શક્યતાઓથી પર
શક્યતાઓથી પર
છે જીવન ગોઠવાયું શતરંજમાં, ને કોઈ ચાલ પણ નથી;
હર શક્યાતાઓથી પર છે તું, ને જો, કોઈ સવાલ પણ નથી!
અહીં વેચવા નીકળ્યા છે હરકોઈ ખુદને-પોતાની જાતને;
આખું બજાર ઉભરાય છે, ને કોઈ લેવાલ પણ નથી!
કંગાલ હોવું અે ઉદારતાની ઉચ્ચ નિશાની હો પ્રેમમાં;
સર્વસ્વ હો એ લુંટાવીને કહે છે, કોઈ ન્યાલ પણ નથી!
આખી દુનિયા સામો ખડો છું હાથમાં નગ્ન તલવાર લઈને;
મારી શકો એ મારો ઘા, હાથમાં કોઈ ઢાલ પણ નથી!
કેટલો દંભ કરવો ખુદને હસતા રાખવાનો આ દુનિયામાં;
બંને બાજુ ઠોકી ચુક્યા છો લાફાઓ, હવે ત્રીજો ગાલ પણ નથી!
અનંત જીવન હો તો પણ ચાહત અનન્ય જ રહેવાની;
અહર્નિશ બસ એક જ ચાહત હો, ને એ કમાલ પણ નથી!
શબ્દ શમી જવાના ને લાગણીઓ પણ વિખેરાઈ જવાની;
ક્ષણ-ક્ષણ વિણી શકું, એવા મારા કોઈ હાલ પણ નથી!