Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Romance Others

3  

Vijay Shah

Romance Others

લો આ ગઈ ઉનકી યાદ

લો આ ગઈ ઉનકી યાદ

5 mins
14.7K


આજે તને કાગળ લખું છું તે તો માત્ર દિલનો ગુંગળાયેલ અવાજ માત્ર છે. કારણ કે તનથી તો હું તને ખોઇ બેઠેલો વિધુર છું પણ મેં તને મનથી ખોવાયેલ ગણી જ નથી. તને ગમતું ગીત ગણગણું અને તું પ્રત્યક્ષ હાજર થઈ જ જાય. અને સાથે લાવે તું યાદોની ફૌજ. આજે થયું એ ફૌજ ન લાવવી હોય તો ચાલ કંઇક એવુ કરું કે તુ રહે મૌન અને મને વાતો કરવાનો અને આ ગુંગળાતા અવાજને તક મળે થોડું બોલવા માટે.

હું મારામાં મસ્ત રહેતો અને તું મારે માટે જાતજાતનું અને ભાતભાતનું ખાવાનું બનાવતી. અને પ્રેમથી મને જમાડતી. તને ખબર કે મને તારી રસોઇમાં જરાય મઝા ન આવતી કારણ કે હું માનતો કે તારી પાક કળાનાં વિવિધ અખતરાઓ જ મારા ઉપર થતા. પાછી તું ત્યાં ના અટકતી અને મારી પાસે તારા અખતરાઓનું સર્ટીફીકેટ પણ જોઇતું. તને કેમ કરી સમજાઉં કે હું ભાખરી શાકનો ખાનારો એને પીઝા પાસ્તા અને લઝાનિયામાં સમજ ના પડે. તેને રડતા દિલે અને હસમુખ ચહેરે ખાઇ તો જતો પણ તારી તે વસ્તુઓ માટે વખાણની અપેક્ષા પુરી ન કરી શકતો. તેથી તારું સર્ટીફીકેટ મળી જતું. “તેમને કંઇ સમજ ના પડે”

તેવું જ બનતું જ્યારે ક્લાસિકલ ફીલ્મ તુ જોતી અને હું તે ફીલ્મ જોતા તને વધુ જોતો ત્યારે તું કહેતી, "શું ક્લાસીકલ અભિનય છે !” ત્યારે મને પેલી વાત યાદ આવતી..”દુબારા દુબારા ..સાલા કુછ સમજ્મે ના આયા..દુબારા દુબારા..” તું ગુસ્સે થતી માથુ પછાડતી અને કહેતી સાવ ઔરંગઝેબ જેવો છે તું.

તારું કહ્યું કશુંક ના માન્યુ હોય તો ખલાસ. મારા પિયરીઆઓ અને તેમની એકોતેર પેઢીમાં કલા કઇ “ચીડીયાનું” નામ છે. એની મને ક્યાંથી ખબર પડે. કોઇ જાણતું, જ ના હોય તો મારામાં ક્યાંથી તે ગુણ આવે ? કહી ભાંડતી. પણ સાચુ કહું તારી તે બધી અદાઓ તારા ગયા પછી મને બહુ યાદ આવે છે. તું સાચુજ કહેતી કે તું નહીં હોય તે પછી જ તેની યાદો મને આવશે અને તે પણ કૂચબંધ કવાયતો કરતી ચીનની સેનાની જેમ. કદી અંત ના આવે એક મારો ત્યાં દસ દેખાય તેમ જ...

ચાલ હવે તારી સાથે તને નહોંતી કરી તેવી વાતો કહું ?

તારું કહ્યું બધુ કરવુ મને ગમતું, પણ નહોંતો ગમતો એક તારો રૂઆબ. તું એક સ્ત્રી પાછી ઉંમરમાં મારાથી નાની અને મૂળે તારી દરેક વાત મને વહાલથી સમજાવવાને બદલે નીચા જોણું હોય તેમ કહેતી. "આટલુંય નથી આવડતું ?”ની રીતે કહે પછી ભાયડો ભડાકાજ કરેને ?

તું કહે સાહિત્ય નથી કોઇ કળા વિકસી નથી જબાને મીઠાશ નથી ત્યારે હું કહું મને મારે જે કામ કરવાનું છે તે આવડે છેને ? પથ્થરમાં પાટુ મારી પૈસા પેદા કરતા આવડે છેને ? બાકી બધુ શીખવાડવાની મને જરૂર નથી. હું તો આવો જ છું અને આવોજ રહીશ. અને હું જે છું તે મારી રીતે ભર્યો પુરો છું. મોટી દીકરીને  મારી આવી તોછડાઇ ગમતી નહીં. તે મને પાછી વાળતી અને મનથી હું ઈચ્છતો કે વળી જઉં પણ પેલુ “હું પદ” વચ્ચે આવી જતું. બંને દિકરીઓમાં મારું “હું પણું” આવ્યું નહોંતુ તેને કારણે બંનેને સારા ઘર અને વર મળ્યા. તેમના ગયા પછી પાછી તું મને સુધારવા બેઠી. અને દિકરીઓની હયાતિ અને હાજરીમાં મોળો પડેલ મારો “હુંકાર” પાછો ફણ ફેલાવીને બેઠો થયો. અને એજ મારું દુર્ભાગ્યને?

આપણા પચાસ વર્ષની પાર્ટીમાંતો ચાર દોહિત્ર પણ હતા. ત્યારે મને પણ મારો “હુંકાર” નડવા લાગ્યો. “કેટલું જીવવાનાં ?”” અને કેટલું સાથે લઇ જવાના?” મનમાં રહી રહીને પસ્તાવા એ જોર મારવા માંડ્યું. તું મારા બદલાવ જોઇ ન શકી. મારા ઉપરનો તારો ગુસ્સો પણ હવે સ્પષ્ટ રીતે તું વ્યક્ત કરતી અને તારી જિંદગી વેડફી નાખી વાળી વાતો ઉપર મારું અપમાન કરતી અને ધીમે ધીમે પાછલી ઉંમરે તું ધર્મ અને કર્મ માં માનતી થઈ ગઈ. અને મને સુધરી જવાની કોઇ તક આપ્યા વિનાજ છ મહિનામાં તું પ્રભુ શરણ થઈ ગઈ. મારી દીકરીઓ તારા જેવીજ છે તેમણે જ મને કહ્યું પપ્પા મમ્મી જાણે હાજર છે તેમ કરીને તમારી આ ગુંગળામણ કહી નાખો ને... તેથી આ પત્ર તને લખું છું.

તું મને બધીજ રીતે ત્યારે પણ ગમતી હતી અને આજે પણ ગમે છે. તારામાં જે સમજ હતી તે મારામાં નહોંતી. આપણે બે એક મેકને પૂરક હોવા જોઇતા હતા. મારા “હું કારે” મને ભુલવ્યો અને સ્પર્ધક બની બેઠો. તું જે કરતી હતી તે મારી ઍબને ઢાકવા મથતી હતી જ્યારે હું મારી ઍબને ઍબ માનતોજ નહોંતો. તેથીજ આપણે એક સાથે એક મેકનાં મનની વાત સમજ્યા વિના હઠાગ્રહે ચઢ્યા. તેં તારાથી થતા બધા પ્રયત્નો કર્યા.મને સમજાવવાનાં પણ જેણે ના સમજવાનાં પ્રણ લીધા હતા. મને સમજ કદી ના આવી.આખરે તું થાકી અને જેવા જેનાં નસીબ કહીને ધર્મનાં માર્ગે ચઢી.

ઉંમરે નાની હોવાથી તે ખોટી જ હોય અને હું મોટો એટલે સાચો વાળી વાત આજે મને દઝાડે છે. હૈયે પસ્તાવાનો દાવાનળ સળગ્યો છે. તારી યાદ તીવ્ર રીતે મને ચારે બાજુથી સળગાવે છે. ખબર છે તું હવે મૃત્યુનાં આંગણેથી પાછી નથી આવવાની પણ રહી રહી ને મનમાં ઉઠ્યા કરેછે એ ગીત

લો આ ગઈ ઉનકી યાદ વો નહીં આયે

આંખે વહેતા ઉષ્ણ આંસુઓની સોગંદ ખાઇને કહીશ. ભવાંતરે પણ ક્યાંક તું મને મળીશ તો આટલું તો કહીશ તું સાચી હતી અને હું ખોટો હતો. તારા ગયા પછી તારી ઉદાસિનતા અને ટગર ટગર જોતી તારી નિરાશ આંખો મને એજ કહે છે કે સજન ! પતિ અને પત્ની એકમેક નાં પુરક અંગો છે, વટ અને નાના મોટાનાં ડખા તેમાં હોતા જ નથી .

“હા. હા. એ ડખા મેં જ દુર ન થવા દીધા મારું ધાર્યુ કરવામાં મેં તને બહુ દુભવી છે. સાચા મનથી એ ડખા બદ્લ માફી માંગુ છું. અને પ્રાર્થના કરું છું તે જ્યાં હોય ત્યાં શાંતિ અને ઐશ્વર્યને પામે. અને મારા ગુનાઓની મને માફી બક્ષે.”

થોડોક સમય મૌન છવાયેલું રહ્યું મારા અને પોતાના આંસુ લુંછતા લુંછતા નાની ટહુકી.

“પપ્પા આ પત્રને વેલેંટાઈન પત્ર જ કહેવાય. જેમાં પોતાની ભુલ અને પ્રેમનો એકરાર છે ખરુંને ?”

મોટી કહે “આ પત્ર મમ્મીનાં જીવતા વંચાયો હોત તો મમ્મી કેટલી રાજી થતે ?”

હું તેઓની વાત સાંભળતા બોલ્યો “ મારી લેણ દેણ જ એ રીતની હતી કે મારી આંખ ત્યારે જ ખુલે જ્યારે તે ન હોય”

મોટી વાતનું સમાપન કરતા બોલી “પપ્પા તમે જરાક હિંમત રાખીને આ “હું મોટો”નાં ગજરાજે થી ઉતર્યા હોત તો મમ્મી છેલ્લા વર્ષોમાં સુભગ દાંપત્ય ભોગવીને સાચે જ સૌભાગ્યવંતી મૃત્યુને વરી હોત.

“એ સૌભાગ્ય વંતી જ મરી છે પણ મારે ભાગે અફસોસનો અગ્નિ અંતિમ ઘડી સુધી રહેશે”

બંને દીકરીઓએ મમ્મીનાં ફૉટા ઉપરનો સુખડ હારને દુર કર્યો અને મમ્મીને ગમતો લાલ ગુલાબને હાર પહેરાવ્યો. પપ્પાને પાણી આપી આશ્વાસન આપતા બોલ્યા. મમ્મીને આજે વેલેંટાઇન ડેની ભેટ આંસુ ભરેલી નહીં પણ લાડ દુલારથી આપો પપ્પ્પા. સાચા હ્રદયથી થતો પસ્તાવો મમ્મી જ્યાં હશે ત્યાં સાંભળશે અને સદગતિને પામશે.


Rate this content
Log in

Similar gujarati story from Romance