Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mamtora Raxa Narottam

Inspirational

2  

Mamtora Raxa Narottam

Inspirational

ઘડિયાળના ટકોરા

ઘડિયાળના ટકોરા

6 mins
7.1K


રાતના લગભગ નવેક વાગ્યાનો સમય હતો. રોહિતભાઈ થાક્યાપાક્યા દુકાનેથી ઘરે આવ્યા અને સોફા પર બેઠા. પંચાવન વર્ષની વયે પહોંચેલા અને ગામડાના ઘી દુધ ખાઈને મોટા થયેલા રોહિતભાઈની તંદુરસ્તી ખૂબ સારી હતી. શહેરની મોહમાયા પચ્ચીસેક વર્ષ પહેલા તેમને અહીં ખેંચી લાવી હતી, અનસૂયા બહેને રાબેતા મુજબ પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીતાં જ રોહિતભાઈએ રાહતનો શ્વાસ લીધો અને અનસૂયાને પૂછ્યું,“સમીર ઘરે આવ્યો છે કે નહીં? આવ્યો હોય તો મારી પાસે મોકલ.” અનસૂયાબહેને સમીરને બૂમ મારી બોલાવ્યો. બૂમ સાંભળતા જ સમીર મનોમન મૂંઝાતો બેઠકરૂમમાં આવી પહોચ્યો.

“શું કામ છે પપ્પા?” રોહિતભાઈએ સમીરને પોતાની પાસે બેસાડ્યો અને પોતાની પાસેની બેગમાંથી ધંધામાંથી બચાવેલી લગભગ ત્રીસેક હજાર જેટલી રકમ એના હાથમાં મુકતા કહ્યું,“સમીર બેટા, લે આ ત્રીસ હજાર રૂપિયા મારા એકાઉન્ટમાં આવતી કાલે જમા કરાવી દેજે.”

“સારું પપ્પા,” કહી સમીર ત્રીસ હજાર રૂપિયા લઈ પોતાના બેડરૂમમાં આવ્યો. કામની વ્યસ્તતાને લીધે રોહિત ભાઈ નાનામોટા કામ સમીરને સોપતા.

સમીર કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો હતો. ભણતર કરતાં તેનું ધ્યાન રખડવામાં અને મિત્રો સાથે પાર્ટી કરવા તરફ વધુ રહેતું, પપ્પા મમ્મી આ અંગે ઘણીવાર ટકોર કરતાં, પણ સમીર ઉપર તેની કોઈ અસર થતી નહીં. સમીરના બધા જ મિત્રો અમીર મા-બાપના છેલબટાઉ દીકરા હતા, પાર્ટી અને મોજમજા જ તેમનો જીવનમંત્ર હતો. સમીર પણ તેના મિત્રો સાથે પાર્ટીમાં મસ્ત રહેતો. સમીરને તેના મિત્રો અવારનવાર કહેતા,“યાર સમીર, ક્યારેક તો પાર્ટી આપ!”

સમીર મનોમન મૂંઝાતો કારણ કે મધ્યમવર્ગીય સમીરને આ પાર્ટીનો ખર્ચ કેમેય કરીને મળે તેમ નહોતો આથી તે ક્યારેક મનોમન શરમ પણ અનુભવતો. આજે તેના પપ્પાએ ત્રીસ હજાર જેવી મોટી રકમ જમા કરાવવા આપી હતી, આટલી મોટી રકમ આ પહેલા સમીરના હાથમાં ક્યારેય આવી ન હતી. પૈસા જોઈ સમીરનું મન ડગ્યું. સમીરને તે રાતે નિંદર ના આવી, તેને મિત્રોએ કરેલી ટકોર યાદ આવી. તેના મનમાં વિચારોનું તોફાન શરુ થયું. તેનું હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યું. તેને થયું આ પૈસામાંથી મિત્રોને પાર્ટી આપું તો? ના …ના.. પપ્પાને ખબર પડશે કે પૈસા બેન્કના એકાઉન્ટ જમા નથી થયા ત્યારે? સમીરને ઠંડીના દિવસોમાં પણ પસીનો વળ્યો. વળી તેની મિત્રો સામે વટ પાડવાની ઈચ્છાએ જોર પકડ્યું, પપ્પાને ખબર પડશે ત્યારે જોયું જશે જે થવાનું હશે તે થશે એમ વિચારી ભારે દુવિધાને અંતે આ પૈસામાંથી મિત્રોને પાર્ટી આપવાનું મનોમન નક્કી કર્યું .

બીજે દિવસે સવારે સમીર ઊઠ્યો. ઉઠતાની સાથે જ તેના મનમાં વિચાર આવ્યો, પૈસા કબાટમાં રાખ્યા છે, “મમ્મી સાફ સફાઈ કરવા બેડરૂમમાં આવે અને રખેને કબાટ ખોલે અને પૈસા જોઈ જાય તો?” એમ વિચારતા જ સમીરને પૈસા છુપાવી દેવાનો વિચાર આવ્યો. આખરે પૈસા છુપાવવા ક્યાં? એમ મનોમન  વિચારતો  સવારે અગિયાર વાગ્યાની આસપાસ કોલેજ જવાની તેયારી કરી રહ્યો હતો, પપ્પા નવના ટકોરે જ દુકાને જવા નીકળી ગયા હતા. મમ્મી કોઈ કારણસર બહાર ગયા હતાં. સમીર તૈયાર થઈ બેઠકરૂમમાં આવ્યો એવામાં તેની નજર ડ્રોઈંગરૂમમાં પડેલી જૂની ટકોરાવાળી ઘડિયાળ પર પડી, ઘડિયાળ ખાસ્સી મોટી હતી, ઘડિયાળ જોઈ સમીરના મનમાં એક વિચાર ઝબૂક્યો, સમીરે સ્ટુલ લઇ દીવાલ પરથી ઘડિયાળ ઉતારી, ઝડપથી પાછળના ભાગના સ્ક્રૂ ખોલ્યા અને જોયું કે પાછળના ભાગે ખાસ્સી મોટી જગ્યા દેખાઈ, સમીર દોડીને કબાટમાંથી ત્રીસ હજાર રૂપિયાની રકમ લઈ આવ્યો, તેણે  દસ –દસ હજારના ત્રણ બંડલ આડા ઊભાં ગોઠવી ફરીથી સ્ક્રૂ ફીટ કરી ઘડિયાળ જ્યાં હતી ત્યાં દીવાલ ઉપર ટીંગાડી દીધી. પોતાની પાસેના પૈસા સલામત જગ્યાએ મુકાઈ ગયા સમીરે રાહતનો શ્વાસ લીધો. સમીર મનોમન ખુશ થતો કોલેજ જવા નીકળ્યો .

સમીર આજે કોલેજમાં ખૂબ જ ખુશ લાગતો હતો. દરરોજની જેમ તેમના બધા મિત્રો કેન્ટીનમાં ભેગા થયા હતા. વાતની શરૂઆત સમીરે જ કરી,

“યાર સુધીર, ઘણા સમયથી આપણે કોઈ પાર્ટીનું આયોજન કર્યું નથી… “

સુધીર બોલ્યો: “પણ પાર્ટી આપશે કોણ?”.

સમીરને તો આટલું જ જોઈતું હતું. મિત્રો સામે વટ પાડવાની આવી તક તે જતી કરવા માગતો ન હતો સમીર તરત જ બોલ્યો: “આ રવિવારે હું પાર્ટી આપીશ…”

સમીરના બધા મિત્રોને આશ્ચર્ય થયું, તેઓ બધા એકસાથે બોલી ઊઠ્યા,“શું વાત છે! તો આ રવિવારે સમીર તરફથી પાર્ટી પાકી.”

બધા મિત્રો રવિવારે સાંજે સાત વાગ્યે ગેલેક્સી હોટલમાં ભેગા થવાનું નક્કી કરી છૂટ્ટા પડ્યા .

બે દિવસ પછી રોહિતભાઈ રોજની જેમ સવારે દુકાને જવાની તૈયારી કરી રહ્યા હતા. રોહિતભાઈ સમયના પાકા અને નિયમિત હતા. અનિવાર્ય સંજોગો સિવાય તે ક્યારેય મોડા પડતા નહીં. રોહિતભાઈનો નિત્યક્રમ દીવાલ પર લાગેલી જૂની ટકોરાવાળી ઘડિયાળ સહારે જ ચાલતો, રોહિતભાઈ હંમેશા નવના ટકોરે જ દુકાને જવા નીકળતા, પરંતુ આજે ઘડિયાળના ટકોરા સંભળાયા નહી. રોહિતભાઈએ દીવાલ પરની ઘડિયાળમાં જોયું તો સાડા આઠ જ વાગ્યા હતા અને ઘડીયાળ બંધ પડી ગઈ હતી. રોહિતભાઈ મૂંઝાયા, તેમણે ટેબલ પર પડેલી રીસ્ટવોચમાં જોયું તો સાડા નવ થઇ ગયા હતા. આજે પહેલી વાર તેને આ રીતે મોડું થયું હતું. તેમણે ઝડપથી બેગ ઉઠાવી અને દુકાને જવા ઘરની બહાર નીકળ્યા. બહાર નીકળતા જ તેને એક વિચાર આવ્યો અને ફરી દરવાજો ખોલી ઘરમાં આવ્યા. તેમણે દીવાલ પરથી ઘડિયાળ ઉતારી, રીપેરીંગ માટે સાથે લઇ લીધી, રસ્તામાં આવતી ઘડિયાળીની દુકાને રીપેર કરવા આપી દઈશ એમ વિચાર કર્યો.

રાત્રે રોહિતભાઈ દુકાનેથી પાછા ફર્યા ત્યારે રીપેરીંગમાં આપેલી ઘડિયાળ પણ સાથે લઈ આવ્યા અને દીવાલ પર જ્યાં હતી ત્યાં ટીંગાડી દીધી. આ વાતથી સમીર તદ્દન અજાણ હતો.

બીજે દિવસે રવિવાર હતો. સમીર સવારથી જ ખૂબ ખુશ જણાતો હતો સાંજના છ વાગતા જ તે પાર્ટીમાં જવાની તૈયારી કરવા લાગ્યો. રવિવાર હોવાથી મમ્મી –પપ્પા સાંજે હંમેશની માફક બહાર ફરવા નીકળી ગયા હતા. સમીર તૈયાર થઈ બેઠક રૂમમાં આવ્યો, તેણે ઘડિયાળ સામે જોયું તો સાડા છ વાગ્યા હતા. સમીરે ઘડિયાળમાં છુપાવેલી રકમ લેવા માટે દીવાલ પરથી ઘડિયાળ ઉતારી ઘડિયાળના પાછળના ભાગના સ્ક્રૂ ખોલ્યા. પણ આ શું? ઘડિયાળના પાછળનાં ભાગમાં તો નોટોના ત્રણ બંડલમાંથી એક પણ બંડલ જોવા ન મળ્યું, સમીર તો અવાચક થઈ ગયો! તેની આંખોમાં અંધારા આવવા લાગ્યા, તેના હાથ પગ ધ્રૂજવા લાગ્યા, તેનું મન વિશ્વાસ કરવા તૈયાર ન થયું. તેણે થયું હું સ્વપ્નમાં તો નથી ને? તેણે પોતાના ગાલ પર થપ્પડ મારી જોઈ. સમીરે કોશિશ કરી મહાપરાણે થોડી સ્વસ્થતા કેળવી, તે મનોમન વિચારવા લાગ્યો, પૈસા ઘડિયાળમાં છુપાવ્યા છે આ વાત તો મારા સિવાય કોઈ જાણતું જ નથી, તો પછી પૈસા ઘડિયાળમાંથી ગયા ક્યાં? એટલામાં સમીરના મોબાઈલની ઘંટડી વાગી. સમીરે ધ્રૂજતા હાથે મોબાઈલ ઉપાડ્યો. સમીરનું હ્રદય જોર- જોરથી ધડકવા લાગ્યું…

“હ….લો…..” એટલું તો સમીર માંડ બોલી શક્યો.

સામેથી ઉતાવળિયો અવાજ આવ્યો, ”સમીર તું હજુ પાર્ટીમાં પહોંચ્યો કેમ નહી? બધા મિત્રો આવી ગયા છે, એક તારી જ રાહ જોવાઈ રહી છે….”

સમીર એક પણ શબ્દ બોલી ન શક્યો. તેણે મોબાઈલ કટ કરી નાખ્યો, સમીર ત્યાં જ ફસડાઈ પડ્યો. તેનું આખું શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું, મિત્રો સામે હું શું મોઢું બતાવીશ એ વિચારે જ તેનું મગજ ભમવા લાગ્યું. એટલામાં ડોરબેલ રણકી. સમીર માંડ –માંડ ઉભો થયો અને દરવાજો ખોલ્યો તો મમ્મી –પપ્પા આવી ગયા હતા. સમીરને આમ ગભરાયેલો જોઈને અનસૂયા બહેને તરત જ પૂછ્યું,“શું થયું બેટા સમીર? આમ ગભરાયેલો કેમ લાગે છે? તબિયત તો સારી છે ને?” સમીર કઈ જવાબ ન આપી શક્યો, અનસૂયા બહેને ફરીથી પૂછયું,“સમીર બોલતો કેમ નથી?” સમીરના મનની સ્થિતિ અસહ્ય હતી, તે રહી ના શક્યો. તેનામાં મમ્મી પપ્પા સામે જૂઠું બોલવાની હિમ્મત ન હતી. તેણે પપ્પાએ બેન્કમાં જમા કરવા આપેલા પૈસા પોતે ઘડિયાળમાં છુપાવ્યા હતા તે સઘળી હકીકત સાચેસાચી કહી દીધી. સમીરના પપ્પા તો આ સાંભળી અવાચક થઈ બોલી ઊઠ્યા,“શું બોલ્યો સમીર! તેં પૈસા ઘડિયાળમાં છુપાવ્યા હતા! ઘડિયાળ તો મેં બે દિવસ પહેલા રીપેર કરવા આપી હતી...”

“શું બોલ્યા પપ્પા?…તમે ઘડિયાળ રીપેરીંગમાં આપી છે?”તે ત્યાં જ ધ્રૂજવા લાગ્યો.

સમીર રખડું જરૂર હતો, પણ પોતે મહા મહેનતે બચાવેલી રકમ સમીર આ રીતે વેડફી દેશે તેનો રોહિતભાઈને સ્વપ્નેય ખ્યાલ ન હતો. પૈસા જવા કરતા પણ સમીરે આ રીતે વિશ્વાસઘાત કર્યો તેનું દુ:ખ વધુ થયું. રોહિતભાઈને સમીરને શું કહેવું અને શું ન કહેવું તેની સમજ પડતી ન હતી. પપ્પાનો દુ:ખી ચહેરો જોઈ સમીરથી ના રહેવાયું, તે દુ:ખ સાથે બોલ્યો,“પપ્પા મને માફ કરો હવે પછી હું તમારો વિશ્વાસ ક્યારેય નહી તોડું…” સમીરના ચહેરા પર ખરેખર પ્રાયશ્ચિતની ભાવના હતી.

બીજે દિવસે સવારે રોહિતભાઈ દુકાને જવા માટે નીકળ્યા. તેમના મનમાં દુવિધા હતી, શું ઘડિયાળી પૈસા પાછા આપશે કે નહીં? તેમ વિચારતા વિચારતા ઘડિયાળીની દુકાને પહોંચ્યા. રોહિતભાઈએ ઘડિયાળીને ગઈકાલે જે ઘડિયાળ રીપેર કરાવવા આપી હતી તેમાં રાખેલા પૈસા વિશેની વાત કરી… આમ તો ઘડિયાળી ઈમાનદાર હતો. ઘડિયાળીએ કહ્યું,“કઈ ઘડિયાળની વાત કરો છો? ગઈ કાલે જે જૂની ટકોરાવાળી આપી ગયા હતા તે? હા….હા…” કહી તેણે પાસેના કબાટમાંથી નોટોના ત્રણ બંડલ રોહિતભાઈના હાથમાં મૂક્યાં અને કહ્યું,“આ નોટના ત્રણ બંડલો ઘડિયાળના પાછળના ભાગમાંથી નીકળ્યા છે.” રોહિતભાઈને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે ઘડિયાળી આટલા ઝડપથી પૈસા પરત કરશે. રોહિતભાઈએ ઘડિયાળીનો આભાર માન્યો અને પોતાની દુકાન તરફ ચાલી નીકળ્યા.

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational