Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Others

3  

Pravina Avinash

Inspirational Others

ઝાકળ બન્યું મોતી - ૬

ઝાકળ બન્યું મોતી - ૬

10 mins
14.5K


માતાની કેળવણી દીપાવી

માતા અને પિતાની પુણ્યતિથીએ બન્ને જણાંને પ્રેમથી સંભાર્યા. જય અને જેમિનીને પ્રસંગની ગંભિરતા સમજતાં લગભગ બે વર્ષ લાગ્યા હતાં. ૨૦ વર્ષની જલ્પા સ્ટોર સંભાળે, દાદીને સાચવે કે નાના ભાઈ અને બહેનને. તેને માથે આભ ટૂટી પડ્યું હતું. આ કાંઈ ખાવાના ખેલ ન હતા. તેની ઉંમર પણ એવી તો ન હતી કે બધો બોજ ઉઠાવી શકે. તે પણ કઈ રીતે ? તેને પોતાને સહારાની જરૂર હતી. ત્યાં જ સ્ત્રીની મહત્વતા જણાય છે. ઝાંસીની રાણી અને મીરાં એ કાંઈ ૪૦ વર્ષની ઉંમરે ધાડ મારી ન હતી.

"મારું ઝાંસી નહી દઉં...” કહેવાવાળી રાણી લક્ષ્મીબાઈ નાની છોકરી હતી. મીરાં તો બચપનથી કનૈયાને વરી ચૂકી હતી. સ્ત્રીનો આ ગુણ તો તેને પુરૂષથી અલગ ચિતરવામાં કામયાબ રહ્યો છે. જલ્પાએ પણ પોતાની આગવી પ્રતિભા દાખવી. બચપનથી માતા એમજ પિતાએ મુકેલા વિશ્વાસને વળગી રહી. ભલેને રાતના સમયે ઓશિકા પલાળતી. દિવસ દરમ્યાન મુખ પર સુંદર મહોરું પહેરતી. દાદીને ધોરજ બંધાવતી. નાના બન્નેને સોડમાં ઘાલી, 'હું છું ને...' કહી સાંત્વના દેતી.

પંદરેક દિવસતો નવિને સ્ટોર ચલાવ્યો. તેને એકલાને પણ ભારે લાગતું. જનકે તેને બરાબર ઘડ્યો હતો. નવિનને ટાણે કટાણે જનક જોઈતા પૈસાની મદદ કરતો. જ્યાં તેને વ્યાજબી લાગતું ત્યાં પૈસાની ઉઘરાણી ક્યારેય કરી ન હતી. જનક જાણતો હતો કે જો માણસોને સુખી રાખીશું તો તેમની દાનત પણ સારી રહેશે અને કામ પણ દિલથી કરશે.

નાનો ભાઈલો જય, જ્યારે માતા અને પિતા ગુમાવ્યા ત્યારે માંડ બાર વર્ષનો હતો. અબૂધ ન કહેવાય પણ એટલી સમજનો પણ અભાવ હતો. જેમિની ૯ વર્ષની. દિવસ રાત એક કરી નાના ભાઈ અને બહેનને જલ્પાએ ખૂબ લાગણીથી સાચવ્યા. બાળકોને ઉછેરવા અને ધંધો સંભાળવો એ કાંઈ ખાવાનો ખેલ ન હતો. એ તો દાદી હોય નહીં ને જલ્પા કામ સફળતા પૂર્વક પાર પાડી શકે નહીં. જલ્પા બને ત્યાં સુધી તેમના પર ગુસ્સો કરતી નહીં. એટલે તો આજે બન્ને ઠેકાણે પડ્યા હતા.

આ પરિસ્થિતિ એ પહોંચતા નેવના પાણી મોભે ચડ્યા હતા. જ્યારે જય જીદે ચડે કે ભણવામાં ઢીલું મૂકે ત્યારે નારાજ થતી. નારાજગીના પરિણામ રૂપે જયને ટી.વી. નહીં જોવાની સજા આપતી. ટી.વી. નહીં જોવાની સજા જયને માટે ‘કાલાપાણી’ જેવી લાગતી. ‘કાર્ટુન’ જોવાના તેને ખૂબ ગમતા. મસ્કા મારી, કાકલુદી કરી દીદીને મનાવતો. નરમ જલ્પા પલળી જતી અને સજા માફ કરતી. તેના મગજમાં એક વિચાર સ્થાયી થયો હતો, આ બન્ને ભુલકાંઓએ માતા અને પિતાનું સુખ ન માણ્યું !’

જે એના અંતરને કોરી ખાતું હતું. જેમિની પણ કમ ન હતી. નાની હોવાને કારણે ખૂબ શેતાન હતી. દીદીને બને તેટલું કનડતી અને પછી વહાલ કરી ખોળામાં લપાઈ જતી. નાના બાળકો મસ્તી નહી કરે તો કોણ કરશે ? એમ મનને મનાવી જલ્પા બધું સહી લેતી. જ્યારે તેનું મન ભરાઈ આવતું ત્યારે દાદીના ખોળામાં માથુ મૂકી હિબકાં ભરીને રડતી.

જ્યારે પંદર દિવસ પછી માતાની વર્ષગાંઠ આવી તે દિવસે રવિવાર હતો. નસિબજોગે જલ્પાને ખૂબ વહેલાં ઉઠવાની જરૂરત ન હતી. સુનહરી સુંદર સવારમાં મીઠી નિંદર માણી રહેલી જલ્પાને કાને પ્રેમાળ અવાજ અથડાયો. જલ્પાને માનું એક વાક્ય હમેશા કાનમાં ગુંજતું, “ગોળી જેવી ઠીકરીને મા જેવી દીકરી.” મમ્મીનો જન્મ દિવસ હતો એટલે તેના વિચારો આવે. વિચારો આવે એટલે સ્વપનમાં મમ્મી દીકરીને લાડ લડાવવા આવી પહોંચે. સવારનો પહોર હતો. સુનહરો વાયુ વાતો હતો. સૂરજ હજુ વાદળા સાથે આંખ મિચૈલી ખેલી રહ્યો હતો. ત્યાં જલ્પાને કાને મીઠો મધુરો મમ્મીનો અવાજ કાને અથડાયો.

‘જલ્પા બેટા, ઉઠો ચા તૈયાર છે. આજે પરિક્ષા આપવા જવાનું છે.”

“મમ્મી, બસ પાંચ મિનિટ આપને ઊઠું છું.” કહી જલ્પાએ ગોદડામાં મોઢું સંતાડ્યું.

વળી પાછી પાંચ મિનિટ માગી. મમ્મી ચૂપ રહી. જ્યારે ત્રીજીવાર કહ્યું ત્યારે હાથમાં વેલણ લઈને આવી. જલ્પાને ઉંઘમાં સુગંધ આવતી હતી તે ગમી. ત્રીજી વાર મમ્મી આવી એટલે તેને ખબર હતી, મમ્મીના હાથમાં વેલણ હશે. હજુ મમ્મી હાથ ઉંચો કરે ત્યાંતો ગોદડામાંથી ઉછળી અને મમ્મીને બાઝી પડી. ઓચિંતી જલ્પા વળગી એટલે મમ્મીનો ગુસ્સો ઠરી ગયો.

છતાં પણ મનમાં મમ્મી બબડી, કેટલી વાર યાદ કરાવવાનું આ દીકરીને. પછી મોટેથી કહે, 'બેટા, મારા માટે પરિક્ષા આપવા જતી હોય તો આજે છુટ્ટી.'

‘મમ્મી ગુસ્સે ન થાને, આ તારા આલુ પરોઠાની સુગંધ આવતી હતી ને એટલે ઉઠવાનું દિલ થતું ન હતું.' જસુ હસી પડી. કહે, જા નાહીને આવ.’. નાહીને જલ્પા આવી, દાદીને પગે લાગીને નસ્તો કરવા બેઠી. 'મમ્મી આજે ગણિતનું પેપર છે. મારે માટે તો ડાબા હાથનું કામ છે.' કહી નાસ્તો કરી તૈયાર થઈને નિકળી. જનક રાહ જોતો હતો.

‘ચાલ બેટા તને શાળાએ ઉતારીને હું સ્ટોર પર જઈશ.’ જલ્પા ખૂબ ખુશ થઈ. ‘બેટા, પેપરમાં સાચવીને જવાબ લખજે. આજે આ છેલ્લું પેપર છે. હમણાં તું નાની છે એટલે મમ્મીને મદદ કરવાની છે. મોટી થઈશ પછી મારી સાથે સ્ટોરમાં લઈ જઈશ.’

‘કેવડી મોટી પપ્પા ?’

‘જ્યારે તું મારા ખભા સુધી આવીશ ત્યારે.’

અચાનક એક દિવસ જલ્પા આવીને મમ્મીને બાઝી પડી. ‘બોલ તને શું જોઈએ છે ?’ મમ્મી જાણતી હતી. કાંઈક જોઈતું હોય તો દીકરી લાડ કરવા આવે.

'અરે, મમ્મી, તું ભૂલી ગઈ આ અષાઢ મહિનામાં ગૌરી વ્રત આવે છે.'

‘બેટા ભૂલી નથી ગઈ, પણ મને થતું હતું, તું મોળું ખાઇને રહી શકીશ ?’

'અરે, મારી માવડી મારા વર્ગની બીજી ત્રણ છોકરીઓ પણ કરવાની છે. મને એ લોકો મદદ કરશે. ફળ અને સૂકો મેવો તો ક્યારેય પણ ખવાય.' મમ્મીએ સરસ શણગારેલી ટોપલીમાં જવારા વાવ્યા. અને અષાઢ સુદ તેરસથી મોળાકાત ચાલુ થઈ. જનકે ખાસ ચેતવણી આપી આ પાંચ દિવસ જલ્પાની ભાવતી એક પણ વાનગી બનાવવાની નહીં. પેલા નાના બે તો હજુ બહુ સમજતા નહીં એટલે વાંધો ન આવ્યો.

જલ્પા માટે એક દિવસ શ્રિખંડ, એક દિવસ માલપુવા, એક દિવસ રબડી, એક દિવસ ફ્રુટ સલાડ અને એક દિવસ બાસુંદી નક્કી થઈ ગયું. ઘરમાં બધાને પણ લહેર પડી ગઈ. પાંચમે દિવસે ‘વાડી ભરાવી’ જલ્પા બહેને રાધા બનવાનું નક્કી કર્યું. ઢીંગલી જેવી જલ્પા ખુબ સુંદર લાગતી હતી. અપ્સરા સ્ટુડિઓમાં જઈને ફોટા પણ પડાવ્યા.

પપ્પાથી રહેવાયું નહી, 'મારા જલારામને જે પરણીને લઈ જશે તે કોઈ ભાગ્યશાળી હશે.'

ઘરમાં બે નાના ભાઇ બહેન હોવાને કારણે મમ્મી બહુ એકલી બહાર જતી નહીં. નાનપણમાં પોતે શિખેલી કળા જલ્પાને શિખવાડવાનું નક્કી કર્યું. જસુ જાણતી હતી એક વાર એની જલ્પુ મોટી થશે એટલે જનક સ્ટોરમાં લઈ જશે. ૧૧ વર્ષની જલ્પાને, હાથનું ભરત કામ શિખવાડવા લાગી. બે સોયાનું ગુંથતાં પણ શિખવ્યું.

આપણાં ભારત દેશમાં પૈસાદારોની ફટવેલી દીકરીઓને ‘ચા’ બનાવતા પણ નથી આવડતું એવું કહીને મા પોરસાય. જ્યારે મધ્યમ વર્ગની તેમજ ખાધે પીધે સુખી કુટુંબની દીકરીઓ બધું શિખવા તત્પર હોય. બાળપણ ખેલ, કૂદ અને શિક્ષણ માટે છે. પેલી પૈસાવાળી મમ્મીઓને કીટી પાર્ટી, સિનેમા અને શોપિંગમાંથી સમય કાઢવો ખૂબ મુશ્કેલ હોય છે. બાળકો આયા અને નોકરો પાસે મૂકીને તેઓ પોતાના શોખ પૂરા કરી પતિદેવના પૈસાનો સદઉપયોગ કરવામાં મશગૂલ હોય છે. દીકરીને સર્વગુણ સંપન્ન બનાવવાના મોહમાં જસુ પોતાના અરમાન પૂરા કરતી હતી.

‘મમ્મી હાથના ભરત કામ કરતાં આ બે સોયાનું ગુંથવાનું સહેલું છે.’ જલ્પાને ગુંથવાનું ગમતું. જસુ સાંભળીને ખુશ થતી. બપોરે ગરમ નાસ્તો બનાવતી હોય ત્યારે, ‘જલ્પા બેટા ટોપલીમાંથી બટાકા લાવ.’ જલ્પા દોડીને લઈ આવે. આમ શાકભાજી ઓળખતી થઈ. ફળ ભાવે એટલે બધા નામ બોલીને એક એક કટકો મોઢામાં મૂકાવે. પૂરી બનાવવાની હોય ત્યારે નાના રમકડાના આડણી અને વેલણ આપે. જલ્પા વાંકી ચુંકી વણે, એટલે હસાવે.

‘જો આ ભારતનો નકશો. બીજી વણે એટલે કહે આ જેમિનીનું નાક, અરે આ ત્રીજી તો જયનો કાન છે. જલ્પા અને મમ્મી ખડખડાટ હશે.’

દાદીમા, દીકરીને જોઈ ખુશ થાય. જય અને જેમિની જાત જાતના નામ સાંભળી છુંદા સાથે ડુચે ડુચે પૂરી ખાય. આખરે જ્યારે બરાબર ગોળ વણતા આવડી ત્યારે જલ્પા કહે, 'મમ્મી આ દુનિયા જેવી ગોળ તારા, પપ્પા અને દાદી માટે રાખજે. અમે ત્રણે જણા ભારતનો નકશો ખાઈશું.’ આ વાક્ય બોલતી હતી ત્યાં પપ્પા આવ્યા.

‘વાહ, તમે ભારતનો નકશો ખાવ અને હું દુનિયા ખાંઉ ? ના ભાઈ ના હું દેશી, ભારતનો નકશો ખાઈશ.' ઘર આખું અટ્ટાહાસ્યથી ગુંજી રહ્યું. જ્યારે સમય હતો ત્યારે જસુએ જલ્પાને ખૂબ પ્રેમ આપ્યો. બારેક વર્ષની થઈ ત્યારે જલ્પાએ પહેલી વાર પપ્પા, મમ્મી અને દાદી માટે ચા બનાવી.

‘ચા પીતા ત્રણેયના મુખ પર અવર્ણનિય આનંદ છવાઈ ગયો.’

જલ્પા જ્યારે ૯ વર્ષની થઈ ત્યારે એક વાર જીદે ચડી હતી. ‘મને બે પૈડાંની સાઈકલ અપાવો’. ડાહી ડમરી જલ્પાનું આજનું રૂપ પપ્પા તેમજ મમ્મીને ન સમજાયું.

પપ્પાએ કહ્યું, 'બેટા મુંબઈમાં સાઈકલ ક્યાં ચલાવીશ”?

‘રસ્તા પર.’ નિર્દોષ ભાવે જલ્પા બોલી.

‘બેટા રસ્તા પરની ગિર્દી જોઈ છે ને ?’

‘હા, પપ્પા.’

'તને ખબર છે અકસ્માત કેટલા થાય છે ?’

‘પપ્પા પેલી નૈનીને તેના પપ્પાએ અપાવી.'

‘બેટા તેઓ કોલાબા રહે છે. કુપરેજ મેદાન બાજુમાં છે.’

જસુ બાપ અને બેટીની વાત સાંભળતી હતી. ધીરેથી જનકને હાથ અને આંખથી સમજાવી બોલી, ‘બેટા તું ઉનાળાની રજામાં દાદી સાથે ગામ જાય ત્યારે શીખજે. આપણે તારા માટે પંદર દિવસ સાઈકલ ભાડે રાખીશું.

‘બેટા ગામમાં આપણી શેરી ખૂબ સરસ છે. પછી તળાવ સુધી જજે. હાઈસ્કૂલ પણ જવાશે.' કહીને એવી વાતમાં લીધી કે જલ્પા સાઈકલ લેવાનું ભૂલી ગઈ.

એક દિવસ મમ્મીને તાવ હતો. દાદી હવે બહુ રસોડામાં જતી નહીં. જનકે બાને આરામ કરવાનો વટહુકમ બહાર પાડ્યો હતો. જસુ માટે રસોડામાં ખુરશી મુકાવી. જલ્પા પાસે માર્ગદર્શન આપી પહેલીવાર ખિચડી અને કઢી બનાવડાવ્યા. રાતે જ્યારે બધા જમવા બેઠા ત્યારે સહુના મુખ પર બાવન પકવાન ખાવા જેટલો સંતોષ હતો. જલ્પા પણ ખુશ થઈ કે તેણે રસોઈ કરી સહુને જમાડ્યા. દાદી તો, 'મારી જલ્પા' કહેતાં થાકતાં નહીં.

આમ જલ્પાને જસુએ રસોઈ અને કલા બન્ને શીખવામાં મદદ કરી. જેને કારણે જલ્પા નાનાં મોટાં પ્રોજેક્ટ બનાવતી થઈ. જ્યાં મૂંઝવણ આવે ત્યાં મમ્મી પાસે જઈ જલ્પા સુલઝાવે. જસુ જાણતી હતી નાના બાળક છોડ સમાન હોય. જેમ વાળીશું તેમ વળશે. તેમને સંસ્કારનું સિંચન અને લલિતકલાનું ખાતર જરૂરી છે.

જલ્પા નાની છે , નાની છે કહી તેને આળસુ થવા દેતી નહી. ટી.વી. જોવાનો સમય મર્યાદિત. બાળકો સાથે સાંજના બે કલાક રમવાનું. રજા હોય કે શાળા બપોરે બાર વાગ્યા સુધી ‘ઘોરવાનું ‘નહી. અરે જરા મોટી થઈ એટલે ,’જલ્પા બેટા તું ભણવામાં હોંશિયાર છે, હવે ઘરકામમાં તેમ જ રસોઈમાં પણ તને ફાવટ આવતી જાય છે’.

‘મા, મને આ બધું ગમે છે’.

‘બેટા સાંભળ , જે તું બાળપણ અને ઉગતી જવાનીમાં શિખી રહી છે. એ તારા ઉજ્જવલ ભવિષ્યના પાયામાં છે’. બેટા માતા તને સુંદર સંસ્કાર આપી ઘડી શકે. જેને કારણે ભવિષ્યમાં તું કોઈ પણ પગલું વિચાર કરીને ભરે’.

‘મમ્મી, હું કેટલી નસિબદાર છું. પેલી મારી બહેનપણી સંગીતા તેની મમ્મી સામે ફટ ફટ બોલે છે. તેની મમ્મીનું કહ્યું જરા પણ સાંભળતી નથી.’

‘બેટા, વડીલોની આમન્યા રાખવી, માતા અને પિતાને આદર તથા પ્રેમ આપવો. બેટા મા અને બાપ બાળકોના હિત ચાહક હોય છે. તેમને અનુભવ છે. સાચું અને ખોટું તેઓ પિછાણી શકે છે. અત્યારે ભલે તને ભાષણ લાગતું હશે. મોટી થઈશ ત્યારે તારી માને યાદ કરીશ.’

‘મમ્મી, હું ભારતિય વિદ્યા ભવનના ડાન્સિંગ ક્લાસમાં જાઉં ? દસ વર્ષની જલ્પાને ડાન્સનો ચટકો લાગ્યો. ‘બેટા ક્લાસ ક્યારે હોય છે.’

'મમ્મી, સોમવારે અને ગુરૂવારે સાંજના સાતથી આઠ.'

એક મિનિટ ઉભી રહે. હા, જો સાંભળ સાડા છ વાગે બાજુવાળા કાકા મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે તને ઉતારી દેશે. રાતના તારા પપ્પા સ્ટોર પરથી આવતી વખતે તને લેતા આવશે.

'મમ્મી જાણતી હતી ‘મન હોય તો માળવે જવાય.’ જસુ ખૂબ ખુશ થઈ. જલ્પાને ડાન્સનો શોખ પૂરો કરવાની તક મળી ગઈ. તેમાં પારંગત બની. મન મૂકીને શિખતી. ઘરે આવીને બધાની સામે રોજ શિખેલાં સ્ટેપ કરી બતાવતી. એક વર્ષ પછી જ્યારે વર્ગ ‘બેલે’ કરવા તૈયાર થયો. ત્યારે ડાન્સ ટિચરે જલ્પાને બાળકનું મુખ્ય પાત્ર ભજવવા પસંદ કરી. રાધા અને કિસનનાં ડન્સ બેલેમાં બચપનની રાધાનું પાત્ર જલ્પાએ ભજવવાનું હતું.

જલ્પા દિલ દઈને સુંદર અભિનય કરતી. એક મહિનો લાગલગાટ પ્રેક્ટિસ કરી જ્યારે તખ્તા પર બેલે ભજવાઈ રહ્યું ત્યારે પ્રેક્ષકોએ જલ્પાનું પાત્ર ખૂબ વખાણ્યું. આમ જલ્પા જીવનના બધા પહલુ પાસાદાર કરી રહી હતી. ઘણીવાર તેને જોનાર અચંબામાં પડી જાય, ’આ છોકરી કઈ રીતે આટલું બધું કરી શકે છે.'

દસમા ધોરણમાં હતી ત્યારે પેલો અમર, જલ્પાની પાછળ પડ્યો હતો. જ્યાં જાય ત્યાં જલ્પાને તે સામે ભટકાય. એક અઠવાડિયું પુરું થયું. અમર તેનો પીછો કરતો હતો. આખરે જલ્પાએ વર્ગ શિક્ષક હરીભાઈ પટેલને ફરિયાદ કરી. અમરને પ્રિન્સિપાલની ઓફિસમાં બે દિવસ બેસવું પડ્યું. તેના માતા અને પિતાને ઘરે ચિઠ્ઠી મોકલાવી જાણ કરી. અમરે માફી માગી અને ક્યારેય જલ્પાને નહી સતાવવાનું વચન આપ્યું. લગભગ ૧૦ દિવસ સુધી આ પ્રકરણ ચાલ્યું હતું. અંતે બધું થાળે પડ્યું ત્યારે એક રાતે પપ્પા અને મમ્મીને વાત કરી. જનક બોલ્યા કાંઈ નહી. સોમવારે પ્રિન્સિપાલ સાહેબને મળી બધી વાત જાણી. જનકને થયું દીકરી હવે મોટી સમજણવાળી થઈ છે. જે રીતે બધું થાળે પડી ગયું એ જાણી જલ્પાના મમ્મી અને પપ્પા ખૂબ ખુશ થયા.

પોતે આજે જે કાંઇ પણ છે, તેનો યશ જલ્પા મમ્મી અને પપ્પાને આપતી. તેઓ જલ્પાના ઘડતરમાં પ્રાણ રેડીને પોતાનું કાર્ય બજાવી રહ્યા હતા. ભણવામાં પણ જલ્પાને ડોક્ટર થવું હતું. ભલું થજો સમયસર ખબર પડી ગઈ હતી કે, 'જલ્પાને લોહી જોઈ ચક્કર આવે છે અને ગભરામણ થાય છે.’ જ્યારે જલ્પાએ, 'મારે ડૉક્ટર નથી થવું.’ એવું જાહેર કર્યું ત્યારે સહુથી વધારે ખુશી પપ્પાને થઈ. બસ ત્યાર પછી જલ્પાને રજાઓમાં પોતાની સાથે સ્ટોર પર લઈ જતાં.

અચાનક જલ્પા ઊંઘમાં ચીસ પાડી ઊઠી. ‘મમ્મી, હું તને ક્યાં શોધું. એકવાર મને તારા ખોળામાં માથું મૂકી સુવું છે. મારે માથે હાથ ફેરવ. ‘જલ્પા ભલે મોઢે કબૂલ ન કરતી પણ મનમાં ને મનમાં તેમને હંમેશાં યાદ કરતી.

જલ્પાએ ઘડિયાળમાં જોયું સવારના પાંચ વાગ્યા હતાં. અરે આ તો પરોઢિયામાં આવેલું સ્વપનું છે. ઊભી થઈને વરંડામાં આવી ચાંદ તારા નિહાળી રહી. વાદળોના જુથમાં તેને મમ્મીનો હસ્તો ચહેરો દેખાયો. પાછળ પપ્પાજી મુસ્કુરાઈને હાથ હલાવતા જણાયા. અજાણતા જલ્પાનો હાથ પણ સામે હાલી ઉઠ્યો.

જલ્પા નભમાં વિહરતા વાદળા નિરખી રહી. જેવો વિચાર કરીએ તેવા વાદળોનું ચિત્ર આપણા ચક્ષુ સમક્ષ ખડું થાય. તેને વાદળોની હિલચાલ જોવાની મઝા આવી ગઈ. અચાનક તેને મમ્મી વાદળોમાંથી ડોકિયા કારતી દેખાઈ. ‘મમ્મી, તું ને પપ્પા ક્યાં છો? તમને તમારા બાળકો અને મા યાદ નથી આવતા ?'

મમ્મી મલકાઇ રહી. જાણ એ કાનમાં કહી રહી ન હોય, 'બેટા અમે બન્ને તમને જોઈને ખુશ થઈએ છીએ. લાચાર છીએ, તારે માથે બધો ભાર મૂકી અમે વિદાય થયા.’

'મમ્મી હું પ્રેમથી બધાને સાચવું છું. મને યાદ છે, તું બધાનું ધ્યાન રાખતી હતી.’

‘બેટા, તારી માને માફ કરજે. તેનું આપેલું શિક્ષણ અત્યારે તને કામ લાગે છે. જ્યારે તું મુઝાય ત્યારે મને યાદ કરજે, તારા વિચારોમાં કે સપનામાં આવી તને રાહ સુજાડીશ.’ આજે મમ્મીની વર્ષગાંઠ હતી ને મમ્મીએ તો આખી જિંદગીની સફર કરાવી જલ્પાને ખૂબ લાડ કર્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational