ભીંતને પણ...
ભીંતને પણ...
1 min
13.3K
ભીંતને પણ કાન છે, સંભળાય છે,
ડાયરીમાં જિંદગી અંકાય છે.
એ જ સામે આવશે તો શું થશે ?
ભાગ્યનાં ફળ ક્યાં કદી બદલાય છે!
કેમ હું પ્હોંચી નથી મારા સુધી,
‘હું’ ને આડે ‘હું’ જ આવી જાય છે!
જે કથન શકમંદ અવતરવાં હતું,
અવતર્યું તો લાખનું લેખાય છે!
કેમ આવું? સાવ સ્હેલી વાત પણ,
ગામમાં ચર્ચ્યા પછી સમજાય છે?
હું લખું કે તું લખે કે તે લખે,
પોત રેશમ હોય તો પંકાય છે.