Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megha Kapadia

Action Crime Thriller

3  

Megha Kapadia

Action Crime Thriller

માન્યાની મંઝિલ - 25

માન્યાની મંઝિલ - 25

6 mins
13.5K


મોટાભાગે પિયોની જ્યારે પણ તેના ફ્રેન્ડ્સનાં ઘરે નાઇટ આઉટ કરતી તો બપોરનો તાપ ચઢે તે પહેલાં ક્યારેય ઘરે પાછી ફરતી નહીં. 10-11 વાગ્યે ઉઠતી છોકરીને સવારનાં 6 વાગ્યામાં પોતાની આંખ સામે ઊભેલી જોઈને નાનીમાંને થોડો આંચકો લાગ્યો હતો અને આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. એક સેકન્ડનો પણ સમય બગાડ્યા વગર નાનીમાંએ પ્રશ્નોનાં બાણ પિયોની ઉપર વરસાવી દીધાં. તો સામે પિયોની પણ એક કુશળ યોદ્ધાની જેમ નાનીમાંનાં આ બાણરૂપી પ્રશ્નોનો સામનો કરવાં જાણે તૈયાર જ હતી. તેણે પહેલેથી જ વિચારીને રાખ્યું હતું કે નાનીમાંને શું કહેવું!!

‘પિયુ બેબી...તું આટલી વહેલી સવાર-સવારમાં? કંઈ થયું તો નથી ને?' ‘નાનીમાં તમને તો ખબર જ છે ને કે અમારું નાઇટ આઉટ આખી રાત ચાલતું હોય છે. એમાં પણ માન્યાની જે કઝિન આવી છે તેની વાતો તો પૂરી જ નહોતી થતી. સવારનાં 6 વાગી ગયા હતાં. આખી રાત ઊંઘ્યા નહોતાં તો હવે મને થયું કે લાવ હું ઘરે જ જતી રહું અને મારાં રૂમમાં જઈને શાંતિથી સુઈ જઉં.' પિયોનીએ બને તેટલી પરિસ્થિતિ સાચવવાનો ટ્રાય કર્યો પણ તે અંદરથી એટલી હચમચી ગઈ હતી કે તેની આંખોનાં ખુણાં ભીનાં થઈ ગયાં અને તે નાનીમાંએ સ્પષ્ટ નોંધ્યું.

‘દીકરાં કંઈ થયું તો નથી ને?' પિયોનીને થયું કે હમણાં તે નાનીમાંને ભેટીને રડી પડે પણ પોતાની જાત ઉપર સંયમ રાખતા બોલી, ‘ઓફો!! નાનીમાં...તમે તો બધી વાતમાં શક કરો છો.' ‘ના એવું નથી દીકરા. ચાલ અંદર આવ. તું બહુ થાકી ગઈ લાગે છે. સુઈ જા. આરામ કર. તને કોઈ ડિસ્ટર્બ નહીં કરે.' પિયોની અંદર આવીને ફટાફટ પગથિયાં ચડીને ઉપર જતી રહી અને નાનીમાં પ્રશ્નાર્થભરી નજરે તેને જતાં જોઈ રહ્યા.

પોતાનાં રૂમમાં લપાઈને તે બેડ પર સુઈ ગઈ અને ઓશિકામાં મોઢું છુપાડીને રડવાં લાગી. પિયોનીને ઊંડો આઘાત લાગ્યો હતો. તેનાં દિલનાં ટૂકડે ટૂકડાં થઈ ગયા હતાં. તેને હજી વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે માણસ તેની દુનિયા બની ગયો હતો, લાઇફમાં જેને તે આટલો મહત્વનો માનવા લાગી હતી તે જ માણસે વિશ્વાસઘાત કર્યો.

અંશુમનનાં શબ્દો ખીલાની જેમ અત્યારે પિયોનીનાં કાનમાં ભોંકાતા હતાં. છેલ્લી 15 મિનિટથી પિયોની ચોધાર આંસુએ રડી રહી હતી પણ તેને શાંત કરવા માટે ના તો અહીંયા નાનીમાં હતા કે ના તો માન્યા.

માન્યા યાદ આવતાં જ પિયોનીને પોતાને લાફો મારવાનું મન થયું. પિયોની મનોમન વિચારવા લાગી, ‘કાશ...મેં માન્યાની વાત માની લીધી હોત કાશ...તો આજે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. તેણે મને કેટલું સમજાવવાનો ટ્રાય કર્યો હતો પણ હું જ ગાંડી હતી. હું અંશુમનનાં પ્રેમમાં આંધળી બની ગઈ હતી. મને અંશુમન સિવાય બીજું કોઈ દેખાતું જ નહોતું. માન્યા કાશ તું અત્યારે મારી સાથે હોત, આઈ નીડ યુ.' પિયોનીનું રડવાનું હજી ચાલુ જ હતું. એક તરફ પિયોનીને માન્યાને મળવાની ઉતાવળ હતી તો બીજી બાજૂ પિયોની એ વાતથી ડરી રહી હતી કે હવે અંશુમન શું કરશે? તે ઘરે આવી જશે તો? જો ડેડીને આ વાતની ખબર પડશે તો મારું આવી જ બનશે? હું કેવી રીતે આ બધું હેન્ડલ કરીશ? પિયોનીનાં મનમાં વિચારોનું વમળ સર્જાયું હતું પણ તે જેટલું વધારે વિચારતી હતી તેને અંશુમન યાદ આવી જતો હતો અને સાથે તેનું લુચ્ચું હાસ્ય. આખી રાતનાં ઉજાગરનાં કારણે પિયોની એટલી થાકી ગઈ હતી કે તેની આંખ ક્યારે મિંચાઈ ગઈ તેને પોતાને પણ ખબર ના પડી. આંખ ખુલી ત્યારે જોયું તો બપોરનો 1 વાગ્યો હતો અને પિયોનીએ જેવું પડખું ફેરવ્યું તો બાજુમાં માન્યા બેઠી હતી. ધડામ દઈને પિયોની પલંગમાં ઊભી થઈ ગઈ અને માન્યાને ભેટીને જોરજોરથી રડવા લાગી. માન્યા પણ પિયોનીનું આ રિએક્શન જોઈને ડરી ગઈ. તેણે પિયોનીની પીઠ થાબડીને શાંત પડાવાનો ટ્રાય કર્યો, પણ પિયોનીનાં આંસુ રોકાવાનું નામ જ નહોતાં લઈ રહ્યા. માન્યાને અંદાજો આવી ગયો હતો કે ચોક્ક્સ કાલે રાત્રે પિયોનીની સાથે કંઈક બન્યું છે. પિયોનીને બેસાડીને માન્યાએ તેને પાણી પીવડાવ્યું. માંડ-માંડ પિયોની શાંત થઈ. માન્યાનાં કંઈ પૂછ્યા વગર જ પિયોનીએ ગઈ કાલ રાત્રે શું બન્યું તેની બધી ડિટેઈલ માન્યાને આપી દીધી. આ બધું સાંભળીને માન્યાનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો હતો.

‘પિયોની ચાલ અત્યારે જ આપણે પોલિસ સ્ટેશન જઈએ છીએ. એ અંશુમન તો જેલમાં જ હોવો જોઈએ. તેણે તારી સાથે જે કંઈ પણ કર્યું એની સજા તો એને મળવી જ જોઈએ.' ‘માન્યા શું બોલે છે તું? આપણે પોલિસ સ્ટેશન જઈશું તો આ વાત બહાર આવી જશે. આખી દુનિયાને ખબર પડી જશે.' ‘હા, તો પડવા દે પણ એ અંશુમનને સજા તો થવી જ જોઈએ.' માન્યા પોતાનાં નિર્ણય પર મક્કમ હતી. ‘પણ મારાં ફેમિલીનું શું? તેમની આબરુનું શું? મારા ડેડી તો તને ખબર જ છે. તે આપણી હેલ્પ કરવાને બદલે ઉલ્ટુ મને ઘરની બહાર કાઢી મૂકશે અને નાનીમાંનો પણ મારા પરથી વિશ્વાસ ઉઠી જશે.' ‘પિયુ...કોન્ફિડન્ટ બન. આપણે સાચાં છીએ તો આપણે ગભરાયાં વગર આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. હું તારાં ડેડીને મનાવી લઈશ. એ ચોક્કસ તારા સપોર્ટમાં આવશે.' ‘ઈટ્સ નોટ સો ઈઝી...જે તું વિચારે છે...એન્ડ વોટ અબાઉટ અંશુમન?' પિયોનીનાં મગજમાં અંશુમનનો ચહેરો ઉપસી આવ્યો. ‘તું હજી પણ અંશુમનનું વિચારે છે?' ‘ના માન્યા પણ હું અંશુમન સામે પિયોની નહીં માન્યા બનીને વાત કરતી હતી. જો આ કહીકત તેની સામે આવી જશે તો કોઈ મારા સપોર્ટમાં મારી સાથે નહીં ઊભું રહે. તેનો વાંક કાઢવાને બદલે લોકો મને જ ગુનેગાર માનશે.' માન્યા કપાળ ઉપર હાથ મૂકીને વિચારી રહી હતી કે પિયોનીની વાત ખરેખર સાચી છે. માન્યા અને પિયોનીનાં નામની જે અદલાબદલી થઈ છે તે માટે કોઈ આપણા સપોર્ટમાં ઊભું નહીં રહે. હવે શું કરવું? તે વિચાર સાથે માન્યા ઊભી થઈને રૂમમાં આંટા મારવાં લાગી. એટલામાં જ પિયોનીનો મોબાઈલ રણક્યો. અંશુમનનો ફોન આવી રહ્યો હતો.

પિયોની અને માન્યા એકબીજા સામે દિગમૂઢ બનીને જોતાં રહ્યા. ફોનમાં અંશુમનનું નામ વાંચીને પિયોનીનો હાથ ધ્રુજવા માંડ્યો. માન્યાએ તરત પિયોનીનાં હાથમાંથી ફોન લઈને ફોન કટ કરી નાંખ્યો. પિયોનીને ખબર નહોતી પડી રહી કે તે શું બોલે? એટલામાં તો ફરી અંશુમનનો ફોન આવ્યો અને ફરી માન્યાએ તેનો ફોન કટ કર્યો. ત્રીજી વાર...ચોથી વાર...પાંચમી વાર...અંશુમન ફોન કરે જતો હતો અને માન્યા તેનો ફોન કટ કરે જતી હતી. અંશુમનને ગુસ્સો આવી રહ્યો હતો અને તેણે તેનો ફોન છુટ્ટો ફેંક્યો.

રાત્રે પિયોની ઉર્ફ માન્યાના ગયા બાદ થોડીવાર રહીને હોશમાં આવતાં અંશુમનને યાદ આવી ગયું હતું કે શું બન્યું હતું. તેની પોતાની તો એવી હાલત હતી જ નહીં કે તે ઊભો થઈને ક્યાંય બહાર જઈ શકે. પોકેટમાંથી મોબાઇક કાઢીને તેણે તેના જીગરજાન દોસ્ત પરિમલને ફોન કર્યો અને શું બન્યું તેની વાત ટૂંકમાં કરી. અડધો કલાકમાં તો પરિમલ અંશુમનનાં ફાર્મ હાઉસમાં હતો. અંશુમનને લઈને તે પહેલા ડોક્ટર પાસે ગયો. ડ્રેસિંગ કરાવીને બંને અંશુમનનાં ઘરે પહોંચ્યા હતાં. ઘરે પહોંચીને પહેલું કામ અંશુમને માન્યાને ફોન કરવાનું કર્યું. ફોન કરીને તે માન્યાને ધમકી આપવા માંગતો હતો કે તેણે જે કર્યું છે તેનું બહુ ખરાબ ફળ ભોગવવું પડશે. ગુસ્સામાં અંશુમનની આંખો લાલ થઈ ગઈ હતી અને પોતાની જાત સાથે વાત કરતા તે બોલ્યો, ‘માન્યા, તું મારી 13મી ગર્લફ્રેન્ડ હતી. અત્યાર સુધી આવેલી દરેક છોકરીએ ઈચ્છાથી કે ઈચ્છા વગર મારી ડિમાન્ડ પૂરી કરી છે અને મને પૂરી રીતે કો-ઓપરેટ કર્યો છે અને કાલની આવેલી આ છોકરીએ મને મારવાનો ટ્રાય કર્યો. તેને ખબર નથી કે હું કોણ છું. હું એની લાઇફ ખરાબ કરી નાંખીશ.' અંશુમનનો ગુસ્સો જોઈને પરિમલને પણ ખબર હતી કે જો તે અત્યારે કંઈ બોલશે તો સિંહનાં મોંમાં હાથ નાંખવા જેવું થશે. તેથી તે અંશુમનનો ગુસ્સો શાંત થાય તેની રાહ જોવા લાગ્યો.

બીજી બાજૂ પિયોની ખૂબ જ ગભરાઈ ગઈ હતી પણ માન્યા કંઈક વિચારી રહી હતી. તેને ખબર હતી કે અંશુમન આગળ ચોક્કસ કંઈક કરવાની યોજનાં બનાવતો હશે. તે આટલો જલ્દી આ વાતમાંથી મૂવ ઓન થઈ જાય તેવો નથી. તો હવે આગળ અંશુમનને શું જવાબ આપવો અને તેને કેવી રીતે પાઠ ભણાવવો તેની આછી-પાતળી રૂપરેખા માન્યાએ મગજમાં તૈયાર કરી દીધી.

(જે કંઈ પણ થયું તેનો બદલો લેવા અંશુમન હવે શું કરશે? અંશુમનને સબક શિખવાડવાં માન્યા કઈ નવી ચાલ ચાલશે? પ્રેમ સાથે શરૂ થયેલો આ નફરતનો ખેલ હવે આગળ કયા નવા ટર્નિંગ પોઈન્ટ લઈને આવે છે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Action