બસ રમી લેવાનું હોય
બસ રમી લેવાનું હોય
થાય જો રડવાનું મન, કેવળ રડી લેવાનું હોય,
એના અથવામાં બીજું તો શું કરી લેવાનું હોય ?
કેમ છે ? એ બે જ શબ્દો પ્રાણ છે સંબંધનો,
હું ભૂલી જઉં, તો મને તારે પૂછી લેવાનું હોય,
છે ખબર પાક્કી જ કે હારી જવાનું છે છતાં,
જો રમત ગમતી મળે તો બસ રમી લેવાનું હોય,
થાક હો આખા દિવસનો, એક પળમાં ઉતરે,
ઘેર જઈ બાળકના મસ્તકને ચૂમી લેવાનું હોય,
એમનો ઠપકોય મંદિરની પ્રસાદી જેવો છે,
બા કહે ને, એ તો બધ્ધું સાંભળી લેવાનું હોય,
જિંદગી હર ક્ષણમાં છે પણ શોધવાથી એ મળે,
શ્વાસને ઉચ્છવાસ વચ્ચે પણ જીવી લેવાનું હોય.