કેવી રીતે આવું
કેવી રીતે આવું
કેવી રીતે આવું, તારી પાસ હું સજન
વસુ છું દૂર દૂર તારાથી સેંકડો જોજન
સંભળાય દૂરથી મને તારી વાંસળીનાં સૂર
આવે પછી મારી આંખોમાં જમનાનાં પૂર
કરું હું તો પછી આંખોમાં અશ્રુઓનું અંજન
કેવી રીતે આવું, તારી પાસ હું સજન
મનડું તો જાય છે દોડી, માનતું નથી કહ્યું
કેમ સમજાવું એને, દુ:ખ જાય ના સહ્યું
કોઇ ઉપાય હોય તો બતાવ ઓ પ્રિયતમ
કેવી રીતે આવું, તારી પાસ હું સજન
હવે તો કહું પણ કોને આ વેદના મારી
સહેવાતી નથી, કહેવાતી નથી, છે બહુ ભારી
છે તો નહિ કોઇ મારુંં બીજું 'જશ' સ્વજન
કેવી રીતે આવું, તારી પાસ હું સજન
કેવી રીતે આવું તારી પાસ હું સજન
વસુ છું દૂર દૂર તારાથી સેંકડો જોજન