શું કરું હું? મને માનવ ક્યારેય સમજાયો નહીં,
મારું જ સર્જન તોયે મારાથી ઓળખાયો નહીં,
ભીડ પડે ત્યારે ભગવાન સાંભરે કાલાવાલા કરે,
ગરજ સર્યા પછી એ મંદિરે કદીયે દેખાયો નહીં,
છપ્પનભોગ ધરી મને એ "વાહવાહી" કરાવનારો,
બુભુક્ષિતોના જઠરાગ્નિને ઠારવાને ડોકાયો નહીં,
જાય નિષ્ફળ તો બદનામી આવે મારા શિરે એની,
અફસોસ! મારા દોરેલા વર્તુળમાં સમાયો નહીં,
સફળતા મળતી ત્યારે જશ એના પ્રયત્નોને દેતો,
ગર્વમાં ફૂલાઈને બડાઈ હાંકવામાં અચકાયો નહીં.