Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ડી.એન.એ.

ડી.એન.એ.

4 mins
7.5K


જ્યારે પહેલીવાર શિવાનીનો ફોટો જોયો કે એણે લગ્ન માટે 'હા' પાડી દીધી હતી. કંઈક તો આકર્ષણ હતું એ ચહેરામાં. મનમાં ઊઠેલી એ લાગણીઓ કંઈક જુદીજ હતી. લગ્નની માંગણી, માંગણી ને મંજૂરી, શિવાની જોડે લગ્ન અને થોડાજ સમયમાં નાની ઢીંગલી એનાં જીવનમાં આવી ગઈ.

મહંતને તો વિશ્વાસ ન આવ્યો કે ખુશીની આ એક્સપ્રેસ એનાં જીવનમાં આટલી ઝડપે કઈ રીતે દોડી આવી? દીકરી રુહીનાં આગમનથી એનું આખું જીવન બસ રુહીનાંજ આજુબાજુ વીંટળાઈ રહ્યું.

રુહી, એની ઢીંગલી. બધાંજ એને ઢીંગલી કહેતા. એની ખૂબજ સુંદર લીલી આંખો માટે. શિવાની અને પોતાની આંખો સામાન્ય રંગની જ હતી. બંનેનાં કુટુંબમાં કોઈની પાસે પણ આવી લીલી આંખો નહીં. તો રુહીને એ ક્યાંથી મળી? કહેવાય છે કે આખા વિશ્વમાં ખૂબજ ઓછી વ્યક્તિઓ આ રંગની આંખ વાળા જીન્સ ધરાવે. માનવ શરીરના આ જીન્સની દુનિયા ખૂબજ અટપટી ને ભેદી. વરસોવરસ પછી, પેઢી ને પેઢીઓ પછી પણ ક્યાંથી ઉતરી આવે કોઈ ન જાણી શકે!

પોતાની આ લીલી આંખો રુહી કોની પાસેથી લઈ આવી હશે? બધાંનેજ આશ્ચર્ય થતું. એની લીલી આંખોથી એ બધાંની વહાલી ઢીંગલી બની ગઈ હતી. શિવાનીને મહંતના આંખોની ઠંડક, એમની પરી, એમની ઢીંગલી, એમની રુહી. મહંત અને રુહીના પ્રેમને નિહાળી શિવાની તો ફૂલી ન સમાતી.

ખુશીઓ જેટલી ઝડપે આવે એટલીજ ઝડપે એને નજર પણ લાગી જાય! આ નાનકડા પ્રેમનાં વિશ્વને પણ જાણે કોઈની નજર લાગી ગઈ. એ દિવસે જયારે શિવાનીના કોલેજકાળનો ખાસ મિત્ર આરવ એમને મળવા આવ્યો. ઊંચું કદ, પ્રભાવશાળી વ્યક્તિત્વ, વાતો એવી મીઠી કે કોઈ પણ પ્રેમમાં પડી જાય. પણ સૌથી વધુ હેરાની ફેલાવતી એની બિલકુલ રુહી જેવી પેલી લીલી આંખો!

"અરે ઢીંગલી, વિ હેવ સેમ આઈઝ!" આરવે રુહીની પીસાની ચૂમી હતી.

"વૉટ એ કોઈન્સિડન્ટ!"

શિવાનીએ આશ્ચર્યના ભાવો પ્રગટાવ્યા હતા. પણ આ 'કોઈન્સિડન્ટ' શબ્દ મહંતનું મગજ પચાવી ન જ શક્યું. ખૂબજ ઝડપે જીવનમાં દોડી આવેલ એ ખુશી એક્સપ્રેસની પાછળ જાણે કોઈ રહસ્ય ડોકાઈ રહ્યું!

આરવના જતા જ મહંતના મનના વિચારો વધુ શક્તિશાળી બની રહ્યા. વિચારો સંબંધો પર હાવી થવા માંડ્યા. પરિણામ સ્વરૂપ પોતાની પરી, ઢીંગલીથી એ અળગો રહેવા લાગ્યો. શિવાની સાથે શબ્દોની આપ લે નહિવત થતી ચાલી. મહંતના વ્યવહારમાં આવેલ આ નાટકીય ફેરફાર શિવાની પામી ગઈ.
"આર યુ ઓ.કે. મહંત?" તક મળતાં જ મહંતે સીધી જ હૈયાવરાળ ઠાલવી.

"હું રુહીનું ડી.એન.એ. ટેસ્ટ કરાવીશ..."

હેબત, ડર, આશ્ચર્ય બધું એકીસાથે એકજ સમયે શિવાની અનુભવી રહી. એક વિચિત્ર ગભરાટથી એ થીજી ગઈ કે એની અંદરની લાગણીઓ? એ ડઘાઈને મહંતની આંખોમાં ઝાંકી રહી.

મહંતના મનના દરેક પ્રશ્નોનું એક્સરે એ જાણે નિહાળી રહી! એ પ્રશ્નોને જીરવવાની શક્તિ એની આંખોમાં ન હોઈ એમ એ ઢળી પડી. એની મંજૂરી મહત્વની ન હતી. ડી.એન.એ. કરાવવાની એ માંગણી નહીં પણ મહંતનો સીધેસીધો નિર્ણય હતો!

મહંત કોઈ પણ ક્ષણે રુહી જોડે ટેસ્ટનું પરિણામ લઈ પહોંચતો હશે. એનાં આવવા પહેલાંજ એણે પોતાનો ને રુહીનો સામાન પેક કરી રાખ્યો. એક માતાને ડી.એન.એ. ટેસ્ટનો આધાર ન રાખવો પડે એ જાણવા કે એનું બાળક કોનું? રુહીનાં પિતાનું નામ તો ફક્ત એજ જાણી શકે! કુદરતે આ વરદાનથી ફક્ત સ્ત્રીઓ ને નવાજી  છે! હવે મહંતના ઘરમાં, એના જીવનમાં રોકાવું યોગ્ય નહીંજ. મહંત જે કઈ પણ નિર્ણય લે એનો નિર્ણય તો એ લઈ ચૂકી.

મહંત રુહી જોડે પહોંચ્યો. એક હાથમાં ડી.એન.એ.નું પરિણામ અને બીજા હાથમાં રુહીની આંગળીઓ. રુહીની આંગળીઓ મહંતના હાથમાંથી છોડાવી પોતાની આંગળીઓમાં પરોવી એ બીજા હાથમાં બેગ થામી રહી:

"આઈ એમ લિવિંગ મહંત. તારા જીવનમાં હવે મારું સ્થાન નહિ રહે."

પોતાના હાથમાં થામેલ ડી.એન.એ.નું પરિણામ શિવાની સામે ખોલી એ પૂછી રહ્યો: "પરિણામ નથી જોવું?"

શિવાની કટાક્ષમાં હસી: "નહીં."

"ઈટ્સ પોઝિટિવ.." ગર્વથી એ બોલી રહ્યો. "જાણું છું. રુહી તારીજ દીકરી છે. એ સાબિત કરવા મને કોઈ ડી.એન.એ.નું પરિણામ ન જોઈએ." સીધીજ મહંતની આંખોમાં આંખો પરોવી સ્વાભિમાનથી એ બોલી.

"પરિણામ જાણ્યાં પછી જવાનો કોઈ અર્થ નથી.." રુહીને ગોદમાં લેવા એ પ્રયત્ન કરી રહ્યો.

એના પ્રયત્નને નિષ્ફળ બનાવી એ ફરી હસી.

"આરવ અને રુહીની આંખો સમાન હોવી એ સંજોગ ખરો, પણ મારા પ્રેમ પર ઊઠેલો તારો પ્રશ્ન તો સંજોગ નથીજ.. આ ડી.એન.એ.નું પરિણામ તારા માટે રુહીનાં પિતા હોવાનો પુરાવો હોઈ શકે. પણ મારા માટે તો એ મારા પ્રેમ પર તારા અવિશ્વાસનો, મારા અસ્તિત્વને સ્વાભિમાન પર ઊઠેલ તારા પ્રશ્નનો, મારા વિશ્વાસ પર તે કરેલા ઘાનોજ પુરાવો. જ્યાં વિશ્વાસ નહીં ત્યાં સમ્માન નહીં ને જ્યાં સમ્માન નહીં ત્યાં પ્રેમ નહીં જ !"

દ્રઢ નિર્ણયના એ પડઘા મહંતને પછડાયેલા બારણાં સાથે સંભળાતા જ રહ્યા.

વહેમ અને શક નું એક નાનકડું ઝોંકુ એના હસતા સુખી પરિવારના છોડને પળ ભરમાં હંમેશ માટે મૂરઝાવી ગયું!


Rate this content
Log in