Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahesh Yagnik

Thriller

2.3  

Mahesh Yagnik

Thriller

વાત ગુરૂદક્ષિણાની...

વાત ગુરૂદક્ષિણાની...

6 mins
7.3K


“સાહેબ,આ જમુભાઈ મારા ગુરૂજી છે. હવે નિવૃત્ત છે. અમને સમાજશાસ્ત્ર અને પી.ટી. ભણાવતા હતા. એમના માર્ગદર્શન અને મહેરબાનીથી જ શરીર ખડતલ બનાવ્યું ને કોન્સ્ટેબલની નોકરીમાં લાગી ગયો..” કોન્સ્ટેબલ દિલુભા પૂરા વિવેક સાથે ઈન્સ્પેક્ટરને સમજાવી રહ્યો હતો. “એમની દીકરી તો ગરીબ ગાય જેવી છે. ગમે તેમ કરીને એને શોધી કાઢવી પડશે.”

 

“બેબી હાલમાં શું કરે છે? એનો કોઈ ફોટો લાવ્યા છો ?”  ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

 

“જી..” ટેબલ ઉપર ફોટો મૂકીને જમુભાઈએ ઈન્સ્પેક્ટર સામે જોયું. “શારદા. ત્રીસ વર્ષની ઉંમર છે એની.છેલ્લા ચાર વર્ષથી એ બાજુના રંગપુર ગામમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.” એમણે   ધ્રૂજતા અવાજે માહિતી આપી. “રોજ સવારે દસ વાગ્યે એ ઘેરથી નીકળે.સ્કૂલેથી સાડા પાંચ વાગ્યે છૂટીને સીધી ઘેર આવે. આજે સાત વાગ્યા સુધી આવી નહીં એટલે ચિંતા થાય છે. મારે તો સંસારમાં જે ગણો એ આ દીકરી છે.” એમના અવાજની ચિંતા વધુ ઘેરી બની.“ ક્યારેક સ્કૂટરમાં પ્રોબ્લેમ હોય તોય તરત ફોન કરી દે.આવું તો ક્યારેય બન્યું નથી.મોબાઈલ બંધ છે.સ્કૂલમાં તપાસ કરી તો ત્યાંથી નીકળી ગઈ છે, ઘેર આવી નથી. તો ગઈ ક્યાં?” ચિંતાતુર બાપે ટેબલ ઉપર માથું ઢાળી દીધું.

 

“એકદમ સ્ટ્રેઈટ ફોરવર્ડ અને ખાનદાન દીકરી છે. એમના વિષે કોઈ આડું-અવળું વિચારી પણ ના શકે.” ભાંગી પડેલ જમુભાઈ હવે બોલી નહીં શકે એનું લાગ્યું એટલે દિલુભાએ ઈન્સ્પેક્ટરને વધારાની માહિતી આપી.

 

બીજો કોન્સ્ટેબલ ચા લઈને આવ્યો. ઈન્સ્પેક્ટરે આગ્રહ કરીને જમુભાઈને ચા પીવડાવી.ચા પીધા પછી જમુભાઈએ પેન્ટના ખિસ્સામાંથી તમાકુની ડબ્બી કાઢી.સહેજ સંકોચ સાથે એમણે ઈન્સ્પેક્ટરની સામે જોયું.ઈન્સ્પેક્ટરે આંખોથી જ સંમતિ આપી.પ્લાસ્ટિકની લાલ ડબ્બી ખોલીને એમણે જમણા હાથની પહેલી આંગળીથી ચૂનો લઈને ડાબા હાથની હથેળીમાં લીધો.ડબ્બીના બીજા ખાનામાંથી તમાકુ ત્યાં મૂકી.મસળીને હોઠ નીચે દબાવી.પછી રડમસ અવાજે બબડ્યા. “મિસિસ દેવલોક પામી એ પછી મા અને બાપ બંને જવાબદારી ઉઠાવીને એને મોટી કરી છે,સાહેબ,મારી દીકરીને હેમખેમ પાછી લાવી આપો..”

 

ઈન્સ્પેક્ટરે ઊભા થઈને જમુભાઈના ખભે હાથ મૂક્યો.“વડીલ,તમારી દીકરી એ મારી દીકરી. તમે ઘેર જઈને ઈશ્વરને પ્રાર્થના કરો. રંગપુર તો અહીંથી દસ કિલોમીટર જ છેને ?અમે લોકો રસ્તાનો ખૂણેખૂણો ચેક કરીશું. કંઈક તો સગડ મળશેને? જે કંઈ સમાચાર હશે એ તરત જણાવીશું.”  સાથે આવેલા પાડોશીઓએ જમુભાઈને સંભાળી લીધા.પોલીસની જીપ રંગપુર તરફ રવાના થઈ.

 

ધરતીકંપ આવ્યો હોય એમ બીજી સવારે આખું ગામ હચમચી ઉઠ્યું. રંગપુરથી વિરૂધ્ધ દિશામાં આવેલા જિતપુર ગામ પાસેથી શારદાની લાશ મળી! આગની જેમ સમાચાર ફેલાઈ ગયા ને આખું ગામ એ તરફ દોડ્યું.કાચાપોચા માણસથી જોવાય નહીં એવી લાશની દશા હતી. લાશની ઓળખ છૂપાવવા મોઢાથી લઈને પેટ સુધી એસિડ રેડીને વિકૃત કરી દીધી હતી.બેહોશ થઈ ગયેલા જમુભાઈને પાડોશીઓ હોસ્પિટલમાં લઈ ગયા.

 

પોસ્ટમોર્ટમ પછી લાશ મળી.અંતિમ વિધિ દરમ્યાન જમુભાઈ ખુદ જીવતી લાશની જેમ યંત્રવત્ પાડોશીઓ કહે એમ બધી ક્રિયાઓ પતાવી રહ્યા હતા.

 

પંદર દિવસ પછી એ કંઈક સ્વસ્થ થયા. નાની-મોટી ઘટનાઓ ડાયરીમાં નોંધવાની દીકરીને ટેવ હતી એનો એમને ખ્યાલ હતો. શારદાના પુસ્તકો ફેંદીને એમણે એ ડાયરી શોધી કાઢી.છેલ્લાં પાનાંઓ વાંચતી વખતે એમના લમણાંની નસો ફૂલી ગઈ.હાથની મુઠ્ઠીઓ સજ્જડ બંધ થઈ ગઈ.આંખ સામે જે ચહેરો તરવરી રહ્યો હતો,એને ખતમ કરી દેવાનું ઝનૂન રુંવાડે રુંવાડે ઉભરાતું હતું.

 

ગામના ઉતાર જેવા રણજીતે શારદાને રસ્તાની વચ્ચે રોકીને ધમકી આપી હતી.તાબે નહીં થાય તો રેપ કરીને એસિડ છાંટીશ એ દાદાગીરીની વાત લખીને દીકરીએ લખ્યું હતું કે બાપાને આ વાત કહેવી કે નહીં એ દ્વિધા છે.એ મવાલી તો બાપાને પણ મારી નાખે એવો નીચ અને હલકટ છે!

 

ડાયરી બાજુ પર મૂકીને બે હાથ વચ્ચે માથું પકડીને જમુભાઈ પલંગમાં ફસડાઈ પડ્યા..અરેરે દીકરી,તેં બહુ મોટી ભૂલ કરી. મને વાત તો  કરાયને? આ ઉંમરે પણ દુશ્મનને દબાવી દેવાની તારા બાપમાં તાકાત છે!

 

હવે? આ ડાયરી પોલીસને આપીએ તો? જમુભાઈ નું મગજ ચકરાવે ચડ્યું. કેસ,મુદત, વકીલો,જામીન ને છેલ્લે નિર્દોષ છૂટકારો! અખબારોમાં આવા કિસ્સાઓ કાયમ વાંચવા મળતા હતા.શારદાની લાશ આંખ સામે તરવરી ઉઠી અને જમુભાઈ ઝનૂનથી ઊભા થયા.પાંસઠ વર્ષની ઉંમરે પણ મારામાં તાકાત છે. આ વાત પોલીસને નથી કહેવી.એમને ગંધ પણ ના આવે એ રીતે જે કંઈ કરીશ એ હું જ કરીશ.દીકરીની દુર્દશાનો બદલો મારી રીતે લઈશ!

 

પોલીસવાળા જેવી મોટી મોટર સાઈકલ લઈને રણજીત ગામ વચ્ચેથી ભમભમાટ નીકળતો હતો. ગામના છેવાડે એનો દારૂનો અડ્ડો હતો.રંગપુરમાં એની જુગારની ક્લબ હતી.બંને જગ્યાનો વહીવટ સંભાળવા માટે એ બાઈક લઈને દોડાદોડી કરતો હતો.જમુભાઈના મગજમાં હવે ચોવીસેય કલાક એક જ વિચાર ઘૂમરાતો હતો કે કઈ રીતે રણજીતને ખતમ કરવો? બહુ શાંતિથી પૂરેપૂરું આયોજન કરીને વેર વાળવાનું હતું.

 

રંગપુરથી એ આવતો હોય અથવા જતો હોય એ વખતે રસ્તામાં દાવ કરવો પડે.કોઈ સાક્ષી હાજર ના હોય એવી અંતરિયાળ જગ્યાએ એ મરવો જોઈએ.વેરની આગ મનમાં ઘૂંટાતી હતી અને સતત નિરીક્ષણ કરીને જમુભાઈ બાજી ગોઠવી રહ્યા હતા. રણજીતનો એક સમય નિશ્ચિત હતો.રંગપુરથી રોજ રાત્રે સાડા નવથી દસની વચ્ચે  એ આવતો હતો.એ એક સમયની પાકી જાણકારી મળ્યા પછી ત્રણ દિવસ રસ્તા પર રખડીને એકેએક વળાંકનો જમુભાઈએ ધ્યાનથી અભ્યાસ કર્યો.

 

ગુરૂવારે રામજી પટેલને ત્યાં રાત્રે સત્યનારાયણની કથા,પછી જમવાનું ને પછી ભજનમંડળીનો કાર્યક્રમ હતો. રંગપુરથી આવતા રસ્તા ઉપર જમુભાઈએ જગ્યા નક્કી કરી લીધી હતી. બપોરે એ સરંજામ સાથે ત્યાં પહોંચી ગયા અને ગોઠવણ કરી નાખી.સમયની ગણતરી પણ કરી લીધેલી.ઝડપથી ચાલીએ તો રામજીના ઘેરથી ત્યાં પંદર મિનિટમાં પહોંચી જવાય.

 

  “જમતા પહેલા પેટ ખાલી કરવું પડશે.થોડીક ગરબડ છે..” કથા ચાલુ હતી.જમુભાઈ આગળની હરોળમાં ગાદલા ઉપર બેઠા હતા. નવને દસ મિનિટે બાજુવાળાના કાનમાં ફૂંક મારીને એ હળવે રહીને ઊભા થયા.સડસડાટ દોડીને નક્કી કરેલા વળાંકે એ પહોંચ્યા.ભમ્મરિયા કુવા પાસેના એ વળાંક ઉપર રસ્તો સાવ સાંકડો હતો.સામસામે લીમડાના મોટા ઝાડ હતા. જમુભાઈએ બપોરે આવીને પ્રાથમિક તૈયારી કરી રાખી હતી. કપડા સૂકવવા માટે લોખંડની જાડી દોરીનો એક છેડો બપોરે આવીને એમણે એક ઝાડ સાથે બાંધી દીધો હતો. બાકીની દોરી એ તરફ પાછળ ઝાંખરામાં જ સંતાડીને એ રીતે રાખી હતી કે કોઈને ખ્યાલ ના આવે.સાત-આઠ કિલો વજનના બે મોટા પથ્થર પણ તૈયાર રાખ્યા હતા.

 

ચંદ્રના ઝાંખો ઉજાસ હતો. જમીનથી બે ફૂટ ઊંચાઈએ સામેના ઝાડ સાથે બાંધેલી લોખંડની દોરીનો છેડો જમુભાઈ આ તરફ લઈ આવ્યા અને એને જમીન સરસો જ રાખ્યો. હવે એ શ્ર્વાસ રોકીને પ્રતીક્ષા કરી રહ્યા હતા.રણજીતની મોટર સાઈકલ ધમધમાટ આવે એનો અવાજ દૂરથી જ સંભળાશે એટલે એ નિશ્ચિંત હતા. બહુ વાર રાહ જોવી ના પડી.દૂરથી હેડલાઈટનો પ્રકાશ દેખાયો અને અવાજ સંભળાયો એટલે એ દાંત ભીંસીને તૈયાર થઈ ગયા.એક એક સેકન્ડની ગણતરીમાં ક્યાંય ભૂલ ના થાય એની કાળજી રાખવાની હતી.આખા શરીરની સમગ્ર તાકાત બંને હાથમાં કેન્દ્રિત કરીને લથડી ના પડાય એ માટે  બંને પગે ઝાડનો ટેકો લઈને બરાબર બાઈક આવી એ જ વખતે એમણે દોરી ઊંચી કરી.ભયાનક ગતિથી આવેલી બાઈક ઉછળીને આડી પડી અને રણજીત ફંગોળાયો.જમુભાઈની આંખ સામે શારદાની લાશનું દ્રશ્ય છલકાતું હતું.બાઈક નીચે દબાયેલો રણજીત ઊભો થવા મથતો હતો.બે હાથથી મોટો પથ્થર ઉપાડીને ઝળૂંબી રહેલા જમુભાઈનું દ્રશ્ય એ રણજીતના જીવનનું છેલ્લું દ્રશ્ય હતું! એ હરામી ભૂલેચૂકે પણ જીવતો ના રહે એ માટે જમુભાઈએ બીજો પથ્થર પણ પૂરી તાકાતથી ઝીંક્યો!

 

ઝાડ સાથે બાંધેલી લોખંડની દોરી ફટાફટ છોડીને જમુભાઈએ એને ભમ્મરિયા કુવામાં પધરાવી.કપડાં ઉપર લોહીના ડાઘ ના પડે એની કાળજી રાખીને બંને પથરાને પણ ત્યાં પધરાવ્યા.જાણે ઝાડ સાથે જ રણજીત અથડાયો હોય એ રીતે લાશને ઘસડીને ઝાડ પાસે મૂકી.પછી એના પર જોરથી થૂંકીને જમુભાઈ સડસડાટ દોડીને રામજીને ત્યાં પહોંચી ગયા.જમવાનું હજુ હમણાં જ શરૂ થયું હતું. આ પાંત્રીસ મિનિટની ગેરહાજરીની નોંધ નથી લેવાઈ એ સંતોષ સાથે એ દિલથી જમ્યા. 

 

સવારે ગામમાં હાહાકાર મચી ગયો.આખું ગામ દોડીને ઘટના સ્થળે પહોંચી ગયું.ગામમાંથી પાપનો ભાર ઓછો થયો એવી લોકલાગણી હતી.લાશને જોવા નજીક દોડી જતા માણસોને પોલીસ દૂર ખસેડતી હતી.ભીડમાં જમુભાઈ પણ આરામથી ઊભા હતા. લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા એ પછી લોકો વિખરાયા.

 

સાંજે બાઈક લઈને દિલુભા ઘેર આવ્યો એટલે જમુભાઈને ધ્રાસકો પડ્યો.હ્રદયના ધબકારાની ગતિ વધી ગઈ.ફૂલપ્રૂફ પ્લાનમાં કોઈ ખામી નહોતી, તો આ હેડ કોન્સ્ટેબલ કેમ આવ્યો?

 

“સાહેબ. ગુરૂદક્ષિણા આપવા આવ્યો છું..”પોતાની સામે ગભરાટથી પ્રશ્નાર્થ નજરે તાકી રહેલા જમુભાઈ ની સામે દિલુભાએ હાથ જોડ્યા.જમુભાઈ હજુ ગૂંચવાયેલા હતા. “હું ત્યાં પહેલો પહોંચ્યો એ તમારું સદનસીબ, સાહેબ! એટ લિસ્ટ આવા સમયે તો તમારી ચીજવસ્તુનું ધ્યાન રાખો.” હળવેથી ખિસ્સામાં હાથ નાખીને એણે જમુભાઈની તમાકુની ડબ્બી બહાર કાઢીને એમની સામે લંબાવી.  “મને તો કાચી સેકન્ડમાં તાળો મળી ગયો. જીપમાંથી ઊતરીને ઈન્સ્પેક્ટર આવે એ પહેલા તમારું આ ઘોલરું ખિસ્સામાં સરકાવી દીધું..”

 

એ બોલતો હતો. આભારવશ જમુભાઈ સાંભળતા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Thriller