Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shital Gadhavi

Drama

3  

Shital Gadhavi

Drama

3 લઘુ કથા

3 લઘુ કથા

9 mins
8.3K


માતૃત્વ

 

ચિંતન ગહન ચિંતનમાં હતો.

"શું કરવું. ચિનારને કેવી રીતે સમજાવી ? બધુય હોવા છતાં...અંતે તો એ એક સ્ત્રી..માતૃત્વ વગર અધૂરી.
બધા રિપોર્ટ નૉર્મલ નીકળ્યાં. સાચું જ કહ્યું છે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું નથી હલતું.. "

ચિંતનની બ્હેન રીંકુએ આવીને એને ઢંઢોળ્યો.

"ભાઈ,ક્યાં ગૂમ થઈ ગયાં! હું દૂરથી બૂમ પાડતી આવું છું. પણ તમે છો કે ક્યાંક..ભાભી સાથે હિલસ્ટેશન પહોંચી ગયાં. "

એમ કહી ભાઈને છંછેડીને હસવા લાગી.

"આવ રીંકુ બેસ. તું મને હેરાન કરવાનો એક મોકો નથી મુકતી. વારંવાર ફરવા જઈશ તો ઓફીસ કોણ સાચવશે. "

"રીંકુ બ્હેન, તમે ક્યારે આવ્યા. અગાઉ જાણ કરવી હતી તો હું તમારાં માટે ગરમ ગરમ ગોટા ઉતારીને રાખત. તમે બંને વાતો કરો. હું ચ્હા જોડે ઉપમા બનાવી લાઉં. ઈન્સ્ટન્ટ.. હવે આવ્યાં છો તો રાત્રે જમીને જજો. કુમારને અહીં બોલાવી લઈશું. "

ચિનાર રસોડાના કામમાં પ્રવૃત્ત થઈ ગઈ કે નહીં એ જોવાં ચિંતને રીંકુને મોકલી.પાછા વળતાં એના હાથમાં કવર હતું.

" ભાઈ લો આ..કોઈ માણસ આવીને ગયો. ક્યારનું કોઈક મેઈન ડોર ખટખટાવતું હતું. બેલ બગડ્યો છે કે શું? આ તો રસોડામાંથી વળતાં અવાજ સાંભળ્યો..નહીંતર આ કવર પાછું.. "

ચિંતને એ કવર હાથમાં લીધું. કાગળ કાઢી વાંચવા લાગ્યો.

" ભાઈ આ તો કોઈ ડૉક્ટરનો રિપોર્ટ લાગે છે. શું વાત છે મને જણાવ. "

ચિંતને રીંકુને બધી વાત કરી.

"હું તારી ભાભીને દુઃખી જોઈ શકતો નથી. બાળકને દત્તક લેવાની વડીલોના પાડે છે. કોનું અને કેવું લોહી હોય..બોલ હવે શું કરું ?"

રીંકુએ એને કોખ ઉછીની લેવાં વિષે સમજાવ્યું.

"એ તો હું પણ જાણું છું. ખર્ચો વધુ છે. જો કોઈ આપણાં ઘરની સ્ત્રી તે માટે તૈયાર થાય... "

રીંકુની સામે સવાલની નજરે જોઈ રહ્યો.

"શું થયું ભાઈ , આ રીતે મારી સામે નિરખી રહ્યો છે? શેની ગડમથલ ચાલી રહી છે. સ્પષ્ટતા કર. "

ચિંતને થોડાક ખચકાટ સાથે પોતાના મનની વાત કરી.

"બહેના, અસમંજસમાં છું. તને નહિ જણાવું તો બીજા કોને.. જો તું તારી અને કુમારની સંમતિ હોય તો તારી કોખ આ ઘરને ચિરાગ અપાવવા ઉધાર આપી શકીશ ? અને જો તમારી મરજી નહિ હોય તો પણ કઈ બદલાશે નહિ. આપણા સંબંધોમાં મીનમેખ નહિ થાય. એક બ્હેન તરફથી ભાઈને અપાતી અજોડ ભેટ હશે. સાંજે બનેવી આવે એટલે એમની સાથે બેસી વિચાર વિમર્શ કરીએ..એ પહેલા તારી તૈયારી હોય તો જ..."

રીંકુ અચાનક આ પ્રકારની વાતથી ડઘાઈ ગઈ. આજકાલ કોખ ભાડે આપવાની મેડિકલ સાયન્સની કાયદાકીય જોગવાઈથી એ સારી રીતે માહિતગાર હતી. એણે વિચાર્યું કે બ્હેન હંમેશા ભાઈ પાસેથી લેતી જ હોય...એ જીવતી હોય ત્યારે આખું જીવન કોઈને કોઈ પ્રસંગે અને મૃત્યુ પછી પણ...એ પોતે તૈયાર થઇ ગઈ પરંતુ પતિ અને સાસરીવાળા માનશે કે નહિ ?

"આવો રોહિતભાઈ.." કહીને ચિંતને બનેવીને આવકાર્યા.

"ભાઈ-બ્હેન વચ્ચે કોઈ ગાઢ ગોષ્ઠી ચાલી રહી છે..રીંકુ..ક્યાં ખોવાઈ.. મેડમ.."

રીંકુ ઉંઘમાંથી જાગી હોય એમ બોલી.

"હા..ક્યાંય નહિ. અહીં જ છું. તમારા માટે પાણી લઇ આવું. પછી મારે તમારી સાથે ખાસ વાત કરવી છે."
કહીને એ પાણી લેવા રસોડામાં ગઈ. ત્યાંથી ભાભી સાથે પાછી હોલમાં ફરી. ચારેય વ્યક્તિ ચર્ચા કરવા ત્યાં બેઠા. રીંકુએ ભાઈની ઈચ્છા રોહિત સામે વ્યક્ત કરી.

"જો તમે હા કહો તો...!"

રોહિત ખુબજ સમજુ હતો.

"રીંકુ તને વાંધો ના હોય અને તું એ માટે શારીરિક અને માનસિક તૈયાર હોય તો હું પણ.. આપણે ડોક્ટરને મળીને બધી વાત કરી લઈએ. "

ચિંતન રોહિતની આ વાત સાંભળી એકદમ ઉછળી પડ્યો. ચિનાર બાળકના સપનામાં ઉતરી ગઈ. રીંકુએ વિચાર્યું સુદ્ધા નહોતું કે રોહિત આટલી જલ્દી વાત માની જશે.

"ચિનાર જા.. મીઠું મોઢું કરાવ.. ચલો આજે ડિનર બહાર કરવા જઈએ. રોહિત..ભાઈ..કયા શબ્દોમાં હું મારી ખુશી વ્યક્ત કરું. તમે એક સ્ત્રીને મા અને મને બાપ બનવાનો હક આપ્યો.." હું તમને મારી ઓફીસ અને ધંધાનો પાર્ટનર બનાવું છું. "

રીંકુ રોહિતને વળગી પડી. પરંતુ હજુ પણ એને સાસરિયાનો ડર હતો. એ લોકો સંમતિ આપશે કે નહિ? આ નિર્ણય માટે વડીલોની માન્યતા પણ અસર કરતી હતી.
******************************


સિંગલ મધર

 

"મમ્મી,મારો લંચ બૉક્સ અને સ્કૂલ ડ્રેસ તૈયાર છે. મારે ઉઠવામાં મોડું થઈ ગયું. તું પણ ખરી છે...ચીમટો ભરી ઉઠાડી દેવાય. અને હા મારી સ્કૂલની ફી ભરવાનો આજે છેલ્લો દિવસ છે. કારવાળા કાકા પણ મહિનાનું ભાડું માંગતા હતાં. એમને શું કહું?" રિકીન એક શ્વાસે બધું બોલી ગયો.

"વાક્યો વચ્ચે થોડો શ્વાસ તો લે. એક સાથે બધું બોલી ગયો. મારો મીઠઠું પોપટ. બધાંને પૈસા ચુકવાઈ જશે. તું ભણવામાં ધ્યાન રાખ. સ્કૂલ ડ્રેસ તારા કબાટમાં જ છે. નાસ્તાનો ડબ્બો મારાં હાથમાં. મારો કુંવર... "

કહીને રીટાબેન એનાં કપાળ પર હળવું ચુંબન ભર્યું.

"ઉભો રહે કાન પાછળ ટીલું કરવાનું રહી ગયું. કોઈકની નજર.. "

એ તો બાય બાય કહીને સાંભળ્યા વગર ઘરની બહાર દોડી ગયો.

રીટાબેન રિકીનને એકલાં હાથે ઉછેરતા હતા. સરકારી નૌકરી સાથે સરસ મજાનું ઘર હતું. પૈસાની કોઈ તકલીફ નહોતી.પરંતુ 'વન મેન આર્મી'ની માફક બધે જ ઝઝૂમતા હતા.રિકીન એમનાં પ્રેમની નિશાની હતી. જુવાનીમાં કરેલી ભૂલ એવું કઈ નહોતું.પોતે સામે ચાલીને પ્રેમી પાસે બાળકની ઈચ્છા દર્શાવી હતી. એ વિષે એમણે ક્યારેય અફસોસ કે સામેની વ્યક્તિ પર ફિટકાર નહતો કર્યો. પ્રેમીએ દુનિયાથી લડી લઈને સાતફેરાનાં બંધનમાં જોડવવાં વારંવાર કહ્યું. રીટાબેન એક ના બે ન થયાં.

આજે એ સિંગલ મધર તરીકે રિકીનને ઉછેરતા હતા.પોતાના બાળક પાછળ પોતાનું જ નામ રાખ્યું હતું.રિકીને એ વિષે ક્યારેય સવાલ નહતો કર્યો.

"મમ્મી..મેં આજ સુધી તને ક્યારેય પપ્પા વિષે નથી પૂછ્યું. તું કદાચ દુઃખી થાય. મેં તને આજે સવારે બધું જ એકલા હાથે કરતી જોઈ એટલે...એમ તો કાયમ જોઉં જ છું. મારે જાણવું છે. હું કોનું સંતાન. મારાં પપ્પા કોણ..જીવે છે કે નહીં..શું એમને મારી યાદ નથી આવતી..હું ગમતો નથી... !"

"મારો પોપટ ફરી બોલ્યો. તેં મને ક્યારેય પૂછ્યું નથી અને મેં જણાવ્યું નથી.હું તને કદાચ ખોઈ બેસું તો..તારાં પપ્પા છે. ખૂબજ સારા માણસ છે. એવું નથી કે એ તને યાદ નથી કરતા. તું એમને બહુ વ્હાલો છે.મારે જ એમની સાથે રહેવું નહોતું.એમાં એમનો કોઈ વાંક નથી. "

"એવું શા માટે? તું મને ખૂબ પ્રેમ કરે છે...મારે પપ્પા પણ...તનેય થોડી રાહત રહે. "

રીટાબેન ફરી એકવાર પોતાના લીધેલ નિર્ણય અંગે અસમંજસમાં પડ્યા.

એક સાંજે રિકીનને સરપ્રાઈઝ આપવા લઈ ગયા.
પણ..એ પોતે જ સરપ્રાઈઝ થયા.

બહુમાળી બિલ્ડિંગના છઠ્ઠા માળે મિ. નહેરાની ઓફીસ સ્થિત હતી. આજે એ ખુબજ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે વેપાર જગતમાં નામના મેળવી ચુક્યા હતા.

ત્યાં રીટાબેન રિકીન સાથે જઈ પહોંચ્યા. વાતાવરણ ગંભીર હતું. રિસેપ્શનિસ્ટને પોતાની ઓળખ આપી.

"હલો..હું રીટા મહેરા. મારે મિ... મળવું છે. જરા એમને કેબિનમાં જાણ કરો કે મિસ....".

રિસેપ્શનિસ્ટે જે સમાચાર આપ્યા એ સાંભળી રીટાબેન બે ગણી ઝડપે લિફ્ટની જગ્યાએ દાદરો ઉતરી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ખુબજ ભીડ હતી. રીટાબેને ત્યાંના કાર્ડિયો સ્પેશિયાલિસ્ટને જઇ મિ. નહેરાની પૂછપરછ કરી.

"ડોક્ટર સાહેબ, હું મિસ. રીટા મહેરા.. મિ. નહેરાની તબિયત સુધરી જશે ને. તમારું શું માનવું છે ? "

"મિસ..તમે એમના શું થાવ ? દર્દી વિષેની માહિતી અમે બધાને ના આપી શકીએ. એમના સગા અને સંબંઘીને જ.."

"હું એમની મિત્ર થાઉં...પ્લીઝ મને જણાવો. વર્ષોથી અમે એક બીજાથી દૂર હતા. આજે એમને મળવા ઓફીસ ગઈ ત્યાં એમની તબિયતની જાણ થઇ અને હું તમારી સામે.."

"ઓકે.. એમને એટેક આવ્યો છે. હૃદય વધારે નબળું પડ્યું છે. દિવસ રાત કામ અને પૈસા પાછળની આંધળી દોટ અને જીવનમાં રહેલી એકલતાનું પરિણામ છે."

બે મિનિટ માટે રીટા એકલતા શબ્દ સાંભળીને અબક ખાઈ ગઈ. આટલો મોટો બિઝનેશ ટાયકુન અને એ પણ એકલો. એને પોતાના વર્ષો પહેલા લીધેલ નિર્ણય પર પારાવાર પસ્તાવો થયો. ગળામાં ડૂમો બાઝી ગયો. હવે મિ. નહેરાના ભાનમાં આવવાની રાહ જોઈ રહી.

" મમ્મી..શું થયું. કેમ આમ દુઃખી લાગે છે..મને જણાવ..આપણે અહીં હોસ્પિટલમાં કેમ ? તું મને બહાર ફરવા લઇ જઇ રહી હતી. અહીં કોણ દાખલ છે..અને આ મિ. નહેરા..." ફરીવાર રિકીન એક સાથે સવાલો પૂછી બેઠો.

" રિકીન શાંતિ રાખ બેટા.. તારા દરેક સવાલોના જવાબ પેલા ઓપરેશન થિયેટરમાં બંધ છે. પ્રાર્થના કર કે એ વ્યક્તિ સારા થઈને બહાર આવે અને તારા સવાલોના સંતોષકારક જવાબ આપે." એમ કહી રીટાબેને એને ચુપ કર્યો.

મિ. નહેરાનું ઓપરેશન સારી રીતે પાર પડ્યું. ભાનમાં આવ્યા પછી રીટાબેન અને રિકીન એમને જઈને મળ્યા. છોકરાના જીદની વાત કરી. પોતે હાથ જોડીને માફી માંગી.

" મારી એકલતા માટે મેં ક્યારેય તને દોષી ગણી નથી. તારા ગયા પછી હું કોઈને પણ મારા હૃદય તથા જીવનમાં સ્થાન ન આપી શક્યો. એક સારો બિઝનેસમેન થયો પરંતુ સારો પ્રેમી ના થઇ શક્યો. એની કચવાટ મારી ભીતરને કોતરતો રહ્યો. બાળક સાથે અલગ રહેવાનો તારો સ્વતંત્ર નિર્ણય હતો. મેં ક્યારેય એમાં હસ્તક્ષેપ કરવાનું યોગ્ય ના ગણ્યું. આજે તું અહીં આવી એ પણ તારો જ... જો તું હા કહે તો હું આજે પણ તારા જીવન રથનો સારથી થવા તૈયાર છું. "

રિકીન રીટાબેન અને મિ. નહેરા સામે હજીપણ સવાલ રૂપે તાકી રહ્યો.

******************************


અડોપ્શન

 

"રૂબી આજે ઓફીસેથી સીધી ડોક્ટરની ક્લિનિક પહોંચી જજે. હું પણ ત્યાં આવી જઈશ. આજે ખુબજ અગત્યનો દિવસ છે. આપણાં બંનેનું ભાવિ આજ પર નિર્ભર છે."

રોબિન અને રૂબી એક સરખી જ્ઞાતિના હોવા છતાંય કુટુંબના વિરોધના લીધે ભાગીને લગ્ન કર્યા હતા. લગ્નની શરૂઆત સારી રીતે રહી હતી.

"રોબિન..આજે નાસ્તામાં તારી ભાવતી વાનગી બનાવી છે. ટિફિન પણ તૈયાર છે. લેવાનું ના ભૂલતો..હું પણ ઓફીસ જવા તૈયાર થઉં.. પછી બંનેય સાથે નીકળીએ. " રૂબીનો રોજનો આ સંવાદ હતો.

"રોજ એકની એક વાત..મને ખબર જ છે કે તું મારુ ખુબ ધ્યાન રાખે છે. ચલ હવે જલ્દી તૈયાર થા.. બાપ રે તમારે સ્ત્રીઓને નખરા બહુ !"

"અમે સ્ત્રીઓ નખરા ના કરીએ તો તમે પુરુષો બહાર ડોળા ફેરવો.. જે મારા જેવીને જરાય પોષાય નહિ, સમજ્યો ! ચલ હવે..."

કહીને બંનેય જણ હાથમાં હાથ પરોવી ઘરની બહાર નીકળતા. રોબિનને નાના બાળકો પ્રત્યે અનહદ લગાવ હતો.

"હા, તો ડૉક્ટર તમારું વિજ્ઞાન શું જણાવે છે ? એ તમે અમને સરળ ભાષામાં સમજાવો. "

રૂબી અને રોબિન છેલ્લા બે વર્ષથી બાળક લાવવા પ્રયાસ કરી રહ્યાં હતા. રિપોર્ટ સતત નોર્મલ આવતા હતા. રૂબીની મહિનાની સાયકલ વ્યવસ્થિત ચાલતી હતી. બીજ પણ છુટું પડતું હતું. છતાંય ગર્ભ નહીં રહેવાનું કારણ પકડાતું નહોતું. આ અલગ પ્રકારનો રિપોર્ટ એમાં વધુ પ્રકાશ પાડી શકે એમ હતો.

"આવો બંનેય જણ. બેસો અને આ પાણી પીવો. હમ્મ..જવલ્લે જોવા મળતો કેસ આપનો છે. મને ખુદને આશ્ચર્ય છે. સાચી જ વાત..કુદરતથી મોટો કોઈ ડૉક્ટર નથી. અમે પણ એની સામે નતમસ્તક..

વેલ લેટ્સ કમ ટુ ધ પોઇન્ટ. રોબિન તું પણ નોર્મલ છે. રૂબી સંપૂર્ણ સ્ત્રી છે. પરંતુ એના શરીરમાં રચના જ વિચિત્ર છે. સ્પર્મ કાઉન્ટ પરફેક્ટ..તારા દ્વારા આવેલ એ સ્પર્મ એનું શરીર બહાર ફેંકી દે છે. એ ગર્ભની રચનામાં જરૂરી છે. એ જ ફેંકાઈ જાય તો.. એમાં રૂબીનો કોઈ વાંક નથી. "

રોબિન આ બધી વાત સાંભળી શૂન્યમનસ્ક થઇ ગયો. રૂબી રડી પડી.

"વૉટ ધ હેલ.. ના હોઈ શકે ડૉક્ટર.. આઈ નીડ માય ચાઈલ્ડ..એન્ડ વોન્ટ ટુ બી અ કમપ્લીટ.."

અને એ ત્યાં ફસડાઈ પડી.

રોબિને એને સહારો આપી ઉભી કરી. આ એનો ડોળ માત્ર હતો !

"રોબિન હવે તું શું વિચારે છે ? આપણે શું કરવું જોઈએ. હું ઉછીની ગોદ માટે પણ તૈયાર છું. જો તારી હા હોય..મારા બીજ છુટા તો પડે જ છે.."

"રૂબી તું સમજતી નથી. મારે નોર્મલ રીતે બાપ બનવું છે. એ રીતે ખર્ચો વધુ થાય અને હું એ ઉઠાવી શકું એમ નથી. એમ પણ મને એ રીતે બાળક લાવવું પસંદ નથી. સમજે છે હું તને શું કહેવા માંગુ છુ... પ્લીઝ "

રૂબી બાળક દત્તક લેવા માટે એને કરગરી. રોબિન ટસનો મસ ના થયો. બંને જણ સહમતીથી લગ્ન જીવનનો અંત લાવ્યા. માત્ર એક ખોટા કારણના લીધે કે પછી 'મેન ઈગો' !

રૂબી એની જ એક બ્હેનપણી સાથે જઈને રહેવા લાગી. એ પણ કોઈક નજીવા ખટરાગના લીધે ત્યકતાનું જીવન વિતાવી રહી હતી.

"વેલકમ રૂબી..તું અહીં એકલી નથી. હું હંમેશા તારી સાથે..આ ઘર આજથી તારું પણ..બિન્દાસ જીવ. "

રુચીએ એને પ્રેમથી આવકારી. બંને ભેટીને ખૂબ રડી.

"ધેટ વોઝ અ બેડ ડ્રીમ..ફરગેટ ઈટ..લેટ્સ સ્ટાર્ટ ન્યૂ ચેપ્ટર વિથ અવર ઓઉન હેન્ડ રાઇટિંગ.. "

બંનેય એક સાથે સ્વસ્થ થઈને એકબીજાને સાચવતા બોલી.

"રુચિ..યાર આપણે એકલાં. આખાં ઘરમાં એક-બે કિલકારી ગુંજે તો..તારું શું માનવું છે ?"

"રૂબી.. આપણે બે અને એકલાં.. પરંતુ તારો વિચાર વિચારવા લાયક ખરો. એને સાચવશે કોણ ! હું અને તું નૌકરી પર જઈએ.. એની સાથે ઘરે કોણ રહેશે ? હું તો કંઈક અલગ જ વિચારું છું."

બંનેય એક નિર્ણય પર પહોંચ્યા.

"રૂબી અને રુચિ..અહીં સહી કરો."

--------------

 


Rate this content
Log in

Similar gujarati story from Drama