Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

હાથીલાનો નાશ

હાથીલાનો નાશ

5 mins
7.2K


ઊપરકોટના કાંગરા ઉપર કોડિયાંની દીપમાળા પેટાઈ હતી. મંદિરો ઠાકુરદ્વારાઓમાં રાજકીર્તિની ઇશ્વરપ્રાર્થના ગવાતી હતી. નગારાં ને ઝાલરો વાગતાં હતાં. બ્રાહ્મણો આશિર્વાદ દેતા હતા.

અધરાતે તો પ્રજાજનોના માન સન્માનમાંથી માંડ માંડ પરવારીને રા' માંડળિક દરબારમાં પહોંચ્યા.

માંડળિક પોતાનાં વસ્ત્રો ઉતારતી કુંતાદેને વાત કહેતો હતો :- 'દેવડી, આજ હાથીલાની જીતનો આખો મલક ઊજવણું કરે છે, પણ મને એનો આનંદ નથી. કેમકે બખ્તરની કડીઓ છોડતી તારી આંગળીઓ અત્યારે ચાલતી નથી. મેં તારા કાકાબાપુ દુદાજીને પણ છેલ્લી વાર એક જ વેણ કહ્યું કે મારા હાથે આ નગરનો નાશ કરાવ મા, આંહી મારી કુંતા આળોટી હશે, આ તળાવની પાળે એ ફરી હશે, ને આ ચોકમાં એણે રાસડા લીધા હશે. પણ દુદાજી આંખમાં ઝેરને બદલે અમૃત ન આવ્યું તે ન જ આવ્યું તે ન જ આવ્યું. હું શું કરું દેવડી!'

કુંતાદે રા'ના પગની મોજડીઓ ઉતારતાં ઉતારતાં પગ ઉપર જ ઝળુંબી રહ્યાં. પગ પરના ઊનાં આંસુ ટપક ટપક પડવા લાગ્યાં.

'શું કરું દેવડી!' સુલતાનની ભીંસને તો હું વેઠી લેત. એને આડું અવળું સમજાવી લેત. પણ તારો આગ્રહ તારા ભાઇનો રાજહક્ક હરકોઇ વાતે પણ મેળવી આપવાનો હતો. મને દુદાજી ઉપર દાઝ ચડી ગઇ, કેમકે એણે એવું વેણ કાઢી નાખ્યું કે 'બહાર નીકળ્યા પછી તો ક્ષત્રિય રસ્તામાં સો ઠેકાણે રાત રે'તો જાય. એ બધાં છોકરાંને રાજહક્ક આપવા બેસીએ તો કેદિ' પાર આવે?' કુંતા, તારા કાકાએ ક્ષત્રિયની તો ઠીક, પણ સગા ભાઇ હમીરજીની મોત-જાત્રાની આવી હાંસી કરી. એટલું જ નહિ, એણે તો મને કહ્યું કે આ જ વેણ એણે તારા ભાઇને ખુદને કહી કાઢેલ છે : આ સાંભળ્યા પછી મારો કાળ ઝાલ્યો ન રહ્યો.'

કુંતાદેએ હજુય ઊંચું નહોતું જોયું. રા'ના પગ ઝાલીને એ બેઠી રહી હતી. રા' એ એની ચીબૂક (હડપચી) ઝાલીને એનું મોં પોતાના તરફ ઊંચું કર્યું. એ મોં રૂદનમાં ન્હાઈ રહ્યું હતું.

'હું તને સાચું કહું છું દેવડી, મારે તો બેમાંથી એકે ય પક્ષની ફોજને નહોતી કપાવવી. મેં તારા કાકાને એકલ-જુદ્ધમાં નોતર્યા.'

'અરરર!' એમ કહેતાં કુંતાદેના હાથ રા'ની કાયા ઉપર ફર્યા.

'ચિંતા કર મા. મને ઝાઝા જખમ થયા નથી.'

'સોમનાથ દાદા ! હીમખીમ ઘેર પોગાડ્યા-' કુંતાદે સ્તુતિ બબડવા લાગી.

'તમે એકલ-જુદ્ધમાં મારા કાકાને જીતી શક્યા, હેં મારા રા'! સાચું કહો છો?' કુંતાદેને ખાત્રી થતી નહોતી. દુદાજી કાકા એટલે કરાળ કાળભૈરવ. રા' તો એની પાસે અસુરના હાથમાં પુષ્પ સરીખા કહેવાય. રા'ને ક્ષેમકુશળ દીઠા છતાં કુંતાદે ફફડી ઊઠી.

'સૌને એ જ નવાઈ લાગેલી દેવડી! ને મેં જ્યારે તારા કાકાને પડકાર્યો કે આ ગરીબ પગારદારોની હત્યા શીદ કરવી ! આવો એકલ ધીંગાણે પતાવીએ, ત્યારે તો એણે પણ હસીને શું કહ્યું હતું, કહું?'

'શું કહ્યું?'

'તને યાદ કરી.'

'સાચોસાચ?'

'હા. સીધી નહિ પણ આડકતરી રીતે. એણે પોતાની ગરેડી જેવી ગરદન હલાવીને ભયંકર અવાજે જવાબ દીધો કે છોરૂ વગરનો છો, તરપીંડી દેવા ય કોઇ વાંસે નહિ રહે, માટે કહું છું કે પાછો વળી જા. મેં કહ્યું કે હવે તો પાછા ફરવનું ટાણું રહ્યું નથી. સુલતાનને આપેલા વચને પળવાની મારી ફરજ છે. ઊઠો કાકાજી!'

'મને જરીકે ન સંભારી?'

'મરતે મરતે કહ્યું કે કુંતાનો ચૂડલો અખંડ રહ્યો, એટલી મારા જીવને ગત્ય થાય છે.'

'બીજાં બધાં શું કરે છે? હું કાણે જઈ આવું ? કારજ ક્યારનું છે?'

'ત્યાં કોઇ નથી.'

'કેમ ? ક્યાં ગયાં?'

'મેં હાથીલા ઉજ્જડ કર્યું. એ બધાં લાઠી ગામે ચાલ્યાં ગયાં.'

'એકલ-યુદ્ધથી પતાવ્યું કહો છો ને?'

'ના, પછી તો મારા હાથ ન રહી શક્યા. મારી ભુજાઓ કાબૂમાં ન રહી. ગોહિલ ફોજ કબ્જે થવા તૈયાર નહોતી. ગુણકાતળાવના રાજમહેલમાં તારા ભાઇ અને તારી ભીલાં-કાકીને વારસો આપવાની સૌએ ચોખ્ખી ના પાડી. એટલે મારે નછૂટકે રાજમહેલનો નાશ કરવો પડ્યો. તળાવને તોડાવી નાખવું પડ્યું. ગોહિલ કુળને ને ફોજને મારે ગામના દરવાજા તોડીને જ બહાર કાઢવાં પડ્યાં.'

'તમે ભુજાઓ પરથી શું કાબૂ ખોયો રા' ! મારા મહિયરની દૃશ્ય બંધ થઇ ગઇ.' કુંતાદે બોલતાં બોલતાં ધ્રુસકે ગયાં.

'બીજો ઇલાજ નહોતો.' રા'લાચાર બન્યો.

'મેં જાણેલ કે સમજણથી પતાવી લાવશો.'

'તારા ભાઇને ખાતર મારે કરવું પડ્યું.'

'મારી જન્મભોમ: હું ત્યાં રમી હતી : મારા હાથના છબા ત્યાં ઊછળ્યાં હતા. મારું પિયર ગામ........'

કુંતાનો વિલાપ ક્રમેક્રમે વધતો ગયો. હાથીલા નગરનો નાશ રા' માંડળિકના જબરદસ્ત વિજયનો ખાંભો ગણાય છે, પણ એ નગરના ધ્વંસે રા'ના સંસાર-જીવનની લગાર એક કોર ખાંડી કરી નાખી. કુંતાદેએ આજ સુધી રા'ના હાથને હાથીલા ઉપર ત્રાટકતા વાર્યા હતા. દુદોજી ગોહિલ ચાહે તેવો ડાકુ છતાં કુંતાદેના બાપ-ઠેકાણે હતો. દુનિયાની દૃષ્ટિએ દિગ્વિજયો દેખાતાં કેટલાંય વીર કૃત્યો યોદ્ધાના આત્મજીવનમાં મોટા પરાજયો જેવા બની જતા હશે.

'ના રડ કુંતા! રા'એ એને પંપાળીને આશ્વાસન દીધું. 'તું જોજે કે હું એ ગાદી તારા ભીલ-ભાઇને સોંપવા માટે સુલતાનનો રૂક્કો મેળવીશ. તું ધીરજ ધરજે, તારા મહિયરનો માર્ગ ફરી વાર ઊઘડી જશે.' પોતે પોતાના શૌર્ય પર કાબૂ ન રાખી શક્યા એ મુદ્દાને રા' રોળીટોળી નાખતા હતા.

'ભાઇ તો બાપડો ડુંગરાનું બાળ છે. એને કાંઇ પરવા છે? એ તો આપના ગયા પછી બે વાર આવી ગયો કે મારે વળી રાજ શાં ને પાટ શાં? મારું એ કામ નહિ. મારે તો ભાઇબંધી પહાડની ને રત્નાકરની. હું ત્યાં-હાથીલે તો ભૂલેચૂકે ય નહિ જાઉં.'

'ઓહો ! બે વાર આવી ગયો!' એટલું બોલીને રા' સ્હેજ ખમચાયા. પછી એણે પોતાનો કશોક વિચાર દબાવી દઇને કહ્યું -

'એટલે જ એને ઠેકાણે લાવવાનો એક જ માર્ગ છે : એક ક્ષત્રિયરાજાની કન્યા પરણાવી દઇએ, એના મનમાં રાજવટનો કોંટો ફૂટશે.'

'તજવીજ કરાવો છો?'

'નાગાજણ ગઢવીને રજવાડે વિષ્ઠિ કરવા મોકલ્યા છે.'

એ સમાચારથી કુંતાદેનો શોક ઊતારવા લાગ્યો હતો, ને રા' ઊંચી ગોખ-બારી પર દૃષ્ટિ ઠેરવી એકી ટશે જોઇ રહ્યા હતા.

'શું વિચારો છો?' કુંતાએ પૂછ્યું.

'સાચું કહું?'

'કહો તો સાચું જ કહેજો.'

'મારે આજ એક દીકરી હોત-વીવા કરવા જેવડી!'

'તો?' 'તો હું જ એને જમાઇ કરત.'

'પણ અમારૂં તો ભાઇબહેનનું સગપણ.'

'હું તારી વાત નથી કરતો.' રા' હસ્યા.

'ત્યારે ! હેં ! શું !'

'કાંઇ નહિ ગાંડી. અમસ્થી કલ્પના. મનના ઘોડા માળવે જાય છે.'

બેઉ જણાં વાતને તો પી ગયાં. પણ બેઉ પામી ગયાં હતાં, કે એ વાતની ઓથે એક પહેલવહેલો જ નવો વિચાર ઊભો થયો હતો.

કુંતાદેનું નારી હૃદય સમજી ગયું : રા'ને પોતે સંતાન નહોતી આપી શકી. પણ સંતાન હોવું જોઇએ એવો આગ્રહ વારંવાર પોતાના તરફનો જ હતો. રા' જેમ જેમ એવી ઇચ્છાનો ઇન્કાર કરતા હતા. તેમ તેમ કુંતાદે જીદ પર ચડતી હતી: તમારે ફરી વીવા કરવો જોઈએ : મારા વાંકે તમારી રાજગાદી શા માટે ખાલી રહે?

રા'ના ઇન્કારના ઊંડાણમાં શું એ જ સ્વયંઇચ્છાનો કોંટો ફૂટી ચૂક્યો હતો !

રા'સૂવા ગયા. કુંતાદેએ પિયરના નાશના શોકમાં જુદે ઓરડે પથારી કરાવી હતી. એણે દીવો ઓલવી નાખ્યો તે પછી રા'એ જરા ચોંકી પૂછ્યું :

'એ કોણ છે કુટેવવાળી?'

'કોણ ?'

'કોઇ દાસીને આપણી વાતો સાંભળવાની ટેવ લાગે છે.'

'કદાપિ ન હોય.'

'ત્યારે મને છાયા કોની લાગી?'

'મનનો આભાસ હશે.'

એ વાત સાચી નહોતી. રા'ના રાજમહેલના રાણીવાસ સુધી પણ જાસૂસો પહોંચી ગયા હતા. એ જાસૂસો કોના હતા?


Rate this content
Log in

Similar gujarati story from Classics