ગોરી તારે ત્રાજૂડે
ગોરી તારે ત્રાજૂડે
ગોરી તારે ત્રાજૂડે રે, મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. ...૧
રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે, ગોફણે ઘૂઘરી ઘમકે રે;
શીશ દામણી એણી પેર સોહે, જેમ ગગન વીજળી ચમકે રે. ...૨
નિલવટ આડ કરી કેસરની, માંહે મૃગમદની ટીલી રે;
આંખલડી જાણે પાંખલડી, હીડે લીલાએ લાડગહેલી રે. ...૩
આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો, શણગટ વાળ્યો શું ધારી રે ?
આ વેણી તમે ક્યાં રે ગૂંથાવી જેણે મોહી વ્રજની નારી રે ? ...૪
ચંચળ દૃષ્ટિ ચહુદિશ નિહાળે, માંહે મદનનો ચાળો રે;
નરસૈંયાનો સ્વામી જોવા સરખો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે. ...૫