પડે છે,
પડે છે,
1 min
14.1K
અમથી-અમથી ફાળ પડે છે,
વિચારું ત્યાં ડાળ પડે છે!
વિક્રમ જેવું જીવું કિન્તુ,
ખભ્ભે રોજ વેતાળ પડે છે!
આંખો સામે જોયા ના કર,
આંખો બહુ ખર્ચાળ પડે છે!
ત્યાં પણ ઘોડાપૂર જોયાં જ્યાં-
પાણી પહેલા પાળ પડે છે.
એણે ના પાડી તો શું છે?
દિલના ક્યાં દુકાળ પડે છે!
ખોટું બોલો,સરઘસ કાઢે,
સાચું બોલો, ગાળ પડે છે!
પ્રેમ કરો તો જાણો સાહેબ,
દિલમાં કેવી જાળ પડે છે!
મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
પ્રેમમાં સૌ કોઈ પડતુ કિન્તુ,
સૌ પહેલા શરમાળ પડે છે!
‘નિનાદ’ મારી વ્હાલી જગ્યા :
એની જ્યાં પરસાળ પડે છે!