Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

હત્યારો

હત્યારો

6 mins
14.2K


સૂર્ય આથમવા માટે પૂર્વ તૈયારી કરી રહ્યો હતો. દરિયો પણ સૂર્યને પોતાની વિશાળ કાયામાં સમાવી લઈ અંધકાર સાથે રમવાની તૈયારી કરી રહ્યો હતો.

પ્રકૃત્તિની નિશ્ચિતતા અને મનુષ્ય જીવનની અનિશ્ચિતતા વચ્ચે અટવાયેલા કવિનું મન ક્યારેક દરિયાના ઉછળતા મોજાને જોઈ ચંચળતા અનુભવતું તો ક્યારેક પાછા વળતા મોજાને નિહાળી ગંભીર બની જતું.

હૃદયના ભાવ ચ્હેરા ઉપર પ્રતિબિંબિત થતા હોય તેમ ક્યારેક તેના ચ્હેરા ઉપર ફિક્કું હાસ્ય ડોકાઈ આવતું, તો ક્યારેક ચ્હેરો એવો ગંભીર બની જતો કે જાણે હાસ્યનો સ્પર્શ જ થયો ન હોય !

કવિ અને પ્રકૃતિ નો સંબંધ તો કેટલો જૂનો !

હાથમાં રેતી લઈ તેને ફરીથી સરકાવી પોતાની અકળામણ ઠાલવવાનો કવિનો નિરર્થક પ્રયત્ન હજી પણ યથાવત હતો. અચાનકજ એક ભયંકર દ્રશ્ય એ તેના એ પ્રયત્નને અટકાવ્યો. પોતાની કલ્પનાઓમાં ખોવાયેલા કવિએ દોટ મૂકી.

પગ કઈ રીતે આટલી ઝડપથી ઊપડી રહ્યા હતા એ વિચારવાનો સમય ન હતો. થોડીજ ક્ષણોમાં દરિયાના તોફાની મોજાંઓને ચિરતો એ સીધો પાણીમાં પ્રવેશી ગયો. પાણીમાં પલળવાથી શરીરનું વજન વધી ગયું, સાથેજ અન્ય શરીરને ઉંચકવાની શક્તિ અનાયાસેજ આવી ગઈ.

અકસ્માતોજ આંતરિક શક્તિઓને જાગૃત કરતા હોય છે! પાણીની બહાર નીકળતાંજ બધીજ વેદનાએ શબ્દોનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ કવિના હાથમાં રહેલા શરીરમાંથી શબ્દો સરવા લાગ્યા :

"શા માટે બચાવ્યો મને?"

દરિયાના પાણી કરતાં આંખોમાંથી નીકળતાં પાણીનો વેગ વધારે લાગતો હતો.

"મારે મરી જવું છે, કહું છું, છોડી દો મને !"

જીવન નિરર્થક બની ગયું હોય એ રીતે મૃત્યુને છાતીએ લગાવવા ઉત્સુકએ યુવાન માટે કવિની મજબૂત પકડમાંથી છૂટવું સહેલું ન હતું. છતાં પ્રયત્નો યથાવત હતા.

"જીવવું મારા હાથમાં નથી પણ મરવું તો મારા હાથમાં છે, છોડી દો !"

જીવનથી થાકી ચૂકેલો એ યુવાન મરવાના પ્રયાસોથી પણ થાકી ગયો. ઉતરતી ભરતીએ શાંત બનાવેલા દરિયાના પાણીની જેમ એ યુવાન પણ ધીમે-ધીમે શાંત થવા લાગ્યો. એના અગનજ્વાળા જેવા શબ્દો વહેવા માંડ્યાં : "કેટલું કદરૂપું છે આ જીવન, આ જગત ?!"

"તારી ચારે બાજુ નજર દોડાવ. કેટલી સુંદર છે આ પ્રકૃતિ, આ જીવન !" એક આદર્શ કવિની જેમ કવિતા જેવા શબ્દોમાં કવિએ એને સાંત્વના આપવાનો નિરર્થક પ્રયત્ન કર્યો.

"ક્યાં છે સુંદરતા? પોતાની પાછળ અંધકાર મૂકી ડૂબવા તૈયાર થયેલા આ સૂર્યમાં? કે આજ સુધી કેટલાય જીવનો ભોગ લઈ ચૂકેલા આ દરિયામાં?" યુવાનના શબ્દોમાં નિરાશા છલોછલ હતી.

"સૌંદર્ય શોધવાનો નહીં, માણવાનો વિષય છે. એ જોઈ શકાતી નથી, ફક્ત અનુભવી શકાય છે. આંખો દ્વારા નહીં, મન દ્રારા !"

"મન, સંવેદના, લાગણી એ ફક્ત કવિતામાં બંધ બેસતી લાગે છે, સાચા જીવનમાં નહીં." યુવાનનો ક્રોધ શબ્દોમાં ઉતર્યો.

"જીવન પણ એક કવિતાજ છે. તફાવત છે ફક્ત દ્રષ્ટિકોણનો !" કવિના શબ્દોમાં સહજતા ડોકાઈ.

"જ્યાં ચારે બાજુ દંભ, લાલચ, અત્યાચાર, ક્રૂરતા વ્યાપેલા હોય એવા સમાજમાં સૌંદર્ય કઈ રીતે માણી શકાય?" યુવાનનો સ્વર વ્યથિત થયો.

"તું ફક્ત જીવનને ઉપર છલ્લું જોઈ રહ્યો છે, એજ તારા દુઃખનું મૂળ છે." યુવાનને સમજાવવાના પ્રયાસમાં કવિ બોલ્યા. "આપ મારા દુઃખ વિશે ક્યાં જાણો છો?" યુવાન અકળાયો.

"કોઈ પણ દુઃખ માનવીને એના અસ્તિત્વથી અળગો કરી દે એટલું શક્તિશાળી ન હોય શકે, ફક્ત એટલુંજ જાણું છું." કવિએ નિઃસ્પૃહ થઈ કહ્યું.

"મારા અસ્તિત્વનો હવે કોઈ અર્થ રહ્યો નથી."

આંખોમાંથી સરી રહેલા આંસુના પ્રવાહને રોકવાનો નિરર્થક પ્રયત્ન કરતા એ યુવાને પોતાની વેદનાને શાબ્દિક સ્વરૂપ આપ્યું.

"હું એક ગરીબ કુટુંબનો દીકરો છું. બાળપણમાંજ પિતાનું અવસાન થયું. મારી અને મારાથી નાની બે બહેનોની સંપૂર્ણ જવાબદારી માતા ઉપર આવી પડી. એમણે રાત દિવસ મહેનત કરી મારો અભ્યાસ પૂરો કરાવ્યો. અભ્યાસ પૂરો કર્યા પછી વિચાર્યું કે જેમાં એ આજ સુધી ટેકો આપ્યો છે. એમાંને ટેકો આપવાનો સમય આવી ગયો. હવે એમની બધી જ જવાબદારી હું સંભાળી લઈશ. ખૂબજ મહેનત કરીશ અને મારા કુટુંબને સુખી કરવા બધું જ કરી છૂટીશ..."

અચાનકજ બોલતા-બોલતા અટકી ગયેલા યુવાનના ખભા ઉપર કવિએ આશ્વાસનપૂર્ણ હાથ મૂક્યો અને એ સ્પર્શથી યુવાનને બોલવાની શક્તિ મળી હોય એમ પોતાની કથાને વેગ આપ્યો." પણ હું ભૂલીજ ગયો હતો કે સ્વપ્નને હકીકત વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે.

આ તફાવતનો પહેલો અનુભવ મને ત્યારે થયો જ્યારે નોકરી મેળવવામાં નિષ્ફળતા સાંપડી. મહેનતથી મેળવેલી મારી પદવીઓને પૈસાથી તોલવામાં આવી. લાગવગ વિના જો ક્યાંક સારી નોકરી મળતી તો તેની સામે એટલી મોટી રકમ માંગવામાં આવતી કે..."

યુવાનની નજર ઢળતા સૂર્ય પર એ રીતે ઠરી જાણે કે એ સૂર્ય એની આથમી ગયેલી આશાઓનુંજ પ્રતિબિંબ પાડી રહ્યો હોય ! છતાં હાર માન્યા વિના મારા પ્રયત્નો યથાવત રહ્યા. એક દિવસે એક સંસ્થા માંથી નોકરી માટે પત્ર આવ્યો. એ સંસ્થાના મલિકની સજ્જનતા વિશે ઘણું સાંભળ્યું હતું. ગાંધીજીના આદર્શોમાં માનનારા એ શેઠે મારી આશાને વધુ પ્રજ્વલિત કરી. આજે એજ સંસ્થાની મુલાકાતે ગયો હતો. પણ ત્યાં પહોંચીને મારી બધીજ આશા પર પાણી ફરી વળ્યું. એ શેઠે પણ ખૂબજ મોટી રકમ..."

રોકી રાખેલા આંસુ પર નિયંત્રણ ગુમાવી દીધું હોય એ રીતે ફરીથી યુવાનની આંખો ભીની થઈ ગઈ.

"હવે હું થાકી ગયો છું. સત્યના મોહરાં પાછળ છુપાયેલા અસત્યો એટલા ભયંકર છે, જેને જીરવવાની શક્તિ હવે મારાંમાં નથી. જે અન્યના અસ્તિત્વને ટકાવી ન શકે એવા અસ્તિત્વને ટકાવી રાખવાનો શો અર્થ?"

ખૂબજ ધ્યાન પૂર્વક આખી કથા સાંભળી રહેલા કવિએ સામો પ્રશ્ન પૂછયો, "પોતાના હાથેજ પોતાના પ્રાણ ત્યાગવા માટે પણ ઘણી હિંમત ભેગી કરવી પડે છે. જો આટલી હિંમત ભેગી કરીજ છે તો શા માટે એ હિંમતનો ઉપયોગ હકારાત્મક દિશામાં ન કરવો? તને લાગે છે કે તારા મરવાથી તારી બધી જ સમસ્યાઓનો અંત આવી જશે?"

"જીવન જ એક સમસ્યા છે અને મરણ એ સમસ્યાનો ઉકેલ." યુવાનની હતાશા અકબંધ હતી.

"જીવન એક સમસ્યા નથી, એક ગૂંચ છે અને માનવ જીવનનું ધ્યેય એ ગૂંચનો ઉકેલ..." સાહિત્યનો જીવ ગંભીરતા તરફ ધકેલાયો.

"મૃત્યુ એ મનુષ્ય જીવનનું અંતિમ સત્ય છે. જો બધાંજ સત્ય એ અંતિમ સત્ય પર આવી સમાપ્ત થતા હોય તો એ અંતિમ સત્યને જ સ્વીકારી બધા અસહ્ય સત્યોમાંથી મુક્ત થઈ જવામાં ખોટું શું?" યુવાનની આ દલીલ એ કવિને નિરુત્તર બનાવી મૂક્યો. સાહિત્ય જીવ જાણે જીવનના પ્રશ્નો સામે હાર્યો...

દરિયાએ સૂર્યને પોતાની આગોશમાં સમાવી લીધો હતો. પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવ્યા વિનાજ એ યુવાન અંધકારને ચીરતો કવિથી દૂર નીકળી ગયો.

કવિને લાગ્યું કે યુવાનનું દરેક પગલું જાણે એને જીવનથી દૂર લઈ જઈ રહ્યું હતું.

યુવાને ત્વરાથી કંઈક વિચાર્યું. એનાં પગલાં ઘર તરફ ઊપડી પડ્યા.

બીજે દિવસેએ યુવકને સંસ્થા તરફથી મળેલા પત્રએ એની બધી જ સમસ્યાઓ ઉકેલી નાખી. ગૂંચ ઉકેલાઈ જ ગઈ! પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે એની પ્રામાણિકતા એ એને એ 'નાટકીય' કસોટીમાં ઉત્તીર્ણ કરાવી આપ્યો. એજ આ નોકરી માટે લાયક ઉમેદવાર.

જીવનના સત્યનું એક નવું રૂપ એની સમક્ષ હતું. મનમાં ફક્ત એકજ વિચારનો પડઘો ગૂંજી રહ્યો, 'જો ગઈ કાલે એ સજ્જને મને બચાવ્યો ન હોત તો?'

વિચારમાં ખોવાયેલા યુવકની નજર અચાનક જ સામે પડેલા સમાચાર પત્ર પર પડી. પ્રસિદ્ધ યેલી તસ્વીર જાણીતી હતી. પણ સમાચાર તદ્દન આઘાત જનક !

'પ્રખ્યાત કવિ અને જાણીતા લેખક શ્રી રામ વંદને ગઈ કાલે મોડી રાત્રે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. ઘણા સમયથી પોતાની આત્મકથા લખવામાં વ્યસ્ત આ લેખકે પોતાની આત્મકથા સંકેલતાં લખ્યું છે : 'ઘણા સમયથી પજવી રહેલા પ્રશ્નનો ઉત્તર આખરે મળ્યો. એ ઉત્તર સાથેજ મારું જીવન રૂપી પુસ્તક સંકેલું છું. મનુષ્ય જીવનનું એક માત્ર સત્ય એટલે મૃત્યુ. બીજું બધું જ મિથ્યા, ભ્રમણા... મારા લેખો પણ... મારી કવિતાઓ પણ... તેથીજ મારું જીવન પણ...'

યુવાનના હાથમાંથી સમાચાર પત્ર સરી પડ્યું. શબ્દોનું હથિયાર... સૌથી શક્તિશાળી. એ કોણ ચલાવે, કઈ રીતે ચલાવે એ ખૂબજ જવાબદારીનું કર્મ. એ ધારદાર હથિયાર હકારાત્મકતાથી ઘસાય એક ક્ષણમાં નવું જીવન અર્પી જાય પણ જો નકારાત્મકતામાં ડૂબીને નીકળે તો એક ક્ષણમાં જીવન ભરખી જાય !

માથું કૂટતો યુવાન ભોંય પર બેસી પડ્યો. પણ પોતાની આત્માની અદાલતમાં એ આજીવન ઊભો રહેશે, એક નિર્દોષ જીવનાં હત્યારા રૂપે.


Rate this content
Log in