બાંધીને રાખું
બાંધીને રાખું
વેર વિખેર બધી યાદોને ભારીમાં બાંધીને રાખું,
સ્મૃતિનાં આ પટારાને, આજે બંધ કરીને વાખું.
હૈયાનાં બાગમાં ફૂટેલી કૂંપળો કરે કેવી કૂદાકૂદ,
મન બની પતંગિયું જોને, ચોમેર કરે ઊડાઊડ,
ઊડતા સ્પંદનોનાં ટહૂકાઓને પરાણે રોકીને રાખું.
માને ના કહ્યું એને, છાનાં કેમ કરીને રાખું.
વેર વિખેર બધી યાદોને ભારીમાં બાંધીને રાખું.
કોઈના સ્નેહના વરસાદની ધારે ધારે ભીંજાયેલી,
ખુશીની વાડ ઉપર, હમણાં આછી આછી ઊગેલી,
ભીની લાગણીઓને, લાવ તડકે સૂકવવાને નાખું,
લીલીછમ ચાહતને, ચાલ જરા મનભરીને ચાખું,
વેર વિખેર બધી યાદોને ભારીમાં બાંધીને રાખું.
લાગે છે ખરું ભીનું ભીનું ગાલની કુમાશમાં,
અનુભવાય છે ખરુંં કશુંક ઊનું ઊનું શ્વાસમાં,
તાજી ફૂટેલી ઊર્મિઓની કૂંપળોને ચુમીને ચાખું,
હળવે હાથે, 'જશ' આમ જ પંપાળીને રાખું.
વેર વિખેર બધી યાદોને ભારીમાં બાંધીને રાખું.