Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupali Shah

Romance

5.0  

Rupali Shah

Romance

અતીતનું સંભારણું

અતીતનું સંભારણું

3 mins
6.7K


માનસી માટે હળવાશની પળ એટલે કેપેચીનો કોફીનો સ્વાદ માણતાં રેડિયો પર જૂનાં ગીતો સાંભળવા. આવી જ એક રવિવાર સાંજની નિરાંત માનસી માણી રહી હતી. અને F.M. રેડિયો પર મોહમદ રફીજીના અવાજમાં ગાયેલું તેમ જ ધર્મેન્દ્ર પર ફિલ્માવેલું ‘મેરે હમદમ મેર દોસ્ત’ ફિલ્મનું ગીત ગૂંજી ઉઠ્યું.

 

હુઇ શામ ઉનકા ખયાલ આ ગયા

 

વહીં જિંદગીકા સવાલ આ ગયા...

 

... હુઇ શામ ઉનકા ખયાલ આ ગયા...

 

અને પાનખરને આરે પહોંચેલી માનસીને તેની સોળમી વસંત યાદ આવી ગઈ. તેની કીકીમાં અતીતનું એક સંભારણું છલકાઈ આવ્યું. અજાણ્યો એક અવાજ... છતાં દિલની સાવ લગોલગ!

 

દસમીની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ લાવેલી માનસીને આર્ટ્સ કોલેજમાં જવું હતું. એ વખતે મુંબઈની વિલ્સન કોલેજનો દબદબો હતો. મુંબઈ ચોપાટી સ્થિત એ કોલેજમાં માનસીને એડમિશન પણ મળી ગયું. યુનિફોર્મ પહેરીને જવાના દિવસો પૂરા થયા હતા. ફેશન, કો- એજ્યુકેશન અને મુગ્ધાવસ્થાના એ દિવસો ખરેખર અદભૂત હતા! જૂન મહિનો એટલે વરસાદ રાજાએ પણ પોતાના આગમનની છડી પોકારી હતી. વિલ્સન કોલેજથી રોજ સાંજે બસ પકડી માનસી વાલકેશ્વર જતી. એ દિવસે પણ માનસી રોજની જેમ કોલેજ આગળનાં બસ સ્ટોપ પરથી ડબલડેકર બસમાં ચઢી. બસના ઉપરના માળે સૌથી પહેલી સીટ પર જઈ બેઠી. બ્લેક કલરનું ક્રશ્ડ સ્કર્ટ- યલો પોલકા ડોટ્સ ટોપ અને પોનીટેઇલમાં બાંધેલા વાળ બારીમાંથી આવતી હવાને લીધે ફરફરી રહ્યા હતા. વાળની લટોને કાનની પાછળ રાખવાની વ્યર્થ કોશિશ કરતી તે બારીની બહાર ઉછળતાં દરિયાનાં મોજાં જોઈ રહી હતી. સમુદ્રની લહેર, પવન, ખુશનુમા વાતાવરણ અને સોળ વર્ષનું કુંવારું મન- યૌવન બધું જ હિલોળે ચડ્યું હતું. અચાનક જ દરિયા તરફથી વરસાદી વાદળીઓ દોડી આવી અને ટપ ટપ વરસી પોતાની હાજરીનો અહેસાસ કરાવી રહી. માનસી વરસાદનાં ફોરાં હાથથી ઝીલતી હતી ને એટલામાં પાછળની સીટ પરથી એક ઘેરો ઘૂંટાયેલો અવાજ તેના કાને અફળાઈ રહ્યો.

 

હુઇ શામ ઉનકા ખયાલ આ ગયા

 

વહીં જિંદગીકા સવાલ આ ગયા...

 

... હુઇ શામ ઉનકા ખયાલ આ ગયા

 

ઝટકાથી તે અવાજની દિશામાં ડોક ફેરવવા ગઈ. પણ કોણ જાણે કેમ તેના સમગ્ર અસ્તિત્વએ તેને આમ કરવાની ના પાડી હોય એમ તે અટકી ગઈ. રખે... ને, કદાચ પાછળ જોતાની સાથે જ ગીત ગણગણી રહેલી પેલી વ્યક્તિ ગાવાનું જ બંધ કરી દે તો?

 

શરીરની આખી ચેતના તેનાં કાનમાં આવી બેઠી હોય એમ તે એકચિત્તે પેલા અવાજને સાંભળી રહી. એ સૂરીલો ઘેઘૂર અવાજ અને એમાં ઘૂંટાતું દર્દ તેને આકર્ષી રહ્યા. એ ક્યાં ક તણાઇ રહી... સુખના મહાસાગરમાં... વરસાદી સાંજના માહોલમાં... મુગ્ધાવસ્થાના મહાનલમાં...

 

માત્ર થોડી મિનિટોની બસની સફરનો એ અજાણ્યો હમસફર ન તેના અતીતનો કોઈ હિસ્સો રહ્યો હતો કે ન તો ભવિષ્યમાં બની શક્યો. અને તેમ છતાં એ સમયે જીવાયેલી પેલી ક્ષણોનું મૂલ્ય પણ તેને મન ઓછું ક્યારેય નહોતું. આંખો બંધ કરી તે આ અજાણ્યા પ્રવાહમાં વહી રહી.

 

ગણતરીની મિનિટોમાં તો એનું સ્ટોપ આવી લાગ્યું. તેણે આંખો ખોલી. બસમાંથી ઉતરતી વખતે તેને પેલો ચહેરો જોવાનું અતિશય મન થયું. સાથે મનમાં અજાણ્યો ડર પણ લાગ્યો. કદાચ તે એ ચહેરો જોઈ લેશે અને તેના પ્રેમમાં પડી જશે તો? અને એ જ ડરે તે નીચી ડોકે નજરને નીચી રાખી સીટ પરથી ઊઠી અને સડસડાટ બસમાંથી નીચે ઉતરી ગઈ.

 

આ વાત તેણે ક્યારેય કોઈને કહી જ નહીં. કદાચ તે વખતે અથવા તો આજે પણ આ વાત કોઈને કહેવામાં આવે કે કોઈ સાંભળે તો આખી પરિસ્થિતિ સાવ સામાન્ય ઘટના જેવી જ લાગે. કદાચ હસવામાં પણ કાઢી લેવાય. તે પોતે પણ આ આખી પરિસ્થિતિને સાવ તટસ્થભાવે જ જોઈ રહી હતી, છતાં પણ પેલો અજાણ્યો અવાજ, અજાણી આકૃતિ અને અજાણ્યો સમય ક્યારે પોતીકાં બની ગયા તેની તેને જાણ સુદ્ધાં નહોતી રહી. એ અજાણ્યો પુરુષ નહોતો એનો પ્રિયજન, પ્રેમી, પ્રિયતમ કે પતિ છતાં અકસ્માતે મળેલો પેલો અતીતનો ટુકડો તેને હંમેશાં સુખદ લાગતો રહ્યો.

 

અને એટલે જ આજે પણ એ ગીત જ્યારે રેડિયો પર ગૂંજી રહ્યું ત્યારે તેના ચહેરા પર સોળ વર્ષની મુગ્ધા અનુભવે તેવી મુક્ત પ્રસન્નતાનો આનંદ છલકી રહ્યો. બસ કમી હતી તો માત્ર એ અજાણી વ્યક્તિની..

 


Rate this content
Log in

Similar gujarati story from Romance