Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

વાસ્તવિકતાનું ભાન

વાસ્તવિકતાનું ભાન

2 mins
151


એકવાર એક વેપારી તેના નોકરચાકર સાથે જહાજમાં મુસાફરી કરી રહ્યો હતો. હવે તેમાંના એક નોકરે જહાજની મુસાફરી ક્યારેય કરી નહોતી. તેથી જહાજ શરૂ થતાંજ એ નોકર ઘબરાઈને રડવા લાગ્યો. તેને આમ રડતા જોઈ સહુ કોઈ પરેશાન થઈ ગયા અને યેનકેન પ્રકારે તે નોકરને સમજાવવાનો પ્રયાસ કરવા માંડ્યા. પરંતુ નોકર ચૂપ થવાનું નામ જ લેતો નહોતો...

આખરે કંટાળીને એક વૃદ્ધ નોકર બોલ્યો, "આને ઊંચકીને જહાજમાંથી બહાર ફેંકી દો."

વૃદ્ધની વાત સાંભળી બધા ડઘાઈ ગયા અને એકી સ્વરે બોલ્યા, "આમ કરવાથી તો આ સમુદ્રના પાણીમાં ડૂબીને મરી જશે."

વૃદ્ધે શાંતિથી કહ્યું, "તેને કઈ નહીં થાય... હું જેમ કહું છું તેમ કરો."

હવે એ વૃદ્ધ નોકર વેપારીનો માનીતો હતો તેથી સહુએ તેની વાત માન્યા વગર છૂટકો જ નહોતો. નોકરને ઉઠાવીને સમુદ્રના પાણીમાં ફેંકવામાં આવ્યો. સમુદ્રના પાણીમાં પડતાની સાથે જ એ નોકર "બચાઓ... બચાઓ..." ની બુમો પાડતો સમુદ્રના પાણીમાં ગોથા ખાવા માંડ્યો... તેણે હજુ બે ચાર ગોથા જ ખાધા હતા ત્યાં એ વૃદ્ધ નોકરે બીજા નોકરોને દોરડા ફેંકી તેને જહાજ પર ખેંચી લેવાનું કહ્યું. વૃદ્ધનો આદેશ મળતાજ સમુદ્રમાં દોરડા ફેંકાયા અને બીજી જ ક્ષણે એ નોકર જહાજ પર પાછો ખેંચી લેવામાં આવ્યો. જહાજ પર આવતા જ એ નોકર ઘબરાઈને એક ખૂણે ચૂપચાપ દબાઈને બેસી ગયો. સહુ કોઈ વૃદ્ધની આ વર્તણૂકથી નારાજ હતા પરંતુ બીજી બાજુ તેમને એ વાતની પણ નવાઈ હતી કે પેલા નવા નોકરે રડવાનું તદ્દન બંધ કરી દીધું હતું. હવે બન્યું એવું કે વેપારી દૂર ઉભા રહીને આ સઘળો ખેલ જોઈ રહ્યો હતો. તેને પણ વૃદ્ધના વર્તનથી અચરજ થયું અને તેથી જ તે વૃદ્ધ પાસે ગયો અને પૂછ્યું, "જો તેને જહાજ પર પાછો લેવાનો જ હતો તો પછી પાણીમાં કેમ ફેંકાવ્યો?"

વેપારીના પ્રશ્નનો જવાબ આપતા વૃદ્ધ બોલ્યો, "શેઠ, જ્યારે પેલો નોકર જહાજ પર હતો ત્યારે તે એ વિચારીને રડતો હતો કે પોતે આ જહાજ પર સલામત નથી! પરંતુ જ્યારે તેણે સમુદ્રના ઊંડા પાણીમાં બે-ચાર ગોથા ખાધા ત્યારે તેણે એ વાસ્તવિકતાનું ભાન થયું કે પોતે જહાજ પર સુરક્ષિત છે! હવે જુઓ... હકીકત સમજાઈ જતા તે રડવાનું બંધ કરી કેવો ડાહ્યોડમરો થઈને જહાજમાં બેઠો છે."


Rate this content
Log in