Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

માણસાઈના દીવા 16

માણસાઈના દીવા 16

9 mins
7.0K


જી‘બા

જીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળી કાઢતી હતી તો પછી મથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય ?

જીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી : ગોરી, કદાવર અને નમણી : મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવીનું મહિયર વટાદરા જો કે ત્રણેક ગાઉ છેટું હતું : તો પણ પાછી પાટણવાડિયાની પુત્રી. પાતણવાડિયો એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બેશક, પાટણવાડિયા કહેવાય તો પરદેશી ! કાંઠાના બારૈયાઓ એને પોતાનાથી ઊતરતા ગણે. જીવી, એ રીતે, ઊતરતી જાતમાં જન્મેલી ગણાય.

ત્રણ વર્ષની હતી તે દિવસે જીવીને મથુર જોડે પરણાવેલી. સોળ-સત્તરની થઈ છે, તોપણ જીવી વટાદરામાં ને વટાદરામાં, બાપને જ ઘેર રહે છે. સામે જ સાસર-ગામ બનેજડાનાં ખોરડાં વરતાય છે, અને બેઉ ગામના સીમાડા તો અડકીને ઊભેલ છે. એ બાજુથી જીવી સીમમાં કામે આવે છે, તોપણ જીવી સાસરે જતી નથી.

"હેં જીવી !"

ભારો બાંધતી જીવીએ ચમકીને ઊંચે જોયું બોલનારને ઓળખી કહ્યું : "આવો લખા પટેલ !" આવકારો તો આપ્યો, પણ ચોમેર જીવી ચકળવકળ જોવા લાગી : સુભાગ્યે સીમનાં લોકો છેટેરાં હતાં.

"જીવી !" લખા પટેલ નામે ઓળખાતા સામા ગામ બનેજડાના પાટીદાર યુવાન લક્ષ્મીદાસે કંઈક દીન અને નમ્ર અવાજે પૂછ્યું : "તું ચ્યમ સાસરે આવતી નથી ?"

જરી વાર તો જીવી અકળાઈ પડી. લખો પટેલ પણ મૂંઝાતો હતો પણ એણે હામ ભીડીને કહ્યું : "મને પૂછવા જ ખાસ મોકલ્યો છે."

"કુંણે - તમારા ભાઈબંધે ?" સામો પ્રશ્ન કરતાં કરતાં જીવીનું મોં કાનના મૂળ સુધી લાલચોળ થઈ ગયું.

લખા પટેલે ડોકી હલાવીને હા પાડી, અને બેનેજડાની સામી સીમ તરફ દૃષ્ટિ ચીંધાડી. મથુર ત્યાં નીચો વળીને દાતરડી ચ્લાવી રહેલો દેખાયો. આ બાજુ એ જોતો નહોતો - જાણીબૂઝીને જ કદાચ.

"મૂવું !" જીવી જવાબ ગળી ગઈ : "નથી આવવું..." કહેતી જીવી ઘાસના ભારા ઉપર પગ મૂકીને આ સંકડામણભરી સ્થિતિને ટાળવા મથતી હતી.

"પણ કારણ તો કંઈ કહીશ ને, જીવી ? તારાં માવતર ના પાડે છે ?"

"લો, જુઓ તો ! માવતર કેવા સારુ ના પાડે, લખા પટેલ ! એ બાપડાં તો રોજ 'જા-જા' કરે છે."

"તો શું, તારે નથી આવવું ? કારણ તો કહીશ ને ?... મથુરનાં માવતર ગમતાં નથી ?"

"એ શા સારુ ના ગમે ?" જીવીએ ઊડ ઊડ થતું ઓઢણું મોંમાં દાંત વચ્ચે પકડ્યું.

"તો શું મારો ભાઈબંધ નથી ગમતો ?"

"એવું તે કાંઈ હોય ?"

"તો શું કારણ છે ?"

"હેં, લખા પટેલ !" જીવીએ કાંઈક હિંમતમાં આવીને કહ્યું : "તમારા ભાઈબંધને બીજે પરણાવી આલોને !"

"એ તો એનાં માબાપે બહુ બહુ મનાવ્યો. પણ એવો એ જ ના કહે છે તો ! નીકર તો પાંચ વાર પરણાવ્યો હોય આજ લગીમાં !"

"શા સારુ ના પાડે છે ?"

"દૈ જાણે ! કહે છે કે, જીવી વન્યા કોઈને ન પરણું."

"તો શું જન્મારો કાઢશે ?"

"કાઢેય ખરો ! એ તો ઠીક, પણ તો પછી તારાં માવતર ચ્યમ લખણું કરાવી લઈને તને બીજે નથી દઈ દેતાં ?"

"જાવ ને, મારા ભાઈ !" જીવી બહુ શરમાઈ ગઈ. "એ તો ઘણું કહે પણ મારે કંઈ બીજે જવું નથી !"

"પછી તારું પેટ તો કંઈક દે, જીવી ! તને શો વાંધો છે ? તું જેમ કહે તેમ એવો એ કરી આપવા તૈયાર છે. તું ફક્ત તારા દલની વાત કરી દે."

"બીજું તો, બળ્યું, કશુંય નથી, લખા પટેલ, પણ -"

"પણ શું ?"

"એ ચોરીઓ કરે -"

"ચોરીઓ ! પાટણવાડિયા તો ચોરીઓ કરે; એમાં તને શો વાંધો ? ચોરીઓ ના કરે તો ખાય શું !"

વાત સાચી હતી કે મહીકાંઠો - કાંઠો - એ તો ચોરિયાટાં ગામડાંથી જ વસેલો હતો. ઠાકરડાનાં ગામો ચોરી માટે ભયંકર નામ કાઢી બેઠાં હતાં. એમાં પણ પાટણવાડિયાના ઘેર કોઈ માણસ મહેમાન પણ ન થાય. ચોરીની ન તો એને એબ હોય, કે ન બીક હોય. સ્ત્રી કહે ને પુરુષ ચોરે, મરદ ચોરી લાવે ને ઓરત સંતાડે. ચોરી એમનો ધંધો કહો તો ધંધો, ને કસબ કહો તો કસબ.

સારી વાર વિચાર કરીને જીવીએ સ્પષ્ટતા કરી : "મારાથી એ કેમ જોવાય ? એ પકડાય, પોલીસ અમારે ઘેર આવે, લબાચા ચૂંથે, એને બાંધીને મારતા મારતા લઈ જાય ... એવું એ મારાથી ન જોવાય - મારે નથી આવવું સાસરે."

ચોરી કરવી એ પાપ કે અનીતિ છે એવી કંઈ પાતણવાડિયાની પુત્રી જીવીને ખબર નહોતી. પાપ અને પુણ્યના ભેદ એનાથી અળગા ને અજાણ્યા હતા. ચોરીમાં પાવરધા પુરુષની તો પાટણવાડિયા કોમમાં ઊંચી આબરૂ ગણાય છે, તેની પણ એને જાણ હતી. ચોરીનો કરનારો તો ભડવીર ગણાય ! પણ જીવી આટલું જ જોવા તૈયાર નહોતી : મથુર ચોરી કરે, એ ચોરી પકડાય, પોલીસ એને ઘેર આવે, ઝડતી લે, મધરાતે ઝાલી મુશ્કેટાટ બાંધે, અને મારતા મારતા લઈ જાય ... એ જીવીથી જોયું જાય નહીં.

મથુરનો ભાઈબંધ લખો પટેલ પાછો ગયો, અને વળતા દિવસે પાછો સીમમાં આવી જીવીને એકલીને મળ્યો કહ્યું કે "જીવી ! મથુર ચોરી ના કરવા કબૂલ થાય છે; પછી તો આવીશ ને તું ?"

"ના, ઈમના બાપના ઘરમાં તો નઈં !"

"ચ્યમ વારુ ?"

"એના કાકા વગેરે જાણીતા છે: ચોરી કર્યા વન્યા રે' નઈ ! ચોરિયાટો માલ સંઘરે, ઘેર સિપાઈ આવે, ઈમને એ મારે, બાંધે, ઘર ચૂંથે ... મારાથી એ ન જોવાય."

"ત્યારે ?"

"એ જુદા રહે."

"સારું, જુદો રહેશે."

"ના, એમ ન‌ઇં : એ પાટણવાડિયાના વાસમાંથી જ નેંકરીને કોઈક પાટીદાર અથવા વાણિયા-બામણના પાડોશમાં ઘર લે."

"કબૂલ છે, જીવી ! હું મારી પાડોશમાં જ મથુરને ઘર અલાવું."

"તો અલાવો. હું પરભારી એ નવે ઘેર જ આવું : નહીં તો ના આવું. કે'જો એમને કે બાપના ઘેરથી કશુંય ના લાવે : બધું હું જ લાવીશ."

પછી એક દિવસ બાપાના ગાડામાં બેસીને જીવી બનેજડામાં આવી. બારોબાર એ પાટીદાર-લત્તાવાળે ભાડાને પતિ-ઘેર આવી ઊતરી પડી. એ ગાડીને કાંઠે એક ભેંસ બાંધી હતી, તે છોડીને ફળીમાં બાંધી. ગાડામાંથી બાપે જોડે બંધાવેલ આઠ મણ દાણા ઉતારીને ઘરના એક ખૂણામાં મૂકી દીધા. એ દાણા પોતે ખાધામાં વાપર્યા નહીં. વળતા જ દિવસની વહેલી પરોઢથી -

"ઊઠો, સીમની વેરા થઈ ગઈ..." એવો ટકુકો કરતી મથુરને પથારી છોડાવતી. વહેલી જાગીને પોતે કરેલા રોટલા લઈ મથુરની જોડે જીવી સીમમાં જાય, બેઉ જણાં મજૂરી કરે; બપોરે મથુરને ભાવથી ભાત ખવરાવે ને પોતે ખાય પાછાં કામ ખેંચે; સાંજે પતિને સાથે જ લઈ ઘેર પાછી ફરે - ઘડી પણ ન મૂકે. ઘેર આવી, પાણી ગરમ કરી મથુરના પગ ઝારે, જમાડે અને પથારીમાં બેસારી 'સુવો તમ-તારે નિરાંતે ...' એમ કહેતી જીવી ગામમાં જાય, વળતા દહાડાની સાંથ (ખેતરની મજૂરી) શોધી લાવે - પણ વર-વહુની બંનેને જોડે મજૂરી જ્યાં મળે ત્યાં જ જવાનું : જુદાં તો પડવાનું જ નહીં. ખેતરની મજૂરી કરતાં કરતાં બાપે આપેલ ભેંસનું વલોણું કરે, અને એનું ઘી વેચી નાણાં કમાય.

પણ મથુરને તો મા બાળકની જેમ લગીરે રેઢો ન મેલે : રખે મથુર જુદો પડી ચોરીમાં મન ખૂંચાડી બેસે ! ચોરી પકડાય ! ઘેર પોલીસ આવે ! લબાચા ચૂંથે ! મથુરને મારઝૂડ કરે ! - એ બધું શે દીઠું જાય મૂવું !

મોસમ પૂરી થઈ. સીમની મજૂરી બંધ પડી. હવે શું કરવું ! સાસરિયાનું કે પિયરિયાનું તો કંઈ સ્વીકારવું જ નથી, એક દાણાનો કણ સુધ્ધાં ઘરમાં આનવો નથી. એ કણ ખાધેય કદાપિ બુદ્ધિમાં ચોરી પેસે તો શું થાય ? - ઘેર પોલીસ આવે, ઘર ચૂંથાય, મથુરને મારતા મારતા ...

જેઠ મહિનો આવ્યો. જીવીએ પોતાની પાસેની બચત ગણી જોઈ. એમાંથી એક જ બળદ લેવાય તેમ હતું.

એક તો એક ! બળદ લીધો. અને પછી ગામમાં તપાસ કરી પોતે રાત્રીએ મથુરને જણાવ્યું : "... ખેડુ સાથે આપણે સૂંઢેલ કરી છે : એક બળદ એનો, ને એક આપણો; ગાડું એનું, અને આપણા તરફથી તમે પોતે. માંડો ખેતરની ખેડ કરવા."

મથુર કંઈ બહુ વિચાર કરી શકે તેવો નહોતો. એને વિચાર કરવાની જરૂર પણ નહોતી રહી. પથારીમાં પડ્યો પડ્યો એ તમાકુ પીતો રહ્યો. મથુરે ને જીવીએ મળી એ મોસમમાં ખેતર ખેડી, વાવેતર કરી પોતાના હિસ્સાનો ઠીક ઠીક દાણો મેળવી લીધો. અને વિશેષ જે બચત રહી તેમાંથી બીજો બળદ તેમ જ ગાડું પણ ઘરનું વસાવી દીધું.

મોસમ ખલાસ થઈ. મથુર, અળદો અને ગાડું નવરાં પડ્યાં. પણ એ નવરાશ જીવીને તો ચટકા ભરવા લાગી. એની નજર ચોમેર ફરી વળી, અને નવરાશ વેળાનું સરસ કામ સૂઝી ગયું : પેટલાદ ત્યાંથી સાત ગાઉ થાય. ગામનું હટાણું પેટલાદ રહ્યું, એટલે વેપારીઓનામ્ ભાડાં મળી શકે. પણ મથુરને પેટલાદ એકલો મોકલવામાં હવે કેવુંક જોખમ કહેવાય, એ જીવીએ વિચારી જોયું. મથુર પર આટલા દહાડા ઠીક ઠીક વિશ્વાસ બેઠો હતો. જીવીએ નક્કી કરેલ મર્યાદાને મથુરે મૂંગે મોંએ અને આનંદભેર પાળી બતાવી હતી.

'જોઉં તો ખરી ! પારખું તો લ‌ઉં ! એકલો મેલી તો જોવા દે, જીવ ! એમ પૂરી રાખ્યે શો દા'ડો વળશે ! એને દાસ બનાવવામાં જીવતર કયા રસથી જીવાશે ?" વિચારીને જીવી તે જ રાતે ગામના એક વેપારીનું ભાડું બાંધ્યું, અને આવીને મથુરને જાણ કરી. એ તો જીવી કહે તેમ કરવામાં ઊંડો આત્માનંદ અનુભવી રહ્યો હતો. એણે હા કહી.

"પણ પેટલાદ જઈ કશું જ બજારુ ખાવાપીવાનું નહીં, હાં કે !" જીવીએ શિખામણ ગાંઠે બંધાવી. અને આખી રાત જાગી ઢેબરાં તળ્યાં.

વહેલી પરોઢે જીવીએ મથુરને જગાડ્યો, રોટલા ખવરાવ્યા, ને ઢેબરાં કરી રાખેલ તેનું ભાતું ભેળું બંધાવ્યું. "ને લો : આ ચ્લમ-સૂકાની પડતલી લેતા જાઓ. ત્યાં કનેથી કશું જ ખરીદતા નહીં." કહી ફરી પાછી ગાંઠ વળાવી.

પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, "સાચવીને વેળાસર આવજો."

સાંજે પાછી પોતે ભાગોળ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું, અને મથુરને સાજોનરવો નિહાળી જીવીએ શ્વાસ હેઠો મૂક્યો.

"હવે તમ-તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પાણી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આવી સમજો !"

એ રીતે મથુરને ઘેર મોકલી, પોતે વખારમાં તમામ ભાર ઠાલવી, ગાડું હાંકીને પોતાને ફળિયે આવી બળદોને બાંધી દઈ, ચાર નીરી અને નાહી ઊઠેલા મથુરને નિરાંતે જમાડી પથારીમાં ઊંઘાડી દીધો.

પેટલાદનાં ભાડાં તો જીવીને વારંવાર મળતાં થયાં. દરેક વેપારીને જીવીનું ગાડું ભાદે લઈ જવું ગમતું હતું. ગાડું લઈ ભાડે મોકલવામાં જીવીએ જે ક્રમ પહેલી જ ખેપમાં ધારણ કર્યો હતો, તે જ ક્રમ વર્ષો સુધી ચાલુ રહ્યો : મથુરને વહેલો સુવાડવો, વહેલો જગાડવો, પેટપૂરણ જમાડવો, ભેળાં ઢેબરાં બંધાવવાં, ચલમનો સૂકો-ગડાકુ પણ સાથે આપવાં, ભાગોળ સુધી વળાવવા જવું ... સાંજે ભાગોળ જઈ વાટ જોવી. થાક્યા પતિને ઝટ ઘેર પહોંચાડી દઈ વેપારીની વખારે માલ પોતે જ ઉતારવો. અને પછી ખાલી ગાડું હાંકી ઘેર લાવવું બળદને બાંધી નીરણપૂળો કરવો મથુરને ગરમ પાણીએ નવરાવવો, જમાડવો અને ચોખ્ખીફૂલ પથારીએ નિરાંતે ઊંઘાદવો.

ચોરી, લૂંટો અને ખૂનોના બદલામાં કંઈક પાટણવાડિયા અને પાટીદારો જાનથી ગયા હતા, જેલમાં ઓરાયા હતા, ધનોત-પનોત થઈ ગયા હતા. કંઈક પાટણવાડિયાઓને ઘેર રુદન અને અશ્રુધારા ચાલતી હતી. તે વખતે બનેજડા ગામમાં મથુરને આંગણે જીવીએ આઠ ભેંસો કરી હતી, અને ચરોતરની સોના સમી ત્રીસ વીઘાં જમીન વસાવી લીધી હતી. જીવીને ઉંબરે કદી પણ પીળો ડગલો ડોકાયો નહોતો. જીવીના વર મથુરને કોઈ પોલીસે કદી બાંધ્યો, માર્યો કે થાણે ઉપાડ્યો નહોતો. જીવીનો મથુર રાતે ઊને પાણીએ નાહી, રોટલા જમી, ચોખ્ખી પથારી પર બેઠો બેઠો મોજ કરતો હતો.

અને જીવીએ મથુરને ચાર બાળકોની પ્રભુ-ભેટ આપી હતી. જીવી આધેડ થઈ ગઈ હતી. જીવીને ગામલોકો - પાટણવાડિયા, પાટીદારો તેમ જ લુહાણા : તમામ - 'જી'બા' કહી બોલાવતાં અન્વે તેઓ કહેતાં કે, "જી'બાને અમે દહાડે કદી ગામમાં દીઠાં નથી; દન ઊગ્યા પૂર્વેથી તે દન આથમ્યા લગી જી'બા સીમમાં હોય છે."

એક વાર ગુજરાતમાં રેલ-સંકટ આવ્યું હતું. કાંઠાનાં ગામડાંમાં ઘરો પડી ગયાં હતાં, લોકોને ખાવા મૂઠી ધાન નહોતું. તે દિવસોમાં જીવીને આંગણે રવિશંકર મહારાજ આવી ઊભા રહ્યા. જીવી મહારાજને પગે લાગી. એ કહેવાતા હતા 'વટાદરાવાળા મહારાજ'. જીવીના મહિયરના ગામ વટાદરાને 'મહારાજ' પર અતિ પ્રીત હતી.

"અરે જી'બા !" ઘૂમટો ઢાંકીને પગે લાગી છેટે ઊભી રહેલ આધેડ વયની જીવીને રવિશંકર મહારાજે કહ્યું : "તું તો મારી બૂન કહેવાય. તું હજુય મારી લાજ કાઢીશ ?"

"તમો તો, દાદા, માવતર છો," જીવીએ કહ્યું : "પણ લાજ રાખી તે રાખી. હવે વળી જતે જનમારે ક્યાં છોડું !"

કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી.

"જી'બા !" દાદાએ કહ્યું : "દાણા આલીશ ?"

"અરે મહારાજ, દાણા ક્યાં છે ? મારી કને તે કેટલાક હોય !"

એમ કહેતી જી'બાએ મહારાજને પુષ્કળ અનાજ ઘરમાંથી કાઢી આપી કટોકટીને ટાણે લોકોને બચાવવામાં મૂંગી મદદ કરી.

એક દિવસ મથુરનો દેહ પડ્યો. જીવી પોતાના ભિતરમાં કેટલું રડી હશે, કેટલું કેટલું સંભારીને આંસુડે ગળી હશે, તે તો કોઈને ખબર નથી. પણ આટલું જાણ્યું છે કે જીવીએ મથુર પાછળ કંઇક પુણ્ય કરવાની ઇચ્છા ધરાવી અને, ઝાઝી કશી ગતાગમ ન હોવાથી, ગામલોકોને જ ભેળાં કરી સલાહ લીધી.

"જી'બા !" ગામલોકોએ સાદો, પોતાને જાણીતો હતો તે માર્ગ બતાવ્યો : "પરબડીમાં આલ્યને !"

ગામનાં પંખીડાંની પરબડી પાછળ (ચકલાંની ચણમાં) જી'બાએ પોતાની સૌથી સારી ચાર વીઘાં જમીન અર્પણ કરી.

આજે એ જીવી - જી'બા - જીવે છે. પંચાવનેક વર્ષની વય છે. ગૌરવરણાં, રૂપાળાં, કદાવર અને લજ્જાળુ જી'બા હજુય મોટેરાઓની લાજ ઢાંકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics