Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Silhar

Tragedy Classics

4.6  

Swati Silhar

Tragedy Classics

ડીજીટલ સંબંધો

ડીજીટલ સંબંધો

9 mins
1.4K


ચૈત્ર મહિનાની ગરમીએ બરાબર જોર પકડેલું. પરસેવે નીતરી રહેલી વૈદેહીએ ઘડિયાળમાં જોયું બપોરના ૨:૩૦ વાગી ચુકેલા એને રસોડામાં જઈ પોતાની થાળી પીરસી અને રસોડામાં જ નીચે જમવા બેઠી. એણે ઓફવાઈટ ડ્રેસ પર ઓઢેલા બાંધણીના લાલ દુપટ્ટાથી ચહેરા અને ગરદન પર નીતરી રહેલો પરસેવો લૂછ્યો અને રોટલીનો ટુકડો તોડી શાક સાથે ઝટપટ મોંમાં મૂકી દીધો. ગરમી, થાક કે ભુખ! કોણ જાણે શું વધુ લાગી રહ્યું હતું એને કે આટલા તાપમાં એને પંખો કરવાનું પણ યાદ ના આવ્યું. હજીતો ત્રીજો કોળિયો મોઢામાં હતો અને ચોથો હાથમાં લઈજ રહેલી ત્યાં બેડરૂમમાંથી પપ્પાજીની બુમ આવી “વૈદેહી વહુ જલ્દી આવો કામિનીનું માથું ખસી ગયું છે” વૈદેહીએ હાથમાં રહેલો કોળિયો થાળીમાં મૂકીને રીતસરની બેડરૂમ તરફ દોટ મૂકી, જોયુંતો મમ્મીજીનું માથું તકિયા પર સરકી જતા શરીરનો ઉપરનો ભાગ એકબાજુ નમી ગયેલો અને નાકમાં લગાવેલી રાઈલ્ઝ ટ્યુબ નાકમાંથી નીકળી ગયેલી જેના કારણે થોડીવાર પહેલા એના દ્વારા આપવામાં આવેલો પ્રવાહી ખોરાક નાકમાંથી બહાર આવી રહેલો.... એને પોતાના દુપટ્ટાથીજ પોતાના હાથ લુછ્યા અને એમને બેડ પર સરખા સુવરાવી બધું સાફ કરવા લાગી...


આઠ મહિના થયા હશે એ વાતને સાંજના સમયે કામીનીબેન અને હરીવદનભાઈ મંદિરે દર્શન કરીને ઘરે પાછા ફરી રહેલા ત્યાં એકટીવાની સામે અચાનક એક નાનું ગલુડિયું આવતા હરિવદનભાઈએ બ્રેક મારી અને ગાડી સ્લીપ થઈ ગઈ. ગાડીનું આખું વજન હરીવદનભાઈના પગ પર આવેલું ને એમના એક પગમાં ફ્રેક્ચર થયેલું સાથે સાથે એક તરફનું આખું શરીર છોલાઈ ગયેલું એકટીવાની પાછળ બેઠેલા કામીનીબેન અચાનક બ્રેક લગતા ઉછળીને સીધા રોડ તરફ ફેંકાઇ ગયેલા માથું ડીવાઈડર સાથે અથડાતા બ્રેઈન હેમરેજ અને આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયેલું. હરિવદનભાઈને એક મહિનો અને કામીનીબેનને દોઢેક મહિના હોસ્પિટલમાં રાખેલા ત્યારબાદ રજા લઈ બંનેને ઘરે લઇ આવેલા. હરીવદનભાઈ ચારેક મહિના જેટલો સમય વ્હીલચેર પર રહ્યા બાદ હવે એ ઘોડીની મદદથી ધીરે ધીરે ચાલવા લાગેલા પણ કામીનીબેનની હાલતમાં આજે પણ કોઈ સુધારો નહોતો. ના એ બોલી શકતા ના ચાલી શકતા એમના શરીરનો કોઇપણ ભાગ એમના મુજબ એ હલાવી શકતા નહી. એમને ખોરાક આપવા માટે નાકમાં રાઈલ્ઝ ટ્યુબ લગાડેલી.. ઝાડો-પેશાબ બધુંજ પથારીમાં થતું... ટૂંકમાં કહીએતો છેલ્લા આઠ મહિનાથી એ પથારીવશ છે.


ત્યારથી લઈને આજ સુધી વૈદેહીનું એક્સરખુંજ રૂટીન રહેતું. વૈદેહી સાચા દિલથી સાસુ-સસરાની સેવા કરતી. એના ચહેરા પર ક્યારેય અણગમો કે અનિચ્છા જેવા ભાવ ના દેખાતા. ઘરમાં આઠ મહિનાથી મંદવાડ ઘર કરી ગયેલો પણ એકેય દિવસ થાક જેવું એને વર્તવા ના દીધેલું સવારે ૫:૩૦ના ટકોરે ઉઠતી વૈદેહીને સુવાનો કોઈ સમય નક્કીના રહેતો. કામીનીબેન બોલી શકતા નહી એટલે વારંવાર જોતા રહેવું પડતું કે એમના કપડા બગડ્યા નથીને, રાઈલ્ઝ ટ્યુબ બરાબર છે કે નહી, માથું તકિયા પરથી નમીતો નથી ગયુંને, શરીર પથારી પર ખસી તો નથી ગયુંને અને આ બધામાં રાત્રે કોઈની ઊંઘ ખરાબના થાય એટલે વૈદેહી રાત્રે કામીનીબેનના રૂમમાં એમના બેડની બાજુમાંજ નીચે પથારી કરી ને સુતી.


આજે સવારે આંખ ખુલતાજ ઘડિયાળમાં જોયું તો ૫:૩૫ થઈ ગયેલા રોજ ૫:૩૦ ના ટકોરે ઉઠતી વૈદેહી ૫:૩૫ જોઈ બેબાકળી સફાળી બેઠી થઈ ગઈ આ પાંચ મીનીટમાંતો જાણે એણે કલાકો ગુમાવ્યા હોય એમ ઉતાવળે એ ઉભી થઈ. સૌથી પહેલા એણે કામીનીબેનને જયશ્રી ક્રિષ્ના કહી એમનું ડાઈપર ચેક કર્યું રોજની જેમ એણે વાઈપ્સથી કામિનીબેનનો ગંદો થયેલો ભાગ લુછી સાફ કર્યો અને નવું ડાઈપર પહેરાવી એમને સરખા સુવડાવ્યા. પોતાના બેડરૂમમાં જઈ જોયું તો વેદિકાના બંને પગ વેદાંતના મોં પર હતા અને છતાંય બંને શાંતિથી સુઈ રહેલા પોતાની છ વર્ષની દીકરી અને એના પપ્પાને આમ સુતા જોઈ વૈદેહીને અપાર વ્હાલ ઉભરાયું એના ચહેરા પર એક સ્મિત તરી આવ્યું. એને એસીનું ટેમ્પરેચર ૨૦માંથી ૨૬ કર્યું વેદીકાને સરખી સુવરાવી, એને માથે હળવો હાથ ફેરવી કપાળે વ્હાલથી ચૂમી ભરી અને બંનેને બ્લેન્કેટ ઓઢાળી સીધી બાથરૂમમાં નાહવા જતી રહી...


નાહી મંદિરમાં દીવા-બત્તી કર્યા ને ઝટપટ રસોડામાં પહોંચી ગઈ. સાડા છ થઈ ગયેલા એણે કામીનીબેનનું દૂધ તૈયાર કર્યું અને એને ઠંડું કરવા મુકી હરીવદનભાઈ અને પોતાના માટે ચા મુકી બીજી બાજુ બટેકા બાફવા મુક્યા. રોજના નિયમ પ્રમાણે હરીવદનભાઈ ઉઠી ચુકેલા એમને ચા આપી અને પોતે ચા પીવા ગઈ પણ કામીનીબેનનું દૂધ ઠંડું થઈ ગયેલું તે લઇ એમના રૂમમાં જઈ રાઈલ્ઝ ટ્યુબ દ્વારા તેમને પીવડાવ્યું. વેદાંતના ઉઠવાનો પણ સમય થઈ રહેલો તેને પોતાની ચા પ્લેટફોર્મ પરજ ઠારીને પીધી અને નાસ્તાના આલું પરોઠા તૈયાર કરવામાં લાગી ગઈ. વેદાંત શાર્પ સાડા સાતે ટેનીસ રમવા ક્લબ જવા ઉપડી જતો. એ ઉઠી ગયેલો સાથે સાથે એની ગ્રીન ટી તૈયાર કરી ને એના ઉઠતાની સાથે એને આપી. એક નેપકીન અને ટેંગની બોટલ વેદાંતની બેગમાં મુકી, બેગ અને ચાવી મેઈન દરવાજાના શુ-રેક પર મુકી દીધા..વેદાંત રવાના થયો. કામીનીબેનને લીક્વીડ આપે દોઢેક કલાક થઈ ચુકેલો એને પાઈનેપલ જ્યુસ તૈયાર કરી કામીનીબેનને પીવડાવ્યો. એમના શરીર પર વળી રહેલો પરસેવો લૂછ્યો ધીમા ટેમ્પરેચર પર એસી કરી એમને કોટનની ચાદર ઓઢાળી. એ ફરી રસોડામાં આવી બપોરની રસોઈ તૈયાર કરવા લાગી..


રસોઈ બનાવતા વચ્ચે હરીવદનભાઈને નહાવાનું પાણી તૈયાર કર્યું તેમના કપડા બાથરૂમમાં તૈયાર કર્યા કચરાવાળી આવતા બધો કચરો બહાર મુકી આવી. શાકવાળાની બુમ સાંભળતાજ શાક લેવા નીચે દોડી ગયેલી.. આ બધામાં આંઠ વાગી ગયા એક ગેસ પર દાળ વઘારી ને એક ગેસ પર શાક બંને ને ધીમી અંચે રાખી ત્રીજા ગેસ પર વેદીકાનું બોર્નવીટા તૈયાર કર્યું એને ઠંડું થવા મુકી એ વેદીકાને ઉઠાડવા પહોંચી નાનકડી વેદિકા સવાર સવારમાં માંડ આંખ ખોલી શકતી વૈદેહીને પણ થતું કે પોતાની વ્હાલસોઈ દીકરીને ધીરેથી ઉઠાડે એને વ્હાલ કરે એની સાથે પથારીમાં થોડી મસ્તી કરે, એને હસ્તી જુએ પણ સવારના કામ અને એની દોડધામ ક્યારેય વૈદેહીને એ સુંદર ક્ષણો મળવાની પરવાનગી ના આપતા. 


ડોરબેલ વાગી નક્કી વેદાંતજ હોવો જોઇએ એને દરવાજો ખોલ્યો હા વેદાંત જ હતો. વેદાંતના ટોવેલ અને કપડા એને ઝટપટ બાથરૂમમાં ટીંગાડી દીધા અને વેદીકાને બ્રશ કરાવી ડાઈનીંગ ટેબલ પર બેસાડી બોર્નવીટાનો ગ્લાસ હાથમાં આપ્યો. એને શાક ગેસ પરથી ઉતારી ચા મુકી અને બીજી તરફ આલું પરોઠા ઉતારવા લાગી. વેદાંત નાહીને ટોવેલમાં જ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયો વૈદેહીએ પપ્પાને બુમ મારી “પપ્પા ચાલો વેદાંત આવી ગયા છે હું ચા નાસ્તો પીરસું” રૂમમાંથી ઘોડી લઈને હરીવદનભાઈ ધીરે ધીરે આવ્યા, વૈદેહીએ પરોઠા ની પ્લેટ ટેબલ પર મુકી ખુરશી ખસેડી એમને બેસાડ્યા અને બધાને ચા નાસ્તો પીરસ્યા. વેદાંત નાસ્તો કરી તૈયાર થવા ગયો ત્યાં સુધી એને વેદીકાને તૈયાર કરી અને ઝટપટ રોટલી કરી વેદાંતનું ટીફીન તૈયાર કર્યું અને વેદીકાનું લંચ બોક્ષ્ અને વોટર બોટલ લઇ એની સ્કુલ બેગ પેક કરી. વેદાંતનું ટીફીન એની ઓફીસબેગ, હાથરૂમાલ, મોજા અને કારની ચાવી સોફાની બાજુના ટેબલ પર મુકાઈ ગયા. સવા નવ થઈ ગયેલા , “વેદાંત મારે મોડું થાય એમ છે તમે


આજે વેદીકાને સ્કુલે મુકતા જશો” વેદાંતે હા કહ્યું અને બંને બાપ દીકરી ગાડીમાં ચાલી નીકળ્યા,

વૈદેહી નાસ્તાનું ટેબલ આટોપી રસોડું સરખું કરવા લાગી વોશિંગ મશીનમાં નાંખેલા કપડા ધોવાઈ ને નીચોવાઈ ગયેલા એને સુકવી એ કામીનીબેન પાસે આવી. દરવાજો બંધ કરી કામીનીબેનના કપડા કાઢી એમના આખા શરીરે હુંફાળા પાણીથી સ્પંચ કરી પાઉડર લગાડી એમનું ડાઈપર બદલ્યું અને એમને તકિયાના ટેકે સહેજ આડે પડખે સુવડાવ્યા, મહિનાઓથી પથારીવશ હોવાના કારણે પીઠ અને કમરપર લાલ પાઠા પડી ગયેલા, એ પાઠા અને ચકામા ને ડેટોલથી સાફ કરી ડ્રેસિંગ કરી એમને સ્વચ્છ કોટન કપડાનું ગાઉન પહેરાવી સરખા સુવાડ્યા.. વૈદેહી રોજ સવાર સાંજ એમને આમ ફ્રેશ કરતી આમતો કામીનીબેનનું શરીર લેવાઈ ગયેલું પણ વૈદેહી માટે એકલા હાથે એમનું આખું શરીર ઉપાડવું થોડું કઠીન થઈ પડતું. પણ વૈદેહી હસતા મોંએ કરતી કામીનીબેનને કાનો બહુ વ્હાલો એટલે સાથે આ એક કલાક જેટલો સમય એ કૃષ્ણના ભજનો ધીમા રાગે વગાડતી.             

    

  કચરા પોતા અને વાસણ માટે કામવાળા બેન આવતા એના આવવાનો પણ સમય થઈ ગયેલો વૈદેહીએ કામીનીબેનના કપડા ડેટોલ નાંખી પલાળ્યા અને અસ્ત વ્યસ્ત પડેલું ઘર સરખું ગોઠવી ઘરમાં ઝાપટ ઝૂપટ પતાવા લાગી. સાથે સાથે એને ઘરમાં લાવવાની થયેલી વસ્તુઓની યાદી તૈયાર કરી દીધી અને ગઈકાલના બાકી રહેલા કપડાને ઈસ્ત્રી કરી ગોઠવી દીધા. પપ્પાના જમવાનો સમય થઈ ગયો વેદેહીએ એક ગેસ પર દાળ શાક ગરમ કરી હરિવદનભાઈની થાળી પીરસી અને ગરમ ગરમ રોટલી ઉતારી એમને જમાડ્યા. એ રોજ ૧૨ના ટકોરે જમીને દવા લેતા. વૈદેહીએ દાળ ભાત અને રોટલી મિક્સ્ચરમાં ક્રશ કરી કામીનીબેનનું જમવાનું તૈયાર કર્યું અને ધીરે ધીરે રાઈલ્ઝ ટ્યુબ દ્વારા ખવડાવ્યું અને પછી એમની દવા પણ એજ રીતે પીવડાવી.. પોતાની અને વેદીકાની રોટલી કરી ગરમામાં મુકી ત્યાંતો કામવાળી આવી આવી ગઈ એને બંનેનું જમવાનું કાઢી બધા વાસણ કાઢી આપ્યા ત્યાંતો એક વાગવા આવેલો એ એક્ટીવાની ચાવી લઇ સડસડાટ ત્રણ દાદરા ઉતરી વેદીકાને સ્કુલે લેવા પહોંચી ગઈ.. સ્કુલ છૂટી ચુકેલી વેદિકા એની રાહ જોતી ઉભેલી એને લઇ એ સડસડાટ ઘરે પહોંચી અને ત્રણ દાદરા ચઢી હાંફતા હાંફતાએ વેદીકાના શુઝ કાઢવા લાગી. ત્યાં પોતા કરી રહેલી બેને આવીને કહ્યું ભાભી બા એ સંડાસ કર્યું લાગે છે રૂમમાંથી વાસ આવે છે.. અને વૈદેહી સીધી કામીનીબેન પાસે ગઈ એમને સાફ કર્યા નીચે રાખેલું પ્લાસ્ટિક અને એની પરનું કોટનનું કપડું બદલ્યું અને નવું ડાઈપર પહેરાવ્યું. એમના ગંદા થયેલા કપડા ડેટોલથી ધોઈ ને બહાર આવી ત્યાંતો જોયું કે વેદિકા સ્કુલ ડ્રેસમાં સોફા પરજ સુઈ ગયેલી પોતાની દીકરીને જ્મ્યા વીના ભૂખી સુતેલી જોઈ એનું મન ભરાઈ આવ્યું. પહેલા થયું ઉઠાડું પણ શાંતિથી સુતેલી દીકરીને ઉઠાડતા જીવના ચાલ્યો એને સરખી સુવડાવી.  


વૈદેહીએ ઘડિયાળમાં જોયું બપોરના ૨:૩૦ વાગી ચુકેલા એને રસોડામાં જઈ પોતાની થાળી પીરસી અને રસોડામાં જ નીચે જમવા બેઠી. હજીતો ત્રીજો કોળિયો મોઢામાં હતો અને ચોથો હાથમાં લઈજ રહેલી ત્યાં બેડરૂમમાંથી પપ્પાજીની બુમ આવી “વૈદેહી વહુ જલ્દી આવો કામિનીનું માથું ખસી ગયું છે” વૈદેહીએ હાથમાં રહેલો કોળિયો થાળીમાં મૂકીને રીતસરની બેડરૂમ તરફ દોટ મૂકી, જોયુંતો મમ્મીજીનું માથું તકિયા પર સરકી જતા શરીરનો ઉપરનો ભાગ એકબાજુ નમી ગયેલો અને નાકમાં લગાવેલી રાઈલ્ઝ ટ્યુબ નાકમાંથી નીકળી ગયેલી જેના કારણે થોડીવાર પહેલા એના દ્વારા આપવામાં આવેલો પ્રવાહી ખોરાક નાકમાંથી બહાર આવી રહેલો.. એમના કપડા અને ચાદર બધુંજ ખરાબ થઈ ગયેલું એને પોતાના દુપટ્ટાથીજ પોતાના હાથ લુછ્યા અને એમને બેડ પર સરખા સુવરાવી બધું સાફ કરવા લાગી... ફરીથી એમને આખા શરીરે સ્પંચ કરી એમના કપડા, પ્લાસ્ટિક અને કોટનની ચાદર બદલી.. અને બગડેલું બધું ફરી પાણીમાં ડેટોલ નાંખી સાફ કર્યું. ત્યાંજ કાકાજી-કાકીજી ખબર પૂછવા આવી પહોંચેલા એમને રૂમમાં બેસાડી પાણી આપ્યું એમને સાથે બે મીનીટ વાત-ચિત્ કરી.. એ ત્રણેયને લીંબુ પાણી બનાવી પીવડાવ્યું .. એ ગ્લાસ સાફ કરી મુકી રહેલી ત્યાંજ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.


એને વેદાંત આવ્યા હોય એમ લાગ્યું એને ઘડિયાળ તરફ નજર કરી સાડા ચાર વાગી રહેલા એને મનમાંજ પ્રશ્ન થયો આટલા વહેલા ? અને દરવાજા તરફ આગળ વધી હા વેદાંતજ હતા. એના એક હાથમાં કેક અને અને એક હાથમાં રેડ રોઝ વાળું બુકે જોઈ વૈદેહીના ચહેરા પર એક સ્માઈલ આવી ગયું એ એની તરફ આગળ વધી “અરે વેદાંત આજે આટલા વહેલા? અને આ ફૂલો થેક્યું સો ...” વાક્ય અધૂરું રહ્યું વેદાંતનો ચહેરો ગુસ્સે લાલ ભરાયો હતો આંખોમાં જાણે ધ્રુણાનો ભાવ તગતગી રહેલો. વૈદેહીને આ કેક ફૂલો અને ગુસ્સાનું કોમ્બીનેશન સમજાયું નહી એને પૂછ્યું.. “શું થયું વેદાંત?” વેદાંત ગુસ્સામાં બોલ્યો “વૈદેહી આજે પપ્પાનો બર્થ ડે છે..” “ઓહ.. હું તો ભૂલીજ ગયેલી આઈ એમ વેરી સોરી વે...” વૈદેહી જાણે અપરાધના ભાવ રૂપે બોલતી રહી પણ ફરી વાક્ય અધુરુજ રહ્યું “વૈદેહી મે બપોરે ફેસબુક ખોલ્યું ત્યારે જોયું કે મોટાભાભીએ ફેસબુક પર પપ્પાના ફોટોસ મુકીને કેટલા સરસ કેપ્શન સાથે વીશ કરેલું છે બન્નેએ વ્હોટ્સ એપ પર પણ પપ્પાના ફોટોસ મુક્યા છે.. અને કેનેડાથી ભાઈભાભીએ ઓનલાઈન કેક અને આ ફૂલો મોકલ્યા છે એમની માટે, એ લોકો આટલા દુર છે તો પણ કંઈ ભૂલતા નથી અને આપણે ... હું તો ઓફીસના કામમાં વ્યસ્ત હોઉં પણ તું તો ઘરમાંજ હોય છે ને, તું કરે છે શું આંખો દિવસ હમમ.. આટલું પણ યાદ નથી રાખી શકતી .. પપ્પાને કેટલું ખરાબ લાગ્યું હશે કે આપણે એમનો બર્થ ડે પણ ભૂલી ગયા. એતો સારું થયું ભાઈભાભીએ યાદ કરાવ્યું .. તું કંઈક શીખ એમની પાસેથી..” એકી શ્વાસે બોલી બેડરૂમ તરફ જઈ રહેલા વેદાંતને વૈદેહી પહોળી આંખે જોઈ જ રહી એના કપાળે કરચલીઓ ઉપસી આવી બેડરૂમમાંથી કેનેડા વીડીઓ કોલ થયો અને રૂમમાં હેપ્પી બર્થ ડે ટુ ડીયર પપ્પા નું ગીત ગુંજી ઉઠ્યું... વૈદેહીની એક નજર સોફા પર ભુખી સુતેલી પોતાની દીકરી તરફ ગઈ અને બીજી નજર ત્રણ ટુકડા તોડાયેલી અડધી રોટલી વાળી પીરસેલી થાળી પર ગઈ.. એને મનોમન થઈ આવ્યું “આ તે કેવા ડીજીટલ સંબંધો...ફેસબુક અને વ્હોટ્સ એપ પર દર્શાવતી લાગણીની આટલી બધી કિંમત! અને હું.....! “વૈદેહી કેક માટે ડીશો લાવતો” બેડરૂમમાંથી આવેલી આ બુમ જાણે વૈદેહીના કાનમાં પડઘાતી રહી.. રસોડાથી રૂમ સુધી એક સેકન્ડમાં પહોંચતી વૈદેહીને ડીશો લઇને જતા આજે એ અંતર જાણે મિલોનું લાગી રહેલું. એ આગળ પગ નહોતી માંડી શકતી, આ આઠેય મહિનાનો થાક એને એક સામટો આજે લાગેલો..!!      



Rate this content
Log in

Similar gujarati story from Tragedy