દાખલો ત્યારે જ ખોટો હોય છે
દાખલો ત્યારે જ ખોટો હોય છે
1 min
13.4K
દાખલો ત્યારે જ ખોટો હોય છે,
જ્યારે ગણવા પર ભરોસો હોય છે.
ત્યાં જ્યાં તૈયાર લોકો હોય છે,
જીવવા જ્યાં એક મોકો હોય છે.
તૃપ્ત છે તું એટલે ક્યાંથી ખબર,
પ્રેમ માનો સાવ નોખો હોય છે.
દો લૂંટાવી ને છતાં વધતી રહે,
ક્યાં હવે એવી ગરાસો હોય છે.
વાત ટોળાની હતી બસ એટલે,
કોને દેવાનો ખુલાસો હોય છે.
સાવ જુઠ્ઠા ગામે ના પૂરવાર થા,
છો ને તું ત્યાં સાવ સાચો હોય છે.
કોઈ પણ આવીને કાપી જાય જ્યાં,
જિંદગીનો દોર કાચો હોય છે.
બોલવું પણ ક્યાં જરુરી પ્રેમમાં,
આંખનો મર્મી ઇશારો હોય છે.