હોય છે...
હોય છે...
1 min
13.6K
જ્યાં વિરહ ભીની અગાશી હોય છે,
દર્દ બસ ત્યાંનું નિવાસી હોય છે.
ક્યાં નડે કો’ભીડ કોલાહલ સમું,
શ્વાસ ભીતરનાં પ્રવાસી હોય છે.
જે રમાડે જિંદગી મઝધારમાં,
એ જ તો જીવનખલાસી હોય છે.
દૂરથી પણ અન્યને માપી શકે,
જાતને જેણે ચકાસી હોય છે.
શોર શબ્દોનો વધ્યો તો શું થયું ?
અર્થ, તો એકાંતવાસી હોય છે.
જ્યાં કપાળે ચાંદને ચોડી દીધો,
ચાંદની ત્યાં બારમાસી હોય છે.
ચાંદ જ્યાં શરમાઈને નીચે જુએ,
ધરતી પર બસ પૂર્ણમાસી હોય છે.
ત્યાં પછી ‘પ્રજ્ઞા’ નહીં પાછળ રહે,
દ્વારે જ્યાં તક મ્હોં વકાસી હોય છે