અજવાળું
અજવાળું
કોણે ગાયું એવું ગાણું,
ઘરમાં મારા થ્યું અજવાળું.
એક એક કરતાં હસતાં હસતાં ઈંટો પેલી બોલી,
ભેગી થઇ ને ચમકી ઉઠેલી ભીંતો પેલી બોલી,.
ઉપર ખટખટ કરતાં પેલું નળિયુ બોલ્યું કાણું,
કોણે ગાયું એવું ગાણું, ઘરમાં મારા થ્યુ અજવાળું.
વરસોથી ભીડાઈ ગે'લી જૂની બારી બોલી,
દરવાજા એ ચી..ચી.. કરતી બંધ આંખડી ખોલી.
એકી સાથે આવી વસંત લઈ યાદોનું ધાડું,
કોણે ગાયું એવું ગાણું, ઘરમાં મારા થ્યું અજવાળું.
બ્હાર સુના ફૂલ કળીઓ ઘરમાં ખીલી બેઠા,
કોયલ,બુલબુલ, ચકલાં સાથે ચીં...ચીં.. કરી બેઠાં.
કોને હું બેસાડું ક્યાં ને કોને હું બોલાવું,
કોણે ગાયું એવું ગાણું, ઘરમાં મારા થ્યું અજવાળું.
કાણાં મારા છાપરામાં આભ પડ્યું છે હેઠું,
સૂરજ,ચંદા, તારા કેરું ઝૂમખું થઇ ગ્યું બેઠું,.
ઉરમાં ઝીણો પ્રકાશ ફોરે, બોલે મીઠું મીઠું,
કોણે ગાયું એવું ગાણું ઘરમાં મારા થ્યું અજવાળું.
શ્વાસો કેરાં ઝરણાં ખળખળ દરિયા થઇ લહેરાયા,
સપના કેરી નાવમાં વ્હાલી પરીએ ડેરા ડાલ્યા.
મૂંઝવણ ભારે આજ જાતને તારું કે ડૂબાડું,
કોણે ગાયું એવું ગાણું ઘરમાં મારા થ્યું અજવાળું.