દાવો લાગે છે
દાવો લાગે છે
સંબંધોનો મોટો બોજો લાગે છે,
હર દિલમાં પ્રેમ થોડો ઓછો લાગે છે!!
સાંધુ સાંધુ ને તૂટે દોરી પાછી,
પે’લેથી આ કાચો ધાગો લાગે છે!!
બારીઓ ને દરવાજા ખોલો સઘળાં,
મારાં તો રૂંધાતાં શ્વાસો લાગે છે!!
માંના પગમાં જન્નત હોવાની વાતો;
કોઈનો આ ખોટો દાવો લાગે છે!!
દેવાવાળો તો બેઠો છે દિલ ખોલી,
અધખૂલો મારો આ ખોબો લાગે છે!!
લોકો સાથે ઝઘડી ઝઘડીને શું કરું?
આ મારો રૂપિયો ખોટો લાગે છે!!
ક્યાંની ક્યાં જોડી જોડે છે હે ઈશ્વર
શાને આ ગરબડ ગોટાળૉ લાગે છે!!
કહી દે શબ્દોમાં 'સપના' દિલની વાતો
એથી દિલનો બોજો હલકો લાગે છે!!