Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Drama Inspirational

1.5  

Mariyam Dhupli

Drama Inspirational

રોજનું એક ગુલાબ

રોજનું એક ગુલાબ

8 mins
1.0K


કાઉન્ટર ઉપરથી મારી દ્રષ્ટિ આર્થિક વહીવટ વચ્ચેથી માર્ગ કાઢતી ફરીથી દુકાનના આગળના ભાગ તરફ આવી થોભી. 

આજે ફરીથી એ દરરોજની જેમજ મારી પુષ્પોની પેઢીગત દુકાને આવ્યો હતો. મારી શંકાશીલ દ્રષ્ટિ એના દરેક હલનચલનને સૂક્ષ્મ રીતે નોંધી રહી હતી. આજે પણ એજ ખરીદી. એક ગુલાબ. આજનો રંગ પીળો. દરરોજ એક નિયમિત ગુલાબની ખરીદી ? છેલ્લા પંદર દિવસથી આ એક અચૂક નિયમિત ક્રમ બની ચુક્યો હતો. 

પરિચય આપું તો નામ એનું હરીશ વ્યાસ . મારા જેટલીજ ઉંમર . બાળપણમાં મહોલ્લામાં એકી સાથે રમતા રમતા ઉછરેલા અમે બે મિત્રો . ૧૨માં ધોરણ સુધીનો અભ્યાસ એકજોડે, એકજ શાળામાં. મારો અભ્યાસ સાથેનો સંબંધ આગળ ધપશે નહીં,એ મારા બોર્ડના પરિણામપત્ર એ જાતેજ ઘોષિત કરી દીધું હતું. પિતાજી અને મોટાભાઈ જોડે અમારી ફૂલોની દુકાનનો વ્યવસાય શીખી લેવોજ એજ મારા ઉજ્જવળ ભવિષ્ય માટે સુરક્ષિત માર્ગ હતો, એ સ્વીકારી મારું ભાગ્ય મને મારા વારસાગત વ્યવસાય તરફ દોરી ગયું.

પણ હરીશ વ્યાસની વિદ્રાનતા અને જ્ઞાન પ્રત્યેની જીજ્ઞાશા એને પુસ્તકો અને અભ્યાસના ઊંડાણોમાં ઉતારતી ગઈ . એનો ધીર ગંભીર સ્વભાવ અને નીતિનિયમો તેમજ શિષ્ટ તરફની પ્રામાણિકતા એ એને સંસ્કૃતનો ઉત્કૃષ્ટ શિક્ષક બનાવીનેજ શ્વાસ લીધો . દૂર દૂરથી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સંસ્કૃતના ટ્યુશન લેવા હરીશ વ્યાસ માસ્ટરને ત્યાં આવતા.  

શાળામાં પણ શ્રેષ્ઠ શિક્ષકના દાવેદારોની યાદીમાં હરીશ વ્યાસનું નામ દર વર્ષે અચૂક સ્થાન પામતું . સમાજ તરફથી પણ એના અનુસાશન અને શિસ્તબદ્ધ જીવનને પારિતોષિકથી અવારનવાર નવાજવામાં આવ્યાજ કરતું. વિદ્યાર્થીઓ, મિત્રો અને સમાજના દરેક સભ્ય માટે હરીશ વ્યાસ પ્રેરણાની એક કિરણ જેવો હતો. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો એનો પ્રેમ, ધર્મ પ્રત્યેની એની વફાદારી, ફક્ત એના વસ્ત્રોમાંજ નહીં; એના વિચારોમાં, એની વાણીમાં, એના વર્તન અને એના સામાજિક સંપર્કો તેમજ કૌટુંબિક, પારિવારિક વ્યવહારોમાં પણ સ્વચ્છપણે પ્રતિબિંબિત થતા. એના મિત્ર હોવાનો, એને ઓળખવાનો, એના બાળપણ અને યુવાનીના જીવનનો એક હિસ્સો હોવાનો મને પણ અનન્ય ગર્વ. 

પણ થોડા દિવસોથી એ અનન્ય ગર્વ થોડો ડગમગ્યો જરૂર હતો. દાળમાં જરૂર કંઈક કાળું હતું. મારી શંકાની દ્રષ્ટિ જાસૂસ માફક દરરોજ એનું ઉપરથી નીચે સુધી પરીક્ષણ કરી રહી હતી. રિટાયર્મેન્ટની આયુ નજીક આવી પહોંચેલ હરીશ વ્યાસ અંતિમ પંદર દિવસોથી નિયમિત મારી દુકાને આવતો. અચૂક એક ગુલાબ ખરીદતો. વળી દર વખતે ગુલાબનો રંગ પણ જુદો જુદો પસંદગી પામતો. 

આજે પીળા રંગનો વારો હતો. દુકાન પર કામ કરતા યુવકને એણે પૈસા ચૂકવ્યા. કોઈ જોઈ ન લે એ માટેની ચકાસણી કરતી દ્રષ્ટિ પંદર દિવસની નિયમિત ટેવ પ્રમાણે દુકાનની અંદર અને બહાર બન્ને તરફ ફરી રહી. પણ આજે એ દ્રષ્ટિ મારી પ્રશ્નાવલી સમી દ્રષ્ટિ જોડે ટક્કર ખાઈ બેઠી. હોઠ પર વ્યાપેલા હાસ્યમાં ઔપચારિકતા છલોછલ હતી. શરીરના હાવભાવો સામાન્ય ન જ હતા. આંખોમાં વ્યાપેલું છોભીલાપણું તદ્દન પારદર્શક હતું. 

મારી આંખો સાથેનો સંપર્ક ત્વરાથી તોડી એણે ઝડપથી દુકાન બહારની વાટ પકડી. મારી અંતરાત્મા બેબાકળી થઇ ઉઠી. કંઈક તો હતું. પણ શું? કોઈ ગૂઢ રહસ્ય તરફ દોરાતું મારું શરીર સહજ રીતે કાઉન્ટરની ગાદી છોડી હરીશ વ્યાસ તરફ દોરાઈ રહ્યું. દુકાનમાંથી અતિ ઝડપ જોડે બહાર તરફ નીકળી, મારા ડગ હરીશ વ્યાસનાં માર્ગની દિશામાં કોઈ ફરજનિષ્ઠ અમલદાર માફક ઉપડી રહ્યા.

આજેતો રહસ્ય પરથી પરદો ઉઠાવીનેજ રહીશ, એવી દ્રઢ મક્કમતા જોડે મારી ચાલવાની ઝડપ સતત વધતી હરીશ વ્યાસનો છૂપો પીછો કરી રહી.

જીવનમાં કદી ગુલાબ ન ખરીદ્યું હોય એવા ધીર, ગંભીર પ્રકૃત્તિ વાળા પુરુષના હાથમાં આધેડ વયે થમાયેલું યુવાન ગુલાબ પણ જાણે છોભીલું બનતું સંતાકૂકડી રમી રહ્યું હતું. ગુલાબ જોડે કોઈ એના દર્શન ન કરી જાય એ ડરે ગુલાબને અહીંત્યાં છુપાવતા હરીશ વ્યાસની શરીરની ઝડપ પણ સતત વધી રહી હતી ને સાથે સાથે મારી પણ. 

પાછળ પાછળ ચોરીથી ધપી રહેલું મારુ શરીર વિચારોના વમણમાં ઊંડે ઉતરી રહ્યું હતું. સુંદર, સુશીલ, સ્વરૂપવાન અને ચરિત્રશીલ પત્ની. જીવનને દરેક ડગલે ને દરેક સંઘર્ષમાં ખભેથી ખભુ મેળવી ઉભી રહેનારી નારી. આવી જીવન સંગીની મળ્યા છતાં જીવનઆયુના આ પડાવ ઉપર પહોંચી આવી મોટી ભૂલ? જીવનમાં સીંચેલા શિસ્ત અને અનુસાશનની આવી કરુણ હત્યા? જે પત્નીએ જીવનના દરેક તબક્કે સાથ સહકાર આપ્યો તેને બદલે....

મારી પાછળ તરફથી એક મોટરસાયકલ સવારે અચાનકથી હોર્ન વગાડ્યો. વિચારોમાંથી હું શીઘ્ર સફાળો થયો. હરીશ વ્યાસની દ્રષ્ટિ પાછળ તરફ વળી અને મારી હાજરીની નોંધ લેતાજ એ ચોંકી ઉઠ્યો. હાથમાંના ગુલાબને મારી નજરથી છુપાવવા એણે નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો. મારી જોડે કોઈ વાર્તાલાપમાં પડવું ન હોય કે મારી આંખોમાં ઉભરાઈ રહેલા પ્રશ્નો અને શંકાને કોઈ પ્રત્યાઘાત આપવા ન હોય એવા શારીરિક હાવભાવો જોડે એણે મારા તરફ પીઠ ફેરવી. થોડી ક્ષણો માટે એનું શરીર સ્થિર થઇ જાણે કઈ દિશામાં જવું, શું કરવું અને શું નહીં કરવું એ અંગે ત્વરિત નિર્ણય લેવા દ્રીધામાં મુકાયું. શરીરની મક્કમતા જોડે આખરે નિર્ણય લઇ એણે પોતાના પગ ઘરની દિશામાં વાળ્યા. આ વખતે એની ઝડપ પહેલાં કરતા બમણી થઇ ચુકી હતી. પીછો કરી રહેલા મારા શરીરને એ તફાવત સારી રીતે અનુભવાઈ રહ્યો હતો. હું એને પકડી પાડું, કંઈક પૂછી લઉં કે અટકાવી શકું એની કોઈ પણ તક ન આપતા ચિત્તાની ઝડપે હરીશ વ્યાસ પોતાના મકાનમાં પ્રવેશી ગયો. 

ઉંમરનો તકાજો મારી હાંફતી શ્વાસોમાં ઉતરી આવ્યો. મારી બધીજ મહેનત પર પાણી ફેરવી ગયેલા એ અજાણ્યા બાઈકસવાર પર હું મનોમન અકળાઈ ઉઠ્યો. હરીશ વ્યાસ હવે મારી જાસૂસી નજરથી સતર્ક થઇ ગયો હતો. હવે મારા માટે કોઈ પણ પુરાવા ભેગા કરવા લગભગ નહીંવત જેવું હતું. હારેલા હય્યા જોડે હું દુકાનની દિશા તરફ વળ્યો.

પણ આમ હાર માની લેવું યોગ્ય ખરું ? કોઈ સુખી સંસારને આંખો આગળ મૌન ઉજડતા કઈ રીતે નિહાળવું ? એક પ્રેમપૂર્ણ પરિવાર એક અપરિપક્વ ભૂલથી તૂટી રહ્યું હોય ત્યારે મોઢું સિવી શાંત તમાશો નજ જોવાય. ફરીથી ભાભીનો આદરણીય ચ્હેરો નજર પર તરી આવ્યો. બે માસૂમ બાળકોના ચ્હેરા વ્હાલ ઉપજાવતા દેખાઈ રહ્યા. પણ શું કરી શકાય ? મારી નજર મુંઝવણથી દોરાતી આભ પર આવી મંડાઈ. હવે તો કોઈ ઉકેલ ઉપરના માર્ગે આવી પહોંચે ત્યારેજ.....

અચાનક વિસ્તારમાં સ્થાપિત મંદિર તરફથી સાંજની આરતીના ઘંટ મારા કાનમાં ગુંજી રહ્યા. મારા ચ્હેરા ઉપરથી અક્ળામણના ભાવોને દૂર ધકેલતું એક ધ્યાનમગ્ન હાસ્ય બહાર છલકાઈ ઉઠ્યું. ઉપરના માર્ગે આવી પહોંચેલા ઉકેલથી દોરાતો હું સીધો મંદિરની દિશામાં ઝડપથી આગળ વધ્યો.

વિસ્તારની દરેક સ્ત્રી સાંજની આરતી સમયે મંદિર ભેગી થતી. ભાભીને મળવાની એ એક સોનેરી તક હતી. હકીકતથી ભાભીને માહિતગાર કરવીજ પડશે. મારા મનનો ભાર હળવો કરવાનો પણ એ એકમાત્ર જ માર્ગ હતો.

થોડાજ સમયમાં મંદિરના પ્રાંગણમાં હાજર નહીંવત પુરુષોમાનો હું પણ એક હતો. આરતી સમાપ્ત કરી બહાર નીકળી રહેલી સ્ત્રીઓના ટોળામાંથી મારી દ્રષ્ટિ ભાભીને નિહાળવા તત્પર થઇ ઉઠી હતી. મારી તત્પરતાનો અંત લાવતા આખરે મંદિરની દાદરો ઉપર જેવા ભાભીના દર્શન થયા કે હું સીધો એમની તરફ ધસી ગયો.


" ભાભી એક વાત કરવી હતી ..."


મારા ચ્હેરા ઉપરની ગંભીરતા અને તાણ નિહાળી એ ચિંતામાં મુકાયા.


" શું થયું રમણભાઈ ? આપ અહીં ? સૌ ઠીક તો છે ને ?"


"ઠીક નથી એટલેજ આવવું પડ્યું." એમને ખૂણા તરફ આવવાની વિનંતી મારા હાવભાવોમાં ડોકાઈ. કોઈ વાત સાંભળી ન જાય એની સતર્કતા દાખવતો હું દાદરને એક ખૂણે થઇ ગયો. મારી વિનંતીને માન આપતું એમનું શરીર પણ ધીરે રહી ખૂણા તરફ દોરાયું.


" શું થયું રમણભાઈ ? મારો જીવ ધ્રૂજે છે."


એ નિર્દોષ ચ્હેરા ઉપરની ફિકર મને અપરાધભાવમાં ડુબાડી રહી. પરંતુ સમય કાળજું સખત રાખવાનો હતો. 


" ભાભી વાત એમ છે કે હરીશ અંતિમ પંદર દિવસોથી મારી દુકાને આવે છે. નિયમિત એક ગુલાબ ખરીદે છે અને કોઈ નિહાળી ન જાય એની સતર્કતા રાખતો ભાગી નીકળે છે. એનું છોભીલાપણું સાચેજ શંકાશીલ છે. "


એકજ શ્વાસે હિંમત દાખવી આખો ચિતાર રજૂ કર્યા પછી મારી દ્રષ્ટિ ભાભીના પ્રત્યાઘાતો પર સ્થિર થઇ. 


" હા , હું જાણું છું. આપના મિત્રે પોતાનાજ પગે કુહાડી મારી છે. "


ચ્હેરા ઉપર જીત અને ગર્વના હાસ્ય જોડે તેઓ દાદર ઉપર ગોઠવેલી પોતાની ચપ્પલ પહેરવામાં વ્યસ્ત થયા. મારા ચ્હેરા ઉપર મોટી શૂન્યમનસ્કતા ફરી વળી. એ બધું જાણતા હતા છતાં એમને કોઈ ફેર પડતો ન હતો ? એમના હાસ્યમાં આ કેવી જીત ? આ કેવું ગર્વ ? 


ચપ્પલ પહેરી તેઓ ધીરે રહી મારી સમીપ આવ્યા. આરતીની થાળી આગળ ધરી. પ્રસાદ મારા હાથમાં ધર્યું. હું મૌન, શોક્ગ્રસ્ત એમને તાકી રહ્યો.


" આપની મૂંઝવણ દૂર કરું છું. વાત એવી છે કે આ ૧૪ ફેબ્રુઆરી, વેલેન્ટાઈન દિવસે મેં એમની પાસે એક ગુલાબ માંગ્યું. તમે તમારા મિત્રને તો સારી રીતે જાણો છો. ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને ધર્મ, ઉપવેદોનું બધુજ જ્ઞાન એમણે મારે માથે ઠલવી દીધું. ફક્ત એક ગુલાબ ન આપવા માટે એમણે અગણિત દલીલો રજૂ કરી. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો તેમજ આપણો ધર્મ પ્રેમને ફક્ત એકજ દિવસ કે એકજ તારીખ પૂરતો સીમિત નથી માનતો. પત્નીને પ્રેમની અભિવ્યક્તિ દરરોજ કરવી જોઈએ. એના માન -સન્માન દરરોજ જાળવવા જોઈએ. એની ઈચ્છાઓનું નિયમિત જતન કરવું જોઈએ. એની ખુશી માટે દરેક દિવસે એકસરખો પ્રયાસ કરવો જોઈએ, એજ આપણા સાચા સંસ્કારો, એજ આપણી ભારતીય પરંપરા, એજ આપણા ધર્મગ્રન્થોનો ઉપદેશ. ફક્ત એકજ દિવસના પ્રદર્શન કરતા, પાશ્ચાત્ય સંસ્કૃતિને રંગે રંગાઈ ગયેલા આ બધા ધતીંગોનો અચૂક તિરસ્કાર કરવો જોઈએ. અને આ લાંબી લચક દલીલો ની સામે મારો એકજ પ્રશ્ન પૂરતો હતો. મને ગુલાબ ગમે છે. આપ મને ગુલાબ આપો તો મને સાચેજ ખુશી થશે. મારી ખુશીનું જતન કરવું આપનો ધર્મ છે અને ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પણ. એક દિવસના પ્રદર્શન માટે નહીં, દરરોજ, નિયમિત શું આપ મને એક ગુલાબ આપી પોતાના ધર્મનું જતન કરશો? પછી શું? આપના મિત્ર પાસે હામી પુરાવા સિવાય કોઈ વિકલ્પજ બચ્યો ન હતો. મારે તો ફક્ત એક દિવસ 'વેલેન્ટાઈન ડે ' ઉજવવો હતો. પણ હવે તમારા મિત્રને ધર્મ અને સંસ્કૃતિના જતન માટે દરરોજ 'વેલેન્ટાઈન ડે' ઉજવવો પડે છે."

આરતીની થાળી લઇ દાદર ઉતરી રહેલ ભાભી અત્યંત ઉત્સાહિત અને ખુશ હતા. ઘરે એમનું ગુલાબ એમની રાહ જોઈ રહ્યું હતું. 

દાદર ઉપર ઉભો હું મારા હાસ્યને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરી રહ્યો હતો. 

ઈશ્વરના ઘરને નિહાળતા મારું મન વિસ્મિત થઇ ઉદ્દગારી ઉઠ્યું, 

'ધર્મ થકી પ્રેમનું શિક્ષણ આપવું કપરું ખરું; 

પણ પ્રેમ થકી ધર્મ પણ કેવો સહેલાઈથી સમજાઈ જાય!'


Rate this content
Log in

Similar gujarati story from Drama