પડવાનું થશે
પડવાનું થશે
1 min
6.5K
સામસામે માર્ગમાં અથડાઈ પડવાનું થશે,
સ્પર્શ કરવાની જ ઈચ્છાથી ન અડવાનું થશે!
હું કહું તે સાંભળીને તારે રડવાનું થશે,
તું ન કંઈ બોલે અને મારે સમજવાનું થશે!
તારા ઘરની જેમ મારા ઘરને પડવાનું થશે,
ક્યાંક ત્રીજું એક ઘર સાથે જ ચણવાનું થશે!
તારું સરનામુ મને તું આપ નહીં, તો શું કરું,
શહેર આખામાં પછી મારે રખડવાનું થશે!
કોઈ ઊંડે ઊંડેનું ખોદયાં કરે છે ક્યારનું,
ખીણમાંથી પણ હજી નીચે ગબડવાનું થશે!