સમૃદ્ધ
સમૃદ્ધ
શિયાળાના હૂંફાળા તડકાની ઉષ્મા
ધોમધોમ તાપમાં લીલી લીંમડીની છાંય
કે હળવેથી આવી ચઢેલી
હળવાં-મીઠા પવનની લહેરખી
સહરાના અફાટ વિસ્તાર વચ્ચે
રણદ્વીપને કાંઠે ઝળૂંબતી
તાડવૃક્ષની પાનપત્તીમાંથી
ઢોળાતી ચાંદની
ચોમાસાનું ગોરંભાતું આભ
અને
આભની નીલીનીલી ચૂંદડીનાં
હસી પડતાં તારલિયાં
ધરતીનો
પહેલાં વરસાદનો છાંટો ઝીલતો પાલવ
લંબાયેલ પાલવને
ફૂલોથી ભરી આપતી માલણ
સાગરની અફાટ છાતી પર
ગર્વભેર સરકતી નૌકા
હવાને બાથ ભીડતી પતવાર
ભરતીનાં તોફાને ચઢેલાં છૈયાં જેવાં
મોજાની મહોબત ઝલતી
ખડકાળ કાંઠાની મસ્તીને
વાગોળતી વાચા
તળાવકાંઠે
જળ ઝીલતી
ઝળહળ બેડાંની કતારની કમનીયતા
કે હળવી ટકોરમાં
હસી પડતી ઉજ્વળ--દૂધધવલ
દંતપંક્તિનો શણગાર
માનવ્યની
ચોવીસે કલાક લેવાતી સાર-સંભાળ !
એકમાત્ર
સ્રીનો આવિર્ભાવ
ન થયો હોત
તો
કેવા હોત કંગાળ?!