Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Tragedy

0  

Zaverchand Meghani

Tragedy

અભિસાર

અભિસાર

4 mins
531


મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત.

શ્રાવણ મહિનાની ઘોર રાત્રી જામતી હતી. નગરના દીવા પવનને ઝપાટે ઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરે ધીરે બંધ થવા લાગ્યા. નગરને કાંગરે દીવા નથીઃ ઘનઘોર આકાશમાં તારા યે નથી. એકાએક એ સુતેલો સંન્યાસી અંધારામાં કેમ ઝબકી ઊઠયો ! ઝાંઝરનો ઝંકાર કરતો એ કોનો મધુર ચરણ એની છાતી સાથે અફળાયો ?

ક્ષમાથી ભરપૂર એ યોગીની આંખે ઉપર એક ગુપ્ત દીવાનું આસમાની અજવાળું પડયું. એ કેાણ હતું ?

એ તે મથુરાપુરીની સર્વશ્રેષ્ઠ નટી પેલી વાસવદત્તા : આજ અંધારી રાત્રે એ કોઈ પ્રિયતમની પાસે જવા નીકળી છે. એના આસમાની ઓઢણાની અંદરથી યૌવન ફાટફાટ થતું તોફાને ચડયું છે. અંગ ઉપર આભૂષણો રણઝણી રહેલાં છે. મદોન્મત્ત એ રમણી આજ તો વળી વહાલાને ભેટવા સારુ ભાન ભૂલેલી છે. પુર જોશમાં એ ધસ્યે જાય છે. અચાનક અંધારામાં એના કેામલ પગ સાથે સંન્યાસીનું શરીર અફળાયું, વાસવદત્તા થંભીને ઊભી રહી.

ઓઢણાના છેડામાં છુપાવેલો ઝીણો દીવો ધરીને એ સુંદરી સાધુના મોં સામે નિહાળી રહી. સુકુમાર ગૌર કાંતિ : હાસ્યભરી એ તરણાવસ્થા : નયનોમાં કરુણાનાં કિરણો ખેલે છે : ઉજ્જવળ લલાટની અંદર જાણે ચંદ્રની શીતળ શાંતિ દ્રવે છે : શાં અલૌકિક રૂપ નીતરતાં હતાં !

હાય રે રમણી ! આવું રૂપ આજે ધરતી ઉપર રગદોળાય છે. એને ઢાંકવા પૂરાં વસ્ત્રો પણ નથી. તું શું જોઈ રહી છે ? શામાં ગરક થઈ ગઈ છે હેં નારી ? પગ ઉપાડ, પગ ઉપાડ. રાજમહેલનો નિવાસી કોઈ પ્રેમી તારી વાટ જોતો ઝરૂખામાં ઊભો તલખતો હશે.

સંન્યાસીને ચરણ સ્પર્શીને વાસવદત્તા દીન વચને બોલી : “હે કિશોર કુમાર ! અજાણ્યે આપને વાગી ગયો.. મને માફ કરશો ?”

કરુણામય કંઠે સાધુ બોલ્યા : “કાંઈ ફિકર નહિ, હે માતા ! સુખેથી સીધાવો. તમારે વિલંબ થતો હશે”

તો યે આ અભિસારિકા કાં હટતી નથી ? એના પગ કોણે ઝાલી રાખ્યા છે ?

ફરીવાર એ દીન અવાજે બોલી : “હે તપસ્વી ! આવું સુકેામલ શરીર આ કઠોર ધરતી ઉપર કાં રગદોળો છો ? નિર્દય લોકોએ કોઈએ એક સુંવાળું બિછાનું યે ન કરી આપ્યું ?" 

સાધુએ અબોલ રહીને હસ્યા જ કર્યું.

“મારે ઘેર પધારશો ? એકાંતમાં પથારી કરી આપીશ. પધારો, હું પાછી વળું”

“હે લાવણ્યના પુંજ ! આજે તો જેનો વારો છે તેની પાસે જ જઈ આવો. એક દિવસ મારો પણ વારો આવશે ત્યારે હું વિના બોલાવ્યો તમારી કુંજમાં ચાલ્યો આવીશ. આજે તો સીધાવો જેને કોલ દીધો છે તેની પાસે”

એટલી વારમાં તો અંધારેલાં વાદળાં તૂટી પડયાં. આકાશનું હૃદય ચીરીને વીજળી જાણે ઘર છોડી અભિસાર કરવા નીકળી પડી. ઘોર ગર્જના થઈ. જાણે પ્રલયના શંખ ફુંકાયા. ત્રાસથી એ રમણી કંપી ઊઠી. કોને માલૂમ છે કે કયાં સુધી એ કોમલાંગી ભીંજાણી હશે, થરથર કમ્પી હશે, ને રડી હશે ! એનો અભિસાર એ રાત્રિયે અધૂરો રહ્યો.

* * *

શ્રાવણ મહિનો વીતી ગયો. ત્યાર પછી તો ઘણાએ મહિના આવ્યા ને ગયા. ચૈત્ર માસની સાંજ પડે છે. વ્યાકુળ બનીને વાયુ જાણે કોઈને ભેટવા ચાલ્યો છે. માર્ગ પરનાં તરુવરોને કુંપળો ફૂટી છે. રાજાજીના બગીચામાં આજે બોરસલ્લી અને પારિજાતકનાં અપરંપાર ફૂલો મહેકી ઊઠયાં છે. મથુરા નગરીનાં તમામ નરનારીઓ આજે મધુવનમાં વસંતોત્સવ કરવા ગયાં છે. નિર્જન એ નગરીના ઝરૂખાઓમાં ડોકિયાં કરીકરીને આકાશનો ચંદ્ર મલકી રહ્યો છે. દૂરદૂરથી ગળાઈને બંસીના સ્વરો આવે છે. ચંદ્રના એ અજવાળાની અંદર, નિર્જન રાજમાર્ગ ઉપર એ કોણ ચાલ્યો જાય છે ? એ તો પેલો સંન્યાસી ઉપગુપ્ત. પણ એ સંન્યાસી રાત્રિયે કાં રખડે ? દૂરદૂરથી બંસીના સ્વરો આવે છે : માથા ઉપર વૃક્ષોની ઘટામાં કોયલ ટહૂકે છે : સામે ચંદ્ર હસે છે : આજે એ તપસ્વીની અભિસારરાત્રિ આવી પહોંચી કે શું ?

નગર છોડીને તપસ્વી ગઢની રાંગે રાંગે ચાલ્યો. અજવાળું વટાવીને આંબાની અંધારી ઘટામાં પેઠો. એકાએક એના પગ થંભ્યા. એ પગની પાસે શું પડયું હતું ?

દુર્ગંધ મારતું એક માનવશરીર : અંગના રોમેરોમમાં શીતળાનો દારણુ રોગ ફાટી નિકળેલો છે. આખો દેહ લોહીપુરમાં લદબદ થઈ ગેગી ગયો છે કાયા સળગીને જાણે કાળી પડી ગઈ છે.

ગામના લેાકેાએ એ ચેપી રોગમાં પીડાતી કોઈ બિચારી સ્ત્રીને ઘસડીને નગરની બહાર નાખી દીધેલી છે.

પાસે બેસીને સંન્યાસીએ એ બિમારનું માથું ઉપાડી ધીરે ધીરે પોતાના ખેાળામાં મેલ્યું, “પાણી પાણી” નો પોકાર કરતા એ બે હોઠ ઉપર શીતળ પાણી રેડયું, કપાળ ઉપર પોતાનો સુકોમળ શીતળ હાથ મેલીને શાંતિનો મંત્ર ગાયો, ચંદનનો લેપ લઈને એ સડેલા શરીરને અંગે પોતાને હાથે મર્દન કર્યું' ને પછી દરદીને મધુર અવાજે પૂછયું : “કાંઈ આરામ વળે છે, ઓ સુંદરી ?”

“તમે કોણ, રે દયામય ! તમે કયાંથી આવ્યા ?” દુર્બલ અવાજે દરદીએ પ્રશ્ન કર્યો. એની આંખોમાંથી આંસુની ધારા છૂટી. 

મંદ મંદ મુખ મલકાવીને સાધુ કહે છે : “ભૂલી ગઈ, વાસવદત્તા ! શ્રાવણ માસની એ ઘનઘોર રાત્રિયે આપેલો કોલ શું યાદ નથી આવતો ? આજે મારા અભિસારની આ મીઠી રાત્રિ આવી છે, ઓ વાસવદત્તા !”

આંબાની ઘટામાંથી મંજરીઓ ઝરી. કોયલ ટહુકી. ચંદ્ર મલક્યો. યોગીને અભિસાર ઊજવાયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy