Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Romance Tragedy Thriller

3  

Mariyam Dhupli

Romance Tragedy Thriller

જવાબદારી

જવાબદારી

13 mins
14.2K


મહાબળેશ્વર ના પહાડ ઉપર ચઢી રહેલી એ બસની બારીના બહારનું દ્રશ્ય જેટલું રમણ્ય એટલુંજ રોમાંચક હતું. તદ્દન ઊંડી પ્રાકૃતિક ખીણ હૃદયને હચમચાવી રહી હતી તો ઢળતા સૂર્યની કિરણોથી સજેલું નભ જાણે કોઈ આનંદ મગ્ન પ્રેમિકાના નૃત્યનો આભાસ ઉપસાવી રહ્યું હતું. શિયાળાની અત્યંત શીતળ પવનની લહેરો ધીરે ધીરે રાત્રીનું આગમન કરતી માનવશરીરો ને ધ્રુજાવી રહી હતી. બસની સૌથી અંતિમ હરોળની બારી પાસે ગોઠવાયેલું યુગલ એકમેકના ખભે માથું ઢાળી, હાથમાં હાથ પરોવી, એક બીજાના શરીરની હૂંફથી ધ્રુજાવતી ઠંડી નો સામનો કરી રહ્યું હતું. પ્રેમની હૂંફ ફક્ત ઠંડી સામેજ નહીં વિશ્વની કોઈ પણ મુશ્કેલી સામે સુરક્ષા કવચ બની જતી હોય છે ! પ્રેમના એજ આશાવાદી રંગોમાં રંગાયેલા એ યુવક અને યુવતી થોડાજ કલાકો પહેલા પોતાના ઘર અને કુટુંબને પાછળ છોડી, પ્રેમનું મુક્ત સ્વતંત્ર જીવન શરૂ કરવા, સમાજ અને માતાપિતા સામે બળવો પોકારી, હમેશ માટે એકબીજા ના થઇ રહેવા 'ભાગી' છૂટ્યા હતા. જોકે ભાગવાનો કાર્યક્રમ આજે જ નક્કી થયો ન હતો. વાત શરૂ થઇ હતી આજથી ત્રણ વર્ષ પહેલા જયારે અમિત અને નયનાની આંખો કોલેજના પ્રથમ વર્ષ દરમિયાન મળી હતી અને એ પહેલી નજરમાંજ કંઈક જાદુઈ અનુભવાયું હતું. 

એકબીજાને પહેલીવાર મળ્યા છતાં જાણે વર્ષોથી ઓળખવાનો એ અનુભવ કંઈક વિચિત્ર હતો. ઔપચારિક વાતોથી શરૂ થઇ એ લાગણીઓ મિત્રતા સુધી પહોંચી ગઈ. અમિત આમ તો શહેરના ધનવાન પરિવારનો નબીરો હતો પણ ભણવાની ધગશ અને જીવનમાં કંઈક જુદું કરી બતાવવાનું જુનુન એના રોમેરોમમાં સિંચિત હતું. પોતાના પિતાના હોટેલ વ્યવસાય કરતા પોતાના ગમતા સંગીત ક્ષેત્રમાંજ એ પોતાની એક આગવી ઓળખ ઉભી કરવા ઇચ્છુક હતો.

બીજી તરફ નયના પણ એક સધ્ધર પરિવારનું સંતાન હતી. માતા પિતા બન્ને વ્યવસાયે તબીબ એટલે જાણે બધાની અપેક્ષાના ગણિતમાં નયના પણ એક ભાવિ તબીબ તરીકે જ સ્વીકારાઈ ચુકી હતી. પરંતુ નયના એ તો પોતાના જીવનનો સરવાળો પોતેજ માંડવો હતો, જેમાં રકમ પણ એની અને ઉત્તર પણ પોતાનોજ ! પોતાની એ જીવન ક્રાંતિ એણે કોમર્સ પ્રવાહમાં દાખલો મેળવી શરૂ પણ કરી દીધી. જેમ જેમ અમિત અને નયના એકબીજાની નજીક આવતા ગયા તેમ તેમ એકબીજાના સ્વભાવની સમાનતાથી અંજાતાં ગયાં. કેન્ટીન, પાર્કિંગ, પુસ્તકાલય કે લેક્ચર માટેની એ છેલ્લી હરોળ વાળી પાટલી... પુસ્તકો અને નોટ્સની અદલાબદલી કે યુવક મહોત્સવની પ્રવૃત્તિઓ... જ્યાં અમિત ત્યાં નયના અને જ્યાં નયના ત્યાં અમિત...

ફક્ત એકજ વર્ષની અંદર આ મૈત્રીનો સંબંધ પ્રેમના ઇન્દ્રધનુષી રંગોમાં રંગાવા માંડ્યો. બધાની સામે હમેશાં એકબીજાની સાથેજ દેખાતા અમિત અને નયના હવે બધાથી દૂર એકાંતમાં મળવાને પ્રાધાન્ય આપવા લાગ્યાં. યુવાન હૃદયો એકબીજાના સાથ સાથે એકબીજાનો સ્પર્શ પણ ઝંખવા લાગ્યા. પુસ્તકાલયની જગ્યાએ બાઇક ઉપર લાંબી લટારોમાં વધુ સમય વિતવા લાગ્યો. એકબીજાના પુસ્તકો અને નોટ્સ અદલાબદલી કરવા કરતા સિનેમાઘરનો એકાંત ખૂણો વધુ આકર્ષવા લાગ્યો. લેક્ચરની છેલ્લી પાટલી પર સમય વેડફવા કરતા શહેરથી દૂર કોઈ સૂમસાન ખૂણામાં બાઈક ઉપર એકબીજામાં પરોવવામાં સમયનો સદુપયોગ લાગવા માંડ્યો. મોડી રાત્રી સુધી અભ્યાસનું સ્થાન 'લેટ નાઈટ ચેટિંગ' એ લઇ લીધું. આ નવી સ્વપ્ન સૃષ્ટિમાં રાચી રહેલા અમિત અને નયના પોતાના જીવન લક્ષ્યોથી જાણ્યે અજાણ્યે દૂર ધકેલાતા ગયા . કોલેજની બીજા વર્ષની પરીક્ષા દરમિયાન બન્નેના પરિણામો ઉપર એની સીધીજ અસર પડી. બન્નેના ઘરોમાં જાણે ઉથલ પાથલ મચી ગઈ. 

અત્યાર સુધી ધ્યેય યુક્ત અને ધગશી રહેલા વિદ્યાર્થીઓનું પ્રદર્શન આમ અચાનક નિમ્ન કક્ષાએ જઈ પડે તો ચિંતા અને શકનો ઉદ્ધભવ તો તદ્દન વ્યાજબી ! બન્ને પરિવારોને આ પ્રેમ સંબંધની જાણ થતા સમય ન લાગ્યો. નયનાના પિતાએ તો સીધાજ શબ્દોમાં ધમકી આપી દીધી :

"જો ભણવાનું ઉદ્દેશ્ય ન હોય તો કોલેજ જવાની જરૂર જ નથી !"

અમિતના પિતાએ પણ પોતાના હોટેલ વ્યવસાય અને સંગીત વચ્ચે પસંદગી કરી, કોઈ પણ ક્ષેત્રમાં ગામ્ભીર્યથી કારકિર્દી શરૂ કરી સ્વનિર્ભર જીવન તરફ પગલું ભરવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી :

"પહેલા પોતાના પગ પર ઊભો રહે પછી જ લગ્નની વાત કરજે !"

આ બધા તાણ અને તણાવની વચ્ચે કૉલેજનું અંતિમ વર્ષ પસાર થવા લાગ્યું. અમિત અને નયનાનું જીવન કોઈ ફિલ્મ જેવુંજ નાટકીય બનતું ચાલ્યું. પ્રેમમાં તરબતોળ હૈયાંઓ, એકબીજા વિના ન જીવી શકવાની લાગણીઓ, એક પણ ક્ષણ એકબીજા વિના ન વિતાવી શકવાની પિડામય ભાવનાઓ, કઠોર હૃદય ધરાવનાર માતાપિતા... સમાજ અને પ્રેમ વચ્ચેનું એજ જૂનું અવિરામ યુદ્ધ ! શા માટે માતાપિતા બાળકોના યુવા હૈયાંને સમજી શકતા નથી ? શા માટે પ્રેમની એ કુમળી લાગણીઓને નિર્દયી રીતે ઠૂકરાવવામાં આવે છે ? શા માટે હંમેશાં બે હૃદય વચ્ચે ભીંત સમા ઊભા થઇ જવું ફરજીયાત બની જતું હોય છે ? અમિત અને નયનાના યુવાન મન પણ એજ પ્રશ્નોથી ઝૂરી રહ્યા હતા, જેમાંથી  એમની ઉંમરનું દરેક મન પસાર થતું હોય છે...

અંતિમ સત્રની પરિક્ષાઓ શરૂ થઇ અને સાથેજ અમિત અને નયનાના ઘર છોડી ભાગી જવાના કાર્યક્રમની યોજના ઘડાવા લાગી. કેટલાક અંગત મિત્રોનો સાથ લઇ અમિતે બધુંજ યોજનાબદ્ધ ગોઠવી નાખ્યું. પોતાના ઘરેથી એક મોટી રકમ ચોરી, મિત્રના ઓળખાણથી મહાબળેશ્વરની કોઈ હોટેલમાં થોડા દિવસનું રોકાણ કરી, આગળ અન્ય કોઈ શહેરમાં નોકરી શોધી સ્થાયી થઇ જવું... નયના પણ પોતાના ઘરેથી કેટલાક કિંમતી ઘરેણાં અને દાગીનાઓનું એક નાનકડું પોટલું સાથે લઇ લેશે... યોજના ખુબજ સરળ, સીધી અને સહેલી હતી...

અંતિમ સત્રના એ અંતિમ પ્રશ્નપત્ર સાથેજ બધુજ પૂર્વ નિર્ધારિત યોજના અનુસાર બંધબેસતું થયું અને આજે પ્રેમી પંખીડા પોતાના નવા જીવનની શુભ શરૂઆત મહાબળેશ્વરની સુંદર રોમાંચક વાદીઓમાં કરવા આવી પહોંચ્યા. સમાજ, કુટુંબ, પરિવાર, માતાપિતા સર્વ વિઘ્નોથી ખૂબ ખૂબ દૂર...

બસમાંથી ઉતરતાંજ સુર્યાસ્તે સમગ્ર પહાડી વિસ્તારને અંધકારમાં સંપૂર્ણ પણે ઘેરી લીધો હતો. એકબીજાનો હાથ થામી અમિત અને નયના મિત્રએ કરેલી વ્યવસ્થા અનુસાર પોતાની હોટેલ શોધવા નીકળ્યા. રહેઠાણ વિસ્તારથી જરા ઉપર તરફ સૂમસાન વિસ્તારમાંજ ઉતારો કરવો હિતાવહ હતું. જેટલું લોકોની દ્રષ્ટિએ ઓછું ચઢાઈ એટલુંજ સુરક્ષિત. આમ પણ થોડાજ દિવસોનો પ્રશ્ન હતો. એક વાર નોકરી મળી જાય પછી અહીં ક્યાં રોકાવાનું હતું ? નહિવત અવરજવરવાળા વિસ્તારમાં સ્થાયી હોટેલ રાત્રીના અંધકારમાં તદ્દન શાંત અને ડરામણી ભાસી રહી હતી. નયના એ અમિતનો હાથ અગાઉથી પણ વધુ ચુસ્ત પકડી રાખ્યો હતો. હોટેલના કાઉન્ટર ઉપર હાજર એક ઊંચો કદાવર પહેલવાન સમો માણસ સ્પષ્ટ અને કડક શબ્દોમાં જાણે ચેતવણી આપી રહ્યો :

"યે નામ કી કોઈ બુકીંગ યહાં નહીં હુઈ હે !"

અમિત ચોંક્યો : "એસા કેસે હો સકતા હે ? મેરે દોસ્ત ને કુછ દીનો પહેલે સે બુકીંગ કરાયી થી... આપ જરા ઠીક સે દેખિયે..."

અમિત અને નયના તરફ શકની દ્રષ્ટિ ફેંકતો એ કદાવર વ્યક્તિ ધમકીવાળા સ્વરમાં બરાડ્યો : "મુજે મત શિખાઓ... ક્હાના નામ દર્જ નહીં હુઆ હે... જગહ નહીં હે જાઓ યહાઁ સે..." એણે ફરીથી એક વેધક દ્રષ્ટિ નયનાના શરીર ઉપર ફેરવી. એ લોભી આંખોથી ડરતી નયના અમિતની પાછળ પોતાનું શરીર જાણે છુપાવી રહી. અમિતે પોતાના મિત્રોનો સંપર્ક સાધવા મોબાઈલ પર આંકડાઓ ફેરવ્યાં. એના આશ્ચર્ય વચ્ચે બધાજ નંબર વ્યસ્ત હતા. હવે શું કરવું ? આ અંધારી રાત્રીમાં નયનાની સુરક્ષા એની જવાબદારી હતી. 

"તું ચિંતા ન કરીશ. આપણે અન્ય હોટેલ શોધી લઈશું." નયનાને વિશ્વાસ અપાવી, એના ચિંતિત હૃદયને આશ્વાસન આપતો અમિત એને બાહુમાં સમાવી હોટેલની બહાર નીકળી ગયો. પાછળથી પેલું કદાવર શરીર ઉંચા અવાજે બરાડયું : 

"ઘર સે ભાગ કે આયે હો ક્યા ?"

અમિત અને નયનાની આંખો પહોળી થઇ. પગ વધુ ઝડપે ઉપડવા માંડ્યાં. પ્રશ્ન સાંભળ્યોજ નહીં હોય એ રીતે બન્ને એકબીજાનો હાથ થામી ત્યાંથી ભાગી નીકળ્યાં. થોડીજ મિનિટો માં એક નાનકડા રસ્તા પર આવી ઊભાં રહ્યાં. હાંફતી શ્વાસોથી રસ્તાની બન્ને તરફ નજર દોડાવી. રહેઠાણ વિસ્તાર થોડા અંતરે હતો. એક પણ વાહનની અવર જવર દેખાતી ન હતી. ચાલીને અંતર કાપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. ઝડપથી પગ ઉપાડી બન્ને રહેઠાણ વિસ્તાર તરફની દિશામાં આગળ વધ્યા. રાત્રીની નીરવ શાંતિમાં પાછળથી આવી રહેલ પગલાંઓનો અવાજ ધીરે ધીરે સ્પષ્ટ સંભળાવા લાગ્યો. બે હય્યાઓ અંદરોઅંદર ધ્રુજી રહ્યા. બન્ને શરીરોએ ઝડપ અને સ્ફૂર્તિને પણ જાણે વેગ આપ્યો. પરંતુ ચાર અતિસ્ફુર્તિલા શરીરો સામે એ બે થાકેલા શરીરો હારી ગયા. ચારેય ચ્હેરાઓ કાળા કપડાં પાછળ છુપાયા હતા. હાથ માં રાખેલી છરીઓ ની ધાર અત્યંત તેજ ચમકી રહી હતી. ચારમાંથી એક માણસે અમિતના હાથ પકડી ગળા પર છરી ગોઠવી :

"આવાજ કી તો ગયા !" 

નયના ડરથી ધ્રુજી રહી હતી. અમિતે આંખોના ઈશારાથીજ પરિસ્થિતિ સમજી સ્થિર રહેવા આશ્વાસન આપ્યું. અમિતના ચ્હેરા ઉપર પણ નયનાના ચ્હેરાની જેમજ ભયનો પરસેવો છૂટી રહ્યો હતો. બીજા માણસે અમિત અને નયનાની બૅગ ઝુંટવી લીધી. ત્રીજા માણસે અમિતની કાંડા ઘડિયાળ અને ગજવામાંથી એનું પાકીટ, પૈસા, મોબાઈલ બધુજ કાઢી છીનવી લીધું. એકજ ક્ષણમાં એની બધીજ પુંજી લૂંટાઈ ગઈ. પણ આ પરિસ્થિતિમાં બન્ને ફક્ત સુરક્ષિત બચી જાય એજ ઘણું હતું. પોતાના હાથ લાગેલ મોટી રકમથી ખુશ થતા ચારેય માણસો બન્નેને ધકેલી આગળ વધી ગયા. એક ક્ષણ માટે અમિત અને નયનાના જીવમાં જીવ આવ્યોજ કે ફરીથી એ માણસો પાછળ ફર્યા. એક માણસે નયનાના હાથ માનો મોબાઈલ પણ ખેંચી લીધો. એના ગળા અને કાનમાં સજેલા ઘરેણાંથી અંજાઈ એણે નયનાનો હાથ ખેંચી પોતાની તરફ લેવા પ્રયાસ કર્યો. ગુસ્સાના આવેગમાં અમિતે એના ઉપર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યોજ કે બીજા બે સાથીઓ એ એને પાછળ તરફ હડસેલ્યો. નયના ડરથી ચીખી રહી. એનું મોઢું અત્યંત આવેગથી દબાવી દેવાયું. અમિત કંઈક સમજી કે વિચારી શકે એ પહેલાજ આગળ થી જ નિર્ધારિત યોજનાના ભાગ રૂપે ગેંગનો એક સાથી વાન લઇ આવી ચઢ્યો. નયનાને વાનમાં લઇ આખી ગેંગ અદ્રશ્ય થઇ ગઈ. અમિતનું મગજ કાર્ય કરતું થંભી ગયું. હૃદયના ધબકાર બહાર સંભળાવા લાગ્યા. નિસહાય અને લાચાર એ ત્યાંજ ફસડાઈ પડ્યો. ક્યાં જાય ? શું કરે ? ઘરે જાણ કરે ? નયનાના માતાપિતા ને ખબર આપે ? કે પુલીસ સ્ટેશન જાય ? આંખો ની આગળ અંધારા છવાઈ ગયા.... મોઢામાંથી ચીસ નીકળી ઉઠી... "નયના..."

હિમ્મત કરી એ પુલીસ સ્ટેશન શોધવા ઉપડ્યોજ કે પેલી વાન ફરીથી એની નજર આગળ આવી ઊભી રહી. વાનનું બારણું ખુલ્યું અને અંદરથી નયનાને બહાર તરફ ધકેલી દેવાય. નયનાને ધકેલીએ વાન પૂર ઝડપે ફરી અદ્રશ્ય થઇ ગઈ. અમિત અધીરાઈથી આગળ વધતો નયનાને સંભાળી રહ્યો :

"નયના... નયના... તું ઠીક તો છે ને...? એમણે તારી જોડે કઈ..."

ધ્રુસકે ધ્રુસકે રડતી નયના નકારમાં ડોકું ધુણાવી રહી... "નહીં... ફક્ત મારા ઘરેણાં..."

અમિતની છાતી પર લપાઈએ આંખોના અશ્રુઓ ખાળવી રહી. એનું આખું શરીર હજી પણ ધ્રુજી રહ્યું હતું તદ્દન અમિતના અંતરની જેમજ...

ગમે તેમ કરીએ અંધકારમય સ્થળથી બન્ને રહેઠાણ વિસ્તાર તરફ ઉપડ્યા. પૈસા વિના હવે શું કરવું અને ક્યાં જવું એ મનોમન્થનમાં એક બસસ્ટોપ નજીકના બાંકડા પર બન્ને ગોઠવાયાં. ગાડીઓ અને લોકોની અવરજવરથી સુરક્ષીત એ સ્થળે આખરે શ્વાસ લેવાની તક મળી. આખા દિવસની હાડમારી અને માનસિક શારીરિક થાકથી નિધાળ નયનાએ અમિતના ગોદમાં પોતાનું માથું ગોઠવી દીધું અને આંખો આપોઆપ મીંચાય ગઈ. નયનાના માથે પ્રેમથી હાથ ફેરવી રહેલ અમિતની આંખો મીંચાતા પણ બહુ વાર ન લાગી. 

સૂર્યની કિરણો એ અર્પેલી તાજગીથી પહાડી વિસ્તારની પ્રકૃત્તિ ધીરે ધીરે સુંદરતાથી સચેત થઇ. પંખીઓના મીઠા કલરવથી નયના અને અમિતની ગાઢ નિંદ્રા તૂટી. પોતાના ઘર અને પલંગની આરામદાયક પથારીની જગ્યા એ બસસ્ટોપ પરના એક ખરબચડા અને અર્ધ તૂટેલા બાંકડા ઉપર પોતાને પામી બન્ને વાસ્તવિકતાથી અવગત થયા. રાત્રીની એ ભયંકર ઘટના જીવંત દ્રશ્ય સમાન આંખ અને મન ઉપર છવાઈ ગઈ. આગળ શું કરવું ? ક્યાં જવું ? કંઈજ સ્પષ્ટ ન હતું. એકબીજાનો હાથ થામી ભોજનની શોધમાં બન્નેના ડગ આગળ વધ્યાજ કે અચાનક બે ગાડીઓ સડસડાટ કરતી એ પ્રેમી પંખીડાઓની દિશા અવરોધતી આગળ આવી ઊભી. એક પછી એક બન્ને ગાડીના દરવાજા ખુલ્યા. અમિત અને નયનાના પિતા ગાડીમાંથી બહાર આવ્યા. ક્રોધમાં સળગતી આંખો દગાબાઝ બાળકોને નિહાળી રહી. નયના અમિતનો હાથ પકડી ખેંચી રહી :

"અમિત જલ્દી કર..."

અમિત મૂર્તિ જેવો સ્તબ્ધ ત્યાંજ ઊભો રહ્યો. 

"અમિત... શું કરી રહ્યો છે ? જલ્દી કર... ભાગ..." અમિતની તંદ્રાવસ્થા તોડતી નયના એનો હાથ વધુ આવેગમાં ઝાલી રહી. પરંતુ અમિતનું સ્થિર શરીર એના સ્થિર વિચારો સમું એકજ પરિસ્થિતિમાં જાણે જકડાઈ ગયું. 

"જા નયના ! ગાડી માં જતી રહે."

નયના અમિતના શબ્દોથી ચોંકી ઊઠી. "આ શું કહી રહ્યો છે ? હોંશમાં છે કે નહીં ?"

અમિતના શબ્દો પરિપક્વ સ્વર પકડી રહ્યા : "હોંશમાં તો હવે આવ્યો છું... જો ગઈ કાલે રાત્રે તને કંઈ થઇ જતે તો હું પોતાની જાતને કદી માફ ન કરી શકત..."

"પણ અમિત હું તારા વિના..." ગળામાં આવેલા ડુમાથી નયનાનું વાક્ય અધૂરુંજ છૂટી ગયું.

અમિતે એનો હાથ થામી પંપાળ્યો : "તું ચિંતા ન કર. નયના અમિતની છે ને અમિતની જ રહેશે. પણ પહેલાં હું પોતાને એ લાયક બનાવવા ઈચ્છું છું કે પોતાના પ્રેમને સુરક્ષિત જીવન અર્પી શકું." અમિતે ભીની આંખે નયનાની પીસાની ચૂમી લીધી. નયનાનો હાથ થામી અમિત એને એના પિતાની નજીક લઇ ગયો. નયનાનો હાથ એના પિતાના હાથમાં આપ્યો. ગુસ્સાનો જ્વાળામુખી એક સળવળતા તમાચા સ્વરૂપે અમિતના ચ્હેરા ઉપર આવી પડ્યો. અમિત નીચી નજરે ચુપચાપ ઊભો રહ્યો. નયના રુદનના આક્રન્દ જોડે ગાડીમાં ગોઠવાઈ અને થોડીજ ક્ષણોમાં ગાડી પહાડી પરથી નીચેના ઢળાણ તરફ ઉતરી પડી. એક પણ શબ્દ બોલ્યા વિનાજ અને પિતાની આંખોમાં આંખો પરોવવાની હિમ્મત કર્યા વિનાજ અમિત પોતાની ગાડીમાં ગોઠવાયો અને એ ગાડી પણ પહાડી વિસ્તારને ચીરતી સડસડાટ નીચે તરફ ઉપડી પડી. 

ઘરે પરત થયેલા અમિત અને નયના ફરીથી પહેલા જેવાજ ધ્યેય લક્ષી વ્યક્તિત્વમાં ઢળી રહ્યા. પોતાના પાછળ છૂટી ચૂકેલા જીવન લક્ષ્યોની દિશામાં પહેલાથી પણ વધુ ધગશ અને જોશથી મંડી પડ્યા. પોતાના પ્રેમ સાથે 'સુરક્ષિત' જીવન માણવા માટે આર્થિક અને માનસિક સ્વનિર્ભરતાની અનિવાર્યતા બન્ને ઊંડાણપૂર્વક સમજી ચુક્યા હતા. 

આ બધા બદલાવો દરમ્યાન શહેરથી દૂર હાઇવેની એક હોટેલમાં અમિત અને નયનાના પિતા સામસામે બેઠા હતા. ટેબલ નજીક ઉભેલા યુવકોની ટોળી તરફ અમિતના પિતાએ પૈસાની નોટનું એક મોટું બંડલ ધર્યું. 

"ખૂબજ સરસ અભિનય..." ખડખડાટ હાસ્યથી હોટેલનો ઓરડો ગુંજી રહ્યો. 

અમિત પર મહાબળેશ્વરમાં હુમલો કરનારી ટુકડી નક્કી કરવામાં આવેલી રકમ વસૂલી હોટેલની બહાર નીકળી ગઈ. નયનાના પિતા પ્રભાવિત ચ્હેરા સાથે અમિતના પિતાને વધાવી રહ્યા : 

"તમારી યોજના ખૂબજ તાર્કિક હતી. બન્નેના ભાગી જવાની યોજનાની જાણ થતા મારું તો લોહી ઉકળી ગયું હતું. ઉતાવળ અને ક્રોધના આવેગમાં ખબર નહીં હું શું કરી નાખત ? પણ જયારે તમે મને મળવા આવ્યા, શાંત ચિત્તે તમારી યોજના જણાવી ત્યારે હું પણ સમસ્યા ને અન્ય દ્રષ્ટિકોણ થી નિહાળી શક્યો ...આપનો ખુબ ખુબ આભાર..."

અમિતના પિતાએ નયનાના પિતાનો હાથ થપથપાવ્યો. "આભાર કેવો ? આપણા બાળકોને સીધા માર્ગે દોરવા એ આપણી જ્વાબદારીજ તો છે. આજની પેઢી ખુબજ ગતિશીલ છે પણ એટલીજ સમજદાર પણ છે . જુઓ અમિત ના મિત્રો જોડે થોડી સમજણ અને મૈત્રીપૂર્ણ વાતચીત થઇ અને મિત્ર ને મદદ કરવા મારો સાથ આપવા રાજી થઇ ગયા. આ પેઢી ને નીચે આંકવાની હિમ્મત ન કરાય. આજના બાળકો લાંબાલચક નૈતિક ભાષણોની જગ્યાએ સ્વ - અનુભવોથીજ શીખવા તત્પર છે. એમને સમજવા કે સમજાવવા માટે એમના માનસિક સ્તરે ઉતરી પગલાં ભરીએ તો દરેક સમસ્યા સહેલાઇથી ઉકેલી શકાય. સ્પ્રિંગ જેટલી દબાવીએ એટલીજ ઉછળે ! ક્રાંતિકારી યુવાની સામે ક્રાંતિકારી થવા જઈએ તો સમસ્યા વધુ વણસે અને બાળકો હાથમાંથી નીકળી જાય...

અમિતના પિતાના મંતવ્યોમાં હામી પુરાવતા નયનાના પિતાએ સંમતિમાં માથું ધુણાવ્યું : "આપણે પ્રેમના વિરોધી નથી. આપણી સંતાનોને પ્રેમ કરવાવાળા જીવનસાથી મળે એનાથી વધુ સંતોષ અને ખુશીની વાત વાલી માટે અન્ય કઈ હોય શકે ? પણ હા જો એજ પ્રેમ એમને જવાબદારીઓથી ભાગી વાસ્તવિકતાથી, જીવન ધ્યેયો અને લક્ષ્યોથી મોં ફેરવી અવાસ્તવિક સ્વ્પ્ન સૃષ્ટિમાં રાચવા પ્રેરિત કરે તો એ પ્રેમને જવાબદારીની વાસ્તવિક સૃષ્ટિ પર ઉતારવોજ રહ્યો. પણ હવે આગળની યોજના ?"

અમિતના પિતાના ખડખડાટ હાસ્યથી હોટેલ નો ઓરડો એકવાર ફરી ગુંજી ઉઠ્યો : "બન્ને પગ પર ઊભા થાય કે આવી પહોંચીશ મારી દીકરીને તમારા ઘરેથી ભગાડી લઇ જવા પણ હા, આ વખતે બેન્ડ - બાજા - બારાત જોડે..." અને નયના ના પિતા એ પણ ખડખડાટ હાસ્યમાં પોતાનો ફાળો નોંધાવી દીધો...


Rate this content
Log in

Similar gujarati story from Romance