માણસ
માણસ
1 min
21K
કેવા-કેવા લટકણિયામાં જીવ્યે રાખે,
માણસ થઈને માદળિયામાં જીવ્યે રાખે.
બોલે છે પણ બોલ્યા પૂરતું, સમજો છો ને ?
ના બોલે તો અટકળિયામાં જીવ્યે રાખે.
ક્યારે-ક્યાં એ છુટ્ટે મોંઢે રડવા બેસે ?
અંદર-અંદર ઝળઝળિયામાં જીવ્યે રાખે.
ફગફગિયો એક દીવો થઈને ઝુઝ્યે રાખે ,
તેલ ખૂટે તો તરફડિયામાં જીવ્યે રાખે.
સૂરજનું અજવાળું જેને ઓછું લાગે,
અંદરના એક ટમટમિયામાં જીવ્યે રાખે.
મારી ગઝલો ક્યારે કોને નડતર થઈ છે ?
અક્ષર થઈને કાગળિયામાં જીવ્યે રાખે.
મનગમતી એક ઘટના માટે વલખા મારે ,
નહીં આવેલા પરબીડિયામાં જીવ્યે રાખે.
-ચિંતન મહેતા "સરકાર"