધુંય સાચું છતાં વિશ્વાસ નથી બેસતો, શું આ એ જ મારો કેતુલ? જે મને મજુરીની નોકરીમાં હું થાકીને આવું ત્યારે કહેતો કે મા મને ભણી લેવા દો પછી હું તમારું રિટાયરમેન્ટ કરીશ. અને આજે હવે મને કહે છે હજી હાથપગ ચાલે ત્યાં સુધી કામ કરો.

જુઓ મમ્મી જ્યારે તું ભૂતકાળમાં બેસીને મરશીયાં ગાતી હોય ત્યારે મને પપ્પાનો અભિગમ ગમે છે. તેઓ કહે છે ભૂતકાળ એ તો વટાવાઇ ગયેલો ચેક છે. જે છે તે આજ છે પ્રેઝંટ અને પ્લેઝંટ અને આજે વિચારીને જે આવતી કાલની કલ્પના કરો તો તે હુંડી છે.

મમ્મીને કોઇ રાહત ન થતી જોઇ તે ફરી બોલી. “મારો કેવિન તમારી પાસે છે જ ને?”

“જો બેટા પાછી તું મને કહીશ કે હું જુનવાણી પણ કેવિન એ દોહિત્ર અને વીક પૌત્ર. પૌત્ર તર્પણ કરે તો અમને ઉપર પહોંચે અને કેવિન ગમે તેમ તો ય પરગોત્રી.”

“ આ જબરું..મારામાં અને કેતુલમાં બંનેમાં તમારું લોહી તો ખરુંને? અને એકનું પહોંચે અને બીજાનું ન પહોંચે એ બધા પંડિતોએ સર્જેલા વાડા છે. હું તો તેને નથી માનતી. કેવિન અને વીક બંને માંદા પડે ત્યારે તમારું બંને માટેનું ખેંચાણ સરખું જ હોય છે ને? તો પછી એકનું પહોંચે અને બીજાનું ના પહોંચેવાળી વાત અમેરિકામાં કોઇને પણ કહીશ તો હસશે.”

કંપ્યુટર ઉપર કામ કરતો અક્ષય પાણી પીવા રૂમમાં આવ્યો. માદીકરી જે વાતો કરતા હતાં તે થોડીક સાંભળી હતી તેથી બોલ્યો “વૃંદા ઉંઘતાને ઉઠાડી શકાય જાગતાને નહીં!”

“એટલે” સીમાએ ભડકીને પૂછ્યું.

“એટલે એમ કે અહીંની આજની પરિસ્થિતિમાં સુખ છે તે જાણતી હોવા છતાં દુઃખ પેદા કર્યા કરે છે તારું માતૃ વલણ.”

“મને સમજાય તેવું તમે બોલો.”

“ જો કેતુલ અને જૅની તારા ઘરે તેમના પેટ્સ લઇને રહેવા આવશે તો તને ગમશે?’

સીમાએ પ્રતિભાવ આપ્યો “નો વે”

તો પછી શા માટે તારી જાતને આ રીતે સમજાવતી નથી કે અમેરિકન વહુ કંઇ તેં જેવી બાની સેવા કરી તે રીતે કરી શકવાની નથી. તો પછી છોકરો તેના ઘરે તેની મરજી મુજબ જીવે છે તે શું આનંદની ઘટના નથી? એ જિદ છોડ ને કે બધું તારી રીતે જ થવું જોઇએ.અને એમ ન થાય ત્યારે દીકરો બદલાઇ ગયાનાં અરણ્ય રુદનો કરવાનાં. જો, તે તારું જ લોહી છે અને તેં જ એને તારા જેવો જિદ્દી સ્વભાવ આપ્યો છે.

ક્યારેક વિચાર કર કે ઝંઝાવાત સામે વડલા ઊખડી જાય છે જ્યારે તણખલાં ટકી જાય છે કારણ કે તે પવન સાથે ફરી જાય છે.વડલો થવાની જિદ જો તું છોડી દઇશ તો આ બોર બોર જેવડાં અકારણ પડતાં આંસુઓ સુકાઇ જશે.

વૃંદા પપ્પા સામે જોઇ રહી..એ મમ્મીને આટલુ સહજ ના સમજાવી શકી હોત.

“ તો શું અબોલા એણે મને દૂર રાખવા નથી લીધા?”

“ જો એ હજી તેના જીવનમાં માંડ સ્થિર થયો છે. વળી વીક એને પણ એટલો જ વહાલો છે તેથી સાવચેતી રાખે છે કોઇ પણ પ્રકારની ગેરસમજ તેના જીવનને વેરવિખેર ન કરી નાખે.. અને તને તો ખબર છે ને કે સંવેદનશીલ સ્વભાવ એને આપણો વારસો છે.”

“ મમ્મી, તને વીકને જોવો છે તો ચાલ આપણે તેમને આપણા ઘરે બોલાવીએ. પણ શરત એક જ કે બહેરા-મૂંગા અને જોયું ન જોયું કરી દેવાની તૈયારી સાથે બોલાવીએ.વૃંદાએ ગરમ તપેલા લોઢા ઉપર પાણી છાંટ્યું.”

સીમાનું મોં વૃંદાની અપેક્ષા પ્રમાણે પડી ગયું.

“ મારે જ બધે ઝુકવાનું? આખી જિંદગી ગઈ ઝુકવામાં…”

“ એટલે જ તો પપ્પા કહે છે ને કે જાગતાને ના જગાડાય. વળી આ સાસુપણાને મામાં ફેરવીશ તો ઝઘડા નહી રહે. અને અબોલા નહીં થાય.”

સીમા ફરીથી છંછેડાઇને બોલી “ના.ભલે તો એ લોકો તેમને ત્યાં રહે..”

અક્ષય મૂછોમાં હસતો હતો તે જોઇ સીમા ફરી ભડકી. “તમે તો જરા લાજો.મારો પક્ષ લેવાને બદલે દીકરી સાથે બેસી જઇને મને એકલી પાડો છો.”

અક્ષય ગંભીર થઇને બોલ્યો“આ અબોલા રાખવામાં સાચું કહું તો સીમા તને જ વધારે ફાયદો છે. બાકી વડીલ તરીકે વારે ને તહેવારે તારે જ ખાલી થવું પડશે અને દુઃખના ટોપલા ક્યાં ક્યાંથી તું શોધી કાઢીશ.અને પેલો બીન વહેવારિયો કેતુલ છોલાઇ મરશે. જ્યારે જ્યારે તેની વાતો યાદ આવે ત્યારે જેમ તે પણ રડી લે છે તેમ તું પણ રડીને શમી જજે.”

સીમા જાણે કેતુલ અને વૃંદાની વાત સમજતી હોય તેમ નિસાસો નાખતાં બોલી.”ખૈર, કોઇક ભવે એમને દુભવ્યા હશે તેથી આજે દુભાવુ પડે છે.”

વૃંદા બોલી “ મમ્મી, મને પણ થાય છે કે એક જ ભાઇલો છે એક જ સબડિવીઝન છતાં આ અંતર કેમ? પણ પછી થાય છે કે આમ “અબોલા” રાખવાથી તેના લગ્ન જીવનમાં શાંતિ રહે છે ને? તો પછી એમ જ માની લેવાનું તે વડોદરા તેના ઘરમાં છે અને હું અહી ન્યૂ જર્સી અમેરિકામાં…”

બોર બોર જેવા મોટાં આંસુ ત્રણેયની આંખોમાં ડોકાતાં હતાં. પણ “અબોલા”નું ગણિત સમજાઇ ગયુ હતું અને હવે તે સમજ આંસુ નહીં પણ સ્વસ્થતા લાવશે તેવું અક્ષય દૃઢતાથી માનતો હતો.

 


Rate this content
Log in